લોકસેવાનાં દશવ્રત કરનાર કર્મયોગી ગાડગે બાબાની આજે મહાશિવરાત્રીએ જન્મતિથિ છે

સંત તુકડોજી મહારાજ સાથે સંત ગાડગેજી મહારાજ
અમદાવાદના બાપુનગરમાં સંત ગાડગે બાબા ચોક છે. આ ગાડગે બાબા (1876-1956) એટલે મહારાષ્ટ્રના અજીબો-ગરીબ સમાજસુધારક સંત. ગામડાંમાં ફરતા રહેલા આ ફકીરે અરધી સદીથી વધુ વર્ષો દિવસે હાથમાં ઝાડુ લઈને જાહેર જગ્યાઓની સફાઈ કરી. રાત્રે તેમણે બિલકુલ લોકોની ભાષામાં કીર્તન કરીને તેમના દિલોદિમાગની સફાઈ કરી. હજારોની મેદનીને ભગવાન મૂર્તિમાં નહીં પણ બધામાં છે, અને ભક્તિ કર્મકાંડમાં નહીં પણ દીનદુખિયાની સેવામાં છે એમ સોંસરા તર્કથી શીખવ્યું. દારુના વ્યસન અને પશુબલિની અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવાની સમજ આપી. પોતાની દિવસરાત મહેનત દ્વારા તેમણે જનતાને શ્રમયજ્ઞ અને લોકફાળા માટે પ્રેરી. તેનાથી અનેક યાત્રાધામોમાં ગરીબો માટેની ધર્મશાળાઓ ઊભી કરી. મહારાષ્ટ્રના પંઢરપુરમાં અસ્પૃશ્યો માટેની પહેલી જંગી ધર્મશાળા ઊભી કરી. ભૂખ્યાં માટે સદાવ્રતો, ઘરડાં અને ઘરવિહોણાં માટે આશ્રયસ્થાનો, પછાત ગણાતી કોમોનાં બાળકો માટે શાળાઓ તેમ જ છાત્રાલયો પણ ઊભાં કર્યાં. પ્રાણીઓ માટેની ઊંડી કરુણાને કારણે ગાડગે બાબાએ મરઘાં-બોકડા-પાડાનો ભોગ ધરાવવાની બદી સામે ઝુંબેશ ચલાવી, જેમાં તેમને જીવસટોસટના વિરોધનો સામનો કરવાના કિસ્સા બન્યા. ઢોરને કસાઈવાડે જતાં અટકાવવાં ગાડગે બાબાએ પાંજરાપોળો શરૂ કરાવી.
ગાડગેબાબાએ કઠોર ગરીબીનાં જે વ્રત પાળ્યાં તેનો જોટો નથી – માગીને લીધેલો અરધો રોટલો હાથમાં લઈને એક ખૂણામાં ભોંય પર બેસીને ખાવાનો, ચીંથરાંનાં કપડાં અને ગાભાંનાં જૂતાં પહેરવાનાં, માથે માટલાના ઠીકરાની ટોપી મૂકવાની, ફાટેલાં પાથરણાં પર સૂવાનું, ઝાડ નીચે કે ઝૂંપડામાં રહેવાનું, કલાકો સુધી અંગમહેનતનું કામ કર્યા વિના રોટલો માગવાનો નહીં, પોતાની મિલકત તરીકે ફક્ત માટીનું એક શકોરું રાખવાનું.
શકોરા માટેનો મરાઠી શબ્દ ‘ગાડગં’ તેના પરથી બન્યા ગાડગે બાબા. આમ તો તેમની અટક જાનોરકર, નામ ડેબૂ, જન્મ 23 ફેબ્રુઆરીની મહાશિવરાત્રીએ પૂર્વ મહારાષ્ટ્રના વિદર્ભ પ્રાંતના અમરાવતી જિલ્લાના શેણગાવમાં.પરિવાર ગરીબ ધોબીનો. દેબૂ આઠેક વર્ષનો હતો ત્યારે કંગાળ પિતા ઝિંગરાજીનું મૃત્યુ થયું. તેનું કારણ એ જમાનામાં ઘણા કિસ્સામાં જોવા મળતું – અંધશ્રદ્ધામાં સબડતા ગામડાંનાં લોકોને ધાર્મિક કુરૂઢિને નિમિત્તે દારૂની લાગેલી લત. પણ મરતી વખતે તેણે પત્નીને કુરિવાજ અને બંધાણથી બાળકને દૂર રાખવા તાકીદ કરેલી. દેબૂ તેના મોસાળના દાપુર ગામમાં મામાને ત્યાં ઊછર્યો. આશ્રિત તરીકે તેનાં મા સખુબાઈ સાથે એણે પુષ્કળ પરિશ્રમ કર્યા. ખેતર અને પશુધનનાં તમામ કામોમાં ભારે આવડત મેળવી. ભજન અને કીર્તનની કળા કેળવી. મામાને છેતરનાર શાહુકાર સાથે બાથ ભીડી. પણ પરિવારે નમતું જોખ્યું. તેનાથી આવેલી હતાશા અને મનની એક ચૈતસિક અવસ્થાના સંયોજને તેમને ઘરબાર છોડવા પ્રેર્યા. તે નાના, મા, મામા, પત્ની, બે દીકરી, એક દીકરાને છોડીને ચાલ્યા ગયા.
બાર વર્ષ દૂર સુધી રઝળપાટ કર્યો. ખાવાનું માગે, સામે કામ કરે. બગીચો સાફ કરે, જમીન સરખી કરે, ખડ-નિંદામણ કાઢે, લાકડાં ફાડે, બાવળિયા કાપે. અરધો જ રોટલો ખાય, પૈસા પાછા આપી દે. સવાલોના ગાંડા-ઘેલા જવાબ આપે. દિવસે ગામલોક મારઝૂડ કરે, પાગલમાં ખપાવે. પણ મોડી સાંજે મંદિરનું આંગણું સાફ કરીને મીઠા અવાજે ભજન ગાવાં લાગે, પછી કીર્તન શરૂ કરે. તેમાં કબીર આવે, જ્ઞાનેશ્વર આવે, ખાસ તો તુકારામ એમની જીભે રમે. તેમની બાનીમાં ચાબખાં હોય ને ચિની હોય, કટાક્ષ હોય ને કરુણા હોય. લોક સાંભળતું જ રહે. મોડી રાત સુધી કીર્તન ચાલે. સવારે શોધે તો બાબા નીકળી ગયા હોય. રેલવેમાં જાજરૂ પાસે બેસીને ખુદાબક્ષ હોય. ટિકીટ ચેકરે કરેલું અપમાન સહન કરી લે, ઊતારી મૂકે તો ઊતરી જાય. એ ગામમાં રોકાણ, સફાઈ, મજૂરી,પાગલપન, કીર્તન.
જાતમહેનતથી મોટા પાયે શરૂ કરેલું લોકહિતનું પહેલું કામ તે વતનના વિસ્તારમાં આવેલ ઋણમોચન મુકામે પૂર્ણા નદી પર ઘાટ બાંધવાનું. ડેબૂજી ત્રિકમ-પાવડો-તગારું મેળવીને કામ કરવા લાગ્યા. સવારે કામ, રાત્રે કીર્તન. લોકો જોડાયા, દાન પણ આવતું ગયું. પછીનાં બધાં વર્ષોમાં તો મહારાષ્ટ્રભરમાં કામ ચાલ્યું. લાખો રૂપિયાનાં દાન મેળવ્યાં. પણ બાબા અકિંચન જ રહ્યા. તેમના કુટુંબના કોઈ પણ સભ્યને તેમણે પોતાનાં અંગત કે જાહેર કામમાં કોઈ રીતે સ્થાન આપ્યું નથી. ઘરના તારણહાર ડેબૂનો ગાડગેબાબા બન્યા પછી ઘરના માણસો સાથેનો વ્યવહાર નિષ્ઠુર હતો તે મોટી વક્રતા ગણાય.
ગાડગે બાબાના ધસમસતા કાર્યધોધમાં કરુણા, જાતમહેનત, નિસ્વાર્થવૃત્તિ, પ્રામાણિકતા, સમયપાલન, સુઘડતા, કરકસર જેવી બાબતો બહુ જરૂરી હતી. પૂરેપૂરા અભણ હોવા છતાં હિસાબ-કિતાબ, મોજણી-માપણી, ખોદકામ-બાંધકામ જેવાં અનેક કૌશલ તેમની પાસે હતાં. કલાકો સુધી મજૂરી કરવાની અને માઇલો ચાલવાની તાકાત લગભગ અંત સુધી ટકી. બાબા બહુ અસરકારક પત્રો લખાવતા. મદદનીશોને તે આકરી કસોટીથી પસંદ કરતા. અનુયાયીઓને પગે લાગવા દેતા નહીં, ફૂલહાર-પૂજાવિધિથી પર રહેતા. ‘હું કોઈનો ગુરુ નહીં, કોઈ મારો શિષ્ય નહીં’ એ તેમનું જાણીતું વાક્ય છે. જો કે ડૉ. બાબાસાહેબ આંબેડકર એમને ગુરુ જેવું માન આપતા. બાબાસાહેબે ધર્મપરિવર્તન કરતાં પહેલાં એમની સલાહ લીધી હતી. તે પૂર્વે કાયદા મંત્રી એવા આંબેડકર ખૂબ માંદા પડેલા ગાડગે બાબાને ચૌદ જુલાઈ 1949 ના દિવસે મુંબઈના દાદરમાં મળ્યા અને પંઢરપુરની ધર્મશાળાનો કાર્યભાર સોંપ્યો. એ વખતે બાબાએ આંબેડકરને કહ્યું, ‘આપ શીદને મળવા આવ્યા ? આપનો સમય બહુ કિમતી છે. તમારો હોદ્દો કેટલો મોટો છે.’ આંબેડકરે ભાવુક થઈને કહ્યું હતું : ‘બાબા અમારો અધિકાર બે દિવસનો. કાલે ખુરશી પરથી ઊતરીએ એટલે કોણ પૂછે ? આપનો અધિકાર અજરામર છે.’
પંઢરપુર ધર્મશાળાનું કામ ચાલી રહ્યું હતું તે 1920 ના અરસામાં ગાડગે બાબાને મળેલા ભિક્ષુ અખંડાનંદે તેમના કામથી પ્રભાવિત થઈને વીસ હજાર રૂપિયાનો ચેક આપ્યો હતો. બાબા તેમના ચાહક અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બાળાસાહેબ ખેરના આગ્રહથી ફૈજપુર કૉન્ગ્રેસ અધિવેશનમાં ગયા હતા અને ત્યાં સભાના પરિસરની સફાઈનું કામ માગ્યું હોવાની નોંધ મળે છે.
ગાડગે બાબા પરનાં બારેક મરાઠી પુસ્તકોમાં સહુથી પહેલું ચરિત્ર બાળ ઠાકરેના પિતા પ્રબોધનકાર ઠાકરે પાસેથી મળે છે. ગુજરાતીમાં સર્વોદય કાર્યકર્તા ગોકુળભાઈ ભટ્ટનું ‘દિવ્યાત્મા ગાડગે મહારાજ’ (નવજીવન,1982) વાંચવા મળે છે. આઠમી નવેમ્બર 1956ના રોજ તેમણે મુંબઈના વાંદ્રામાં કરેલું છેલ્લું કીર્તન યુટ્યુબ પર છે. ગાડગે બાબા પર બનેલી એક ફિલ્મનું નામ છે ‘ડેબૂ’ (2010). શ્વેતશ્યામ ફિલ્મનું નામ બાબાએ લોકપ્રિય બનાવેલાં ભજન પરથી રાખવામાં આવ્યું છે – ‘દેવકીનંદન ગોપાલા’ (1977). તેમાં મુખ્ય ભૂમિકા ભજવનાર શ્રીરામ લાગુએ લખ્યું છે: ‘સમાજવાદી વિચારસરણી ધરાવતા આ લોકસેવકનું જીવનચરિત્ર આજના ઐયાશીવાદી અને આત્મકેન્દ્રી બની રહેલા સમાજ માટે જરૂરી લાગે છે.’
ગાડગેબાબાના દશવ્રત હતાં : ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, ઉઘાડાને વસ્ત્ર, અભણને ભણતર, બેઘરને ઘર, રોગીને ઓસડ, બેરોજગારને રોજગાર, પશુપક્ષીને અભય, ગરીબ છોકરા-છોકરીનાં લગ્ન, હતાશને હિમ્મત.
સ્વચ્છ ભારત અભિયાનના આડંબર અને ગંદા ગૉડમેનો પાછળના ગાંડપણના જમાનામાં સાવરણાં અને શકોરાંની સનદ લઈને આવેલા ગાડગેબાબા આ દેશના સફાઈકામના આદર્શ હોઈ શકે.
22 ફેબ્રુઆરી 2017
+++++
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : ‘ક્ષિતિજ’નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 24 ફેબ્રુઆરી 2017
![]()


રાજાજી બ્રિટિશ ભારત અને ત્યાર બાદ આઝાદ ભારતની ઘણી ચૂંટણીઓના નજીકના કહી શકાય એવા સાક્ષી રહી ચૂક્યા છે. તેઓ વર્ષ ૧૯૬૨માં જે લખી ગયા હતા તેમાંની મોટા ભાગની વાતો આજના સમયમાં એટલી જ સાંપ્રત લાગી રહી છે. રાજાજી એવા લોકો પૈકીની એક વ્યક્તિ હતા કે જેમણે ચૂંટણીમાં પૈસાના બળનો ઉપયોગ કરવો, તે વાત પર ચિંતા વ્યક્ત કરી હતી. લેખક મિલન વૈષ્ણવનું નવું પુસ્તક ‘વ્હેન ક્રાઈમ પેય્ઝ’ / When Crime Pays – Money and Muscle in Indian Politics આ પ્રકારની અને આ સ્થિતિઓ પર ખૂલીને ગંભીર ચર્ચા કરે છે. આ પુસ્તકમાં હાલનાં દાયકામાં ભારતીય રાજનીતિમાં વધી રહેલા ગુનાઓની ઊંડી વ્યાખ્યા અને ગુનાહિત પ્રવૃત્તિના રાજનેતાઓની ચર્ચા કરવામાં આવી છે. તમામ ઉમેદવારો વિરુદ્ધ નોંધાયેલ ગુનાહિત બાબત પર એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ(એ.ડી.આર.)ના આંકડા પણ આ વિષયની વધુ માહિતી આપે છે.
૭મી જાન્યુઆરીના રોજ સુરત જવાનું થયું ત્યારે ‘પ્લેટફોર્મ નંબર ચાર’ને સંભારવાની સાથે સર્જક હિમાંશીબહેનના લગભગ બધા જ સર્જનને જાણવા-માણવાનો અવસર પણ હતો. ૭મી અને ૮મી જાન્યુઆરીના રોજ સુરતમાં ‘હિમાંશી શેલત : સર્જકોત્સવ’ ઉજવાઈ ગયો. હિમાંશીબહેેનના જીવનઘડતરમાં મહત્ત્વની શાળા જીવનભારતીના જ પ્રાંગણમાં આ કાર્યક્રમ યોજાયો.