
રમેશ ઓઝા
૧૯૯૭માં ભારતની આઝાદીનો સુવર્ણ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. એ સમયે ઇન્દર કુમાર ગુજરાલની કેન્દ્રમાં સરકાર હતી અને પૂર્ણો સંગમાં લોકસભાના સ્પીકર હતા. મારી દૃષ્ટિએ આજ સુધી લોકસભાને મળેલા સારા સ્પીકરોમાંના એક. ઇન્દર કુમાર ગુજરાલની ત્રીજા મોરચાની સરકાર સંખ્યાની દૃષ્ટિએ નબળી સરકાર હતી, પરંતુ ગુજરાલ પોતે બહુશ્રુત વિદ્વાન હતા. એ સમયે પુર્ણો સંગમાંએ નિર્ણય લીધો હતો કે આઝાદીની સુવર્ણ જયંતી નિમિત્તે લોકસભા અને રાજ્યસભાની ખાસ બેઠક બોલાવવામાં આવે અને તેમાં ભારતીય રાષ્ટ્રની અવધારણા, આઝાદીનાં આંદોલનમાંથી નીપજેલાં આદર્શો અને મૂલ્યો, ભારતનું બંધારણ તેમ જ બંધારણીય મૂલ્યો, લોકતાંત્રિક ભારતની પાંચ દાયકાની યાત્રા, યાત્રાનાં લેખાજોખાં, તેની સફળતા, નિષ્ફળતા તેમ જ પડકારો અને ભવિષ્યના ભારત વિષે નિખાલસ નિષ્પક્ષ તેમ જ વિગતે ચર્ચા કરવામાં આવે.
૨૬મી ઑગસ્ટ ૧૯૯૭થી લઈને પહેલી સપ્ટેમ્બર ૧૯૯૭ એમ પાંચ દિવસ માટે સંસદનું ખાસ અધિવેશન મળ્યું હતું. એમાં જે ચર્ચા થઈ હતી એ ચર્ચા ઈંટરનેટ પર ઉપલબ્ધ છે અને દેશને પ્રેમ કરનારા દરેક જવાબદાર નાગરિકે તેને વાંચવાની તસદી લેવી જોઈએ. મેં તો પાંચે ય દિવસ ટી.વી. સામે બેસીને એ ચર્ચા સાંભળી હતી. એ ચર્ચા સાંભળીને હું ગદગદ થયો હતો. મને એવી પ્રતીતિ થઈ હતી કે આપણો દેશ ખરેખર મહાન છે. રાજકીય પક્ષો સત્તાનું ભૂંડું રાજકારણ કરે છે, પરંતુ અંદરથી એક લક્ષ્મણરેખાનું પાલન કરે છે. ભારત સાથે આઝાદ થયેલા મોટાભાગના દેશોએ લોકશાહી ગુમાવી દીધી છે, પણ ભારત બચ્યું છે એનું કારણ આ મર્યાદાનું પાલન છે. સપાટી નીચે એક રાષ્ટ્રીય એકમતિ અને સર્વસંમતિ નજરે પડી રહી છે.
એ સમયે ભારતીય જનતા પક્ષની લોકસભામાં ૧૬૧ બેઠકો હતી અને તેને ૧૯૯૬ની લોકસભાની ચૂંટણીમાં ૨૦.૨૯ ટકા મત મળ્યા હતા. કાઁગ્રેસની ૧૪૦ બેઠકો હતી અને તેને ૧૯૯૬ની ચૂંટણીમાં ૨૮.૮૦ ટકા મત મળ્યા હતા. ટૂંકમાં બી.જે.પી. સૌથી મોટો રાજકીય પક્ષ હતો. એ સમયે બી.જે.પી. માટે સંસદીય સંસ્કારો અને મૂલ્યોનું બીજારોપણ કરનારા અને તેનું સીંચન પોષણ કરનારા પહેલી પેઢીના શિર્સસ્થ નેતાઓ લોકસભામાં ઉપસ્થિત હતા. અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર એમ ત્રણેય. તેમણે પણ ચર્ચામાં ભાગ લીધો હતો ભારતીય લોકતંત્રનાં, ભારતનાં બંધારણનાં, એકબીજાને સમાવી લેતી સમાવેશકતા અને સહિષ્ણુતાના ઓવારણા લીધા હતા. મુરલી મનોહર જોશીએ ભારતીય જ્ઞાનપરંપરા કેટલી મહાન છે તેની વિસ્તારથી વાત કરી હતી. એમાં કોઈ શંકા નથી કે એ મનનીય પ્રવચન હતું. એ છ દિવસની ચર્ચામાં બી.જે.પી.ના કોઈ નેતાએ નહોતું કહ્યું કે ભારતનું બંધારણ બદલવું જોઈએ. એનું મૂળભૂત માળખું કોઈ પવિત્ર ગાય નથી કે હાથ ન લગાડી શકાય. ભારતીય રાષ્ટ્ર વિશેની જે પ્રચલિત અવધારણા છે એ અમને સ્વીકાર્ય નથી અને તે બદલવી જોઈએ અને બંધારણમાં તેને વાચા મળવી જોઈએ. તેમણે એમ પણ નહોતું કહ્યું કે બંધારણના આમુખમાં જે સેક્યુલર શબ્દ છે તેને હટાવવો જોઈએ. તેમનાં પંડનો જાણે કે જવાહરલાલ નેહરુએ કબજો લીધો હોય અને નેહરુ જે રીતે બોલે કે બોલાવડાવે એ રીતે તેઓ બોલતા હતા. હમણાં કહ્યું એમ ઈન્ટરનેટ પર તમે આ વાતની ખાતરી કરી શકો છો.
પણ ૧૯૭૦થી હું જોતો આવ્યો છું કે મભમ ભાષામાં તેઓ જે ૧૯૯૬માં સંસદમાં બોલ્યા હતા એ વિષે શંકા ઉઠાવતા હતા. હળવેથી બોલે, ગોળગોળ બોલે, ઇશારામાં બોલે અને રાષ્ટ્રીય સ્વયંસેવકના મુખપત્ર ‘ઓર્ગેનાઇઝર’ અને ‘પઞજન્ય’માં સમયે સમયે અસંમતિનાં ફુગ્ગા છોડે. ૧૯૭૦ પહેલાંનો ઇતિહાસ ખંખોળશો તો હજુ વધુ પ્રમાણ મળશે. ત્યારે તેઓ થોડા વધુ પ્રમાણિક હતા અને વધારે મુખર હતા.

શ્યામા પ્રસાદ મુખર્જી
આવું તેઓ શા માટે કરતા હશે? ભારતનું બંધારણ ઘડાતું હતું ત્યારે ભારતીય જનસંઘની સ્થાપના તો હજુ થઈ નહોતી, પરંતુ ‘હિંદુ મહાસભા’ નામનો હિન્દુત્વવાદી પક્ષ અસ્તિત્વમાં હતો. તેઓ બંધારણસભામાં પ્રવેશ માટે ચૂંટણી લડી શક્યા હોત અથવા રિયાસતોના માર્ગે પ્રવેશી શક્યા હોત. ગ્વાલિયર જેવી ઘણી અનુકૂળ રિયાસતો ઉપલબ્ધ હતી. બંધારણસભાએ જાહેરજનતા પાસેથી બંધારણનાં સ્વરૂપ વિષે અને તેમાં શું હોવું જોઈએ અને શું ન હોવું જોઈએ એ વિષે સૂચનો માગ્યાં હતાં અને ઘણા લોકોએ આપ્યાં પણ હતા તો એમાં તેમણે પોતાનાં સૂચનો આપવાં જોઇતા હતાં. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કે બીજા કોઈએ કોઈ સૂચન આપ્યું હોય એવો ઇતિહાસ નથી. હિંદુ મહાસભાના એક માત્ર નેતા ડૉ શ્યામા પ્રસાદ મુખર્જી બંધારણસભાના સભ્ય હતા, પરંતુ તે કાઁગ્રેસની બેઠકમાંથી કાઁગ્રેસના સભ્ય તરીકે. જ્યારે બંધારણ ઘડાતું હતું એ અરસામાં (૧૯૪૫-૧૯૪૭) ડૉ મુખર્જી હિંદુ મહાસભાના અધ્યક્ષ પણ હતા. તેઓ બંધારણ ઘડનારી એક સમિતિનાં અને એક પેટા-સમિતિના સભ્ય હતા. બન્ને સમિતિ મહત્ત્વની હતી. એક સમિતિ મૂળભૂત માનવ અધિકારો અને લઘુમતી કોમના અધિકારો માટેની સલાહકાર સમિતિ હતી અને બીજી પેટા-સમિતિ લઘુમતી કોમના અધિકારો માટેની હતી. તમે બી. શીવા રાવ દ્વારા લિખિત ‘ધ ફ્રેમીંગ ઓફ ઇન્ડિયાઝ કોન્સ્ટીટ્યુશન’ના છ ભાગ તપાસી જાઓ કોઈ જગ્યાએ ડૉ એસ.પી. મુખર્જીએ ભિન્ન સૂર કાઢો હોય કે લઘુમતી કોમને મળવા જોઈતા અધિકારોનો વિરોધ કર્યો હોય એવું જોવા નહીં મળે. કાં તો તેઓ સંમત હોવા જોઈએ અને કાં …. તમે કલ્પના કરી શકો છો. તેઓ એટલા ઋજુહ્રદયી હતા કે તેમના પર ઢોંગી હોવાનો આરોપ કરતાં પણ સંકોચ થાય છે. તેમણે પાછળથી ભારતીય જનસંઘ(અત્યારનો ભારતીય જનતા પક્ષ)ની સ્થાપના કરી હતી અને તેના સ્થાપક પ્રમુખ હતા.
શા માટે? પ્રગટપણે પોતાની અસંમતિ દર્શાવવા માટે, પોતાનો ભિન્ન દૃષ્ટિકોણ રજૂ કરવા માટે અનેક અવસરો મળ્યા છે અને અનેક અવસરો સામેથી આપવામાં આવ્યા છે. પણ તેમણે ક્યારે ય કોઈ અવસરનો પોતાના મનની વાત સ્પષ્ટપણે કહેવા માટે ઉપયોગ કર્યો નથી. ઊલટું જયજયકાર કરવામાં સાથે જોડાય અને એટલો બુલંદ અવાજમાં જયજયકાર કરે કે ઉદારમતવાદીઓ પણ હબક ખાઈ જાય.
૨૬મી નવેમ્બરે નવા સંસદભવનમાં આવો એક જલસો યોજવામાં આવ્યો હતો અને એને નિમિત્તે થોડી વાત આવતા અઠવાડિયે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 ડિસેમ્બર 2024