૧૮ સપ્ટેમ્બરે અમદાવાદના દીનદયાળ હૉલમાં મેં નાટક નિહાળ્યું. – ‘યુગપુરુષ – મહાત્માના મહાત્મા’. તેમાં એક દૃશ્ય જોઈને હું ખળભળી ઊઠ્યો. આઝાદીદિને ૧૯૪૭માં ભારતના રાષ્ટ્રધ્વજને મોં પર સવા મણના સ્મિત સાથે જમણા હાથે સલામી આપતા મહાત્મા ગાંધી દર્શાવ્યા છે.
ગાંધીજીની એ સમયની મનોસ્થિતિ અને ભૂમિકાનો શ્રદ્ધેય દસ્તાવેજ પ્યારેલાલ કૃત ‘પૂર્ણાહુતિ’(‘લાસ્ટ ફેઇઝ’)માં મળે છે. એમાં ક્યાં ય આ વાતનું હકીકતી સમર્થન મળતું નથી.
ગાંધીજીને આપણે એમના અંતિમ પર્વમાં જોયા, એમાં કવિ રાયચંદભાઈ(ભક્તોના શ્રીમદ્ રાજચંદ્ર)નો કોઈ નિર્ણાયક ઇલમ કામ કરતો હોય, એવી નાટ્યકારની ચેષ્ટાને કાં તો બાળચેષ્ટા તરીકે જોઈ શકાય કે પછી વૈશ્યસંસ્કૃિતને ધોરણે શ્રીમદ્ રાજચંદ્રને સેલ કરવાની એક પ્રયુક્તિ તરીકે જોઈ શકાય. રાજચંદ્ર પોતાને સ્થળે, પોતાની રીતે પ્રતિભાસંપન્ન હતા જ; પણ તે દર્શાવવા માટે ગાંધીના ગાંધીપણાનો યશ એમને આપવાની જરૂર નથી.
ગાંધીજીએ રાજચંદ્રને ગુરુ કે સંપૂર્ણ મુક્તાત્મા તરીકે સ્વીકાર્યા નહોતા એ ઇતિહાસવસ્તુ છે, જેમ, એમણે પોતાની કોઈ નાજુક, નિર્ણાયક પળોમાં રાયચંદ્રભાઈનો વિધાયક ફાળો નોંધ્યો છે, તેમ આ પણ સત્ય છે.
કામેશ્વર ટિ્વન્સ, અમદાવાદ-૩૮૦ ૦૧૫
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2017; પૃ. 15
![]()


ગુજરાતી ફિલ્મકલાકારોની દિગ્દર્શકોની નવી પેઢી મનોરંજન પૂરું પાડતી ગુજરાતી ફિલ્મો ઠીકઠીક નવી રીતે બનાવી રહી છે. તેમ છતાં ‘કોર્ટ’, ‘શાળા’, ‘દેવળ’, ‘સૈરાટ’ જેવી પ્રતિબદ્ધ મરાઠી ફિલ્મો જોતાં એમ લાગે કે મરાઠી ફિલ્મકારોની સામાજિક પ્રતિબદ્ધતા એમના સંવેદનશીલ મુદ્દાઓના ઊંડાણમાં લઈ જાય છે. આ અભાવ આપણે ત્યાં ખટકે છે. જો કે હાલમાં અમદાવાદસ્થિત દક્ષિણ છારાએ ‘સમીર’ નામની હિંદી ફિલ્મ ગુજરાતની કોમી તંગદિલીને કેન્દ્રમાં રાખીને બનાવી છે. આતંકવાદ અને એની રાજકીય જરૂરતનો પર્દાફાશ કરવામાં આ ફિલ્મ ખાસ્સી સફળ રહી છે. નાયક સિવાયના અભિનેતા ખાસ જાણીતા ન હોવા છતાં સરસ અભિનય દ્વારા ફિલ્મને રસપ્રદ પરિણામ આપ્યું છે. રાજકીય સિનેમાના નર્યા અવકાશ વચાળે ‘સમીર’નું આવવું આપણને આશ્વાસ્ત કરે છે. ગુજરાતી યુવાને આવી ફિલ્મ બનાવી તેથી એ સવિશેષ અભિનંદનીય છે. એમાં ય જે વિષયથી લગભગ સર્જકો અળગા રહે એવો આતંકવાદનો વિષય લઈને ફિલ્મ બનાવી છે, તે નોંધપાત્ર છે.
દક્ષિણ છારાનું રંગમંચ તો હતું શેરીનાટક. અદિતિ દવે, સરૂપ ધ્રુવ, હિરેન ગાંધી વગેરેએ, ગુજરાતમાં રાજકીય શેરીનાટકો ભજવ્યાં છે. સામાજિક મુદ્દાને સ્પર્શતાં, શેરીનાટકો ભજવ્યાં છે એ પરંપરામાં દક્ષિણ નવી પેઢીના પ્રતિનિધિ છે. આપણે ત્યાં સાહિત્યકૃતિને રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધિત કરવાના જવલ્લે જ બનાવ બન્યા છે. સરૂપ ધ્રુવ લિખિત નાટક ‘ઇતિહાસની બીજી બાજુ’, જે ભગતસિંહ વિશેનું જીવનકથનાત્મક નાટક હતું, એ ખાસ્સી મથામણ પછી રજૂ થઈ શકેલું. એમના જ લખેલા નાટક ‘રાજપરિવર્તન’(‘મૃચ્છકટિક’નું અનુસર્જન)ને પણ દૂરદર્શન પરથી અટકાવાયેલું. તાજેતરમાં રિવરફ્રન્ટનું નાટક ‘સૂનો, નદી ક્યા કહેતી હૈ?’ વિશે પણ આવું જ થયું.
રચનાને રસ્તે 101 કાવ્ય આસ્વાદો : રાધેશ્યામ શર્મા : પ્રકાશક – પાર્શ્વ પબ્લિકેશન્સ : પૃ. 312 : કિંમત રૂ. 300