પ્રવીણ જોષી એટલે ગુજરાતી રંગભૂમિની એક એવી વિરલ હસ્તી કે જેનામાં પ્રેક્ષક દ્વારા એક કલાકાર પાસે અપેક્ષિત તમામેતમામ જરૂરિયાતો સંતોષાઈ જતી ! જેનામાં અભિનય અને દિગ્દર્શનની નૈસર્ગિક શક્તિ હતી તો RADA જેવી વિદેશની ઉત્તમ સંસ્થામાં મેળવેલી તાલીમનો નિખાર પણ હતો; દેશ-વિદેશમાં શ્રેષ્ઠ કહી શકાય એવાં નાટકોનું પૂરતું જ્ઞાન ને પર્યાપ્ત અનુભવ તેમ જ દુર્લભ કહી શકાય એવી સાહિત્યની સ્પષ્ટ સમજ હતી, તો પ્રેક્ષકોની નાડ પારખવાની અદ્ભુત સૂઝ પણ હતી. સ્ક્રિપ્ટની પસંદગીથી માંડીને સન્નિવેષ-પ્રકાશ આયોજન જેવાં ટેક્નિકલ અંગો વચ્ચે સુંદર સંકલન સાધવાની ગજબની ક્ષમતા હતી તો ‘ક્લાસ’ અને ‘માસ’નો સમન્વય સાધવાની અજબની કુનેહ હતી.
2જી જૂન, 1961ના દિવસે INTએ યોજેલા નાટ્યમહોત્સવમાં રવીન્દ્રનાથ ટાગોરની વિખ્યાત નાટ્યકૃતિ ‘ચિરકુમાર સભા’નું પોતે જ કરેલું ગુજરાતી રૂપાંતર ‘કૌમાર અસંભવમ્’ રજૂ કરી પ્રવીણ જોષી પ્રથમ વાર દિગ્દર્શક તરીકે મેદાનમાં આવ્યા અને મહારાષ્ટ્ર રાજ્ય તથા ગુજરાત રાજ્ય એમ બંનેના દિગ્દર્શનનાં ઇનામ મેળવ્યાં. 1961ની 29મી ડિસેમ્બરે પુ.લ. દેશપાંડેનું પ્રસિદ્ધ નાટક ‘મીનપિયાસી’ તેમના દિગ્દર્શન હેઠળ ભજવાયું. તેમાં આરંભમાં ડૉ. સતીશની ભૂમિકા કરી પણ ત્યાર બાદ કાકાજીના પાત્રમાં સૌથી વધુ વાર રજૂ થઈ રંગભૂમિ પર છવાઈ ગયા. નાટકને તેમ જ દિગ્દર્શનને પ્રથમ ઇનામ પ્રાપ્ત થયાં.
1963માં હિચકોકની જાણીતી ફિલ્મ ‘Dial M for Murder’નું ગુજરાતી રૂપાંતર ‘મોગરાના સાપ’ ભજવી ઉચ્ચ કોટિના દિગ્દર્શક તરીકે સર્વત્ર પંકાયા અને ગુજરાતી રંગભૂમિને સાચા અર્થમાં મનહર અને મનભર નાટકો આપવાની પરંપરા શરૂ કરી.
1963ના અંતમાં તેમણે જયહિંદ કૉલેજ માટે રાજ્ય સ્પર્ધામાં એક વિશિષ્ટ નાટક ‘શ્યામ ગુલાબ’ તૈયાર કરાવ્યું, તેમાં સર્જનપ્રક્રિયાનો નવો જ અભિગમ જોવા મળ્યો. નાટકનાં થોડાં પાનાં લખાય. તેનું સંકલન થાય. દિગ્દર્શન થતું જાય. નાટકની પ્રતમાં લેખક સાથે વિવિધ પાત્રો ભજવતા કલાકારો પણ સહભાગી બનતા જાય. આ નાટકને રાજ્ય નાટ્ય સ્પર્ધામાં છ જેટલાં ઇનામો પ્રાપ્ત થયાં. વિજય કાપડિયાનો પ્રતીકાત્મક સેટ યાદગાર બની રહ્યો. આ નાટકનું મૂલ્યાંકન કરનાર નામદાર નિર્ણાયકોએ તો જાહેરમાં કહ્યું, ‘પ્રવીણ અહીં શા માટે છે ? એનું સ્થાન તો બ્રોડવે ઉપર હોવું જોઈએ.’

1964માં આર્થર મિલરનું વિખ્યાત નાટક ‘ઓલ માય સન્સ’, ‘કોઈનો લાડકવાયો’ શીર્ષકથી ગુજરાતીમાં તેમણે અવતાર્યું. નાટ્યરૂપાંતર પ્રવીણનું પોતાનું. નાટકની સ્ક્રિપ્ટ લખવાની પ્રવીણમાં ગજબની શક્તિ હતી. અગાઉ ડી.એસ. મહેતા સાથે ‘મોગરાના સાપ’ની સ્ક્રિપ્ટ પણ તેમણે જ લખી હતી. આ નાટકમાં રૂપેરી પડદાના મશહૂર કલાકાર સંજીવકુમાર ભૂમિકા કરતા હતા. આ નાટકમાં વ્યક્તિગત નીતિમત્તાનો પ્રશ્ન કેન્દ્રસ્થાને હતો. અંતરાત્માના અવાજની કે સમાજ પરત્વેની પ્રામાણિક ફરજ અંગેની વાત અહીં અસરકારકપણે રજૂ કરવામાં આવેલી. એક માણસ હોવાને નાતે બીજા માણસની જિંદગીની દરકાર કરવાની મૂળભૂત નિસબત હોવા પર મુખ્યત્વે ભાર મૂકવામાં આવેલો. પોતે આચરેલ અપકૃત્યનાં આનુષંગિક પરિણામોનો માણસે મોઢામોઢ સામનો કરવો પડે છે એની વાત કરતા આ નાટકની વિશિષ્ટતા એનું દિગ્દર્શન હતું. આર્થર મિલર તો આ નાટકના ફોટા જોઈને આફરીન પોકારી ગયા હતા એવું પ્રબોધ જોષી નોંધે છે. આ નાટક સાથે એક મજેદાર કિસ્સો સંકળાયો છે. આ નાટકનો એક પ્રયોગ આણંદ ખાતે યોજવામાં આવ્યો હતો. નાટકનું નામ ‘કોઈનો લાડકવાયો’ વાંચીને ત્યાંની શાળાએ એકેએક વિદ્યાર્થીને જોવા માટે બોલાવેલા. સ્ટેજ પરથી જોયું તો આખો હોલ બાળકોથી ભરેલો. પ્રવીણ જોષીએ શિક્ષકોને બોલાવીને કહ્યું, ‘અરે ભાઈ ! આ શું ? આ નાટક તો બાળકો માટે નથી. બહુ ઘોંઘાટ થશે.’ શિક્ષકો કહે, ‘ઘોંઘાટ શાનો થાય, અમે એકેએક શિક્ષક વચ્ચે ગોઠવાઈ જઈશું.’ પણ પ્રવીણ જોષી એમ કંઈ માને ! તેમણે તો શિક્ષકોને સમજાવીને ‘મને રોકો મા’ નાટક ભજવવાનું નક્કી કર્યું. એના કલાકારોને તાબડતોડ તૈયાર કર્યા ને બાળકોને ખુશ કરી દીધાં. નાટક પૂરું થયું. પ્રવીણ જોષી મેકઅપ ઉતારતા હતા. એક ભાઈ મળવા આવ્યા. કહે, ‘અરે ! તમે તો ‘ઓલ માય સન્સ’ ભજવવાના હતા. એને માટે હું અમદાવાદથી ખાસ આર્થર મિલરનું એ પુસ્તક લઈને આવ્યો છું. તમે મને નિરાશ કર્યો છે !’ આ સાંભળી, ‘પ્રેક્ષકોની આ સજ્જતા જોઈને ય સલામ કરવી પડે’ એવું આ આખો પ્રસંગ વર્ણવતાં માધવ રામાનુજને તેમણે જણાવેલું અને પછી ઉમેરેલું, ‘ધન્ય થઈ જવાય. આવી સભર પળો મળતી રહે છે ત્યાં સુધી અસંતોષનો છાંટો ય મનને સ્પર્શવાનો નથી.’
1968ની આખરમાં, રહસ્ય નાટકોમાં આગવી પ્રતિભા દર્શાવી ગયેલું નાટક ‘ધુમ્મસ’, ‘સાઈને પોસ્ટ ટુ મર્ડર’નું અવિસ્મરણીય રૂપાંતર. જયદેવનું યાદગાર સંગીત. સરિતા-અરવિંદના અભિનયથી ઓપતું આ નાટક ત્રણ ભાષામાં ભજવાયેલું; ગુજરાતી, મરાઠી અને હિન્દી. ત્રણેયમાં કલાકારો એના એ. હિન્દી પ્રયોગ નિહાળી યશ ચોપરાએ ‘ઈત્તફાક’નું સર્જન કર્યું પણ કલાકારો બદલાઈ ગયા. રૂપેરી પડદે ચમક્યા રાજેશ ખન્ના અને નંદા. વર્ષો પછી ગઈ સાલ સિદ્ધાર્થ અને સોનાક્ષીના અભિનયમાં રજૂ થયું તેનું જ રિમેક વર્ઝન અને નામ પણ ‘ઈત્તફાક’ જ.
‘ચંદરવો’ પછી બીજી વાર પ્રવીણે પોતે ભૂમિકા ના ભજવી. આ નાટક પણ મુંબઈની પહેલાં અમદાવાદમાં રજૂ થયેલું. આ નાટક જોઈને જયદેવજીએ પ્રવીણ જોષીની દિગ્દર્શનકલા અને કલ્પનાશીલતાનાં ભરપૂર વખાણ કરેલાં. આ નાટક સાથે પણ એક યાદગાર કિસ્સો સંકળાયેલો છે. નાટક રહસ્યરંગી હોવાને લીધે એક વાર નાટક શરૂ થયા પછી પ્રથમ દૃશ્યના અંત સુધી, મોડા પડનાર પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવતો નહીં. ગમે તેવો ચમરબંદી હોય, ‘ના એટલે ના’. પ્રવેશબંદીનું કડક ફરમાન. બન્યું એવું કે એક પ્રયોગ વખતે વિખ્યાત અભિનેતા શશી કપૂર નાટક જોવા પધાર્યા. એ થોડા મોડા પડેલા ને નાટક શરૂ થઈ ગયેલું. આયોજકો દ્વિધામાં મુકાયા. અંદર પ્રવીણ જોષીની અનુમતિ માગવા જતા એક ભાઈને અટકાવી શશી કપૂરે કહ્યું, ‘હું પૃથ્વી થિયેટરનું સંતાન છું. રંગમંચની શિસ્ત હું જાણું છું. પ્રથમ દૃશ્ય પૂરું થાય ત્યાં સુધી હું રાહ જોઈશ.’ ખુદ પ્રવીણ જોષી શશીની આ રંગભૂમિ-પરાયણતા નિહાળી મનોમન તેમને વંદી રહ્યા.
1972માં પ્રવીણ જોષી ‘એવમ ઇન્દ્રજિત’ પછી ફરી એક વાર પ્રાયોગિક રંગભૂમિ તરફ વળ્યા. આ વખતે નવોદિતો સાથે ‘ચોર બજાર’ રજૂ કર્યું જે ટિકિટબારી પર સરિયામ નિષ્ફળ નીવડ્યું. ચાલુ પ્રયોગે પ્રેક્ષકોએ હો હા કરી મૂકી, એટલે પ્રવીણ જોષી મંચ ઉપર ધસી આવ્યા અને પ્રેક્ષકોને ઉદ્દેશીને કહેવા લાગ્યા, ‘આજ દિન સુધી મેં તમને ગમતાં નાટકો જ ભજવ્યાં છે, પણ આજે હું મારું મનગમતું નાટક લઈને આવ્યો છું. નાટક તો ભજવાશે જ. જેને ના ગમતું હોય તે સત્વરે બહાર નીકળી ટિકિટબારી ઉપરથી પૈસા પાછા લઈ જઈ શકે છે.’ આવી હતી પ્રવીણ જોષીની એક કલાકાર તરીકેની ખુદ્દારી અને ખુમારી.
1972માં ‘ચોર બજાર’ની નિષ્ફળતા પછી પ્રવીણ જોષીએ સ્હેજ પણ હતાશ થયા વિના એક નવું મૌલિક ગુજરાતી નાટક હાથમાં લીધું અને ફરી એક વાર ગુજરાતી સાહિત્યકારને ગુજરાતી તખ્તા સાથે જોડ્યા. એ સાહિત્યકાર એટલે મશહૂર વાર્તાકાર ને નાટ્યકાર મધુ રાય અને એ મૌલિક નાટક એટલે ‘કુમારની અગાશી’. વિજય કાપડિયાએ સર્જેલી આબેહૂબ ‘અગાશી’માં કુમાર બનતા નવોદિત કલાકાર પ્રદીપ મર્ચન્ટનો અભિનય દીપી ઊઠ્યો. નાટકના અંતે મૃત કુમારને જીવતો પાછો ફરતો નિહાળી પ્રેક્ષકો વિમાસણમાં મુકાઈ ગયેલા એટલે પ્રવીણ જોષીએ નાટકના અંતની યોગ્ય છણાવટ કરતી બકુલ ત્રિપાઠીની ‘નાટ્યમીમાંસા’ મોટા અક્ષરોમાં એક બોર્ડ ઉપર ચિપકાવી પ્રેક્ષાગૃહના પ્રાંગણમાં મૂકી દીધેલી, જેથી પ્રેક્ષક એ વાંચીને નાટકનો પ્રયોગ નિહાળવા જાય, ને નાટકના અંતને સુપેરે માણી શકે.
1973માં વળી પાછી એક યાદગાર ઘટના બની. પ્રવીણ જોષી તે વખતે ‘બ્લાઇન્ડ એલી’ની સ્ક્રિપ્ટ પર કામ કરતા હતા. તે માટે તેઓ માનસશાસ્ત્રનાં થોથાં ઉથલાવતા હતા, પણ ત્યાં તો અચાનક કોઈ બીજાએ તેમણે પોતે કરવા ધારેલું સંગીતમય નાટક ‘સંતુ રંગીલી’ જાહેર કરી દીધું એટલે પ્રવીણ જોષીએ પેલું નાટક પડતું મૂકીને એ નાટક હાથમાં લીધું. પહેલાં તો જે મશહૂર બ્રોડવે મ્યુિઝકલ ઉપરથી એ નાટક રચાયું હતું તે ‘માય ફેર લેડી’ને સાદી સરળ ગુજરાતી ભાષામાં ઉતાર્યું. એ જામ્યું નહીં. એટલે સુરતી ભાષામાં તેને અવતાર્યું. એ પણ મોળું પડ્યું એટલે મધુ રાય પાસે એનું નવેસરથી રૂપાંતર કરાવ્યું ને એવું તો જામી ગયું કે બીજા જાહેરાત કરનારાઓએ તો માંડી વાળ્યું, પણ પ્રવીણની ‘સંતુ’ના તો સિક્કા પડ્યા. મધુના રૂપાંતરે, પ્રવીણના દિગ્દર્શને અને સંતુ તરીકે સરિતાના અભિનયે ટિકિટબારી ઉપર ટંકશાળ પાડી.
પ્રવીણ જોષીની ખરી વિશિષ્ટતા તો તેમની ભાષામાં હતી. પોતાની માતૃભાષા ગુજરાતીને તેમણે અનહદ લાડ લડાવ્યાં. ભાષા પરત્વેની તેમની પ્રીતિ, ઊંડી સમજ અને ચીવટને કારણે અન્ય કલાકારો દિગ્દર્શકોથી તેઓ નોખા તરી આવતા. અન્ય દિગ્દર્શકો ફક્ત ચોટદાર સંવાદોથી સંતોષ માનતા, જ્યારે પ્રવીણ જોષી, ગુજરાતી ભાષા ઉપરના તેમના પ્રબળ પ્રભુત્વને કારણે, શબ્દેશબ્દની વ્યંજનાને પકડતા. એમને ચોટ સાથે સંબંધ નહોતો. અર્થનું તેમને મન પરમ મહત્ત્વ હતું એટલે જ શબ્દમાંથી એ ભાવ પ્રગટાવવા મથતા. સંવાદમાંથી સંગીત પેદા કરતા. પ્રેક્ષકોને ભાષાની ભૂરકી નાંખી આંજી નાંખવાને બદલે તેમને ભાવાવેશમાં લઈ જઈ મંત્રમુગ્ધ અવસ્થામાં મૂકી દેતા. ગુજરાતી ભાષાને અને ગુજરાતી પ્રેક્ષકને તેઓ ક્યારે ય મરાઠી કે બંગાળી ભાષા કે પ્રેક્ષક કરતાં ઊતરતા ગણતા નહીં. ને એટલે જ આજે તેમના અવસાનને ચાર ચાર દાયકા વીત્યા હોવા છતાં પણ પ્રવીણ જોષી પ્રેક્ષકોના હૃદયમાં એવા ને એવા તરોતાજા ધબકી રહ્યા છે.
19 જાન્યુઆરી, 1979ના દિવસે ગુજરાતી રંગભૂમિ જ્યારે સવા શતાબ્દી ઊજવવા થનગની રહી હતી ત્યારે પોતાનું મસ્તક ફોડીને લાલ રંગનું પરોઢ પ્રગટાવનાર, માતૃભાષાના આ અનન્ય ઉપાસકને, વિરલ કહી શકાય એવા રંગરાજવીને, સો સો સલામ.
સૌજન્ય : “વિશ્વવિહાર”, એપ્રિલ 2018; વર્ષ – 18; અંક – 07; પૃ. 04-07
![]()


નોર્વેના પ્રસિદ્ધ નાટ્યકાર હેનરિક ઇબ્સનની ઓળખાણ આપણા માટે જાણીતાં નાટક “Doll’s House”ના સર્જક તરીકેની છે. નાનપણથી જ ઇબ્સને પોતાના કુટુંબની સુખાકારી જોઈ જ નહોતી કારણ કે તે આઠ વર્ષનો થયો, ત્યાં સુધીમાં પિતાના ધંધામાં મોટી ખોટ જવાથી તેનું કુટુંબ તેના જન્મસ્થળ(Skein)થી દૂર જઈને વસી ગયેલું. ઇબ્સન જ્યારે 15 વર્ષનો થયો ત્યારે તેનું કુટુંબ ફરીથી શહેરમાં આવીને વસ્યું. પરંતુ તેની આર્થિક હાલતમાં ત્યારે પણ હજુ કોઈ ખાસ સુધારો થયો નહોતો. બહુ ગરીબી અને અભાવ વચ્ચે રહીને ઇબ્સન જેવુંતેવું શાળાકીય શિક્ષણ પામ્યો.