વ્યર્થ સઘળી સલામ થઈ જાશે,
કાયદો તોડ-કામ થઈ જાશે.
ધર્મના નામ પર ધુતારાનાં
ધર્મસ્થાનો મુકામ થઈ જાશે.
લોકસેવાના કોઈ પણ મુદ્દે
મોરચા કાઢ-નામ થઈ જાશે.
લોકશાહીમાં લોકના નામે,
લોકશાહી લિલામ થઈ જાશે.
સત્ય કહેવાની ભૂલ ના કરશો,
જીવવું પણ હરામ થઈ જાશે.
હોય તે ઓળખાણ વર્દીની,
તો બધો ઇન્તેઝામ થઈ જશે.
શું ખબર લોકશાહીમાં લોકો,
સેવકોના ગુલામ થઈ જાશે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2019; પૃ. 20
![]()


અમદાવાદ મ્યુનિસિપિલ કૉર્પોરેશન આગામી દિવસોમાં શહેરને હરિયાળું બનાવવા માટેના ઉપક્રમો હાથ ધરવાની છે, એવા સમાચાર તાજેતરમાં આવ્યા છે. તેમાં લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ ઉપરાંત ઝાડ વાવવાં અને ઉછેરવાં અંગેના નિયમોના અમલીકરણની પણ વાત છે. કૉર્પોરેશને તેના તમામ પ્રયત્નો દરમિયાન એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે અમદાવાદના લોકોના એક મોટા હિસ્સાને વૃક્ષો માટે બહુ અણગમો છે. આ અણગમાનું માટેનું એક કારણ ઝાડનાં પાંદડાંથી ‘કચરો’ થાય એવી વાહિયાત માન્યતા છે.