લોકતંત્રના ઇતિહાસમાં એવો પણ સમય આવે છે કે જfયારે તે શક્તિના પ્રતીક સૈન્યબળ સુધી જ સીમિત થઈ જાય છે; જરા પણ વધુ કે ઓછું નહિ. આપણે કાશ્મીરમાં આ જ ક્ષણના સાક્ષી બની રહ્યા છીએ. પરંતુ આ ક્ષણ એ ભારતના ભવિષ્યમાં આવનારી રાજકીય આપખુદશાહીનો પૂર્વાભ્યાસ છે. જે રીતે ભા.જ.પ. સરકારે કલમ ૩૭૦ને પ્રભાવહીન કરી જમ્મુ અને કાશ્મીરના ભાગલા પાડી દીધા અને રાજ્યની સ્થિતિ બદલી છે તે સરકારનું વાસ્તવિક ચરિત્ર બતાવે છે. આ એવી રાજસત્તા છે જેનું ચલણ નિરંકુશ બળ છે. આ એવી રાજસત્તા છે જેને નીતિ, નિયમ કે સ્વાતંત્ર્ય સાથે કોઈ નિસબત નથી. આ એવી રાજસત્તા છે જે લોકતંત્ર અને વિચારવિમર્શ પ્રક્રિયાની ઠેકડી કરશે. આ એવી રાજસત્તા છે જે ભયનું મનોવિજ્ઞાન સારી પેઠે જાણે છે. આ એવી રાજસત્તા છે જે પોતાના વિકૃત અને મિથ્યાભિમાની રાષ્ટ્રવાદ માટે સામાન્ય નાગરિકોને બલીના બકરા બનાવશે.
કાશ્મીરમાં ક્રાંતિકારી પગલાનું સમર્થન કરનારાઓના તર્કથી આપણે પરિચિત છીએ. કલમ ૩૫ (એ) ભેદભાવયુક્ત જોગવાઈ હોવાથી નાબૂદ તો થવાની જ હતી. ૩૭૦ ઐક્ય માટે નહિ પણ અલગાવવાદ માટે કાયદાકીય જોગવાઈ પૂરી પાડતી કલમ હતી. ભારત દેશના ઇતિહાસમાં ભયંકર હિંસક બનાવોની નોંધ છે, છતાં કાશ્મીર મુદ્દાને લઈને ક્યારે ય મક્કમ અભિગમ લેવાનું સાહસ કરવામાં આવ્યું નથી. કાશ્મીરી કટ્ટરતા સામે નક્કર પગલાંની ચોક્કસ જરૂર છે. પરંતુ એ મુદ્દે ક્યારે ય કાશ્મીરી પંડિત સાથે કરાયેલ દુર્વ્યવહારની ભરપાઈ કરવામાં આવી નથી. અત્યારે તો આંતરરાષ્ટ્રીય મિજાજ પણ અનુકૂળ છે. ચીન આખેઆખી સંસ્કૃતિઓ અને સભ્યતાઓના પુનનિર્માણનું કાર્ય કરી રહ્યું છે જે ભારત પણ કરી શકે છે. વળી એ હકીકત પણ લાભદાયક છે કે આંતરરાષ્ટ્રીય પ્રણાલીમાં માનવઅધિકાર જેવું કંઈ રહ્યું જ નથી. ભારત પણ પાકિસ્તાન અને તાલિબાનને તેમની ઓકાત બતાવી શકે છે. ચાલો હવે જૂની ડરપોક વૃત્તિનો ત્યાગ કરીએ; આ સમય તક ઝડપી લેવાનો છે. એક જ વારમાં કાયમ માટેની શાંતિ કરી લઈએ, ભલેને પછી તેના માટે પાશવી બળનો પણ ઉપયોગ કરવો પડે!
અહીં ઘણી દલીલો સાચી હોવાથી તેના માર્મિક તત્ત્વો આપણી સમક્ષ હાજર છે. યથાસ્થિતિના બે ગેરફાયદા હતા : પ્રથમ તો છેલ્લી બે પેઢીઓથી કાશ્મીરીઓ સખત લશ્કરી ઘેરાવ સહન કરી રહ્યા હતા, છતાં તેઓના હિતનું કોઈ પ્રાધાન્ય તેમાં હતું નહીં. વળી કાશ્મીર અને ભારત વચ્ચેની અસમાનતામાં વધારો થયો હતો. એટલે થોડી હિલચાલ તો અનિવાર્ય હતી. પરંતુ આ સત્યને લશ્કરી કાફલાની મદદ વડે પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યું છે. સમસ્યા નિવારણની આ પદ્ધતિ શિષ્ટાચારનું નિકંદન છે. આ પાપી પગલાંની પરિસીમા એ રીતે પણ નક્કી કરી શકાય કે પરિણામો સિદ્ધ કરવા માટે સરકારે બંધ બારણે જબરદસ્ત લશ્કરી સકંજો ગોઠવ્યો અને સંચાર માધ્યમો પર સંપૂર્ણ અંકુશ મૂકી દીધો. અહીં એવા કોઈ નવીન બંધારણીય સુધારાનો આરંભ નથી જેના વડે સ્વૈચ્છિક રાજનિષ્ઠાનો ઉદ્ભવ થાય. આ તો સરળ અને સ્પષ્ટ દમન છે જે સમાન સંસ્કૃતિ અને મજબૂત રાજ્યની ઘેલછા માટે સંઘવાદને અડચણરૂપ માનનારી ચીની અને રેઇસ્ટાગ વિચારધારાઓની યાદ અપાવે છે.
ચાલો, આ નિર્ણયના પરિણામનો વિશાળ ફલક પર વિચાર કરીએ. ભારત પોતાના જ બંધારણીય વચનોથી ચલિત થયું છે. કાશ્મીરને બાદ કરતાં પણ ભારતમાં ઘણી સંઘવાદી વ્યવસ્થાઓ પ્રવર્તમાન છે. આ મુદ્દે નાગાલૅન્ડનો નિર્ણય ઉદાહરણરૂપ બનશે. આમ ચાલશે તો ભવિષ્યમાં તમામ સંઘવાદી વ્યવસ્થાઓ રદ્દ થઈ જવાની સંભાવના ઊભી થાય છે. તે જોવામાં નાગાલેન્ડમાં વિષમસંઘ વાદીવ્યવસ્થાને મંજૂરી અને કાશ્મીરમાં નહિ, આ ભેદને તમે કઈ રીતે ઉચિત ઠરાવી શકો? અહીં સાબિત એવું થાય છે કે એકતરફી રીતે સરકાર કોઈ પણ હયાત રાજ્યનો કેન્દ્રશાસિત પ્રદેશમાં સમાવેશ કરી શકે છે, વળી તે પણ બંધારણનો ઉપયોગ કરીને. ટૂંકમાં કહીએ તો આપણે કેન્દ્રશાસિત પ્રદેશોનો એવો સમૂહ બની ગયા છીએ કે જેનો રાજ્ય તરીકેનો દરજ્જો સરકારના બુદ્ધિચાતુર્ય પર નિર્ભર છે.
આ મુદ્દાને થોડા સરળ શબ્દોમાં સમજી લઈએ. જ્યારે કલમ ૩૭૦ નાબૂદ જ કરવાની હોય તો જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરવાનો નિર્ણય પહેલેથી જ દબાયેલી કાશ્મીરી પ્રજાનું અપમાન કરવા ઘડાયેલો દેખાય છે. મુસ્લિમોના દબદબાવાળું રાજ્ય ભારતમાં ટકી જ કેમ શકે?! હવે તો કાશ્મીર એક રાજ્ય તરીકે પણ ભરોસાપાત્ર નથી! આ પ્રકારની દીર્ઘ દૃષ્ટિ ઐક્ય માટે નથી પરંતુ એક પ્રકારનું અપમાન છે જે લઘુમતીઓને ભારતમાં તેમની હેસિયતની યાદ અપાવે છે.
એ દલીલ માન્ય છે કે જો કાશ્મીરની સમસ્યાનો ખરેખર ઉકેલ આવે તો આ નિર્ણયથી ઉત્પન્ન થતી પીડા સહ્ય છે, પણ શું તેનો ઉકેલ આવશે? અહીં તો લશ્કરથી દબાયેલી મડદાલ શાંતિ છે જેને વિજય માનવો એ આપણી ચૂક ગણાશે. સેના જેની પીઠ પાછળ દરેકની દેશભક્તિ ખીલી રહી છે તેના જવાનો સંભવિત રીતે વધુ પડકારરૂપ પરિસ્થિતિઓમાં મુકાશે. સેનાનો વધુને વધુ ઉપયોગ ભારત દેશને માત્ર ભેગો રાખવાં હેતુ કરાશે. જો લશ્કરી બળની અત્યંત ગંભીર અનિવાર્યતા હોય તો પણ તેનો ઉપયોગ વિશાળ પરિપ્રેક્ષમાં રાજકીય અને સંસ્થાકીય સંસ્થાનો સ્વૈચ્છિક રાજનિષ્ઠા ઊભી કરે એ દિશામાં થવો જોઈએ નહિ કે ડર ઊભો કરવા. લશ્કરી તાકાતની સામે કાશ્મીર પોતાની નિયતિને શરણે થઈ જાય તો પણ દેશના અન્ય વિસ્તારોમાં ઊભી થઈ રહેલી કટ્ટરતાની સંભાવનાનો અંત આવતો નથી અને અગાઉથી તેની નિશાની દેખાઈ રહી છે. કંઈ બદલાશે તો ફક્ત રાજકીય હિંસાનો રંગમંચ. જો આ સંદર્ભમાં યુ.પી.થી બંગાળ અને કેરળ સુધી પથરાયેલ સાંપ્રદાયિક નાજુક વિસ્તારને ધ્યાનમાં લેવામાં આવે તો ભારતની સ્થિતિ વધુ નબળી દેખાશે.
મૂળભૂત રીતે આ પરિવર્તન નિષ્ફળ જઈ રહેલા ભારતીય લોકતંત્રનું દર્શન છે જે બહુમતવાદ નામની ખાઈમાં સરકી રહ્યું છે; દેખાઈ રહી છે, ફક્ત વોટની ક્રૂર સત્તા; જ્યાં ભિન્ન વિચારસરણીનો સમાવેશ શક્ય નથી અને તેથી જ લોકતંત્રીય પતનથી બચવાની સંભાવના નહિવત્ છે. વિપક્ષી નેતાઓનો નિરર્થક ત્યાગ ફક્ત અલગાવવાદની ભાવના ઊંડી કરશે. રાજકીય રીતે વિરોધ જેવું કશું વધ્યું જ નથી. મોટાભાગની સંઘવાદી પાર્ટી ધાર્યા કરતાં પણ વહેલી કાયર સાબિત થઈ છે; કૉંગ્રેસ પક્ષ તો કોઈ પણ સંકલ્પ સાથે અડગ રહી જ શકતો નથી. હવે આપણી વચ્ચેની એક પણ વ્યક્તિ કોઈ બંધારણીય સુરક્ષાઓને સહજ માની ન શકે. સંસદ જાહેર ચર્ચાનો મંચ મટીને નોટિસબોર્ડ બની ગઈ છે.
એક વિચાર એમ પણ આવે કે સુપ્રીમ કૉર્ટનું આ મુદ્દે કેવું વલણ હશે. પણ સુપ્રીમ કૉર્ટનો તાજેતરનો ઇતિહાસ તપાસવામાં આવે તો તરત ખબર પડી જાય કે સુપ્રીમ કૉર્ટ કાર્યચાલક મટીને કાર્યવાહક માનસિકતાનું પ્રદર્શન વધુ કરશે. કાશ્મીરનો મુદ્દો કાશ્મીર પૂરતો સીમિત નથી; તેની સીધી અસર UAPA, NRC, સાંપ્રદાયિક્તા અને અયોધ્યાના સંદર્ભમાં પણ જોઈ શકાય. આ શૃંખલામાં એક કડી સમાન કાશ્મીરને અવગણી ભારત દેશ એક એવા નિષ્કર્ષ તરફ ગતિ કરે છે જે જગ્યાએ આપણે બધા – જેમાં ફક્ત કાશ્મીરીઓ જ કે લઘુમતીઓ નહીં પરંતુ બંધારણીય સ્વાતંત્ર્યની માંગ કરી રહેલી તમામ – અસુરક્ષા અનુભવીએ છીએ.
વધુ ચિંતાજનક બાબત છે આપણી સંસ્કૃતિની સંરચના, જે આવી સમસ્યાઓની સંભાવનાને બળ આપે છે. મીડિયાની સાથે ભળી ગયેલું જૂઠું પ્રચાર તંત્ર હિંસા માટે આહ્વાન કરે છે અને તેને રાષ્ટ્રવાદ કહેવાય છે. માનવીય લાગણીઓનું એ હદ સુધી ધોવાણ થયું છે કે સંવેદનાને હિંસાથી પણ વધુ તુચ્છ માનવામાં આવે છે.
કોઈ વૈકલ્પિક વ્યવસ્થાને લઈને જરૂરી રાજકીય ધૈર્ય સમાપ્ત થઈ ગયું છે. આ સમસ્યાઓનો સામનો કરવા માટે કોંગ્રેસની જૂની પુરાણી પદ્ધતિ એ હદે ક્ષીણ અને ભ્રષ્ટ થઈ ગઈ છે કે તેની જગ્યાએ એક સામટી બોમ્બ વર્ષા કરીને તમામ સંસ્થાનો અને નૈતિક મૂલ્યોનો સફાયો કરી દઈએ તે યોગ્ય જણાય છે.આપણી રાજનીતિમાં એક પ્રકારના ક્રૂર સૌંદર્યનો ઉદ્ભવ થયો છે જ્યાં ઉદ્ધત તેને ઉદ્ધતાઈ માટે પ્રશંસા પામે છે જ્યારે સરળ તેની સાદાઈ અને સચ્ચાઈ માટે નિંદાપાત્ર બને છે.
આ નિર્ણય સમસ્યાના ઉકેલ માટે નથી. અત્યારે કાશ્મીરમાં જે રમાઈ રહ્યું છે તે એક મહાન સભ્યતાની અસુરક્ષિતતાનું સૌથી ખરાબ અને વિકૃત દૃશ્ય છે. ભા.જ.પ. માને છે કે તે કાશ્મીરમાં ભારતનું નિર્માણ કરશે પણ સંભવિત રીતે આપણે ભારતમાં કાશ્મીરનું નિર્માણ જોઈશું. ભારતીય ગણતંત્રનું આ વૃત્તાંત હિંસા અને દગાખોરીમાં અંકિત થયેલું હશે.
[“The Indian Express”માંથી અનુવાદ – અલ્પેશકુમાર મકવાણા]
E-mail : makwanaalpeshkumar91@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2019; પૃ. 06 – 07
![]()


પ્રાચીન યુગમાં જગત આખામાં નગરો નદીઓને કાંઠે વસ્યાં છે. એમ જુઓ તો જગતની સભ્યતાઓ નદીઓને કાંઠે વિકસી છે. કારણ કે નદીઓ ધાત્રી છે, પોષક છે અને એટલે તો કાકાસાહેબ કાલેલકરે નદીઓને લોકમાતા તરીકે ઓળખાવી છે. ક્યારેક ક્યારેક કુદરત વિફરતી અને નદીઓમાં પૂર આવતાં. પણ એ ક્યારેક જ. ક્યારેક કુદરત વિફરતી અને ભીના કે સૂકા દુકાળ પડતા. એ બધી ઘટનાઓ તવારીખમાં એક સીમાચિહ્ન ઘટના તરીકે નોંધાઈ જતી. ૧૯૭૦ની સુરતની રેલને લોકો આજે પણ યાદ કરે છે. એને કારણે પેદા થતી તારાજી વિષે સાહિત્યકૃતિ પણ લખાતી.