આજકાલ રાજકીય માહોલ જરા ભારે થઈ ગયો છે. ભારે જીતવાળા ભારે જોરમાં છે અને ભારે હારવાળા ભારે ગમગીન છે. આવામાં, થોડી હળવી વાત થઈ જાય, થોડી શેર-ઓ-શાયરી થઈ જાય.
શરૂઆત કરીએ મનમોહન સિંઘથી. એ કેટલા ઠંડા અને શાંત છે એ સૌ જાણે છે. પણ એક વાર એ સહેજ ભડકેલા ત્યારે, ૨૦૧૩માં, રાજ્યસભામાં એમણે ભા.જ.પ.ની ટીકા કરવા માટે ગાલિબનો શેર ફ્ટકારેલોઃ
હમ કો ઉનસે હૈ વફ કી ઉમ્મીદ
જો નહીં જાતને વફ ક્યા હૈ.
ભા.જ.પ.માં ખેલદિલી નથી, એ વફમાં, પ્રેમમાં સમજતો જ નથી એવા મતલબનો મનમોહન સિંઘનો આ પ્રહાર હતો તો આકરો, પરંતુ સામે પક્ષે વિપક્ષનાં નેતા સુષ્મા સ્વરાજ ગાંજ્યાં જાય તેવાં નહોતાં. તેમણે બેવફ શબ્દ પકડીને વળતો શેર ફ્ટકાર્યો,
કૂછ તો મજબૂરિયાં રહી હોગી
યૂં હી કોઈ બેવફ નહીં હોતા.
આ ટપાટપી થઈ ત્યારે ગૃહમાં ઉપસ્થિત લોકોના ચહેરા પર સ્મિત હતું. યે હુઈ ના બાત. વાત જે કહેવાની હતી તે કહેવાઈ ગઈ, શાંતિથી, શાલિનતાથી, સ્ટાઈલથી.
મનમોહન સિંઘની જેમ જ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજ્યસભામાં એક આખી ગઝલ ફ્ટકારીને વિપક્ષને (મુખ્યત્વે કૉનગ્રેસને) પરખાવેલું કે જુઓ ભાઈ, ‘તપલીક’ તો રહેવાની, દમ હોય તો ચાલો સાથે. આવી કડવી વાત સિફ્તથી કહેવા માટે નરેન્દ્ર મોદીએ નિદા ફઝલીની જે ગઝલ ઉપયોગમાં લીધેલી, તે આ હતીઃ
સફર મેં ધૂપ તો હોગી, જો ચલ સકો તો ચલો
સભી હૈ ભીડ મેં, તુમ ભી નિકલ સકો તો ચલો.
કિસી કે વાસ્તે રાહેં કહાં બદલતી હૈ
તુમ અપને આપ કો ખુદ હી બદલ સકો તો ચલો
યહાં કિસી કો કોઈ રાસ્તા નહીં દેતા
મુઝે ગિરા કે અગર તુમ સંભલ સકો તો ચલો.
વાહ. મને ગબડાવીને તમે ટકી શકો તો ચાલો … રાજકારણની આવી ગળાંકાપ દુનિયામાં હાલમાં યુ.પી.એ.ને ખરાબ રીતે પછાડીને એન.ડી.એ.એ જોરદાર જીત મેળવી. એ બદલ એન.ડી.એ.ને દિલથી અભિનંદન આપ્યા બાદ દિમાગમાં આપણે એક વાત સ્પષ્ટ સમજી લેવા જેવી છે કે લોકશાહીમાં શાસક-વિપક્ષ વચ્ચે જે હરીફઈ હોય છે એ મુખ્યત્વે સત્તાનો ખેલ હોય છે, પરંતુ દેશને આગળ ધપાવનારો અસલી ખેલ શાસક અને પ્રજા વચ્ચે ખેલાતો હોય છે. લોકશાહીમાં સાચો વિપક્ષ હંમેશાં એક જ હોય છેઃ પ્રજા પોતે.
સાદો દાખલો લઈએ. તુવેર દાળના હાલમાં વધેલા ભાવ હજુ પણ વધશે એવી શક્યતા જણાઈ રહી છે. આવામાં, જેવી રીતે ૨૦૧૬માં દાળનો ભાવ કિલોના ૨૦૦ રૂપિયા પર પહોંચેલો ત્યારે આપણે જે રીતે હોબાળો મચાવેલો તે જ રીતે આ વખતે પણ ૧૦૦ રૂપિયાને આંબી રહેલો દાળનો ભાવ હવે જો દોઢસો તરફ આગળ વધે તો આપણે કચકચ કરવાની જ. કચકચ અચ્છી હૈ. સરકાર જંગી બહુમતીથી ચૂંટાઈ આવી હોય તેથી શું? આપણે પોતે તેને મત આપ્યો હોય તેથી શું? શ્રેષ્ઠ સરકાર ચૂંટયા પછી પણ તેને શ્રેષ્ઠતર અને શ્રેષ્ઠતમ બનાવવાનું કામ પ્રજાનું છે. જેવી રીતે પત્નીઓ ધક્કા ન મારે તો મોટા ભાગના પુરુષો થોડામાં સંતોષ માનીને બેઠા રહે તેવા હોય છે, એવી જ રીતે પ્રજા ધક્કા ન મારે તો મોટા ભાગના શાસકો પણ હોતા હૈ, ચલતા હૈની નીતિ જ અપનાવતા હોય છે.
ટૂંકમાં, શાસકો શાસકોનું કામ કરે તે રીતે સામે પક્ષે પ્રજાએ પ્રજાનું કામ કરવાનું. બન્ને જાગૃત રહે, સક્રિય રહે, જોશમાં રહે તે જરૂરી છે. આ વાત સમજવા માટે ફ્લ્મિ બોર્ડરનો એક સીન યાદ કરવા જેવો છે. એ ફ્લ્મિમાં સની દેઓલ આર્મીવાળો છે અને જેકી શ્રોફ એર ફેર્સવાળો છે. એક વાર બે ય મળે છે ત્યારે દુ:શ્મનોને હરાવવામાં આર્મીની ભૂમિકા ચડિયાતી કે એર ફેર્સની, એ મામલે બન્ને વચ્ચે શાબ્દિક ખેંચતાણ ચાલે છે. ત્યારે સની દેઓલ ફ્ક્ત આર્મી કે ફ્ક્ત એર ફેર્સ પૂરતાં નથી એનો સ્વીકાર કરતાં સરસાર સૈલાનીનો એક શેર સંભળાવે છેઃ
ચમન મેં ઇખ્તિલાત-એ-રંગ-ઓ-બૂ સે બાત બનતી હૈ
હમ હી હમ હૈ તો ક્યા હમ હૈ, તુમ હી તુમ હો તો ક્યા તુમ હો.
રંગ અને ખૂશ્બૂના મિલનથી જ તો રચાય છે બગીચો. બાકી ફ્ક્ત રંગ જ રંગ હોય તો ન બને બગીચો કે ફ્ક્ત ખૂશ્બૂ જ ખૂશ્બૂ હોય તો પણ ન બને બગીચો. આ શેર અનેક રીતે ઉપયોગી છે.
ફ્ક્ત શાસકોનું જ રાજ ચાલે તો પણ મજા નથી અને ફ્ક્ત પ્રજા જ બેફમ બનીને અંધાધૂંધી ફ્લાવે તે પણ ઠીક નથી. એ જ રીતે, દેશમાં કોઈ એક ચોક્કસ વર્ગનું જ વર્ચસ્વ રહે અને બાકીના વર્ગો પડદા પાછળ ધકેલાયેલા, ઢંકાયેલા, કચડાયેલા રહે એમાં મજા નથી. ખુદ વડા પ્રધાને હાલમાં વિજેતા સાંસદો સાથેની પ્રથમ મુલાકાતમાં અત્યંત સ્પષ્ટ શબ્દોમાં બહુમતી તેમ જ લઘુમતીના સર્વસમાવેશક વિકાસની વાત કહી. એમાં પણ વાત આ જ છેઃ ફ્ક્ત બહુમતી કે ફ્ક્ત લઘુમતીના થાબડભાણાંથી દેશ પીંખાઈ શકે. એના કરતાં, સબ કે સબ સાથ ચલેં, તો બનેગા ગુલિસ્તાં. આમાં કશું આડુંઅવળું થાય તો વિરોધ કરવો એ પ્રજાની ફરજ છે. શાયર વસીમ બરેલવીએ કહ્યું છે,
ઉસુલોં પે જહાં આંચ આયે ટકરાના ઝરૂરી હૈ
જો ઝિંદા હો તો ઝિંદા નઝર આના ઝરૂરી હૈ.
ટૂંકમાં, દિલ્હીમાં નવી સરકારની રચના થઈ ગઈ એટલે હવે પ્રજાએ પાંચ વર્ષ ઊંઘી જવાનું નથી. વચ્ચે ક્યાંક વાંધા પડે તો વાંધા વ્યક્ત કરવાના જ, આકરી ભાષામાં નહીં તો શેર-ઓ-શાયરી દ્વારા, આવા કોઈ શેર દ્વારા …
હમ આહ ભી કરતે હૈ તો હો જાતે હૈ બદનામ
વો કત્લ ભી કરતે હૈ તો ચર્ચા નહીં હોતા (અકબર અલાહાબાદી)
જિસ કો અબ ભી હો સિયાસત પે યકીન
ઉસ કો યે મુલ્ક દિખાયા જાએ (રજનીશ સચન)
યહ જબ્ર ભી દેખા હૈ તારીખ કી નઝરોં ને
લમ્હોં ને ખતા કી થી, સદિયોં ને સઝા પાઈ (મુઝફફર રઝમી)
જય લોકશાહી. જય અભિવ્યક્તિ. જય શાયરી.
facebook .com / dipaksoliyal
સૌજન્ય : ‘એક વાતની સો વાત’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 02 જૂન 2019