મહારાષ્ટ્ર અનેહરિયાણાની વિધાનસભાનાં અને કેટલીક પેટા ચૂંટણીઓનાં પરિણામો એટલાં મહત્ત્વપૂર્ણ છે કે અહીં એક સપ્તાહ રાષ્ટ્રવાદની ચર્ચા બાજુએ રાખીને પરિણામોની ચર્ચા કરવી જરૂરી લાગે છે. કારણ એ છે કે દેશમાં કેટલાક સમયથી એક રાજકીય પ્રયોગ ચાલી રહ્યો છે જેની સામે પરિણામોએ પડકાર પેદા કર્યો છે.
પ્રયોગ એવો છે કે લોકતંત્રનો એવો શોભાયમાન બગીચો રચવામાં આવે જેમાં દરેક ઝાડ એની જગ્યાએ શોભામાં વૃદ્ધિ કરનારું ઊભું હોય, પણ એમાં લોકારણ્યનો પ્રાણ ન હોય. ચૂંટણીપંચની છટાઈ (કાપણી) કરીને એક જગ્યાએ ઊભું રાખવાનું. ન્યાયતંત્રની છટાઈ કરીને તેને ન્યાયમંદિર તરીકે ઊભું રાખવાનું. મીડિયા(પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક બન્ને)ની આઝાદીની છટાઈ કરીને અને તેને ખરીદીને વાજિંત્ર બનાવીને એક જગ્યાએ ઊભા રાખવાના. વિરોધ પક્ષોના પગ તળેની જમીન ખૂંચવી લેવાની. કોઈને ડરાવી-ધમકાવીને તો કોઈને ખરીદીને પોતાની બાજુએ લઈને વિરોધ પક્ષોના ખટારા ખાલી કરી નાખવાના. ચૂંટણીફંડમાં પણ એટલી અસમાનતા પેદા કરવી કે ૮૦ ટકા ધનમાં આપણો એકલાનો હિસ્સો હોય અને વીસ ટકામાં બાકીના બીજા. સ્થિતિ એવી પેદા કરવી કે વિરોધીઓને રાજકીય પડકાર ફેંકવો હોય કે ચૂંટણી લડવી હોય તો માણસો માટે અને પૈસા માટે વલખાં મારે.
યોજનાબદ્ધ રીતે બગીચાને વિકસાવવામાં આવતો હતો જેમાં માળી વૃક્ષોને પાણી આપી જીવતાં પણ રાખે અને છટણી કરીને પાંગરવા પણ ન દે. લોકોને એમ લાગવું જોઈએ કે ભારત એક લોકશાહી દેશ છે અને લોકતંત્ર સલામત છે. જગતને કહી શકાય કે ભારત એક લોકશાહી દેશ છે, કારણ કે અમારે ત્યાં નિયમિત રીતે ચૂંટણીઓ યોજાય છે અને ‘લોકો પોતાની સરકાર રચે છે.’ ચૂંટણી ભલે નિયમિત રીતે યોજાતી રહે, પણ ચૂંટણીનાં પરિણામોનો ડર ન રહેવો જોઈએ. કોઈ ખિસ્સામાં હોય, કોઈ બગલમાં હોય, કોઈ આંગળિયે હોય, કોઈ ડરેલા હોય, કોઈ જેલમાં હોય અને સામે નર્યો રાજકીય શૂન્યાવકાશ હોય!
બે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં અને કેટલીક પેટા ચૂંટણીનાં પરિણામોએ અસાધારણ બોધ આપ્યો છે. તેણે બતાવી આપ્યું છે કે રાજકીય વિકલ્પ જમીન પર નથી હોતો, ચિત્તમાં હોય છે. લોકોના મનમાં જ્યારે વિકલ્પની તલાશ શરૂ થાય છે ત્યારે તે કાળા ચોરને મત આપે છે. એ વિકલ્પ કોઈની પસંદગીનો નથી હોતો, પણ તેમાં શાસકો માટેનો નક્કર નકાર રહેલો હોય છે. જમીન પર શૂન્યાવકાશ પેદા કરી શકાય છે, પણ નાગરિકોના ચિત્તમાં શૂન્યાવકાશ પેદા નથી કરી શકાતો એ આ ચૂંટણીનો મોટો બોધપાઠ છે.
એમાં કોઈ શંકા નથી કે મહારાષ્ટ્રમાં બી.જે.પી.-શિવસેનાની સંયુક્ત સરકાર રચાશે. તેને સ્પષ્ટ બહુમતી મળી છે, પણ બી.જે.પી.નો પરાજય થયો છે. ગઈ લોકસભાની ચૂંટણી પછી તેવર તો એવા હતા કે તેને શિવસેનાની ભાગીદારીની પણ જરૂર નથી. લોકસભાની ચૂંટણી વખતે મહારાષ્ટ્રમાં ૧૨૫ વિધાનસભા ક્ષેત્રોમાં બી.જે.પી.નો વિજય થયો હતો અને સેનાનો ૧૦૫માં. શિવસેનાને પણ એમ લાગવા માંડ્યું હતું કે બી.જે.પી. એકલે હાથે સરકાર રચવા જેટલી બેઠકો મેળવી શકે છે અથવા તો જરાક માટે છેટે રહેશે. એમાં કાશ્મીરની ઘટના બની પછી તો પૂછવું જ શું? નેશનલ રજીસ્ટર ઑફ સિટિઝન્સને આખા દેશમાં લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી. રાષ્ટ્રવાદ તેની ચરમસીમાએ હતો. વડા પ્રધાન સહિતના બી.જે.પી.ના નેતાઓની તુમાખી, અભિમાન. તેમની ભાષા, તેમની દેહભાષા(બૉડી લેન્ગવેજ)માં આ જોવા મળતું હતું.
ભરોસો ઉપર કહ્યો એવા આકાર આપવામાં આવેલા બગીચા પર હતો. તેમને એમ લાગવા માંડ્યું હતું કે ચૂંટણી તો એક ઔપચારિકતા છે, વિજય તો આપણો જ છે. હરિયાણામાં બી.જે.પી.નો રીતસર તો પરાજય થયો છે. એ વાત જુદી છે કે હરિયાણામાં સરકાર બી.જે.પી.ની જ રચાશે; પણ લોકતંત્રનું માત્ર કલેવર ટકાવી રાખવાથી, પ્રાણ હરી લેવાથી અને રાજકીય શૂન્યાવકાશ પેદા કરવાથી ક્યારે ય પરાજયનો સામનો નહીં કરવો પડે એ ભ્રમ ભાંગ્યો છે.
હરિયાણામાં ૯૦ સભ્યોની વિધાનસભામાં બી.જે.પી.એ ૪૦ બેઠકો મેળવી છે અને ૨૦૧૪ની તુલનામાં સાત બેઠકો ગુમાવી છે. ગઈ લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને ૯૦માંથી ૭૯ વિધાનસભા ક્ષેત્રોમાં વિજય મળ્યો હતો. મહારાષ્ટ્રમાં૨૮૮ સભ્યોની વિધાનસભામાં બી.જે.પી.ને ૧૦૫ (બહુમતી માટે જરૂરી ૧૪૫) બેઠકો મળી છે અને ૨૦૧૪ની તુલનામાં ૧૭ બેઠકો ગુમાવી છે. શિવસેનાએ ૨૦૧૪ની તુલનામાં સાત બેઠકો ગુમાવી છે. આનો અર્થ એ થયો કે લોકોનો રોષ સેના કરતાં બી.જે.પી. સામે વધુ પ્રકટ થયો છે. નરેન્દ્ર મોદીના રાજકીય દિગ્વિજય છતાં ય, કાશ્મીરની ઘટના છતાં ય, રાષ્ટ્રવાદ ઉફાને હોવા છતાં ય, જગતમાં વાહવાહી કરાવાતી હોવા છતાં ય, પક્ષાંતર કરાવીને વિરોધ પક્ષોના ખટારા ખાલી કરાવ્યા હોવા છતાં ય, અઢળક ધન હોવા છતાં ય, આરતી ઉતારનારા મીડિયા હોવા છતાં ય અને મૂલ્યોના રખેવાળોની ચૂપકીદી છતાં ય. આમ કેમ બન્યું?
આનાં બે કારણ છે. એક કારણ છે તુમાખી. પ્રજાને પૌરુષત્વ ભાવે છે, તુમાખી નહીં. પૌરુષત્વમાં અને તુમાખીમાં ફરક છે. છેલ્લા કેટલાક સમયથી રાષ્ટ્રવાદના પૌરુષત્વના નામે તુમાખી અને આછકલાઈનું પ્રદર્શન કરવામાં આવતું હતું. અમને હરાવી શકે એવો કોઈ માઈનો લાલ બચ્યો હોય તો સામે આવે એમ કહીને સાથળ ઠોકવામાં આવતા હતા. દાદાગીરી કરીને દરેક પ્રતિસ્પર્ધીની જમીન આંચકવામાં આવતી હતી. લોકોને આ ગમ્યું નથી એમ પરિણામો બતાવે છે. વધારે પડતું અભિમાન ભારતીય પ્રજાને રુચતું નથી એ આપણો સ્વભાવ છે. આને જ કારણે આ વખતનાં ચૂંટણી પરિણામોમાં એક ચીજ ઊડીને આંખે વળગે એવી બની છે. કૉન્ગ્રેસ, રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પક્ષ અને અન્ય પક્ષોમાંથી જેટલા લોકોએ પક્ષાંતર કરીને બી.જે.પી.-સેનાની ટિકિટ પર ચૂંટણી લડી હતી એમાંના મોટા ભાગના લોકો પરાજીત થયા છે. મહારાષ્ટ્રમાં ઉદયન રાજે ભોસલે અને ગુજરાતમાં અલ્પેશ ઠાકોર આનું ઉદાહરણ છે.
બીજું કારણ જમીન પરના રોટલાના પ્રશ્નો તરફ આંખ આડા કાન કરવાની મનોવૃત્તિ. જરૂર જ શું છે જ્યારે આપણે એક માત્ર રાષ્ટ્રવાદી અને દેશભક્ત હોઈએ. જરૂર જ શું છે જ્યારે પ્રજાને ચોવીસે કલાક રાષ્ટ્રવાદના નશામાં રાખવામાં આવતા હોય. જરૂર જ શું છે જ્યારે સામે વિરોધ પક્ષોની જમીન આંચકી લેવામાં આવી હોય. શાસકોને જેની જરૂર નહોતી વરતાણી તેની જરૂર પ્રજાએ અનુભવી હતી. કાર્પેટ તળે કચરો છૂપાવી શકાય, પણ ઉકરડાને કાર્પેટ તળે ન ઢાંકી શકાય. એવી સ્થિતિમાં લોકો એમ કહે કે ઉકરડા પર કાર્પેટ બિછાવી છે. આખું જગત મંદીની ચેતવણી આપતું હોય, યુવાનો રોજગારી વિનાના બેકાર હોય, જરૂરી ચીજવસ્તુઓના ભાવો આસમાને હોય, બેંકો ઉપરાઉપર ઊઠી જતી હોય, સામાન્ય માણસો તેના શિકાર બનતા હોય, કારખાનાંઓ બંધ પડી રહ્યા હોય; પણ એ છતાં ય જ્યારે તેની નોંધ પણ લેવામાં ન આવે, એટલું જ નહીં મંદી હોવાનો અસ્વીકાર કરવામાં આવે એ તો હદ કહેવાય. મંદીની વાતો એ દેશને બદનામ કરવાનું કાવતરું છે એમ કહેવામાં આવે છે.
ક્યાંક કશેક લોકોને એમ લાગવા માંડ્યું હોવું જોઈએ કે આ સરકાર આપણને માત્ર ને માત્ર રાષ્ટ્રવાદના નશામાં જીવાડવા માગે છે, બાકી પ્રજાકીય સુખાકારીનો તેની પાસે કોઈ એજન્ડા જ નથી. એજન્ડા શું પ્રાથમિકતા પણ નથી. આમ તો રાષ્ટ્રવાદનું શાસ્ત્ર એમ કહે છે કે લોકો અસ્મિતાઓના નશામાં રોટલો ભૂલી જાય છે. પરિણામ જોતાં એમ લાગે છે કે સંકટ એટલું મોટું અને ઊંડું છે કે રોટલા સામે રાષ્ટ્રવાદ મોળો પડ્યો છે.
કેન્દ્ર સરકારે હવે લોકોના પ્રશ્નો કાને ધરવા જોઈએ. આ પરિણામોનો બોધપાઠ છે.
સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 ઑક્ટોબર 2019
![]()


રંગકર્મી અને કવિ સૌમ્ય જોશીનું નામ અત્યારે પ્રસિદ્ધિમાં છે, તે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’નાં ગીતો અને સંવાદોના લેખક તરીકે. પણ દિવાળી ટાણે આ સર્જક યાદ આવે છે, ‘મારું નામ ગણેશ વેણુગોપાલ’ નામની તેમની લાંબી કથાત્મક કવિતાને કારણે. સૌમ્યનાં એક માત્ર કાવ્યસંગ્રહ ‘ગ્રીનરૂમમાં’ (2008) વાંચવા મળતી આ કવિતાનું પેટાશીર્ષક છે ‘શિવાકાશીનાં ફટાકડાની ફૅક્ટરીથી આવેલો પત્ર’.
ગણેશ હવે કવિતામાં દોસ્ત બાલાજીની વાત માંડે છે કે એ એનાથી ‘મોટો એટલે દસ અથવા બાર વરસ જેટલો હશે’. બાલાજી તેના સાથીદારોને ‘રાતે બઉ કામ હોય ને બઉ ઊંઘ આવતી હોય ત્યારે’ ‘વેંતિયાઓની મસ્ત વારતા કહેતો’. બાલાજી પોતે રચેલી એ વારતાઓ એના દાદાજીએ કહી છે એમ જૂઠ્ઠું બોલતો. એ હકીકત રામન, ગણેશ અને બીજાં ય બાળકો પણ જાણતા હતા પણ એમણે બાલાજીને કીધું નહીં કે એનું જુઠ્ઠું એમને ખબર છે. સૂચક છે કે એના દાદા બીજા બધાંના દાદાની જેમ એના જન્મ પહેલાં જ મરી ગયા હતા. ગણેશને પહેલાં દિવસે બાલાજીની ‘બાજુમાં બેસવાનું આયું’ બેઠો ત્યારે એણે જોયું કે ‘એ એકદમ ફાસ્ટ દિવેટો બનાવતો’તો’. ગણેશની નાકમાં પહેલી વાર દારૂની કચ્ચર ગઈ, આંખ બહુ બળી, એને ઠંડી ચડી, તાવ આવ્યો. ‘પછી સુપરવાઇઝર આયો ને મા પર ગાળ બોલ્યો’. ગણેશ રડવા જેવો થઈ ગયો, એણે બાલાજીને ખભે હાથ મૂકીને કહ્યું : ‘મારે એક દાદા છે ને એ મને વારતા કે’ છે’. થોડા દિવસ પછી ગણેશ પણ બાલાજીને ખભે હાથ મૂકવા લાગ્યો. ગણેશ સાહેબને પત્રમાં બાલાજી વિશે આગળ લખે છે :
નાનાભાઈ ભટ્ટ અને મનુભાઈ પંચોળી ‘દર્શક’ — આ બંનેનાં લખાણનો પરિચય બહુ મોડેથી થયો. ભણવામાં ‘દર્શક’ની નવલકથામાંથી કે નાટકમાંથી પાઠ આવતા હશે. પણ થોડાં વર્ષ પહેલાં તેમની સોક્રેટિસ અને લોકશાહી વિશેની પુસ્તિકા વાંચીને મનમાં ઘણા ચમકારા થયા. ત્યાર પછી તેમનાં એ પ્રકારનાં વધુ લખાણ વાંચ્યાં. સાથોસાથ, ‘વાગીશ્વરીનાં કર્ણફૂલ’માં તેમણે ક્લાસિક કૃતિઓનું જે રીતે (રસાસ્વાદલક્ષી) વિવેચન કર્યું, તેમાં પણ ‘દર્શક’ની સૂઝ, સ્પષ્ટતા, ઊંડાણ, ચોટદાર અભિવ્યક્તિ, સરળતા ઉપરાંત લોકશાહી અને નાગરિકધર્મ વિશેની નિસબત બહુ સ્પર્શ્યાં. એ વિષયોમાં ‘દર્શક’નાં કેટલાંક લખાણના પ્રકાશમાં આજની સ્થિતિની થોડી વાત કરવી છે.
આપણે વાત ‘દર્શક’ નિમિત્તે લોકશાહીની અને વર્તમાન સ્થિતિની કરવાની છે. એટલે આવા સવાલના જવાબ આપવા પણ પડે. તો, બીજા સવાલનો જવાબ પહેલોઃ તમે ક્યાં હતા? મારું તો જાણે સમજ્યા — ઇંદિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે હું બાળમંદિરમાં હતો — પણ પ્રકાશભાઈ જેવા મોટા ભાગના લોકો હોવા જોઈએ ત્યાં જ હતા — જેલમાં. ટૂંકમાં, જે અત્યારે આ સરકારની બિનલોકશાહી રીતરસમનો વિરોધ કરે છે, તેમાંના ઘણા ખરા ઇંદિરા ગાંધીની બિનલોકશાહી રીતરસમોના પણ વિરોધી હતા અથવા ધીમે ધીમે બન્યા હતા.