પિતાએ પુત્રીને પૂછ્યું :
તારે ભણવું છે? પણ શા માટે?
મારા દીકરાઓ છે તે ભણશે.
તારે ભણીને કઈ પટલાઈ કરવાની છે?
મારાં સપનાંની ઉડાન માટે, હું ભણીશ જ,
જ્ઞાનનો દીપક ઝળહળ રહે એટલે,
જીવન સમરાંગણમાં ટકવા માટે પણ,
ને વળી હું છોકરી છું તેથી તો ખાસ !
માણસોના અત્યાચારોથી બચવા,
મારાં મૌનના સંસ્કારના અંત માટે,
પિતૃસત્તાને પડકારવી છે તેથી,
બધા ભેદભાવ મિટાવી દેવા છે,
ને વળી હું છોકરી છું એટલે તો ખાસ !
જાત વગરની જાત્રા ખોટી તે અનુભવવા માટે,
સામાજિક ન્યાય માટે કાયદા ઘડી શકાય એટલે,
સદીઓ પુરાણી ધૂળ ખંખેરી નંખાય તેથી,
પડકારોને પહોંચી વળવા કાજ હું ભણીશ જ,
ને વળી હું છોકરી છું એટલે તો ખાસ !
સાચુંખોટું શું તેનો ભેદભરમ ભંગાય જાય તેથી,
મારો અવાજ બુલંદ બનાવવા ખાતર,
નારીમુક્તિ ગીતગુંજન કાજ તો હું ભણીશ જ,
દીકરીઓ માટે વસવાટ લાયક દુનિયાનું સર્જન કરવાં માટે,
ને વળી હું છોકરી છું એટલે તો ખાસ !
પિતા બોલ્યા:
જાગી છે તો ઊઠ ને થા ઊભી!
દોડતી રહેજે ….
ડરીશ નહીં
પડીશ આખડીશ તો છે ખમતીધર છે માબાપ તારાં
ને ભાઈલા છે પ્યારા
ધરપત રાખજે, મંડી રહેજે
ભણીગણીને પગભર રહેજે
જીવન છે તારું, ઘડતર કરીશ ન્યારું
કરી દેખાડજે મંઝિલ પાર,
ડરીશ નહીં ખમતીધર છે માબાપ તારાં ……
(અહીં છેવટે પિતાનો જવાબ મેં ઉમેર્યો છે.)
![]()


આપણા દેશમાં સામાન્ય રીતે રાજકીય નેતાઓ પાસેથી તેમની રાજકીય સફર કે પછી તે દરમિયાન કરવામાં આવેલાં લોકહિતનાં કાર્યોનાં સંભારણાંની અપેક્ષા રાખવામાં આવે છે; અને મહદંશે આ જ અપેક્ષા તેઓ પૂર્ણ કરતા રહ્યા છે. જૂજ રાજકીય નેતાઓ પોતાની આ છબિમાંથી બહાર નીકળીને કોઈ કાર્ય કરે છે. મનીષ સિસોદિયા તેમાંના જ એક છે. તેમણે દિલ્હીના શિક્ષણક્ષેત્રની કાયાપલટ કરી છે અને સરકારી શાળાઓને શ્રેષ્ઠ રીતે કાર્યરત કરી બતાવી છે. સરકારી માળખામાં અચ્છા અચ્છા પ્રયોગ કરનારા આવીને બીબાંઢાળ કામો કરીને પોતાની ટર્મ પૂરી કરી નાંખે છે, જ્યારે મનીષ સિસોદિયાએ અલગ તરી આવે તેવું કામ શિક્ષણમાં કર્યું છે. વર્તમાન સમયમાં ખાનગી સ્કૂલોની બોલબાલા છે અને શહેરી મધ્યમવર્ગ પણ સરકારી શાળાઓના ભરોસે પોતાનાં બાળકોનું શિક્ષણ કરાવવા માંગતા નથી. આ માહોલમાં દિલ્હીના શિક્ષણમાં થયેલા કાર્યને પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષોના લોકો પણ સ્વીકારે છે. તેમનું તાજેતરમાં પ્રકાશિત પુસ્તક ‘શિક્ષા : માય એક્સ્પેરિમેન્ટ્સ એઝ એન એજ્યુકેશન મિનિસ્ટર’ આ અંગેનો દસ્તાવેજ પૂરો પાડે છે.
શ્રીમદ્ રાજચંદ્ર પરનું નાટક ‘યુગપુરુષ’ રંગમંચ પર તો નહોતું જોઈ શકાયું પણ હમણાં ટેલિવિઝન પર તેનું પ્રસારણ થયું, ત્યારે તેને જોવાનો મોકો મળ્યો. આ નાટક વિશે ખૂબ પ્રશંસાની સાથે સાથે તેને લગતાં જુદાં જુદાં ચર્ચાવિવાદ પણ વાંચેલાં. નાટક જોયા પછીની મારી પહેલી અસર એ પડી કે એક નાટક તરીકે આ એક ઘણું સારું, જાણવા અને સમજવા લાયક, પ્રેરણાદાયી તેમજ પ્રભાવકારી અને તેના લેખક-દિગ્દર્શકના પક્ષેથી પણ એક અત્યંત ચુસ્ત, લોકભોગ્ય અને સાથે સાથે કલ્પનાશીલ અને પ્રયોગશીલ નાટક બની શક્યું છે. બે મહાન ચરિત્રોનાં જીવન, વિચારો, કાર્યો અને પ્રસંગોને બે કલાકમાં રસપ્રદ શૈલીમાં રજૂ કરવાં તે પોતે જ એક મોટો પડકાર કહી શકાય. વળી, આજના સમયમાં શ્રીમદ્ અને ગાંધી જેવી આધ્યાત્મિક વ્યક્તિઓનાં આત્મચિંતનમાં પ્રેક્ષકોને રસ લેતા કરવા, તેમની બેઠક પર બે કલાક જકડી રાખવા અને એમ કરવામાં નાટ્યલેખક અને રંગમંચકલાના તમામ કલાકસબને પ્રમાણસર ઉપયોગમાં લેવા એ કપરી કસોટીમાંથી આ નાટકના કલાકારો સફળ રીતે પસાર થયા હોવાનો અનુભવ ચોક્કસ થાય છે.