વર્તમાન વિશ્વમાં વિજ્ઞાનનો વિકાસ ચરમ પર છે. નવા નવા વૈજ્ઞાનિક સંશોધન અને શોધખોળોએ સાંપ્રત વિશ્વને એક ગ્લોબલ વિલેજ બનાવી દીધું છે. માહિતી અને સંચારક્રાંતિના આ યુગમાં માનવજાતને અનેક ભૌતિક સુખ સગવડોનું વરદાન વિજ્ઞાને આપ્યું છે, તો સાથે કડવી વાસ્તવિકતા એ પણ છે કે, કેટલીક શાપરૂપ ઘાતક ઘટનાઓ પણ તેમાંથી નીપજી છે. મહાન વેજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનના મતે માણસ મન અને હૃદયથી સ્વસ્થ, તંદુરસ્ત કે મનદુરસ્ત હોય તો જ વિજ્ઞાન વરદાન બને ! નહિ તો વિજ્ઞાન વિનાશકારી પણ બને ! માણસ દુર્યોધનની જેમ ધર્મ જાણતો હોવા છતાં તેમાં પ્રવૃત્ત થઇ શકતો નથી.
જાનામિ ધર્મે ન ચ મેં પ્રવૃત્તિ
જાનામ્યધર્મે ન ચ મેં નિવૃત્તિ :
કેનાપિ દેવેન હ્રુદિસ્થિતેન
યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ.
વિજ્ઞાનની વિનાશકારી શક્તિનો અંદાજ હોવા છતાં, વિજ્ઞાનની ખંડનાત્મક તાકાતના પરિણામ માણસે ભૂતકાળમાં જોયા હોવા છતાં તે આગ સાથે રમત કરે છે ! નવા નવા અખતરા કરતો રહે છે. આવા અકુદરતી અખતરાઓમાંથી જ ક્યારેક ભસ્માસૂર પેદા થઇ જાય છે. COVID -19, કોરોના વાયરસ એક આવો જ ભસ્માસૂર છે ! ચીનના વુહાન શહેરમાં જન્મેલો આ જીવલેણ વાયરસ, આજે તો વિશ્વવ્યાપી મહામારી (PANDEMIC) બની, વિશ્વને ઘમરોળી રહ્યો છે. સમગ્ર દુનિયામાં 29 લાખ કરતાં વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા છે. લગભગ બે લાખ કરતાં વધુ લોકો મોતને ભેટી ચુક્યા છે. વિશ્વ આખું લોકડાઉનને કારણે સૂનસાન ભાસે છે, મહાનગરની શેરીઓમાં સન્નાટો છે જાણે કે –
જ્યાં જુઓ ત્યાં જગત મધ્યે, જમ દેખાય છે,
બાકી પડતી ઉઘરાણીએ આવેલ યમ દેખાય છે !
ચીનના વુહાન શહેરમાં તબાહી મચાવ્યા બાદ યુરોપ – અમેરિકામાં એનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. એકલા અમેરિકામાં આઠથી દસ લાખ લોકો કોરોના સંક્રમિત છે, પચ્ચીસ હજાર કરતાં વધુ લોકો કોરોનાની બલી ચઢી ચુક્યા છે. ઇટાલી, સ્પેન, જર્મની, ફ્રાંસ અને ઈંગ્લેંડમાં હજારોની સંખ્યામાં લોકો મરી રહ્યાં છે. મહાસત્તા કહેવાતા દેશો ઘૂંટણીએ પડી ચુક્યા છે, વિકસિત દેશોની આરોગ્ય વ્યવસ્થા પડી ભાંગી છે. એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા જેવા ખંડો સહિત ભારત પર કોરોનાનો વિનાશકારી પંજો પડી ચુક્યો છે. WHOએ કોરોનાને PANDEMIC (સર્વ વ્યાપી મહામારી) જાહેર કરી છે. તબીબ સંશોધકો, વૈજ્ઞાનિકો બે ત્રણ મહિનાની મથામણ પછી પણ આ રોગની રસી (vaccine) શોધવામાં સફળ થયા નથી. વિશ્વ સાશંક નજરે પૂછી રહ્યું છે કે, આનો અંત ક્યારે થશે ?
COVID-19થી સૌથી વધુ પ્રભાવિત યુરોપ અને અમેરિકા, પોતાની બેદરકારીને કારણે આજે મહામારીનું રૌદ્ર રૂપ જોઈ રહ્યાં છે, મોતનું તાંડવ જોઈ અકળાઈ ઊઠેલા શાસકો એક બીજ પર દોષારોપણ કરી રહ્યાં છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, વાયરસ ફેલાવવા માટે ચીનને જવાબદાર ગણી ષડ્યંત્રનો આરોપ લગાવે છે, એટલું જ નહિ વિશ્વ આરોગ્ય સંસ્થા પર ચીનની તરફદારી કરવાનો આક્ષેપ લગાવી, WHOની નાણાંકીય સહાય રોકી દીધી છે. જર્મની 149 બિલિયન યુરોનો વળતરનો દાવો ચીન સામે માંડવા તૈયાર થયું છે. અન્ય યુરોપીય દેશો પણ ચીનને દોષી ગણી રહ્યાં છે. ત્યારે ઈરાન, રશિયા અને ચીન, અમેરિકા પર કોરોનાનો બાયો-વેપન તરીકે ઉપયોગ કરવાનો આક્ષેપ લગાવી રહ્યાં છે. આક્ષેપ – પ્રતિ આક્ષેપની સ્પર્ધામાં એક બાબત આપણી નજરે પડે છે તે છે, જૈવિક શસ્ત્રો …
આધુનિક વિશ્વમાં પોતાને સુપર પાવર સાબિત કરવા અમેરિકા, રશિયા, ચીન જેવા રાષ્ટ્રો વચ્ચે હોડ જામી છે. દરેક દેશ પોતાનું સંરક્ષણ બજેટ વધારી રહ્યો છે, અણુ-પરમાણુ અસ્ત્રો-શસ્ત્રોનું પરીક્ષણ, રાસાયણિક અને જૈવિક શસ્ત્રોના નવા નવા પ્રયોગો પ્રયોગશાળાઓમાં થતા રહે છે. દુનિયાના દેશો વચ્ચે સરહદોનો સંઘર્ષ અને આતંકવાદની સમસ્યા તણાવ અને ટકરાવને જન્મ આપે છે. આજના આણ્વિક વિશ્વમાં પરિસ્થિતિ એવી થઇ ગઈ છે કે કોઈ પણ દેશ સીધે સીધું યુદ્ધ લડવા તૈયાર નથી. કેમ કે હવે પરંપરાગત યુદ્ધ સમય માંગી લેતી લાંબી, ખર્ચાળ અને વિનાશક પ્રવૃત્તિ છે. એટલે પોતાના દુશ્મન વિરુદ્ધ અપ્રત્યક્ષ યુદ્ધ(Proxy war)ની પદ્ધતિ ઘણાં દેશો અપનાવી રહ્યાં છે. યુદ્ધ લડવા સક્ષમ ન હોય તેવા દેશો બદલાની ભાવનાથી આતંકવાદનો સહારો લે છે. ક્યારેક દુશ્મન કા દુશ્મન દોસ્ત એ હિસાબે અમેરિકા, ચીન જેવા દેશો આપણા પાડોશી પાકિસ્તાનને મદદ કરે, એના આતંકવાદી સંગઠનોને આર્થિક, લશ્કરી કે શસ્ત્રોની સહાય આપે, આતંકીઓને ટ્રેનિંગ આપે, એટલું જ નહિ પણ UNO જેવા વૈશ્વિક મંચ પરથી મોરલ સપોર્ટ આપે, અપ-પ્રચાર કરે અને વિવાદાસ્પદ મુદ્દાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે ઊઠાવી આતંકને પ્રોત્સાહન પૂરું પાડે છે !!
વર્તમાન વિશ્વની સૌથી મોટી સમસ્યા સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ છે. અમેરિકા, રશિયા, ચીન, પાકિસ્તાન જેવા દેશો આ પ્રકારની પ્રવૃત્તિને પ્રોત્સાહન પૂરું પાડે છે. આ કારણથી તો આતંકવાદી સંગઠનો વધુને વધુ હાઈ ટેક બની રહ્યાં છે. સાંપ્રત સમયના આતંકવાદી સંગઠનો હવે માત્ર ધર્માંધ કટ્ટરપંથીઓ પૂરતા મર્યાદિત રહ્યાં નથી ! આજે તો ધાર્મિક જેહાદને નામે, વિચારધારાને નામે, અન્યાય – અત્યાચારને નામે કે માનવાધિકારને નામે ઉચ્ચ શિક્ષણ ધરાવતા અનેક, ડોક્ટર, એન્જીનિયર, પ્રોફેસર કે વૈજ્ઞાનિક વિચારધારા ધરાવતા લોકો પણ આતંકી સંગઠનોમાં જોડાઈ રહ્યાં છે. ત્યારે સ્વાભાવિક રીતે જ આતંકી પ્રવૃત્તિ હાઈ ટેક બને. વળી, બળતામાં ઘી હોમવાનું કાર્ય સ્ટેટનું સમર્થન કરે છે.
યુદ્ધ કે સંઘર્ષના સમયે દુશ્મન દેશ વિરુદ્ધ ઝેરી પદાર્થો કે ચેપી જીવાણુંઓનો ઉપયોગ પ્રાચીન સમયથી થતો આવ્યો છે. આજે પણ અમેરિકા, ચીન, ઈરાક જેવા દેશો પોતાના વિરોધીઓ કે દુશ્મન દેશોમાં પોતાના સૈનિકો દ્વારા કે આતંકવાદીઓ દ્વારા ઝેરી પદાર્થો (Toxins), સૂક્ષ્મ ઘાતક જીવાણું (Bactaria) કે વિષાણું(Virus)નો ઉપયોગ માનવજાત, જીવજંતુ કે વનસ્પતિ વિરુદ્ધ કરે છે. આ પ્રકારના જૈવિક આતંકનો ઇતિહાસ ઘણો જૂનો છે.
આવો એના પર નજર નાખીએ −
ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદી(600 BC)માં અસીરિયન અને ગ્રીક પ્રજા વચ્ચેના સંઘર્ષમાં એક બીજાનાં પાણીનાં સ્રોત, કૂવા, જળાશય વગેરેમાં ઝેર નાંખીને પાણી દૂષિત કરી આતંક ફેલાવવામાં આવતો. તો વળી તેરમી – ચૌદમી સદીમાં મોંગોલ સેના દ્વારા કાફ્ફા શહેર(હાલના યુક્રેનનું ફિઓદોશીયા શહેર)માં પ્લેગથી મૃત્યુ પામેલા સૈનિકની લાશ, લાકડાની મોટી ગોફણ જેવી રચના દ્વારા જીવાણું બોમ્બના રૂપે શહેરમાં ફેંકવામાં આવતી, જેના કારણે યુરોપમાં પ્લેગે મહામારીનું રૂપ ધારણ કર્યું અને ભારે વિનાશ વેરાયો.
એર બોન અને બ્યુ બોનિક પ્લેગના સમયમાં પ્રજાઓ એકબીજા પર આક્ષેપ કરવા માંડી અને જવાબદાર ઠેરવવા લાગી! અફવાઓ ફેલાવવામાં આવી, આ સમયે યુરોપમાં વસતી લઘુમતી યહૂદી પ્રજા સોફ્ટ ટાર્ગેટ બની. તેમને જર્મન – રોમન પ્રજા દ્વારા ખુલ્લે આમ ચેતવણી આપવામાં આવી …. કન્વર્ટ થાવ ક્યાં તો મરવા તૈયાર રહો. હજારોની સંખ્યામાં યહૂદીઓએ સ્થળાંતર કરવું પડ્યું.
18મી સદીમાં અમેરિકાના રેડ ઈન્ડિયનોને શીતળાના ચેપવાળા ધાબળા આપવામાં આવ્યા જેનાથી શીતળાનો રોગ ફેલાયો.
જૈવિક અને રાસાયણિક આતંકની નજીકના ભૂતકાળની ઘટનાઓ જોઈએ તો –
2જી એપ્રિલ 1979માં તત્કાલીન USSRના સ્વેર્દલોવાસ્ક શહેરમાં કોઈ આતંકી સંગઠન દ્વારા 4થી 5 મીલીગ્રામ એન્થ્રેક્સ છોડી 1000થી 1200 માણસોને મોતને ઘાટ ઊતારવામાં આવ્યા.
ઈ.સ.1984માં અમેરિકાના ઓરેગોન(Oregon)ના રજનીશ આશ્રમ પર દસ જેટલા સ્થાનિક રેસ્તોરાંનાં સલાડમાં સાલમોનેલા નામના બેક્ટેરિયા – જીવાણું ભેળવ્યાનો આક્ષેપ થયો, સ્થાનિક ચૂંટણીને પ્રભાવિત કરવા કરાયેલી આ હરકતમાં ૭૫૦ જેટલાં માણસો મૃત્યુ પામ્યાં અને અનેક પ્રભાવિત થયાં.
16 માર્ચ 1988 ઉત્તર ઈરાકના કુર્દ વિસ્તાર હલાઝા પર ઈરાકી પ્રમુખ સદ્દામ હુસેને રાસાયણિક શસ્ત્રો અને ઝેરી ગેસથી હુમલો કર્યો, પરિણામ સ્વરૂપે ૫,૦૦૦ કુર્દ લોકો મોતને ભેટ્યા.
ઈ.સ.1991માં જર્મનીમાં નિયો નાઝી આતંકવાદી પંપ દ્વારા હાઈડ્રોજન સાઈનાઈડ ગેસ છોડવાના પ્રયાસમાં પકડાઈ ગયો.
20 માર્ચ 1995માં ટોક્યો રેલવે સ્ટેશન પર ‘ઔ શિનરિક્યો’ નામના આતંકવાદી સંગઠનની ત્રણ વ્યક્તિઓએ એક પ્લાસ્ટિક બેગમાં છુપાવેલા ‘સરીન’ નામના ગેસની કોથળીને છત્રીની અણીથી પંચર કરી વાતાવરણમાં ઝેરી ગેસ ફેલાવ્યો, જેના કારણે 13 લોકો મૃત્યુ પામ્યા. આ દુર્ઘટનાની દર્દનાક બાબત એ હતી કે ઘટનાના ત્રણ કલાક સુધી કોઈને ખબર સુધ્ધાં ન પડી કે વાતાવરણ કેવી રીતે પ્રદૂષિત થયું. મે 1995માં ફરી વાર આ સંગઠને પ્રયાસ કર્યો જે નિષ્ફળ ગયો અને છાપેમારીમાં ધરપકડો થઇ, પૂછપરછમાં સામે આવ્યું કે તેમની પાસે રિમોટથી ચાલતા હેલિકોપ્ટર પણ હતા, જેના દ્વારા આ જીવલેણ ગેસને પ્રવાહિત કરી શકાય. આ હેલિકોપ્ટરની ક્ષમતા 4.5 કિલો વજન ઊંચકવાની અને મારક ક્ષમતા 100-140 કિ.મી. સુધીની હતી.
1996માં અમેરિકામાં એક આતંકવાદીને ત્યારે પકડવામાં આવ્યો જ્યારે તે લેબોરેટરીના કોડ નંબર દ્વારા બ્યુ બોનિક પ્લેગના જીવાણું મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ૧૯૯૯માં એક ચેચેન બળવાખોરે રશિયાના પરમાણુ રિએક્ટર પર હુમલો કરવાની ધમકી આપી.
2001ના ખાડી યુદ્ધમાં (Gulf War) ઈરાક દ્વારા રાસાયણિક અને જૈવિક હુમલાનું જોખમ હતું. એક દાવા પ્રમાણે ઈરાક પાસે 2,200 ગેલન એન્થ્રેક્સ, 5,૦૦૦ ગેલન બારુલિનિયમ, ૩ ગેલન રિસીન તથા 89 ગેલન ગૈંગરિન બેક્ટેરિયાનો ભંડાર છે. આ ઉપરાંત ઈરાકે એવો પણ દાવો કર્યો હતો કે ટ્રાઈકોથિસીન પરનું સંશોધન કાર્ય પૂરું થયું છે. અહીં વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે , ખાડી યુદ્ધ પછી અમેરિકા આવા કોઈ ભંડાર શોધી શક્યું નથી !!
સપ્ટેમ્બર 2001માં અમેરિકાના વ્હાઈ હાઉસમાં ટપાલ દ્વારા એન્થ્રેક્ષ મોકલવમાં આવ્યું જેમાં 5 લોકો મૃત્યુ પામ્યા.
વિજ્ઞાનના વિકાસની સાથે વિશ્વના દેશોએ સામૂહિક વિનાશના સસ્તા અને સરળ આયુધોનું સર્જન કર્યું છે અને કેટલાક સનકી શાસકો એનો ઉપયોગ પણ કરતાં રહ્યાં છે. બાયોલોજીકલ વોરફેર કે બાયો વેપન્સ તરીકે ઉપયોગમાં લેવાતાં જીવાણુંઓમાં મુખ્યત્વે – Bacterium, Virus, Protozoan, Parasite અને Fungus છે. આ ઉપરાંત Pathogens, Toxins અને Biotoxin સાથે 1,200 જેટલા જુદા જુદા પ્રકારના સામૂહિક વિનાશનાં શસ્ત્ર બનાવી શકાય તેટલાં બાયો એજન્ટો છે.
દુનિયાના દેશો જૈવિક આયુધોની વિનાશકારી શક્તિને જાણે છે. એટલે 1972માં બાયોલોજીકલ વેપન્સ કન્વેન્શન હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરે એક સંધિ કરીને, જૈવિક શસ્ત્રોના ઉપયોગ અને સંગ્રહ (અનામત જથ્થાનો સંગ્રહ) પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરી 2015 સુધીમાં 171 દેશોએ આ સંધિ પર સહમતિ દર્શક સહી કરી છે. છતાં વિડંબના એ છે કે દુનિયાની મહાસત્તાઓ, સમર્થ દેશો ચોરીછૂપીથી જૈવિક હથિયારો વિકસાવતા રહ્યાં છે. એના નવા નવા પ્રયોગો કરતા રહ્યાં છે. આ પ્રકારના બાયો એજન્ટોમાં જીવાણું, વિષાણું અને ફૂંગી મુખ્ય છે.
જીવાણું –
જીવાણું (Bacteria) એક કોશી સૂક્ષ્મજીવ છે. તેના મુખ્ય બે પ્રકાર છે. પોઝિટીવ અને નેગેટિવ. માણસનો બેક્ટેરિયા સાથેનો સંબંધ જટિલ છે. તે માણસને મદદરૂપ પણ થાય છે. સામાન્ય રીતે બેકટેરિયા, વાયરસ કરતાં કદમાં મોટા હોય છે. બેકટેરિયા સ્વયં સૂક્ષ્મ જીવ તો છે જ, પણ તેને લેબોરેટરીમાં પણ તૈયાર કરી શકાય છે. જીવાણુંનું પ્રસરણ વિખંડનની પ્રક્રિયા દ્વારા થાય છે. બાર કલાકમાં તેની સંખ્યા 68 અબજથી પણ વધુ થઇ શકે છે અને વર્ષો સુધી તે સક્રિય રહે છે. જીવાણું દ્વારા એન્થ્રેક્સ, કોલેરા, પ્લેગ, ટાઈફોઈડ જેવા રોગો ફેલાય છે. આ જીવાણુંઓ જૈવિકયુદ્ધના હથિયારો બની શકે છે. સૂક્ષ્મ બેક્ટેરિયાને કોઈ પણ ખાદ્યપદાર્થમાં ભેળવી તેનો ઉપયોગ બાયો વેપન્સ તરીકે કરી શકાય છે. એન્થ્રેક્સનો ઉપયોગ ઘણાં લાંબા સમયથી થતો આવ્યો છે.
કોલેરાના જીવાણુંઓનો ઉપયોગ પણ ઘણાં સમય પૂર્વેથી થતો રહ્યો છે. કોલેરાના જીવાણુંઓનો ઉપયોગ 1930માં ચીન અને મંચુરિયાના વિઘટનકારીઓએ કર્યો હતો. તો બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન 1940માં જાપાને, ચીન વિરુદ્ધ, ચીનના ઝોજીઆંગ પ્રાંતના નીન્ગ્બો (Ningbo) બંદરના એક વિસ્તાર Kaimingie પર પ્લેગના જીવાણુંઓનો હુમલો કર્યો હતો, આ ઉપરાંત વનસ્પતિ કે જમીનને પ્રદૂષિત કરવા ફૂંગી, જેવા બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે. અમેરિકાએ વિયેતનામ અને પૂર્વ કમ્પુચિયાની જમીન અને વનસ્પતિના વિનાશ માટે 1961થી 1971ની વચ્ચે હર્બીસાઇડનો ઉપયોગ કર્યો હતો.
વાયરસ (Virus)
વાયરસ એકકોષી અતિસૂક્ષ્મ જીવ છે. તે માત્ર બીજા જીવની જીવિત કોશિકાઓમાં જ વિકસી શકે છે. તે સંક્રામક એજન્ટ છે. માણસ, પશુ, પક્ષી, વનસ્પતિની સાથે સાથે બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવને પણ સંક્રમિત કરવાની શક્તિ તે ધરાવે છે. માનવજાતિના પચાસ જેટલા રોગો વાયરસના સંક્રમણને આભારી છે. પૃથ્વી પરની દરેક પરિસ્થિતિમાં જોવા મળતા, વાયરસની 5,000 જેટલી પ્રજાતિ અને લાખો પ્રકાર છે. હાલના સમયમાં વિનાશ વેરનાર કાળમુખો કોરોના એક વાયરસ નથી, વાયરસનું એક આખું ગૃપ છે. ફ્લુ પરિવારના આ વાયરસમાં SARS (Severe Acute Respiratory), MERS (Middle East Acute Respiratory) અને Corona – Covid-19 ઘાતક પ્રકારના વાયરસ છે. તેનો ફેલાવો સામાન્ય રીતે ખાંસી, છીંક દ્વારા થાય છે. HIVનું સંક્રમણ, યૌન સંક્રમણ છે. રોટા વાયરસ ગેસ્ટ્રો એન્ટેરાઈટીસ છે. જે મુખ દ્વારા કે મળ દ્વારા તેમ જ ભોજન, પાણી દ્વારા પણ પ્રસરે છે. કોરોના ગૃપના વાયરસ સામાન્ય શરદીથી લઈને શ્વસન તંત્રની ગંભીર સમસ્યાઓ ઊભી કરે છે. SARS – Cov . દ. ચીનમાં નવેમ્બર 2002થી જુલાઈ 2003ની વચ્ચે ફેલાયો, હોંગકોંગ એનું AP સેન્ટર હતું. આ વાયરસે 774 વ્યક્તિઓનો ભોગ લીધો. MERS – સાઊદી અરેબિયા(મીડલ ઇસ્ટ)માં 2012માં ઊંટ જેવા પ્રાણીઓ અને માણસોમાં ફેલાયો. જેને કારણે 850 કરતાં વધુ મોત થયા. આ ઉપરાંત પશ્ચિમ આફ્રિકાના ગીનીમાં ફેલાયેલ EBOLA(ડિસેમ્બર 2013) પણ ઘાતક વાયરસ છે. તે પણ ચામાચીડિયામાંથી જ આવ્યો હતો. ગીનીના મેલીઆંડું ગામના છોકરાઓએ જંગલમાંથી ચામાચીડિયાં પકડીને ખાધાં જેમાંથી EBOLA ફેલાયો. એ પછી વાંદરાના માંસથી અન્ય આફ્રિકન દેશોમાં તેનું સંક્રમણ થયું. EBOLAને કારણે આફ્રિકાના દેશો માં 11,000 કરતાં વધુ લોકો મરણને શરણ થયા.
COVID -19 (NOVEL- Cov) આ જૂથનો સૌથી વધુ ઘાતક વાયરસ છે. જે શ્વસન દ્વારા ફેફસાંમાં જાય છે. આમ તે માણસ કે પ્રાણીના શરીરમાં પ્રવેશી, શરદી, ખાંસી, તાવ અને શ્વસનતંત્રની ગંભીર સમસ્યા ઊભી કરી માણસને મોતને ઘાટ ઊતારે છે. ચીનના હુવેઈ પ્રાંતના વુહાન શહેરની એનિમલ માર્કેટથી પ્રસરેલ આ જીવલેણ વાયરસે પહેલા વુહાનમાં અને ત્યાર બાદ એશિયા, યુરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા ખંડોમાં ભયંકર વિનાશ વેર્યો છે. વિશ્વ આખું મહિના બે મહિનાથી લોકડાઉન છે. આખી દુનિયા સમયના એક ખંડ પર સ્થિર થઇ ગઈ છે. આધુનિક માનવી આદિકાળમાં આવી પડ્યો હોય તેવો ડર અને ડરામણું વાતાવરણ છે. સમગ્ર વિશ્વન કોરોનાનો આતંક જોઈ સ્તબ્ધ થઇ ગયું છે. મોતના આંકડા જીવતા માણસને ડરાવી રહ્યાં છે !! સમગ્ર વિશ્વમાં બે લાખ લોકો કોરોનાની બલિ ચઢી ચુક્યા છે, અને ઓગણત્રીસ લાખ લોકો સંક્રમિત છે. એકલાં અમેરિકામાં જ 9,25,000 સંક્રમિત છે અને 53,000 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. સ્પેન, ઇટાલી, ફ્રાંસ અને ઈંગ્લેંડમાં પણ આ સંખ્યા હજારોમાં છે. ભારતમાં પણ સંક્રમિતોની સંખ્યા 25,000 કરતાં વધુ છે જ્યારે મૃત્યુઆંક પણ 1,000ની નજીક પંહોચી ચુક્યો છે !!
ચીન કોરોનાને વુહાનની એનિમલ માર્કેટમાં વેચાતા ચામાચીડિયામાંથી પ્રસરેલો વાયરસ ગણાવે છે. જાનવરથી માણસમાં સંક્રમિત થતા આ વાયરસને Zoonotic પણ કહેવામાં આવે છે. કોરોના – Covid -19એ ચામાચીડિયામાંથી આવેલો વાયરસ મનાય છે. SARS અને MERSના જનક પણ ચામાચીડિયા અને સાપ છે. ચીન એને ચામાચીડિયામાંથી પ્રસરેલો વાયરસ ગણાવે છે પણ ….અમેરિકા – યુરોપ સહિતના વિશ્વના ઘણાં દેશોને ચીનની વાત પર વિશ્વાસ નથી તેઓ એને કૃત્રિમ ગણે છે. અમેરિકા, યુરોપિયન યુનિયન અને ઇઝરાયેલ, કોરોના – COVID -19ને ચીન દ્વારા સત્તાધીશ અને સુપર પાવર બનવાની લાલસામાં જાણી જોઇને આચરેલું ગુનાહિત કૃત્ય ગણે છે. આ સઘળા દેશો ચીન વિરુદ્ધ મોરચો માંડવા સંગઠિત થઇ રહ્યાં છે. જર્મની તો 149 બિલિયન યુરોના વળતરનો દાવો માંડવા ચીન સામે તૈયાર થયું છે. સૌથી વધુ પ્રભાવિત અમેરિકા અને યુરોપના દેશો કોરોના વાયરસના ફેલાવા માટે ચીનને જવાબદાર ગણે છે. ચીનમાં જાન્યુઆરીથી જ વિનાશ વેરી રહેલા કોરોના વાયરસને WHOએ સમય રહેતાં વૈશ્વિક મહામારી જાહેર ન કરીને ગંભીર ભૂલ કરી. WHOએ ચીનની તરફદારી કરી કોરોના વાયરસના ફેલાવા સામે યોગ્ય પગલાં ન લેતાં, બેદરકારી દાખવવાનો અને ચીન પર દુનિયાને વાયરસની સમય પર જાણ ન કરી, મામલાને છુપાવવાનો આક્ષેપ કરી અમેરિકાએ WHOને અપાતી અમેરિકી નાણાંકીય સહાય રોકી દીધી છે. તો સામે પક્ષે ચીને WHOને 30 મિલિયન ડોલરની નાણાંકીય સહાય કરી છે !!
ઈરાન, રશિયા અને ચીન જેવા દેશો કોરોનાને અમરિકાનું બાયોલોજિકલ વોરફેર ગણે છે. ઈરાનના પૂર્વ પ્રમુખ મહમૂદ એહમદી નેઝાદ, 9 માર્ચ 2020ના પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખતા covid -19 ને અમેરિકાએ પોતાના દુશ્મન દેશો વિરુદ્ધ વાપરેલ તેનું જૈવિક આયુધ ગણાવે છે. તો વળી ઈરાનના વિદેશ મંત્રી ઝાવેદ ઝરીન એને અમેરિકાએ ઈરાન વિરુદ્ધ ઉપયોગમાં લીધેલ આ બાયોલોજિકલ વેપન્સ ગણાવી એના દ્વારા ઈરાનમાં મેડીકલ અને ઇકોનોમિકલ ટેરર (આતંક) ફેલાવાવનો આક્ષેપ કર્યો છે. રશિયન અને ચાઈનીઝ અધિકારીઓ પણ એને અમેરિકાના જૈવિક આયુધ તરીકે ઓળખાવે છે. આ પ્રકારના આક્ષેપ પ્રતિઆક્ષેપ સ્વાભાવિક રીતે જ આપણામાં બાયોલોજિકલ વોરફેરની ધારણાને મજબૂત બનાવે છે. લોકો સ્વાભાવિક રીતે જ જૈવિક આતંકવાદ કે Proxy Warના મુદ્દા વિશે વિચારતા થાય છે.
વર્ષ 2018ના ફિજીઓલોજી / મેડિસીનના નોબેલ વિજેતા, જાપાનની ક્યોટો યુનિવર્સિટીના પ્રોફેસર તાસુકો હોંજોની વાત પણ અહીં નોંધપાત્ર બને છે. તેમના મતે કોરોના વાયરસ જો પ્રાકૃતિક હોય તો આખી દુનિયામાં એક સરખી તબાહી ન મચાવે. કારણ કે દુનિયાના દરેક દેશનું વાતાવરણ – તાપમાન જુદું જુદું હોય છે. જો આ વાયરસ પ્રાકૃતિક હોય તો ચીન જેવું વાતાવરણ ધરાવતા દેશોમાંજ તબાહી મચાવત, જે ચીજ પ્રાકૃતિક હોય તે કોઈ ચોક્કસ પરિવેશમાં જ વિકસે અને વિસ્તરે છે. જ્યારે આ તો સ્વિત્ઝરલેન્ડ જેવા ઠંડા પ્રદેશોમાં, અને સાઊદી અરેબિયાના ગરમ પ્રદેશોમાં પણ એક સરખી અસર કરી રહ્યો છે. આ તો … મધ્ય એશિયાના રણપ્રદેશમાં પણ ઘાતક બની રહ્યો છે. પોતાના ચાલીસ વર્ષના અનુભવ અને જીવજંતુ – વાયરસ પરના રીસર્ચના અનુભવ પછી તેઓ કોરોનાને પ્રાકૃતિક નથી ગણતા, પણ લેબોરેટરીમાં તૈયાર કે મોડિફાય કરેલો ગણે છે.
વાયરસ પ્રાપ્ત કરવાના બે સ્ત્રોત છે. 1, પ્રાકૃતિક (કુદરતી) અને 2, કૃત્રિમ (Artificial). લેબોરેટરીમાં ઉપલબ્ધ જીવાણું કે વિષાણુંના રંગસૂત્રો (DNA) સાથે છેડછાડ કરી, ઈચ્છિત ટાર્ગેટ માટે ચોક્કસ ગુણધર્મ ધરાવતા વાયરસને જન્મ આપી શકાય છે. બેક્ટેરિયા કે વાયરસમાં આવા ફેરફાર કરી તેને ખતરનાક બાયોલોજિકલ વોરફેર તરીકે તૈયાર કરવામાં આવે છે. આ બાયો-વેપન્સનો ઉપયોગ એક સરખું DNA ધરાવતા જીવો માટે કે ચોક્કસ પ્રજાતિના વિનાશ માટે થઇ શકે છે !!
નોંધપાત્ર બાબત એ છે કે, COVID -19ની અસર અન્ય પ્રજા કરતાં અમેરિકન અને યુરોપિયન પ્રજા પર વધુ થઇ રહી છે. શું એમની બેદરકારી જ એનું એક માત્ર કારણ હશે ? કે પછી કોરોના ચોક્કસ પ્રજા સામે વપરાયેલું જૈવિક આયુધ છે ? જે રીતે કેન્સર જેવા કિલર ડિસીઝમાં સેલને ટાર્ગેટ કરવામાં આવે છે, એ રીતે જીનેટિક એન્જિનિયરીંગની પ્રયુક્તિઓ દ્વારા આવનાર સમયમાં ચોક્કસ પ્રજાના DNAની ઓળખ કરી, એ પ્રજાને ટાર્ગેટ કરવા (Genetic targeting) જીનેટિક ટેકનોલોજી વિકસાવાશે. જેમાં બેક્ટેરિયા અને વાયરસને એ રીતે તૈયાર કરવામાં આવશે કે, ચોક્કસ DNA જૂથના લોકોની ઓળખ કરી તેમને નિશાન બનાવવામાં આવે. શક્ય છે કે આતંકવાદી સંગઠનો કે આપખુદ સરમુખત્યારો, સામૂહિક વિનાશના આ જૈવ શસ્ત્રોનો ઉપયોગ કરે પણ ખરા ! બાયોલોજિકલ વેપન્સની ધમકીના આ યુગમાં કોરોના વાયરસ જૈવિક આતંક માટે વપરાયેલ જૈવ આયુધ હોવાની શક્યતા નકારી શકાય એમ નથી. જગત જમાદારને નાતે આ પ્રજા અનેક દેશો અને આતંકી સંગઠનોના નિશાન પર છે.
વિશ્વમાં યુરોપિયન અને અમેરિકન પ્રજા, હોમોજીનિયસ તરીકે ઓળખાય છે. જેનેટિક્સ સોસાયટી ઓફ અમેરિકાના સામયિક ‘જેનેટિક્સ’ના નવેમ્બર 2012ના અંકમાં નિક પેટરસન નોંધે છે કે, ‘યુરોપ અને આધુનિક મૂળ અમેરિકાનોની વચ્ચે આનુવંશિક જોડાણ છે.’ વિશેષ કરીને ઉત્તર યુરોપની પ્રજા અને આધુનિક અમેરિકાનો વચ્ચે. જે આજે સૌથી વધુ પ્રભાવિત છે. એ જોતાં એવું લાગે છે કે, શું આ વાયરસ કોઈ ચોક્કસ પ્રજાને ટાર્ગેટ કરવાના હેતુથી તો તૈયાર કરવામાં નથી આવ્યો ને ??
અમેરિકા – યુરોપ સહિતના વિશ્વના ઘણાં દેશોને મતે વુહાનની પ્રયોગશાળા એની જનક છે. ચીનના વુહાન શહેરમાં આવેલી ‘વુહાન ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજી P -4નું નિર્માણ 2015માં, ૩૦૦૦ સ્કવેર મીટર વિસ્તારમાં, ચીની એકેડેમી ઓફ સાયન્સ અને ફ્રાન્સની બાયો- ઇન્ડસ્ટ્રિયલ ફર્મ ઇન્સ્ટિટયુટ મેરિયુક્સ દ્વારા કરવામાં આવ્યું છે. (P – ૩ ના સંશોધન તો 2012થી અહીંયાં ચાલે છે.) ઈ.સ. 2018થી અહીં પ્રયોગ અને સંશોધનનું કામ શરૂ થયું છે. વુહાન ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજી P -4 વિશ્વની ગણીગાંઠી પ્રયોગશાળાઓમાંની એક છે. જેને ક્લાસ 4 – પેથોજેન્સ એટલે કે P -4 સ્તરના વાયરસના પ્રયોગો કરવાની પરવાનગી મળેલી છે. આ ખતરનાક વાયરસનો માનવીથી માનવીમાં સંક્રમણનો ખતરો સૌથી વધુ હોય છે. આ લેબોરેટરીમાં વાયરસ કલ્ચર કલેકશનના 1,500થી વધુ વાયરસ સ્ટ્રેન (A strain is a genetic variant or subtype of a microorganism) છે. લેબોરેટરીમાં લીક વાયરસથી સંક્રમિત કોઈ વ્યક્તિ કે લેબ.ટેકનિશિયન દ્વારા, એ વુહાન માર્કેટમાં ફેલાયો હોવાનું પણ ઘણાં માને છે. એના પ્રસરણ પછી ચીની લોકો જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે.
કેટલાક અભ્યાસીઓની દલીલ છે કે લેબોરેટરીમાં લોહી ન બનાવી શકનાર માણસની તાકાત નથી કે તે કોઈ જીવ, ભલેને તે સૂક્ષ્મ હોય, લેબોરેટરીમાં પેદા કરી શકે. આમ તો વાયરસના કૃત્રિમ હોવાના કોઈ પુરાવા નથી! ‘વાયરસ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. સામાન્ય રીતે નિર્જીવની જેમ સુષુપ્ત રહેતો વાયરસ પોતાને અનુકૂળ વાતાવરણ મળતાં જ સવાયા સજીવ જેવી વર્તણૂક કરવા લાગે છે.’ (ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ – જ્ઞાન – વિજ્ઞાન શ્રેણી લેખ -૧૬) આમ પણ કુદરત કે પ્રકૃતિ સહજ અને સામાન્યક્રમમાં જ કાર્ય કરે છે. પણ … માણસની અવળચંડાઈ, સ્વાર્થી અને સંકીર્ણવૃતિ તથા સુપિરિયારિટી કોમ્પ્લેકસ એને નવા અખતરા કરવા ઉશ્કેર્યા કરે છે. ઇઝરાયેલના વિચારક અને નોન ફિક્શન રાઈટર, યુઆલ નોઆ હરારીના મતે કોરોના વિશ્વની માનવજાત સામે મોટું સંકટ છે. તેઓ કહે છે કે, – ‘ માનવમાં રહેલ દાનવ સૌથી મોટો ખતરો છે’. આજ મુલાકાતમાં તેઓ આગળ કહે છે કે, ‘આપણામાંના મોટા ભાગના જીવતાં રહેશે પણ દુનિયા બદલાઈ ગઈ હશે.’ વાત બિલકુલ સત્ય છે, કોરોના બાયોલોજિકલ વોરફેર હોય કે ન હોય, પણ COVID 19નો જૈવિક આતંક (Bio-Terror) આ જગતને તેની જીવનશૈલી, કાર્યશૈલી, રાજકીય શૈલી અને સામાજિક અને સાંસ્કૃતિક શૈલીમાં જબરદસ્ત પરિવર્તન લાવવા મજબૂર કરશે એ નિર્વિવાદ છે.
સંદર્ભ :
આતંકવાદ – પડકાર અને સંઘર્ષ : લે. મનોહર લાલ બાથમ અને શિવચરણ શર્મા – અનુવાદક – એમ.જોશી, જ્યોતિ જોશી
આતંકવાદ – સચ્ચાઈ અને ભરમ : લે. રામ પુનિયાની
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ – જ્ઞાન – વિજ્ઞાન શ્રેણી લેખ – ચિંતન ભટ્ટ
‘દિવ્ય ભાસ્કર’ – અભિવ્યક્તિ – 16/4 /2020
વિકિપીડિયા – SARS, CORONA, MERS, EBOLA
https://mhindi.sakshi.com 23/4/2020
સી.યુ. શાહ આર્ટસ કૉલેજ, અમદાવાદ
e.mail : arvindvaghela1967@gmail.com