ચાલો રાજી થાવ. લખનૌની સી.બી.આઈ.ની અદાલતે ચુકાદો આપી દીધો છે કે અયોધ્યામાં બાબરી મસ્જીદ તોડી પાડવામાં આવી, એ અસામાજિક તત્ત્વો દ્વારા કરવામાં આવેલી અસામાજિક પ્રવૃત્તિ હતી. આનાથી વધારે મોટા ન્યાયની તમે શી અપેક્ષા રાખી શકો? અદાલતે સ્પષ્ટ કહ્યું છે કે મસ્જીદ તોડવાનું કૃત્ય અસામાજિક હતું. આ ચુકાદો જોઇને કાયદાના રાજ્યમાં માનનારા લોકોએ અને સેક્યુલર ભારતમાં શ્રદ્ધા રાખનારા લોકોએ રાહત અનુભવવી જોઈએ. અદાલતે એમ તો નથી કહ્યું કે મસ્જીદ તોડવાનું કૃત્ય હિંદુપૌરુષનું પરિણામ હતું. આવું એ સમયે ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના તંત્રી ગીરીલાલ જૈન જેવા અનેક લોકોએ કહ્યું હતું. તેમને આમાં હિંદુઓનું પૌરુષ નજરે પડ્યું હતું.
ગયા વર્ષે સર્વોચ્ચ અદાલતે જે ચુકાદો આપ્યો હતો એમાં પણ ચુકાદો આપતા આપતા એક મોટો ચુકાદો આપી દીધો હતો. સર્વોચ્ચ અદાલતના વિદ્વાન જજોએ કહ્યું હતું કે ૧૬મી સદીમાં મુસલમાનોએ મંદિર તોડ્યું હોવાના કે મસ્જીદની જગ્યાએ મંદિર હોવાના કોઈ નિર્વિવાદ પુરાવાઓ નથી મળતા. તો પછી મસ્જીદ તોડી શા માટે એવો પ્રશ્ન ઉપસ્થિત થતો રહેશે. અનુમાનના આધારે? કે પછી હિંદુઓ બહુમતીમાં છે અને બહુમતીની ધારણા સત્ય નહીં તો સત્ય સમાન લેખાવી જોઈએ એવા કોઈ ગેબી ન્યાયના સિદ્ધાંતના આધારે? સવાલ તો એ વિદ્વાન જજોને એ પણ પૂછાતો રહેશે કે તો પછી સ્વાભાવિક ક્રમે એ વિવાદિત જમીન મુસલમાનોને પાછી કેમ ન આપવામાં આવી? પૂરી ન આપી એનો પણ વાંધો નહીં, કમસેકમ ભાગ તો આપવો જોઈતો હતો!

courtesy : "The Indian Express", 01 October 2020
આમ કેટલીક વાર ચુકાદાઓમાં જે ચુકાદાઓ અપાઈ જતા હોય છે એ મહત્ત્વના હોય છે. લખનૌની સી.બી.આઈ.ની ખાસ અદાલતે આપેલો ચુકાદો એમ કહે છે કે જે કોઈ લોકોએ મસ્જીદ તોડી, જે લોકોએ તોડવામાં તેમને મદદ કરી, જે કોઈ લોકોએ તોડવાની આડેના વિઘ્નો દૂર કરી આપ્યા, જે કોઈ લોકોએ પ્રોત્સાહન આપ્યું, જે કોઈ લોકોએ ટોળાંને ઉશ્કેર્યાં, જે કોઈ લોકો મસ્જીદ તૂટી એ જોઇને રાજીના રેડ થઈ ગયા એ બધા અસામાજિક તત્ત્વો હતા. ટૂંકમાં મસ્જીદ તોડવાની ઘટના સભ્ય સમાજને શોભે નહીં એવી શરમજનક વિકૃત ઘટના હતી અને એમાં જે લોકો સંડોવાયેલા હતા એ બધા અસામાજિક તત્ત્વો હતા. મારા માટે ચુકાદાનો આટલો હિસ્સો પૂરતો છે જે રીતે સર્વોચ્ચ અદાલતનો એક હિસ્સો મહત્ત્વનો હતો.
સી.બી.આઈ.ની ખાસ અદાલતે કહ્યું છે કે બાબરી મસ્જીદ તોડવા માટેનું કાવતરું રચવામાં આવ્યું હોવાના કોઈ પુરાવાઓ નથી મળતા. આનાથી બિલકુલ બીજા છેડાની વાત લિબરહાન પંચે કરી છે. ન્યાયમૂર્તિ લિબરહાને તેમના અહેવાલમાં કહ્યું છે કે મસ્જીદ તોડવા માટે ઝીણવટપૂર્વકનું કાવતરું રચવામાં આવ્યું હતું અને કાવતરાના મુખ્ય કર્તા કલ્યાણ સિંહ હતા જે એ સમયે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન હતા. બોલો હવે આમાંથી કોની વાત માનવાની?

courtesy : "The Deccan Chronicle", 01 October 2020
બન્ને જજોને સત્ય સુધી પહોંચવામાં ખૂબ મહેનત પડી હોવી જોઈએ અને એ પછી પણ બેમાંથી કોણ સત્ય સુધી પહોંચી શક્યા કે નથી પહોંચી શક્યા, એ વિશે આપણા મનમાં દ્વિધા છે કારણ કે ચુકાદા વિરોધાભાસી છે. ન્યાયમૂર્તિ લિબરહાનના પંચની રચના ૧૯૯૨ના ડિસેમ્બર મહિનામાં કરવામાં આવી હતી અને તેમણે ત્રણ મહિનામાં અહેવાલ આપવાનો હતો. ત્રણ મહિનાની જગ્યાએ તેમણે ૧૭ વરસ લીધા હતા અને ૪૮ વખત મુદ્દત લંબાવી આપવાની માગણી કરી હતી. ન્યાયમૂર્તિ લિબરહાન પોતે એટલા હાસ્યાસ્પદ બની ગયા હતા એટલે તેમના તારણની ખાસ ચર્ચા કરવામાં આવી નહોતી. લખનૌની અદાલતે ૨૮ વરસ લીધાં છે. ૧૭ વરસે ન્યાયમૂર્તિ લિબરહાનને સત્ય હાથ લાગ્યું કે કાવતરું હતું અને ૨૮ વરસે સી.બી.આઈ. જજને સત્ય હાથ લાગ્યું કે કાવતરું નહોતું. એમ બને કે સી.બી.આઈ.ના જજે સત્ય શોધવામાં વધારે મહેનત લીધી હોવી જોઈએ. ૨૮ વરસ એ કોઈ ઓછી મહેનત કહેવાય!
ખેર, લગે હાથ એક વિરોધભાસ હજુ નોંધી લઈએ. ૨૦૦૦ની સાલમાં દેશના ગૃહ પ્રધાન લાલકૃષ્ણ આડવાણીએ એન.ડી.ટી.વી.ને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ‘મસ્જીદ તોડવામાં આવી એ મોટી ભૂલ હતી. સાચું માનજો કે મને આજ સુધી સમજાતું નથી કે એ અંકુશ બહાર ગયેલા ઉશ્કેરાયેલાં ટોળાંનું કામ હતું કે પછી સંયમ જાળવવાના નેતૃત્વના આદેશ છતાં મસ્જીદ તોડવાનો દૃઢ નિશ્ચય કરીને આવેલા લોકોનું કામ હતું. આ વિષે મારા મનમાં આજે પણ સ્પષ્ટતા નથી.’ લાલકૃષ્ણ આડવાણીએ આ કહ્યું એ પછી નવ વરસે એટલે કે ન્યાયમૂર્તિ લિબરહાને અહેવાલ આપ્યો એના થોડા મહિના પહેલા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન કલ્યાણ સિંહને વાંકુ પડ્યું હતું અને તેઓ બી.જે.પી.માંથી બહાર નીકળી ગયા હતા. ત્યારે તેમણે આરોપ કર્યો કે બાબરી મસ્જીદની બાબતે બી.જે.પી.ના નેતાઓએ તેમને (કલ્યાણ સિંહને) અંધારામાં રાખીને તેમનો ઉપયોગ કર્યો હતો. શું ઉપયોગ કર્યો હતો? તેમણે ફોડ નહોતો પાડ્યો.
અને હજુ એક વિરોધાભાસ. બાબરી મસ્જીદ તોડવામાં આવી એ પછી બીજા જ વરસે એટલે કે ૧૯૯૩માં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભાઓની ચૂંટણી યોજાઈ હતી અને ત્યારે બી.જે.પી.ના પ્રચારનું સૂત્ર હતું: ‘જો કહા વો કિયા.’
માટે સુજ્ઞ વાચક, ચુકાદામાંથી જે ચુકાદો હાથ લાગ્યો છે એ જોઇને રાજી થા. જજસાહેબે સ્પષ્ટ કહ્યું છે કે મસ્જીદ તોડવામાં આવી એ દુષ્ટ કૃત્ય હતું અને એ કૃત્ય કરનારા અસામાજિક તત્ત્વો હતા. બસ, આટલું ઘણું!
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 01 ઑક્ટોબર 2020
![]()


નાગપંચમી મનાવતા અને નાગદેવતાની પૂજા કરતા આપણા દેશમાં દર વરસે અઠ્ઠાવન હજાર લોકો સાપ કરડવાથી મોતનો શિકાર બને છે! કોરોના મહામારીને કારણે છેલ્લા છ મહિનામાં ૯૦,૦૦૦ લોકોના મરણ થયાં છે, પરંતુ આ જ ગાળામાં જૂનથી મધ્ય ઓગસ્ટના અઢી મહિનામાં ભારતમાં ૨૦,૦૦૦ લોકો સર્પદંશથી મરી ગયા છે ! દુનિયામાં વરસે દહાડે સવાલાખ મોત સર્પદંશને કારણે થાય છે. તેમાં અડધોઅડધ ભારતીયો છે. ગુજરાતમાં બાર મહિનામાં ૨.૫૦ લાખ સાપ કરડવાના બનાવો બને છે અને તેમાં ૩,૦૦૦ મોત થાય છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ, વરસે ૮,૭૦૦, બિહારમાં ૪,૫૦૦, આંન્ધ્ર-તેલંગાણામાં ૫,૨૦૦ લોકો સાપ કરડતાં તેનું ઝેર લાગતાં મરી જાય છે.