રિઝર્વ બૅંન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજના છેલ્લા દોઢ દાયકાથી નવમૂડીવાદ સામે ઊહાપોહ કરી રહ્યા છે. તેઓ ભારતમાં હતા ત્યારે તેમણે બેન્કોનાં ડૂબેલા નાણાં શક્ય હોય તો પાછા વસૂલ કરવા, અને છેવટે કાંઈ નહીં તો કઈ કઈ બૅંકમાં કોણે કેટલા રૂપિયા કઈ રીતે કોની સાથે મળીને ડૂબાડ્યા છે એ જાણવાનો આગ્રહ રાખ્યો હતો. તેમણે ભાષાપ્રયોગ કર્યો હતો; ‘કમ ક્લીન’ જે છે એ બતાવી દો અને પાટી ભૂંસી નાખો. હવે પછી નવેસરથી લૂંટ ન થાય એ માટે છીંડાં પૂરવામાં આ ‘કમ ક્લીન’ અભિયાન ઉપયોગી થશે. રઘુરામ રાજનનો આ પત્ર બૅંકોના સંચાલકોને અને સરકારને ગયો કે તરત તેમની પાછળ શ્વાન છોડી મૂકવામાં આવ્યા. ઘણું બધું બહાર આવી શકે એમ હતું અને ઘણું બધું બહાર આવી પણ ગયું.
બૅંકોની જે લૂટ થઈ એ તો મહદ્ અંશે કૉંગ્રેસ સરકારના વખતમાં થઈ હતી અને બી.જે.પી. ભારતને કૉંગ્રેસમુક્ત કરવા માગે છે તો પછી કૉંગ્રેસને સપડાવવાની જગ્યાએ બી.જે.પી. સરકારે ઢાંકપીછોડા શા માટે કર્યા? શા માટે રાજન પાછળ શ્વાન છોડવામાં આવ્યા? શા માટે તેમને જતા રહેવા મજબૂર કરવામાં આવ્યા? શા માટે અર્થશાસ્ત્રનો કક્કો નહીં જાણનારા મીડિયોકર માણસને રિઝર્વ બૅંકનો ગવર્નર બનાવાયો? કારણ કે સામે છેડે જે લૂંટારા હતા એ હવે નવા શાસકોના અન્નદાતા છે. તેઓ શાસકોને નથી ઓળખતા, રાજ્યને ઓળખે છે. આ ભૂલોકના એક હિસ્સા ઉપર ભારત રાજ્ય(નેશન સ્ટેટ, ધેટ ઈઝ ઇન્ડિયા)નો કબજો છે. તેની બધી જ સંપદા રાજ્યની માલિકીની છે. રાજ્યની માલિકીની સંપદાના રક્ષણની જવાબદારી લોકોએ પસંદ કરેલા શાસકોની છે. પણ જો એ શાસકોને ગુલામ બનાવવામાં આવે તો રાજ્ય ઉપર કબજો જમાવી શકાય છે. શાસક આ પક્ષનો છે કે તે પક્ષનો છે એનાથી શું ફરક પડે છે?
મેં આ લેખમાળામાં આગળ કહ્યું હતું કે દેશનો સાર્વત્રિક, સર્વાંગીણ અને એક પણ વર્ગને બાજુએ રાખ્યા વિના સર્વ-સમાવેશક વિકાસ કરવા માટે વિકાસનો ચતુષ્કોણ રચવામાં આવ્યો હતો. થોડાં વર્ષ પછી જ્યારે મૂડીપતિઓ રાજ્યને પ્રભાવિત કરવા જેટલા સક્ષમ થઈ ગયા ત્યારે તેમણે કૃષિ-વ્યવસાયનો એક ખૂણો સમૂળગો ઊડાડી મુક્યો
અને વિકાસનો ચતુષ્કોણ ત્રિકોણમાં ફેરવી નાખ્યો. આગળ જતાં ધનપતિઓ જ્યારે હજુ વધુ શક્તિશાળી બની ગયા ત્યારે તેમણે અ-સરકારી અસરકારીના નામે કલ્યાણરાજ્યનો ત્રીજો ખૂણો ઊડાડી મુક્યો અને ત્રિકોણ સીધી લાઈનમાં ફેરવાઈ ગયો. એક છેડે રાજ્ય અને બીજે છેડે કુબેરપતિઓ. રઘુરામ રાજને આ સીધી લાઈનને મરોડવાનો અને રાજ્યને સક્ષમ (empowerment of the state જે વાસ્તવમાં powerless છે.) બનાવવાનો પ્રયાસ કર્યો એટલા માટે તેમની પાછળ શ્વાન છોડવામાં આવ્યા હતા.
એ વિચિત્ર નથી લાગતું કે શાસકો સક્ષમ બનવાની જગ્યાએ સામે ચાલીને શક્તિહીન બની રહ્યા છે? વિચિત્ર તો છે, પણ તેઓ કરે પણ શું? શાસકો વૃકોદરોની કોખમાં છે અને વૃકોદરો નાભીનાળ દ્વારા તેમનું પોષણ કરે છે.
રઘુરામ રાજન તેમના ૨૦૧૯માં પ્રકાશિત થયેલાં પુસ્તકમાં આ જ વાત કરે છે. પુસ્તકનું શીર્ષક છે: ‘The Third Pillar: How Markets and the State Leave the Community Behind’ રાજન કહે છે કે જે તે પ્રજાસમૂહોની એષણાઓ, હિતો, સપનાંઓ, અરમાનો, આગ્રહો, માગણીઓ, અસંતોષ વગેરેને પાછળ ધકેલી દો. એટલી હદે પાછળ ધકેલી દો કે નજરે જ ન પડે અને જો નજરે પડે તો તેમની વાત કાને ન પડે. એવી સ્થિતિ પેદા કરો જેમાં શાસકોને રાજ્ય ઉપર નજર રાખનારા નાગરિક સમાજને અને રાજ્યમાં પોતાના હિતનો હિસ્સો માગનારા પ્રજા-સમૂહોને જવાબ જ ન આપવો પડે. તેઓ તેમની સરાસર ઉપેક્ષા કરી શકે અને પાછો વાળ પણ વાંકો ન થાય અને ઉપરાઉપર ચૂંટણી જીતી શકે. આ સિવાય હતપ્રભ, નિર્વીર્ય, વૃકોદરોની કોખમાં તેમની નાભીનાળ દ્વારા પોષણ પામતા શાસકો નાગરિકસમાજને તેમ જ પ્રજાસમૂહોને જવાબ પણ શું આપે?
શા માટે વૃકોદરો ત્રીજા સ્તંભને ધરાશયી કરવા માગે છે? હે વાચક, એક હકીકત હજુ એક વાર નોધી લે. ત્રીજા સ્તંભને વૃકોદરો ધરાશયી કરવા માગે છે, શાસકો તો તેમના એજન્ટ છે. શા માટે?
આનો જવાબ એ છે કે વૃકોદરો હવે જે લૂંટવા માગે છે એ શાસકોના કબજામાં નથી, પ્રજાના કબજામાં છે. શાસકો જે લૂંટાવી શકતા હતા એ રાજ્યની માલિકીનું જે કાંઈ હતું એ બધું લૂંટાઈ ગયું છે. બેન્કોનાં નાણાં લૂંટ્યા, રાજ્યની માલિકીના ઉદ્યોગો પડાવી લીધા, રાજ્યની માલિકીની ખનીજસંપત્તિ લૂંટી લીધી, રાજ્યની માલિકીની સર્વિસીઝ (જેમ કે તાર-ટપાલ, ટ્રાન્સપોર્ટ, ટેલિકોમ સેવા, રસ્તાઓ, શિક્ષણ, આરોગ્ય, વીમા યોજનાઓ, વગેરે) પડાવી લીધી. શાસકો જે કાંઈ આપી શકતા હતા એ તેઓ આપી ચુક્યા છે અને જે થોડું બચ્યું છે તે તેઓ આપી રહ્યા છે. હજુ વૃકોદરોનું પેટ ભરાયું નથી. ભરાવાનું પણ નથી. તેમને ભૂખ લાગી છે, અવિરત ભૂખ લાગે છે અને એ ભૂખ ક્યારે ય સંતોષાવાની નથી. હવે વૃકોદરોના પેટની આગ ઠારવા માટે શાસકો પાસે કાંઈ આપવા માટે બચ્યું નથી.
જે બચ્યું છે એ પ્રજાની માલિકીનું છે અને વૃકોદરોની નજર તેના ઉપર છે. જો શાસકો તે ન અપાવે તો તેઓ શાસકોને ભરખી જવા જેટલી શક્તિ ધરાવે છે. પહેલી નજર જમીન ઉપર છે અને જમીન પ્રજાની માલિકીની છે જેનો ઉપયોગ ખેડૂત નામનો પ્રજાસમૂહ (કોમ્યુનિટી) કરે છે. માટે ડૉ. રાજન કહે છે એમ leave the community behindની રમત રમવામાં આવી રહી છે. આવતી કાલે તેમની નજર તમારા ગજવા ઉપર જઈ શકે છે. તમારી બચત ઉપર જઈ શકે છે. તમારા આરોગ્ય ઉપર જઈ શકે છે. તમારા સંતાનોની મજબૂરીઓ ઉપર જઈ શકે છે. તમારી દીકરીનાં સોંદર્ય ઉપર જઈ શકે કારણ કે તેનું પણ બજાર-મૂલ્ય છે. તમે જેટલી બિહામણી કલ્પના કરી શકતા હો એટલી કરો, એ વાસ્તવિક બનવાની છે. આલ્ડસ હકસલીની The Brave New World (પ્રકાશન વર્ષ-૧૯૩૨), જ્યોર્જ ઓરવેલની Nineteen Eighty-Four (૧૯૪૯) અને રશિયન લેખક યેવગેની ઝામિએતિનની We (૧૯૨૧) (કર્ટસી: બાબુ સુથાર અને મમતા વાર્તામાસિક, સંપાદક; મધુ રાય. હું We વિશે નહોતો જાણતો)માં જે બિહામણી કલ્પનાઓ કરવામાં આવી છે એ વાસ્તવિક બની રહી છે.
Leave the community behind ની જે તરકીબ મૉડસ ઑપરેન્ડી છે એની ચર્ચા હવે પછી.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 ફેબ્રુઆરી 2021
![]()


કોઈ સોજ્જો, ગંભીરપણે વિચારી શકતો ને તટસ્થ રાજકીય વિશ્લેષક અગર તો આઝાદ કલમનો ધણી બિન-ગોદી પત્રકાર ચાહે તો પણ આજની પરિસ્થિતિ અને એમાંથી ઉભરતા ભયો બાબતે એટલી વિશદતાથી લખી શક્યો ન હોત જેટલી વિશદતાથી દિલ્હીના એડિશનલ સેશન જજ ધર્મેન્દ્ર રાણાએ પોતાના ૧૪ પાનાંના આદેશમાં લખ્યું છે. ખરું જોતાં એનું સ્થાન રાજકીય વિશ્લેષકો અને પત્રકારોના પાઠ્યક્રમમાં હોવું જોઈએ. બૅંગલુરુની બાવીસ વરસની દિશા રવિને જામીન પર છોડતાં રાણાસાહેબે જે પણ વાતો જે રીતે લખી છે તે હમણેનાં વરસોમાં અદાલત તરફથી આપણી સમક્ષ આવેલ શાનદાર બંધારણીય દસ્તાવેજ છે. આપણી સર્વોચ્ચ અદાલતના તથાકથિત ન્યાયમૂર્તિઓ એમાંથી કંઈક શીખી શકે તો એમનું આજકાલ જે મૂર્તિવત અસ્તિત્વ દીસે છે એમાંથી છૂટી શકે.
વડાપ્રધાને તાજેતરમાં જ ખાનગીકરણની જોરદાર હિમાયત કરતાં કહ્યું છે કે સરકારે ધંધામાં ન રહેવું જોઈએ. એમ લાગે છે કે સરકાર હવે બધું ખાનગી કરવા માંગે છે. જો કે, ગુજરાત સરકાર તો ઘણી વહેલી ખાનગીકરણને રવાડે ચડેલી છે, ખાસ કરીને શિક્ષણને મામલે. ગુજરાત સરકાર વડા પ્રધાનના નિર્ણયને ઘણી વહેલી પામી ગઈ હોય તેમ ખાનગી સ્કૂલોને ઉત્તેજન અને લાઇસન્સની લહાણી કરતી આવી છે ને સરકારી સ્કૂલો બંધ કરતી ગઈ છે. સરકારને બીજી ઘણી જવાબદારીઓ છે એટલે તે સ્કૂલો ખોલવા કરતાં બીજા ધંધામાં પડે તો વધારે નફો કરી શકે તે સમજી શકાય તેવું છે. સરકાર એ પામી ગઈ છે કે અંગ્રેજી માધ્યમની પ્રાથમિક સ્કૂલો પોતે ચલાવે એના કરતાં ખાનગી સ્કૂલોને ઉત્તેજન આપે તો એ પણ બે પાંદડે થાય. એમાં બીજો લાભ એ કે અંગ્રેજી માધ્યમની કે ઈવન ગુજરાતી માધ્યમની સરકારી સ્કૂલો ખોલવાની ને તેને ચલાવવાની ટાઢે પાણીએ ખસ જાય.