મને
ઘરમાં, ઑફિસમાં, ગલીમહોલ્લામાં, સભાસમિતિમાં
સહુ સમજાવે છે
સમજો જરા સમજો
આ આંદોલન-ફાંદોલન નથી!
આ બધાં કિસાન ફિસાન નથી!
નવરાં છે બધાં નવરાં
ખાલિસ્તાની છે, નક્સલી છે, પૈસા મળે છે એટલે આવ્યાં છે!
રબડીલસ્સી પી ને, પિત્ઝાં બિત્ઝાં ખાઈને જલસા કરે છે!
ફૉર્ચ્યુનર ફેરવે છે!
મને ય પૂછવાનું મન થાય છે
શું આ બધાં કરોડોઅબજો લઈને ભાગી જતાં બૅંકના ડિફોલ્ટરિયાઓ છે?
જેમના અબજો રૂપિયા ચપટી વાગતામાં જ માફ થઈ જાય
ને પાણીનાં મૂલે સમંદર ખરીદે છે એ શેઠિયાઓ છે?
કોક વળી સરકારની તિજોરી સંભાળતો હોય એમ ડારો દે છે
તમને ખબર છે સરકાર એમને સબસિડી આપે છે ?
ભૈ, મને એટલી જ ખબર છે કે એમને હજુ કોઈ સીડી મળી જ નથી!
પણ માનોને મારું મગજ બહેર મારી ગયું છે
મને તો વાંચેલા ભગતસિંહ હરતાં ફરતાં દેખાય છે!
કાનમાં ગુંજયા કરે છે ’પગડી સંભાલ જટ્ટા’ ..
એમને આંદોલનમાં કબડ્ડી અને કુસ્તી ખેલતાં જોઈને
કોને કવિતા કરવાનું મન ન થાય?
હાડ ગાળતી ઠંડીમાં, છોડને ફૂટેલી કૂંપળ જેવા
આઠ મહિનાના બાળને લઈને બેઠેલી મા
મને કોઈ દેવીદેવતાથી ઊતરતી નથી લાગતી! એને જોઈને
કોને કવિતા કરવાનું મન ન થાય?
પત્રકારોને માથું ખજવાળતાં કરી મૂકતી એમની
ધાણીફૂટ દેશી ભાષા તો જાણે ખેતરમાં ફરતું હળ!
સરકારી બિલ પર વાત કરતાં-કરતાં
ખાધેલી તંબાકુની પિચકારી મારતાં જોઈને,
હુક્કાની ગૂડગૂડાહટમાં હક્કની ગૂડગૂડાહટ સાંભળીને,
કોને કવિતા કરવાનું મન ન થાય?
કોક વળી કહે છે તમે ખેડૂત છો કે મંડી જ પડ્યા છો?
ના, ભૈ, ના
મેં તો દૂરથી જ જોયાં છે એમને
દુઃખને દળી ખાતાં
પાણી ભરેલાં ખેતરાંમાં સૂરીલાં ગીતો ગાતાં, ડાંગર રોપતાં
દાર્જલિંગમાં ચાની પત્તી વીણતાં
બિહારમાં કોસીના પૂરમાં તણાઈ જતાં એમનાં ઝૂંપડાંમાં
કીડી જેવડું કરજ, હાથી જેવડું થૈ જતાં મરતાં
પણ હમણાં-હમણાં એને શું થયું છે કે
વગર ગાંધીએ દિલ્હી દોટ દીધી છે! એ જોઈને
કોને કવિતા કરવાનું મન ન થાય?
તમે સમજદારો જેની દિવસરાત રાડો પાડો છો ને
એ મોંઘવારી એણે તો નથી વાવીને?
મોંઘવારી વાવનારાનાં ગીત તમે ગાજો,
મને રોટલાનું ઋણ ચૂકવવા દો
મારી ગેરસમજનાં ગીત ગાવા દો!
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2021; પૃ. 04
![]()


બોમ્બે પ્લાનમાં ઉદ્યોગપતિઓએ માગણી કરી હતી કે ધીમી ગતિએ વિકસતા ભારતીય ઉદ્યોગને ભારત સરકાર મદદ કરે. જો સરકાર મદદ કરશે તો ઔદ્યોગિક વિકાસની ગતી વધશે જેની દેશને જરૂર છે. કઈ રીતે સરકાર મદદ કરી શકે? એક તો સંરક્ષણ આપીને. જે ચીજ ભારતમાં બનતી હોય અથવા ભારતીય ઉદ્યોગો બનાવવા સક્ષમ હોય તો એ ચીજની આયાત ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે. ઉદ્યોગો માટેની મશીનરી અને જરૂરી કાચા માલની આયાત કરવી પડે તો એના પરની કસ્ટમ ડ્યુટીમાં રાહત આપવામાં આવે. આબકારી જકાતમાં રાહત આપવામાં આવે કે જેથી ભારતીય ઉદ્યોગને બહોળું માર્કેટ મળે. ઉદ્યોગો સ્થાપવામાં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં સરકાર સબસિડી આપે અને અમુક વરસ કરવેરામાં રાહત આપે. સરકાર કારખાનાં સ્થાપવા માટે જમીન પ્રાપ્ત કરી આપે. અને સૌથી મોટી વાત; રોડ, રેલવે, અન્ય ટ્રાન્સપોર્ટ સુવિધા, પોર્ટ, જેવી માળખાકીય સુવિધાઓ અને ખૂબ રોકાણ માગી લેતા ઉદ્યોગો સ્થાપવાની જવાબદારી સરકારની. એ સમયના ઉદ્યોગપતિઓને જાણ હતી તેઓ રેલવે ચલાવવા જેટલી કે રિફાઇનરી ચલાવવા જેટલી કે પોલાદનું ઉત્પાદન કરવા જેટલી નાણાકીય ક્ષમતા નથી ધરાવતા.
આપત્તિઓ અટકવાનું નામ નથી લઇ રહી. વાઇરસ ક્યારે કેડો મૂકશે એ આપણને ખબર નથી અને હવે તેને કારણે ટપોટપ મરનારાઓનાં આંકડા ગણવાનું પણ આપણે બંધ કરી દીધું છે. વેક્સિનના વધામણાં આવ્યા એટલે વાઇરસ ગયો જ સમજો એવું માનીને આપણે થોડું ઘણું જીવી પણ લઇએ છીએ અને પછી ફરી સતર્ક થઇ જઇએ છીએ. આ માઠા સમાચારની આદત પડી હોવા છતાં ય ઉત્તરાખંડમાં ગ્લેશિયરનું તૂટી પડવું બહુ આઘાતજનક રહ્યું. આ હોનારતમાં મૃત્યુ આંક ૩૨થી વધુ અને ખોવાયેલાઓનો આંકડો ૧૭૫ની આસપાસ છે. ચમોલી ગામ નજીક બનેલી આ ઘટનામાં આસપાસના પ્રદેશોમાં પણ બહુ જ નુકસાન થયું છે. રેસ્ક્યુ કામગીરી પણ મોટે પાયે કરાઇ અને ટનલમાં ફસાયેલાઓને બહાર કાઢી લેવાયા.