ગયા વર્ષે ૧૨મી ઓક્ટોબરે, ગ્રીડ ફેલ્યરના પગલે નાણાંકીય રાજધાની મુંબઈમાં મોટા પ્રમાણમાં વીજળી ગાયબ થઇ ગઈ હતી, જેના પગલે ટ્રેનો પાટા પર રોકાઈ ગઈ હતી, કોરોના મહામારી વચ્ચે માંડ-માંડ કામ કરી રહેલા લોકોની ગતિવિધિઓ બંધ થઇ ગઈ હતી, હોસ્પિટલો સેવાઓ અટકી પડી હતી અને હજારો કમ્પ્યુટરો ખોટકાઈ ગયાં હતાં. વીજળી જતી રહેવી એ ભારતમાં સામાન્ય વાત છે. મુંબઈ જેવા મોટાં શહેરો, જ્યાં ૨૪ કલાક વીજ પુરવઠાની વ્યવસ્થા છે, ત્યાં પણ ક્યારેક વીજળી ગાયબ થઇ જવાની ઘટનાઓ બને છે. ગામડાં અને નાના શહેરોમાં તો આ છાશવારે બને છે.
આપણા માટે તો વીજળી હોવી જ એક ચમત્કાર જેવું છે, એટલે મુંબઈમાં છેલ્લા એક દાયકામાં ચાર કલાક માટે વીજળી જતી રહેવાની ઘટના બની તે તકનીકી ખરાબીથી વિશેષ કશું ન હોય, એમ માનીને આપણે પૂર્વવત જીવવા લાગી જઈએ તે પણ સ્વાભાવિક છે, પરંતુ આ ઘટના કદાચ એટલી સાધારણ ન હતી. અમેરિકાના પ્રતિષ્ઠિત સમાચારપત્ર ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ના એક ચોંકાવનારા સમાચાર અનુસાર, ચાઇનીઝ સરકાર સાથે સંકળાયેલા રેડ ઇકો નામના એક હેકર ગ્રૂપે મુંબઈની પાવર ગ્રીડમાં ઘૂસ મારી હોય અને માલવેર છોડીને સિસ્ટમને ખોરવી નાખી હોય તેવું સંભવ છે.
મહારાષ્ટ્રના સાઈબર-સેલના અહેવાલના આધારે રાજ્યમાં ગૃહ પ્રધાન અનિલ દેશમુખે પણ મુંબઈના વીજ પુરવઠામાં સાઈબર-સેબોટેજની સંભાવના વ્યક્ત કરી છે. અમેરિકા સ્થિત રેકોર્ડેડ ફ્યુચર નામની સંસ્થાએ (જેના આધારે ટાઈમ્સમાં અહેવાલ આવ્યો હતો) એવી શંકા વ્યક્ત કરી હતી કે લડાખમાં ગલવાન ઘાટીમાં ભારત-ચીનનાં સૈન્યો વચ્ચેના ઘર્ષણના જવાબમાં હેકર ગ્રૂપે ભારતની પાવર ગ્રીડ્સને નિશાન બનાવી હોવાનું સંભવ છે. કેન્દ્રીય ઉર્જા રાજ્યમંત્રી રાજ કુમાર સિંહે સાઈબર-એટેકના અહેવાલોને ખોટા ગણાવ્યા છે અને કહ્યું છે કે મુંબઈમાં માનવીય ભૂલના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો.
એ જ વખતે તેલંગણામાંથી સમાચાર આવ્યા કે ગયા અઠવાડિયે બીજી માર્ચના રોજ કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઇન્ડિયાની સમયસર ચેતવણીને પગલે તેલંગણાની વીજ વ્યવસ્થાને હેક કરવાના ચીન સ્થિત હેકર ગ્રૂપનો પ્રયાસ નાકામ બનાવાયો હતો. આ કિસ્સામાં 'થ્રેટ એક્ટર ગ્રૂપ કમાન્ડ એન્ડ કંટ્રોલ' નામનું ચાઇનીઝ ગ્રૂપ તેલંગણા સ્ટેટ લોડ ડીસ્પેચ સેન્ટર અને ટ્રાન્સમીશન કોર્પોરેશન ઓફ તેલંગણાની કમ્પ્યુટર સિસ્ટમ સાથે સંપર્ક કરવા પ્રયાસ કરી રહ્યું હતું.
આ બે કિસ્સા પરથી એટલું સાબિત થાય છે કે વીજળી ગાયબ થઈ જવી એ ૨૧મી સદીમાં સાધારણ ઘટના ન હોવી જોઈએ. એ આધુનિક યુદ્ધનો અંતરંગ હિસ્સો હોઈ શકે છે. આપણે જ્યારે રિયા ચક્રવર્તી જેવી એક્ટરની વોટ્સએપ ચેટ્સ કે પર્યાવરણ કાર્યકર દિશા રવિની ગૂગલ ટૂલકીટને રાષ્ટ્રીય સંકટ ગણીને દિવસોના દિવસો સુધી આટલો બધો રસ લેતા હોઈએ, તો પછી સાઈબરની દુનિયામાં દેશ સામે કેવું અસલી જોખમ છે, તેના પર દિવસો-મહિનાઓ સુધી નહીં, પણ આવનારાં વર્ષોના વર્ષો સુધી ધ્યાન આપવું જોઈએ, કારણ કે ૨૧મી સદીનું યુદ્ધ મેદાનો અને ખીણોમાં માણસો વચ્ચે નહીં, કમ્પ્યુટર સિસ્ટમ્સમાં ખેલાવાનું છે. આપણે તેના માટે તૈયાર છીએ?
૨૦મી સદીમાં પરંપરાગત યુદ્ધના સ્થાને પરમાણું યુદ્ધની સંભાવના આવી ગઈ હતી, પણ પરમાણું બોમ્બમાં બધાના સાગમટે વિનાશની ક્ષમતા હોવાથી તેના ઉપયોગની શક્યતા ઉત્તરોત્તર ઘટતી જાય છે, અને બીજું એ કે નાનામાં નાના દેશનો એક પરમાણું બોમ્બ એટલો જ વિનાશ વેરી શકે તેમ છે, જેટલો મોટા દેશના બોમ્બ વેરી શકે છે. પરમાણું યુદ્ધ સામૂહિક આત્મહત્યા છે. એટલે ૨૧મી સદીમાં બોમ્બ સામે લડવા માટે ટેકનોલોજી વધુ કારગત નીવડવાની છે. દેશોની સરહદો પર નાના-મોટા છમકલાંને બાદ કરતાં મોટું યુદ્ધ જો ફાટી નીકળે, તો તેમાં લાખો સૈનિકો નહીં, પણ ગણ્યાગાંઠ્યા ટેકનોલોજીના જાણકાર લોકો એક સૈન્યને ભારે પડી જશે. એટલા માટે વિકસિત દેશો આર્ટિફિશલ ઇન્ટેલિજન્સ વિકસાવવા માટે મહેનત કરી રહ્યાં છે.
ભવિષ્યમાં કોઈ દેશને હરાવવા માટે તોપગોળા અને ફાઈટર પ્લેનની કે મોટી સંખ્યામાં માણસોને મારી નાખવાની જરૂર નહીં પડે. દેશના અર્થતંત્રને ખોરવી નાખો, તો દેશ આપોઆપ પાયમાલ થઇ જશે. દાખલા તરીકે, એક દેશ બીજા દેશનાં ન્યુક્લિયર પાવર સ્ટેશન, શેર બજાર, ટ્રેન અને વિમાનોની કમ્પ્યુટર સિસ્ટમ કે તેની પાવર કંટ્રોલ સિસ્ટમને હેક કરી નાખે, તો યુદ્ધ જેવી જ તારાજી થાય.
દુનિયામાં મોટાભાગના દેશોનાં નાગરિક, લશ્કરી અને સુરક્ષાનાં માળખાં કમ્પ્યુટર સિસ્ટમ આધારિત થઇ ગયાં છે. સાઈબર સ્પેસ એક નવી સરહદ છે, જ્યાં યુદ્ધો લડાવાની સંભાવનાઓ વધતી જાય છે. ટેકનોલોજી અને પૈસાની ક્ષમતાવાળા દેશો તેમાં વધુને વધુ ધ્યાન આપી રહ્યા છે. સોવિયત સંઘ પર અમેરિકાનો વિજય પરંપરાગત યુદ્ધ સિવાયના અનેક વિકલ્પોમાંથી આવ્યો હતો. અમેરિકા ઈરાક અને અને અફઘાનિસ્તાનમાં યુદ્ધ છેડીને તોબા પોકારી લીધી છે. વિયેતનામમાં હાથ બાળ્યા પછી, ચીન સશસ્ત્ર સંઘર્ષમાં પડતું નથી. ઈરાન અને અમેરિકાએ સાર્વજનિક રીતે કબૂલ્યું છે કે તેઓ એકબીજા પર સાઈબર-એટેક કરવા માટે સજ્જતા કેળવી રહ્યા છે.
તમે નિયમિત એવા સમાચાર વાંચ્યા હશે કે ફલાણી વેબસાઈટને પાકિસ્તાને હેક કરી અથવા ઢીંકણી સાઈટને ડીફેસ (વિકૃત) કરી નાખી. આ તો છોકરમત જેવું છે. દુનિયામાં તેનાથી વધુ ગંભીર પ્રયાસો થઇ રહ્યા છે. રશિયાએ ઉક્રેનમાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પહેલાં સાઈબર-એટેક કરીને અઢી લાખ લોકોનો વીજ પુરવઠો ખોરવી નાખ્યો હતો. ૨૦૦૭માં એસ્ટોનિયાની બેન્કિંગ અને કમ્યુનિકેશન સિસ્ટમને ખોરવી નખાઈ હતી, પરિણામે દેશમાં ૨૨ દિવસ સુધી અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.
૧૯૪૫ પછી, દુનિયામાં સત્તા માટે કોઈ મહાયુદ્ધ થયું નથી, કારણ કે યુદ્ધમાં સરવાળે કોઈ જીતતું નથી. તેની આર્થિક અને જાનમાલની પાયમાલી બંને પક્ષે સરખી જ હોય છે. તેના બદલે, બીજા વિશ્વયુદ્ધ પછી દેશો આર્થિક અને નોલેજની તાકાત પર ધ્યાન આપી રહ્યા છે. તમારી પાસે આર્ટિફિશલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, બાયો-એન્જિનિયરિંગ જેવું જ્ઞાન હોય, તો તેને સૈનિકો મોકલીને કે તોપ ફોડીને ખતમ કરી ન શકાય. ભૂતકાળમાં સૈન્યો દુશ્મન દેશનાં સંશાધનો પર કબજો કરીને સામ્રાજ્યનો ફેલાવો કરતાં હતાં. આજે તમારે તમારી જગ્યાએથી ઊભા થયા વગર ખાલી એ દેશોની નિર્ણાયક કમ્પ્યુટર સિસ્ટમ્સમાં જ ઘૂસ મારવાની જરૂર છે.
અમેરિકન સુરક્ષા નિષ્ણાતો માને છે કે આજે જો યુદ્ધ થાય, તો ચાઇનીઝ જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ પાસે દુશ્મન દેશની ત્રણ ‘સી-સિસ્ટમ’ (કોમ્બેટ, કંટ્રોલ, કમ્યુનિકેશન) પર સીધો હુમલો કરવાની અને ટેકનોલોજી આધારિત યુદ્ધ શરૂ કરવાની ક્ષમતા છે. ચીનને પણ અમેરિકાની ક્ષમતાનો અંદાજ છે. માર્ચ ૨૦૨૦માં એક ચાઇનીઝ સાઈબર સિક્યુરિટી કંપનીએ આરોપ મુક્યો હતો કે સી.આઈ.એ. અનેક ચાઇનીઝ કંપનીઓને હેક કરી રહ્યું છે. ચીન ૨૧મી સદીમાં સાઈબર-યુદ્ધ માટે આક્રમક રીતે આગળ વધી રહ્યું છે.
ચીન પાસે દુનિયાનું સૌથી મોટું પરંપરાગત સૈન્ય પીપલ્સ લિબરેશન આર્મી (પી.એલ.એ.) છે, અને ચીને તેમાં સાઈબર સિક્યુરિટી તેમ જ ટેકનોલોજીકલ કંપનીઓને જોડીને સાઈબર બટાલિયનો ઊભી કરી છે. એક અંદાજ પ્રમાણે પી.એલ.એ.ની વેસ્ટર્ન કમાન્ડ જ્યાં આવેલી છે તે ચેંગડુમાં ૫૦,૦૦૦ હાજર વિશ્લેષકો ભારતની સાઈબર સ્પેસ પર નજર રાખી રહ્યા છે.
કહેવાનો મતલબ એ છે કે ભારત સામે અસલી સંકટ સાઈબર-સ્પેસમાં છે. તેની સામે ફેસબુક, ટ્વીટર કે વોટ્સએપ કોણ શું કરી રહ્યું છે તે તો બાળકોની રમત છે.
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 14 માર્ચ 2021
![]()


'મેઘનના બાળકનો વાન કેવો હશે?' રાણી એલિઝાબેથના કોઈ કુટુંબીજને પ્રિન્સ હેરીને પ્રશ્ન કર્યો, તેમાં રાજકુટુંબ racist છે એવો આક્ષેપ તેમના પર મૂકવામાં આવ્યો અને મીડિયાને એ વાતને અવનવી રીતે વાગોળવા માટે ભાથું મળી ગયું. પણ આપણી સંસ્કૃતિનાં દ્રષ્ટાંતો જોતાં આપણે ચામડીના રંગને જેટલું મહત્ત્વ આપીએ છીએ તે માટે આપણને કોઈ racist કહેશે તો આપણને ગમશે?
ગાંધીજીની ‘આત્મકથા’ તેમની ગૌરવશાળી પ્રતિભાને લીધે વિશ્વમાં ખ્યાતિ પામી છે. આ આત્મકથાનો પ્રધાન સૂર સહજ રીતે વ્યક્ત કરેલી એમની કેટલીક નબળાઈઓ. એ નબળાઈનો ગ્રાફ કોઈ પણ પ્રકારના ક્ષોભ વગર સરળ શૈલીમાં રજૂ કર્યો છે. કિશોરવયે સામાન્ય વાતાવરણમાંથી પણ સત્યના અવલંબન દ્વારા અભ્યુન્નતિના શિખરે એ કેવી રીતે પહોંચ્યા ? તે કથની એટલે કે ‘સત્યના પ્રયોગો’. આ કથાને લાયોનેલ ટ્રિલિંગના શબ્દોમાં જોઈએઃ
જવાહરલાલને પિતા પ્રત્યે ખૂબ જ માન હતું, કારણ કે તેઓ ખૂબ જ હિંમતવાન અને મહેમાનો સાથેની ચર્ચામાં હંમેશાં ખૂબ જ બુદ્ધિશાળી. વળી, સાચદિલી, નિખાલસતા, નાના પ્રસંગમાં પણ તેમના વર્તનમાં પ્રગટ્યા વગર રહેતી નથી :
ગાંધીજી ચળવળ શરૂ કરવામાં ઢીલ કરે અથવા કોઈક જગ્યાએ થોડી મારામારી થાય અથવા કોઈ કેદી જેલમાં જેલરની સૂચનાની અવગણના કરે તો નહેરુ માટે અસહ્ય બનતું. નહેરુ અકર્મણ્યતાથી અકળાતા. એ ગમે તે પ્રકારે આઝાદી મેળવવા પ્રયત્નો કરવામાં માનતા. ઈ.સ. ૧૯૪૨માં ‘હિંદ છોડો’ની વાતે આંદોલનમાં ગાંધીજીને નહેરુને સમજાવવા માટે મુશ્કેલીનો અનુભવ થયો હતો.