ફરી એકવાર સૌને હૃદયપૂર્વક નૂતન વર્ષનાં અભિનંદનો !
સૌની સારી શરૂઆત થાય એમ ઇચ્છીએ, પણ ઇચ્છવાથી એમ ભલું થઈ જતું હોત તો જગતમાં કોઈ દુ:ખી ન હોત. આપણે જાણીએ છીએ કે ઘણું સારું થાય છે, છતાં બધું સારું થતું નથી. બધું જ સારું હોત તો? કલ્પના કરવા જેવી છે. કોઈ દુ:ખી ન હોત ! આંસુ ન હોત ! અછત ન હોત ! બધું જ હાજર હોત ! ક્યાં ય જવાની જરૂર ન હોત ! બધું ઘર બેઠાં જ મળતું હોત ! કાયમ તૃપ્તિ જ હોત ! બધાં જ હસતાં હોત ! કોઈએ કૈં કરવાનું ન હોત ને એમ જ બધાં હસતાં હોત ! સરકારો સારી રીતે ચાલતી હોત ! ટેક્સ કપાય કે ન કપાય એની ચિંતા ન એને હોત, ન પ્રજાને ! કારણ બધું એને કે પ્રજાને મળી જ રહેતું હોત ! કોઈ માંદું ન હોત ! ન દવા હોત, ન દવાખાના ! રોજ જ આનંદ હોત ! રોજ જ હર્ષ ! રોજ જ ઉલ્લાસ ! ચાલતે, આવું હોત તો? ના, આપણે એનાથી પણ ઉબાયાં હોત ! જેમ એકધારું દુ:ખ ત્રાસ આપે છે એમ જ એકધારું સુખ, આનંદ જ આપે એ જરૂરી નથી. એક વસ્તુ નક્કી છે કે જીવન બદલાતું રહે છે ને જે પીડા કે મજા છે તે એ બદલાવાને કારણે ! જીવન કૈં એકસરખી છાપાંની નકલો નથી. આકાશ એક જ છે, એનું એ જ છે, પણ એક સરખું નથી. એના રંગો ય બદલાય છે. દરિયો ભરપૂર છે, તો ય સમૃદ્ધિથી તે ઠરી જતો નથી. તે ઊછળે છે ને કિનારાઓને ઘડતો રહે છે. નદી એક જ છે, પણ એક સરખી નથી, તે વહેતી રહે છે. આ વહેવું જ જીવન છે. જળ વધે છે, ઘટે છે. તેજ વધે છે ઘટે છે. અંધકાર એક જ છે, પણ એક સરખો નથી. જરા વિચારીશું તો સમજાશે કે આ એક સરખાપણું જ મૃત્યુ છે. જીવન બદલે છે ને બદલાય છે. તે પૂરું થાય કે પછી બધું સરખું છે. કોઈ ગતિ નથી. કોઈ ક્રિયા નથી. મૃત્યુ પછી વ્યક્તિ અટકી જાય છે. તેને કોઈ ફેર પડતો નથી- દુનિયા ચાલે કે અટકી જાય તેથી !
ગમ્મત એ છે કે ઘણાં માણસો જીવંત હોય તો તેમને ય કોઈ ફેર પડતો નથી. તે સજીવ ન હોય એમ જ જીવે છે. તે વેઠે છે અથવા તો બીજા વેઠે તેવી સ્થિતિ ઊભી કરે છે. તેની પાસે પ્રતિક્રિયા જ કદાચ નથી. મૃત્યુ પીડા હરીને માણસને સુખી કરી દે છે. કારણ તે પછી કૈં કરવાનું રહેતું નથી. કમાલ એ છે કે ઘણાંને જીવતાં છતાં એ સુખ મળી જાય છે. એને કોઈ ફિકર જ હોતી નથી. કૈં કરવાનું જ જાણે રહેતું નથી. ભાવ વધે છે કે ઘટે છે, કોઈ ફેર પડતો નથી. સરકાર આવે છે કે જાય છે, કોઈ ફેર પડતો નથી. કોઈ મરે છે કે જીવે છે, કોઈ ફેર પડતો નથી. પ્રદૂષણ વધે કે ઘટે, કોઈ ફેર પડતો નથી. અવકાશમાં કોઈ મરચાં ઊગાડે કે માણસ, કોઈ ફેર પડતો નથી. ઘણાં આવાં છે. તેમને વેઠવામાં છે એટલો રસ પ્રતિક્રિયામાં નથી જ ! એઓ જાણી ગયા છે કે કશું તેમના હાથમાં નથી. તેઓ કૈં કરી શકે એમ નથી. તેમણે જીવવાનું છે ને બસ જીવી કાઢવાનું છે. તેમને કશું થતું નથી એવું નથી. બધું થાય છે, પણ નથી જ હાલતા. આવાં બે પ્રકારના માણસો હોય છે. એક અત્યંત અમીર છે, જે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળે એમ છે એટલે એ ચૂપ છે. એને કોઈ ફેર પડતો નથી. એક નિર્ધન છે, તે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળે એમ નથી ને કોઈ ફેર પાડી શકે એમ નથી, એટલે તેને કોઈ ફેર પડતો નથી. એ સિવાયના જે છે એમને ઘણો ફેર પડે છે. એ વર્ગ સક્રિય છે. એ રાજકારણમાં છે, નોકરી ધંધામાં છે, સમાજમાં છે, કુટુંબમાં છે. એ સૌથી વધુ પરિવર્તનશીલ છે. એક વર્ગ એવો છે જે કાયદાઓ અને નીતિઓ ઘડે છે. એ સત્તા ભોગવે છે ને બીજો વર્ગ એ છે જે આ કાયદાઓ અને નીતિઓથી પ્રભાવિત છે. સરકાર ખરીખોટી હોય છે, એમ જ પ્રજા પણ ખરીખોટી હોય છે. લોકશાહીમાં પ્રતિનિધિ ચૂંટાય છે ને એને પ્રજા મત આપીને ચૂંટે છે. પ્રજા નબળી હોય તો સરકાર સારી ભાગ્યે જ હોય છે. પ્રજામાં આખી પ્રજા નબળી નથી, એમ જ સરકારમાં આખી સરકાર નબળી ન હોય એમ બને. સાદી વાત એટલી છે કે પ્રજા સજાગ ને સક્રિય હોય ને સરકાર જો ગાફેલ રહે તો વખત આવ્યે તે પાઠ ભણાવી શકે છે.
તાજો જ દાખલો પેટ્રોલ અને ગેસના ભાવ વધારાનો છે. કારણો ગમે તે હોય, પણ સરકારે બેફામપણે ઈંધણના ભાવ વધાર્યા જ કર્યાં. એવી આગાહીઓ પણ થઈ કે પેટ્રોલ લિટરના દોઢસો સુધી જશે. એ જાય એવી પૂરી શક્યતાઓ હતી. સરકારોને એમ હતું કે ઇંધણનો ભાવવધારો પ્રજા વેઠી લેશે, તો મહામારીને કારણે આવી પડેલી ખોટ ભરપાઈ થઈ જશે. પણ આ વસૂલાતમાં ધડો ન રહ્યો. ઈંધણ પરના વેરાની કમાણી 2014માં 73,000 કરોડ હતી, તે 2020-‘21 માં 3.89 લાખ કરોડ થઈ. આ વધારો 500 ટકાનો હતો. માત્ર એક્સાઈઝ ડ્યૂટીની વાત કરીએ તો ભા.જ.પ.ની સરકાર સત્તા પર આવી ત્યારે પેટ્રોલ પર પ્રતિ લિટરે તે 9.42 રૂપિયા હતી, તે હવે વધીને 32.90 રૂપિયા થઈ હતી. આ વધારો 300 ટકાનો હતો. આ વધારો ઈંધણ પૂરતો જ મર્યાદિત ન હતો. તે અનેક ક્ષેત્રોમાં હતો ને પ્રજા મૂંગે મોઢે એ વેઠી રહી હતી. એમ પણ લાગતું હતું કે પ્રજા નિર્માલ્ય અને ઉદાસીન છે. એના હાથમાં કશું નથી, પણ એના હાથમાં એક શસ્ત્ર હતું, મતનું ને તે તેણે વિવિધ રાજ્યોની પેટા ચૂંટણી વખતે ઉગામ્યું ને શાસક પક્ષનો બધો તોર ઊતરી ગયો. 3 નવેમ્બરે પેટા ચૂંટણીનું પરિણામ આવતાં વિધાનસભાની 30 બેઠકોમાં કાઁગ્રેસનો હાથ ઉપર રહ્યો. બંગાળમાં ચારે બેઠકો ટી.એમ.સી.ને મળી. લોકસભાની 3 બેઠકોમાંથી ત્રણે કોઈ એક પક્ષને ન મળતાં ભા.જ.પ., કાઁગ્રેસ અને શિવસેનાને મળી. આ પરિણામ આવતાં હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રીએ કબૂલવું પડ્યું કે વધતી મોંઘવારીએ આ પરિણામો આપ્યાં છે. કોઈ પણ સરકારને ચેતી જવા માટે આટલું પૂરતું હતું. પરિણામની અસર એવી પડી કે 4 નવેમ્બરે જ પેટ્રોલ-ડિઝલના ભાવો તૂટયા. એકાએક જ દસેક રૂપિયા સુધી ભાવ ઘટ્યા. ગુજરાત સરકારે પોતાના વેરા ઘટાડ્યા ને સરવાળે પેટ્રોલ 10 રૂપિયા ને ડિઝલ સત્તરેક રૂપિયા સસ્તું થયું.
આ માટે સરકારોનો આભાર માનવો જ પડે, કારણ ઇંધણને મામલે તેણે પ્રજાને પૈસે દિવાળી ન કરતાં પ્રજાને દિવાળીમાં રાહત આપી હતી. જો કે, આ અણધાર્યા ઘટાડાએ સરકારના ઈરાદાઓ અને હેતુઓને ઉઘાડા પાડી દીધા છે. સરકારના ભક્તોએ એવો પ્રચાર પણ કર્યો હતો કે આગલી સરકારે જે ઓઇલ બોન્ડ્સ બહાર પાડેલા તેનું ચૂકવણું હાલની સરકારને પરસેવો પડાવતું હતું ને એ ચૂકવણાં માટે પ્રજા પર ઇંધણનો ભાવ વધારો લાદવો જ પડે એ સ્થિતિ હતી. એવી વાતો પણ હતી કે 100 કરોડ લોકોને મફત રસી આપવા સરકારે ઈંધણ મોંઘું કર્યું. આ જો સાચું હોય તો સરકારે એવું નાટક કરવાની જરૂર ન હતી. ખરેખર તો સરકારે જાહેર કરવું જોઈતું હતું કે રસી મફત આપી શકાય એ માટે ઇંધણનો ભાવ વધારવો જ પડે એ લાચારી છે, તો પ્રજાએ આ વધારો સ્વીકારી લીધો હોત ! એને બદલે પ્રજાની પરવા જ ન હોય તેમ સરકાર ભાવ વધારતી રહી. એને બદલે સરકારે પ્રજાને વિશ્વાસમાં લેવાની જરૂર હતી. આ એ પ્રજા છે, જેણે વડા પ્રધાનના એક બોલે ગેસની કરોડોની સબસિડી સ્વેચ્છાએ જતી કરી છે. જો સરકારે જાહેર કર્યું હોત કે મફત રસીની સામે પ્રજાએ ઇંધણનો ભાવ વધારો વેઠવો જ પડે એમ છે, તો પ્રજાએ ખુશી ખુશી સરકારને સાથ આપ્યો હોત, તેને બદલે પ્રજાને પોતે લૂંટી રહી છે એવી છાપ સરકારે દૃઢ થવા દીધી. એથી પ્રજાની નારાજગી વધી ને એણે પેટા ચૂંટણીમાં એ નારાજગી પ્રગટ કરી, તે એ હદે કે સરકારને ઈંધણના ભાવ ઘટાડવાની ફરજ પડી.
પ્રજાએ પોતાની છૂપી, પણ લોખંડી તાકાતનો પરચો આપ્યો ને સરકારને તેનું સ્થાન બતાવી દીધું, તો સરકારને પક્ષે એવું પણ સિદ્ધ થયું કે ભાવ વધારો સાચો ન હતો. જો પ્રજા વિફરે તો ભાવ ઘટાડવો પડે એ ફલિત થયું. મતલબ કે ભાવ વધારો પ્રજાના મિજાજ પર અવલંબિત છે, નહીં કે આંતરરાષ્ટ્રીય ભાવો ને સંજોગો પર ! આ બધું પારદર્શક નથી. એ પણ કમાલ જ છે ને કે રોજ વધતાં ભાવો હવે સ્થિર છે ! 2022માં વિધાનસભાની ચૂંટણી ગુજરાત, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં છે. એવું બનવાના પૂરા સંજોગો છે કે ભાવ વધારો ખરેખર જરૂરી થઈ પડે એમ હોય તો ય સરકાર હવે ભાવ નહીં વધારે. જો પ્રજાનો રોષ પેટા ચૂંટણીમાં પરિણામો પર અસર પાડી શકતો હોય તો સરકાર સામે ચાલીને પોતાને વેતરવા પ્રજાના હાથમાં કાતર નહીં જ આપે તે નક્કી છે. એનો અર્થ એવો પણ નહીં કે પ્રજાએ સરકારને બાનમાં લેવાની છે. અપેક્ષા એટલી જ છે કે આજના સમયમાં પ્રજા સક્રિય રહે તો સરકાર મનમાની કરતાં પહેલાં વિચાર કરે.
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 નવેમ્બર 2021
![]()


એમાં કોઈ શંકા નહોતી કે અંગ્રેજો બેવડાં ધોરણ અપનાવતા હતા. ભારતમાં આતતાયી વલણ અપનાવનારા અંગ્રેજો બ્રિટનમાં ટીકાના ડરે પ્રમાણમાં ન્યાયી વલણ અપનાવતા હતા. એ કાયદાકીય જવાબદાર રાજ્યતંત્રની ઢાલનો લાભ લઈને બ્રિટનમાં રાજકીય પ્રવૃત્તિ કરવામાં વધારે સલામતી છે, એવી એક સમજ ત્યારે પ્રવર્તતી હતી અને તેનો કેટલાક લોકો લાભ પણ લેતા હતા. સાવરકરે તો શ્યામજી કૃષ્ણવર્મા ઉપરના એક પત્રમાં લોકમાન્ય તિલકને એમ કહેતા ટાંક્યા છે કે, ‘ઇગ્લેન્ડમાં આચાર, વિચાર અને પ્રચારના ક્ષેત્રે પ્રવર્તતા સ્વતંત્ર વાતાવરણની જે અનુકૂળતા તમને છે એવી સ્વતંત્રતા અમને અહીં મળે એવી કોઈ શક્યતા નથી.’ (સમગ્ર સાવરકર વાંગ્મય, ખંડ ૧, પૃષ્ઠ, ૩૨૫)
અંધકારથી ભરેલું હતું, ત્યારે અભિનવ ભારતના તેજોપુંજનો અકસ્માત ઉદય થયો હતો. અકાળે અરુણોદય થાય એવી ઘટના બની. એ જોઇને લોકો આભા બની ગયા. એ લોકો (ભારતના પ્રસ્થાપિત નેતાઓ) જ્યારે અંગ્રેજ સરકાર પાસે પાછલા પ્રહરની યાચક અવસ્થામાં જે તે માગણીઓ કરતા હતા ત્યારે અચાનક સંપૂર્ણ સ્વાતંત્ર્યના ધ્યેયનો સૂર્યોદય થયો અને નિંદ્રાગ્રસ્ત જનતા અરુણોદય જોઇને આભી બની ગઈ તો એમાં કોઈ આશ્ચર્યની વાત નહોતી. સંપૂર્ણ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે સશસ્ત્ર ક્રાંતિયુદ્ધ એ જ એક માત્ર અને અનિવાર્ય સાધન છે એવું વગાડીને કહેનારા અને એ સારુ શત્રુના અને પોતાનાં પ્રાણની પરવા નહીં કરનારા માથાફરેલ તરુણને શાણાઓ જોતા રહ્યા. …
દોસ્તી થતાં વાર ન લાગી. એક વર્ષ પછી પિયરીએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, ‘આપણે બન્ને સ્વપ્નસેવી, કહો કે સ્વપ્નસંમોહિત વ્યક્તિઓ છીએ. આપણે સાથી બનીએ, સાથે જીવીએ અને તેં તારા દેશ માટે જે જોયું છે, આપણે આખી માનવજાત માટે તેમ જ સંશોધન માટે જે સેવ્યું છે તે સ્વપ્નને સાકાર કરીએ તો કેવું?’ મેરી તો પણ ખચકાતી હતી, લગ્ન અને વિજ્ઞાનનો મેળ પડશે ખરો? પિયરીએ વિશ્વાસ આપ્યો, ‘આપણે સાથે મળીને વિજ્ઞાનની સેવા કરીશું.’ મેરીને પોતાના દેશમાં જઈ કામ કરવું હતું, પણ ત્યાંની યુનિવર્સિટીઓએ તેને કામ આપવાની ના પાડી કારણ કે તે સ્ત્રી હતી. પિયરીએ તેને પેરિસ આવી જવા મનાવી લીધી. 1895ની 26મી જુલાઈએ બન્ને પરણી ગયાં. ભારતમાં આ વખતે અંગ્રેજોનું રાજ્ય હતું. 1857ના વિદ્રોહને ત્રણ દાયકા થવા આવ્યા હતા. ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસની સ્થાપનાને દસ વર્ષ થયા હતા. દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધીના સત્યાગ્રહની ભૂમિ તૈયાર થતી આવતી હતી.