માનો ગરબો રે જમતો રાજને દરબાર …
રમતો જમતો રે, આવ્યો મેકડોનલ્ડને દ્વાર …
એલી મેકડોનલ્ડની નાર, તું તો સૂતી હોય તો જાગ,
માને ગરબે રે પિત્ઝા, બર્ગરિયા મેલાવ …
માનો ગરબો રે જમતો રાજને દરબાર ….
રમતો જમતો રે આવ્યો ચાઈનીસ હોટેલ દ્વાર,
એલા ચાઇનિસિયાની નાર, તું તો સૂતી હોય તો જાગ,
માને ગરબે રે ચિલ્લી, મન્ચુરિયન લઈ આવ …
માનો ગરબો રે જમતો રાજને દરબાર,
રમતો જમતો રે આવ્યો મદ્રાસીને દ્વાર,
એલી મદ્રાસીની નાર તું તો સૂતી હોય તો જાગ,
માને ગરબે રે ઈડલી સાંબર તું મુકાવ …
માનો ગરબો રે જમતો રાજને દરબાર,
રમતો જમતો રે આવ્યો મરાઠીને દ્વાર,
એલી મરાઠીની નાર તું તો સૂતી હોય તો જાગ,
માને ગરબે રે મિસળ, પુરણ પોળી લાવ …
માનો ગરબો રે જમતો રાજને દરબાર,
રમતો જમતો રે આવ્યો ગુજરાતીને દ્વાર,
એલી ગુજરાતીની નાર, તું તો સૂતી હોય તો જાગ,
માને ગરબે રે થાળી ગુજરાતી ખવડાવ …
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


મોંઘવારીનું એવું છે કે એ સનાતન છે. કોઈ પણ કાળમાં એ હતી ને હશે. લોકો ગરીબ હતા ને છે, પણ જીવે છે. ના જીવાય તો મરવાની કોઈને બંધી નથી. કેટલાક મૂરખાઓ મોંઘવારીની બૂમો પાડ્યા કરે છે, પણ એ તરફ બહુ ધ્યાન આપવું નહીં. એમને રડવાની ટેવ પડી ગઈ છે. લોકો દેવું કરીને ઘી પીતા આવ્યા છે ને હજી પીશે. કોઈ ભલો જીવ કોઈ વસ્તુ મફત આપશે તો આ લલ્લુઓ બે માંગશે. આ પછી પણ જેને નથી મળતું, તેને નથી જ મળતું. એ જાણે ન મેળવવા માટે જ છે ! દૂધ-ઘીની નદીઓ વહેતી હતી, ત્યારે પણ કેટલાંક દૂધ-ઘી વગર જ રહ્યાં છે ને હવે મોંઘું મળે છે ત્યારે પણ દૂધ-ઘી વગર જ રહે છે. કેટલાક અળવીતરા લોકો મોંઘવારી માટે લખે-બોલે છે ને સરકારને વારંવાર ભાંડે છે તે બરાબર નથી. એને કેટલાક સરકાર વિરોધી કે દેશદ્રોહી પણ કહી દે છે, પણ આ મૂરખાઓ નથી તો દેશદ્રોહી કે નથી તો કોઈ પક્ષના કે એમ મન મનાવાય કે કૈં નહીં તો વિપક્ષી તો છે ! ચાલો, માની લઈએ કે સરકાર મોંઘવારી વધારે છે, પણ સરકર જ ન હોય તો બિચારી મોંઘવારીનું શું થાય એ તો વિચારો. એ તો સરકાર વગર મરવા જ પડે કે બીજું કૈં? ને એવું નથી કે ભા.જ.પ.ના રાજમાં જ મોંઘવારી છે ! એ અંગ્રેજોના વખતમાં હતી, કાઁગ્રેસનાં રાજમાં હતી ને ભા.જ.પ.ના રાજમાં પણ છે. મોંઘવારી સનાતન છે. તે સરકાર મુજબ બદલાતી રહે છે. સરકાર વિકાસ કરે તો મોંઘવારી વિકસ્યા વગર થોડી જ રહેવાની હતી ! સરકાર એટલે જ મોંઘવારી, એવું કોઈ પણ સરકાર માટે જોયા વગર જ કહી શકાય. જો કે, લોકોને મોંઘવારી બહુ નડતી નથી. તેનું કારણ છે. લોકોનો સ્વભાવ વેઠવાનો છે. કુંભાર ગધેડા પર બોજ મૂકતો જ જાય છે ને ત્યાં સુધી મૂકે છે જ્યાં સુધી તે ભૂંકતો નથી. જો ગધેડો ભૂંકતો હોય તો લોકોને તો અવાજ છે. સરકારને ખબર છે કે લોકો નથી બોલતા એનો અર્થ જ એ કે હજી તેઓ ઘણું ખમી શકે એમ છે.
આજે [10 ઑક્ટોબર 2021] વિશ્વ માનસિક આરોગ્ય દિવસ છે. ૨૦૧૭માં, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના કોન્વોકેશનમાં કહ્યું હતું કે ભારતમાં માનસિક આરોગ્યની મહામારીનો ખતરો છે. વિશ્વ આરોગ્ય સંગઠને ભારતને વિશ્વનો ‘સૌથી ડિપ્રેસ દેશ’ ઘોષિત કરેલો છે. તેણે અંદાજ આપેલો છે કે ભારતમાં સાતમાંથી એક વ્યક્તિનું માનસિક આરોગ્ય નબળું છે. અનેક અભ્યાસ પરથી આવેલા તારણ અનુસાર, ભારતમાં ૧૦ ટકા વસ્તી એવી બીમારીઓથી પીડાય છે જેને નિષ્ણાતની મદદની જરૂર છે. ભારતમાં માનસિક આરોગ્યને લઈને જાગૃતિની એટલી અછત છે કે ૧૩૬ કરોડ લોકોના દેશમાં ૯,૦૦૦ સાઈકિયાટ્રીસ્ટ અને ૨,૦૦૦ ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ છે, જ્યારે જરૂર છે ૩૦,૦૦૦ સાઈકિયાટ્રીસ્ટ અને ૩૮,૦૦૦ સાઇકોલોજિસ્ટની.