૩ : અભ્યાસક્રમ વગેરે :
અધ્યાપકો સામાન્યપણે નિયત અભ્યાસક્રમ પ્રમાણે ભણાવે જ. કોઈ કોઈ હોય એવા, કે અમુક પોર્શન ગુપચાવી જાય. જાગ્રત વિદ્યાર્થીને તરત ખબર પડે. જો કે આજકાલ જાગ્રત કેટલા? માગતા હોય ખરા, કે સાહેબ, આ હજી બાકી છે, ક્યારે પૂરું કરશો?
પૂર્વશરત એ છે કે વિદ્યાર્થી પાસે પણ નિયત અભ્યાસક્રમ હોવો જોઇએ. હું તો વિદ્યાર્થીઓને આગ્રહપૂર્વક કહેતો કે સમગ્ર અભ્યાસક્રમ ઉતારી લેજો; કયા સાહેબ કયો પોર્શન ભણાવવાના છે તે પણ લખી લેજો.
હવે તો અભ્યાસક્રમ ઇન્ટરનેટ પર સર્વસુલભ હોય છે. છતાં, ઍક્ઝામ-પેપર્સ અગાઉના કોર્સ પ્રમાણે નીકળે છે. પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ પણ આગળનો કોર્સ સમજીને ગયા હોય છે. આવું કેમ? સવાલ એ થાય કે ભણાવનારાએ કયો કોર્સ ભણાવ્યો હશે. નિયત અભ્યાસક્રમને અનુસરીને ભણાવવાનું હોય, પેપરો કાઢવાનાં હોય, વિદ્યાર્થીએ પરીક્ષા આપવાની હોય ! સિમ્પલ વાત તો છે !
જુઓ, અભ્યાસક્રમ એક સૅક્રેડ બૉન્ડ છે – પવિત્ર બન્ધન. ઇન્ઍસ્કેપેબલ કૉન્ટ્રાક્ટ – અટળ અનિવાર્ય કરાર. અધ્યાપકે પેપરસૅટરે અને પરીક્ષાર્થીએ એને વશ વર્તવાનું હોય કે નહીં?
પણ સામા છેડાની વાત એ છે કે – શું એટલું જ ભણાવવાનું? નિયત અભ્યાસક્રમની સીમા-મર્યાદામાં આવે એ અને એટલું જ? તો તો અભ્યાસક્રમ પણ એક દીવાલ બની રહે !
ઍન્જીનિયરિન્ગ, મૅડિસિન કે કમ્પ્યૂટર સાયન્સના વર્ગોમાં અભ્યાસક્રમ-ચુસ્તતા આવકાર્ય લાગે છે. પણ હ્યુમેનિટીસમાં યન્ત્રવત્ ભાસે છે. ‘સરરસ્વતીચંદ્ર’-ના ચાર ભાગ તો નિયત ન જ થાય, પણ અન્ડરસ્ટૅન્ડિન્ગ હતી કે અધ્યાપકે બીજા ત્રણની ભરપૂર ચર્ચા તો કરવાની જ. ‘ઑથેલો’ કોર્સમાં હોય, પણ અમને કહેવામાં આવતું કે શેક્સપીયર-રચિત બીજી ત્રણ ટ્રેજેડીઝ વાંચી જજો; અને હું તો વાંચી જતો.
ઍમ.ઍસ.-માં અમારા અધ્યાપકોને નિયત ચૉકઠાંમાં ભણાવવું ન ફાવે. સુરેશ જોષી, પ્રોફેસર કંટક, જે.ડી. દેસાઇ, સાળગાંવકર, અરુણોદય જાની, ઇત્યાદિ એવા સભરેભર્યા વિદ્વાનો હતા. ત્યારે પ્રૉફેસર, લૅક્ચરર અને ટ્યુટર એવી સિસ્ટમ હતી. પ્રૉફેસર પ્રૉફેસ કરે – વિષયવસ્તુનું પ્રતિપાદન. લૅક્ચરર એને લૅક્ચરો કરીને પ્રસરાવે. ટ્યુટર એના ટ્યુટોરિયલ્સ કરાવે – લેસન.
હવેની સિસ્ટમમાં કોઈ લૅક્ચરર નથી, બધા જ પ્રૉફેસરો ! કોઈ ’આસિસ્ટન્ટ’ કે કોઈ ‘ઍસોસિયેટ’. સાઉન્ડ્સ ગુડ ! પણ એઓ શેને આસિસ્ટ કરે છે? શેની જોડે ઍસોસિયેટ થાય છે? રામ જાણે ! અથવા એ લોકો જો કહી શકે.
દીવાલો વિનાની યુનિવર્સિટી-ના સ્પિરિટથી – ભાવભાવનાથી – રચાયેલા ‘સન્નિધાન’-ના શિબિરોમાં અભ્યાસક્રમજડત્વ નથી હોતું. નિયતને કેન્દ્ર ગણીને વ્યાખ્યાતા વિષયનો યથાશક્તિમતિ પરિઘ રચે છે. એક-ના-એક સાહેબ પાસેથી ‘નળાખ્યાન’ પરની એ-ની-એ જ રૅકર્ડ સાંભળવાનો કંટાળો આવે; આવવો જ જોઈએ ! જ્યારે આમાં, બહારનો ઉપલબ્ધ વિદ્વાન કશું રેઢિયાળ નથી લલકારતો. એ સ્પેશ્યલ હોય છે ને એની વાત પણ સ્પેશ્યલ હોય છે. સભાને નવ્ય વિચારોનું ભાથું મળે છે.
સ્પેશ્યલને સાંભળવાથી સ્થાનિક અધ્યાપકને સમ્માર્જનની તક મળે છે. જો કે સ્પેશ્યલ કશું ભળતું ભળાવતો હોય તો ચર્ચા વખતે સ્થાનિક એને ખંખેરી શકે છે. કેમ કે વચ્ચે, ‘કહેવાતી વિદ્વત્તા’-ની દીવાલ નથી હોતી. પ્રેમપૂર્વકના શૅરિન્ગનો ઉલ્લાસ હોય છે. સૌએ અંકે કરી લીધું હોય છે કે સહભાગીતા પણ વિદ્યાવિકાસનું એક જરૂરી રસાયન છે.
આ જ ભાવભાવનાથી પ્રેરાઈને ગુજરાત સાહિત્ય અકાદમીએ યુનિવર્સિટીઓના ગુજરાતી વિષયનાં અધ્યયન-અધ્યાપન સંદર્ભે એક વિશિષ્ટ કાર્યક્રમ શરૂ કર્યો હતો – ‘અધીત સંવર્ધન વ્યાખ્યાનમાળા’. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી અને વીર નર્મદ યુનિવર્સિટીમાં ૧૦-૧૦ વ્યાખ્યાનોની એક એવી ૩ માળાઓ થઇ હતી. દરેકમાં વિદ્યાર્થીઓ અને તેમના અધ્યાપકોની સૉ-સવાસૉ જેટલી સક્રિય હાજરી વચ્ચે વિદ્વાનોએ વ્યાખ્યાનો કર્યાં.
ભૂતકાળમાં ભાવનગર યુનિવર્સિટીના અનુ-સ્નાતક ગુજરાતી વિભાગે અકાદમીના આર્થિક સહયોગથી વરસો લગી વિદ્યાર્થીલક્ષી અભ્યાસ-શિબિરો યોજેલા.

Literary Courses :
Picture courtesy : Waterloo
દીવાલો વિનાની યુનિવર્સિટીનો ખયાલ તમને દેખાડી દે કે ક્યાં ક્યાં દીવાલો છે. એક સાવ અજાણી દીવાલ દર્શાવું : કવિસમ્મેલન, મુશાયરો કે સાહિત્યકૃતિનાં ગાયન-વાદનના કાર્યક્રમોમાં, ધ્યાનથી જોશો તો ઑડિયન્સમાં ગુજરાતી સાહિત્યના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ નહીં દેખાય. યુનિવર્સિટી ડિપાર્ટમૅન્ટના હેડ કે ત્યાંના પ્રોફેસરસાહેબો નહીં દેખાય. કાર્યક્રમ ભલે ને અભ્યાસક્રમનિયત સાહિત્યકૃતિના કે તેના સર્જકના ગૌરવગાનનો હોય ! ભલે ને કોઇ અવૉર્ડીના સન્માનનો હોય ! આંગળીનાં વેઢે ગણાય એટલા મળી આવે તો અહોભાગ્ય ! આવું કેમ? હું મન મનાવી લેતો હોઉં કે એમને નિમન્ત્રણ નહીં અપાયું હોય.
બીજું, આના જેવું જ, પણ અવળું : કૉલેજોમાં કે ડિપાર્ટમૅન્ટ્સમાં યોજાયેલાં વ્યાખ્યાનોમાં કે પરિસંવાદોમાં કવિ, વાર્તાકાર, નાટ્યકાર વગેરે સાહિત્યકારો નહીં દેખાય. મને ઘણી જગ્યાએ મારા વ્યાખ્યાન દરમ્યાન એ ગામના ખ્યાતનામ કવિમિત્ર યાદ આવ્યા જ કરે ! થાય કે સામે બેઠા હોય તો કેવું સારું ! શંકા થાય કે શું એમને નિમન્ત્રણ નહીં અપાયું હોય …
સાહિત્યના સર્જન અને સાહિત્યના અધ્યયન-અધ્યાપન વચ્ચેની આ દીવાલ આપણા ધ્યાનમાં આવી જ નથી. એને કારણે લિટરરી ફન્કશન્સ ઝાંખાંપાંખાં રહી ગયાં છે. કાં તો, જ્ઞાનતેજ વિનાનાં. કાં તો, ડૉળઘાલુ.
આ તરફના એમ સમજે કે એ તો બધા સમ્મેલનિયા છે. બીજી તરફના એમ સમજે છે કે એ તો બધા માસ્તરો છે, ભણાવ્યા કરે.
વ્યવહારુ નુક્સાન એ થયું છે કે કાર્યક્રમોમાં શ્રોતાઓની હાજરી પાંખી પડી ગઈ છે. માંડ ૬૦-૭૦ જણાં હોય છે. પાછાં એ-ને-એ બીજી સભામાં બેઠાં હોય ! મન મનાવવું હોય તો મનાવી શકાય કે એટલાંને તો એટલાંને, રુચિ-ઘડતરની તકો તો સાંપડે છે ! જ્યારે, કૉલેજો અને ડિપાર્ટમૅન્ટ્સને શ્રોતાના વખા ક્યારે ય નથી હોતા – જેને તાકીદની તીવ્ર જરૂરિયાત છે એવું સાચી ગરજવાળું ઑડિયન્સ.
મેં તો આપણી સાહિત્ય-સંસ્થાઓને ડિપાર્ટમૅન્ટ્સ સાથે અનુબન્ધ રચવાનું વર્ષોથી કહ્યા કર્યું છે. ડિપાર્ટમૅન્ટ્સને પણ અવારનવાર કહ્યું છે કે વિદ્યાર્થીઓને સાહિત્યના કાર્યક્રમોમાં જવા કહો; તમે પણ જાઓ. સમજાતું નથી કે શા માટે આપણે બધું એકરસ નથી થવા દેતા ! અલગાવ ટકાવી રાખીને શું સિદ્ધ કરવા માગીએ છીએ?
ઉમેરું કે દરેક કૉલેજમાં તેમ જ ડિપાર્ટમૅન્ટમાં ‘મીની સન્નિધાન’ રચી શકાય છે. ‘ગુજરાતી સાહિત્ય મંડળ’ ઊભું કરવાનું અને બહારના સાહિત્યકારોને બોલાવીને અભ્યાસક્રમ-સંલગ્ન કાર્યક્રમો યોજવાના.
ભાષા-સાહિત્ય ભવનના એ મંડળના ઉપક્રમે એક વાર અમે શોભિત દેસાઈને બોલાવેલા. મને ચિન્તા હતી કે નામ જેનું શોભિત, તે ગઝલને કેમ વીસરી શકશે. પણ સાંભળો, શોભિતે હાથમાં એકપણ કાગળ વિના પોતાના એ જ ગઝલ-ટેવાયા મુખેથી ગદ્યના ફકરાઓ પર ફકરાઓની એકપણ શબ્દફેર વગરની અસ્ખલિત રજૂઆત કરેલી. અને સાંભળો, ફકરાઓ હતા સુરેશ જોષીના ‘જનાન્તિકે’ નિબન્ધોના ! અમે સૌ આફરીન પોકારી ગયેલાં. વિદ્યાર્થીઓ રાજીના રેડ તો એટલે હતા કે એ વર્ષે એઓ સુરેશ જોષીને એક ઑથર રૂપે ભણતા’તા !
‘સન્નિધાન’ કે ‘અધીત સંવર્ધન વ્યાખ્યાનમાળા’ દીવાલો વિનાની યુનિવર્સિટીઓ છે. એમાં આવી અભૂતપૂર્વ છતાં અર્થપૂર્ણ ઘટનાઓ ઘટી શકે છે.
= = =
(January 6, 2022: Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર
![]()


‘સન્નિધાન' નામે ૨૫ વર્ષથી શિબિરો યોજીને મેં સારી પૅઠે અજમાવેલો એક ઇલાજ છે – દીવાલો વિનાની યુનિવર્સિટી. યુનિવર્સિટી વિધાઉટ વૉલ્સ.
ચલચિત્રો – ફિલ્મોની સંખ્યાની દૃષ્ટિએ – ફિલ્મનિર્માણમાં વિશ્વભરમાં ભારત અવ્વલ નંબરે છે, જ્યારે વિશ્વભરમાં સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તે અમેરિકા પછી બીજા નંબરે છે.
આ જ્યારે હું લખી રહ્યો છું ત્યારે ૨૬૧ પાનાંનું એક મજબૂત પુસ્તક ‘बोलीवूड के अतिरिक्त (हिन्दी सिनेमा में दलितविमर्श’) મારા હાથમાં છે, જે પહેલી ઑક્ટોબર ૧૯૪૨ના રોજ હિમાચલ પ્રદેશમાં જન્મેલા, ૨૦૦૨માં ગુજરાતના અધિક મુખ્ય સચિવ જેવા ઉચ્ચપદેથી (છ માસ વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ) નિવૃત્ત થયેલા અને હવે ગુજરાત(ગાંધીનગર)ને જ પોતાનું ઘર બનાવી વસી રહેલા, બોલીવૂડની ફિલ્મો સંદર્ભે એકથી વધુ દળદાર ગ્રંથો લખનારા, ગુજરાતના વરિષ્ઠ સનદી અધિકારી વિજય રંચને લખ્યું છે.
દલિતવિમર્શ પર કેન્દ્રિત થવાને બદલે કથામાં તેનું સવર્ણ છોકરી સાથેનું પ્રેમપ્રકરણ દર્શાવાયું છે. આવી કથાઓમાં ઉચ્ચ જાતિઓનું સન્માન સાચવવા સવર્ણ પાત્રનું મરવું જરૂરી હોય છે …. ને તે સવર્ણ છોકરી અકસ્માતમાં મરી જાય છે ! એક અર્થમાં આપણી હિન્દી ફિલ્મોમાં દલિતોની કથા પણ સવર્ણના માધ્યમથી (તેઓ ઉચ્ચ દેખાય તે રીતે) જ કહેવામાં આવે છે …. ફિલ્મ ‘કાશી : ગંગા કી ખોજ મેં’(૨૦૧૮)માં નાયક કાશી (શરમન જોષી) ડોમ (દલિત) જાતિનો છે ને તેની બહેન ગંગા ગુમ થઈ ગઈ છે ને તેની શોધમાં તે એકથી વધુ ખૂન કરે છે. છતાં આખી ફિલ્મમાં તે ડોમના વ્યવસાયથી જોડાયેલો હોય એવું દર્શાવાતું જ નથી! તેનો પરિવેશ પણ નથી! ….. ‘બનારસ : અ મિસ્ટિક લવસ્ટોરી’(૨૦૦૬)માં સવર્ણ યુવતી દલિત યુવકના પ્રેમમાં પડે છે, તેથી યુવતીનાં માતા-પિતા તે યુવાનની હત્યા કરાવે છે. અંતમાં ઉચ્ચ જાતિનું ગૌરવ જાળવવા તે દલિત યુવકને બ્રાહ્મણ સંસ્કારવાળો, કોઈ બ્રાહ્મણ સ્ત્રીનો ત્યક્ત પુત્ર બતાવવો જરૂરી થઈ પડ્યો! ……. ‘સુજાતા’ (૧૯૫૯) બિમલ રૉયની ફિલ્મ હતી અને તે ફિલ્મ માટે ત્યારે જવાહરલાલ નહેરુએ પણ રૉયને અભિનંદન પાઠવ્યા હતા. આ ફિલ્મમાં એક બ્રાહ્મણ પરિવાર એક દલિત કન્યાને ઉછેરે છે તોયે ફિલ્મમાં બ્રાહ્મણ-દલિત સંવાદ સ્થાપિત થતો જ નથી. તેમાં તો બ્રાહ્મણ-બ્રાહ્મણોનો જ દ્વંદ્વ છે. આ ફિલ્મ આવી ત્યારે ડૉ. આંબેડકર અને તેમના વિચારો પૂરા દેશમાં પ્રચલિત થઈ ચૂક્યા હતા. આ ફિલ્મમાં ડૉ. આંબેડકરનો ઉલ્લેખ પણ આવે છે. તો પણ ‘સામાજિક ક્રાંતિ વિના, રાજકીય ક્રાંતિનો કોઈ અર્થ નથી’ એવા ડૉ. આંબેડકરના વિચારોનો કોઈ પડઘો આ ફિલ્મમાં પડેલો જણાતો નથી …. ‘ચાર દિલ, ચાર રાહે’ (૧૯૫૯) પણ સવર્ણ નાયકની દલિત નાયિકા સાથેની પ્રેમકહાણી છે. સાંસ્કૃતિક પરંપરામાં કૃષ્ણ કાળા છે ને રાધા ગોરી છે, કિન્તુ અહીં નાયક ગોરો છે ને નાયિકા (રાધા) શ્યામ છે ! … ‘મંથન’ (૧૯૭૬) વંચિતોના સશક્તિકરણની કથા છે ને તો પણ તેમના (વંચિતોના) સશક્તિકરણના પ્રદાતા તો તેમાં સવર્ણો જ છે ! …. શ્યામ બનેગેલની ફિલ્મ ‘સમર’ દલિતોની આસપાસ ઘૂમતી કથા જણાય છે. છતાં એમાં દલિત શોધ્યો નજર નથી આવતો ! ….. ‘ચાચી-૪૨૦’નો હીરો પાસવાન (દલિત) હતો (કમલ હાસન), છતાં આ ફિલ્મ એક ઉત્તમ પ્રહસન બની રહી હોવાના કારણે દલિતપ્રશ્નનો મુદ્દો ગૌણ બનીને રહી ગયો … સત્યકામ જાબાલ નામક પૌરાણિક દલિત નાયકના નામ પરથી બની હોવા છતાં ફિલ્મ ‘સત્યકામ’(૧૯૬૯)માં નાયક સત્યકામને બ્રાહ્મણ જાતિનો દર્શાવાયો છે ! …. ભારતીય વર્ણવ્યવસ્થાની સામાજિક સંરચના અને ધાર્મિક દર્શને દલિતો પરના દમનને ઉચિત માન્યું છે. ભગવાન સર્વશક્તિમાન હોવાની ધારણા જ મનુષ્યને દુર્બળ, વિવશ, અજ્ઞાની ને શૂદ્ર બનાવે છે. ફિલ્મ ‘સંત જ્ઞાનેશ્વર’ (૧૯૪૦, ૧૯૬૪, ૧૯૮૧, ૨૦૧૨) ચાર વાર બની, છતાં તે તમામમાં ચમત્કારો જ દર્શાવાયા, જ્યારે કે સંત જ્ઞાનેશ્વરના પિતા બ્રાહ્મણ હતા, પણ સંસારને માંડવાને કારણે શૂદ્ર ગણાયેલા …. છબીકલાના જાદુગર બાબુભાઈ મિસ્ત્રીની ફિલ્મ ‘રવિદાસ કી અમર કહાની’ (૧૯૮૩), જેમણે બ્રાહ્મણોનો ધંધો ચોપટ કરેલો, જેઓ મીરાંબાઈના ગુરુ બનેલા, તેમના ચમત્કારોની ઘણી વાતો તેમાં છે, પણ દલિતવિમર્શ તો તેમાં ભુલાવી જ દેવામાં આવ્યો. વળી, સંત રવિદાસને પણ આ ફિલ્મે પૂર્વજન્મના બ્રાહ્મણ રાજકુમાર બનાવી દીધા ! …. સંત કબીર પર પણ ભારતભૂષણ જેમાં નાયક હતા તે ‘ભક્ત કબીર’ (૧૯૪૨), ગજાનન જાગીરદારની ‘મહાત્મા કબીર’ (૧૯૫૪), તેલુગુ પરથી ‘સંત કબીરદાસ’ (૨૦૧૦) જેવી એકથી વધુ ફિલ્મો બની છતાં એકેયમાં કબીરના દલિત હોવાની કે દલિતદર્શનની કોઈ જ વાત નથી ! છોગાંમાં આ ફિલ્મોમાં એમને કૃષ્ણનું રૂપ દેવાની પણ ચેષ્ટા થઈ ! ગળામાં રુદ્રાક્ષ અને માથા પર મયૂરપંખ પણ સજાવી દેવાયાં ! … કોઈ ભેદભાવમાં ન માનનારા સાંઈબાબા પર ‘શિરડી કે સાંઈબાબા’ (૧૯૭૭) કે જેમાં રાજેન્દ્રકુમાર, મનોજકુમાર, હેમા માલિની જેવા કલાકારો હતાં, તેમાં પણ વિજ્ઞાન અને આસ્થાનો છીછરો સંઘર્ષ જ નિરૂપવામાં આવ્યો …. ‘ગુડ્ડુ રંગીલા’(૨૦૧૫)માં નાયક દલિત છે, એની આપણને એ કારણે ખબર પડે છે કે તેના ઘરમાં ડૉ. આંબેડકરનો ફોટો છે અને તેના સંબંધીઓના ઘરમાં માયાવતી-કાંશીરામના ફોટા છે! બાકી આખી ફિલ્મમાં ‘દલિત’નો નામ માત્રનો ઉલ્લેખ નથી ! … ‘બંદૂક’(૨૦૧૩)માં દલિત પાત્ર ભોલા કેવટને અનેક કાવાદાવાથી પોતાના ક્ષેત્રનો બાહુબલી ગુંડો બની જતો દર્શાવાયો છે, જે વાસ્તવમાં દલિતઅસ્મિતાનું વિઘાતક નિરૂપણ માત્ર છે …. ‘ચોરંગા’ (૨૦૧૬) શીર્ષક જ નકારાત્મક છે પછી ભલે તે દલિતવિમર્શની વાત કરતી હોય. કારણ દલિતના જીવનમાં આટલા બધા રંગો છે જ નહિ, તે રંગો તો કાળા, આછા કાળા કે ભૂખરા જ છે …