મકરંદ દવેની જન્મ શતાબ્દીનું આ વર્ષ છે. ઘણા સેમિનારો થશે. સહુ ગમતાનો ગુલાલ કરશે. પણ મકરંદને જે બિલકુલ નહોતું ગમતું એ વિષે બહુ ઓછી વાત થશે. હિન્દુત્વ અને ગાય વિષે અમુક પરિબળોએ સમાજમાં જે પદ્ધતિસરની વ્યવસ્થિત રીતે ગેરસમજનો પ્રચાર શરૂ કર્યો છે એની સામે મકરંદના પુણ્યપ્રકોપ વિષે વક્તાઓનું લુચ્ચાઈભર્યું મૌન તરત તમારું ધ્યાન ખેંચશે. મરેલી ગાયનું ચામડું સાફ કરતા દલિતોની ગુજરાતમાં જ અંધ ગાય ભક્તોએ કેવી યાતના આપી હતી એના વીડિયો અમે જોયા છે. મોબ લિંચિંગ પણ જોયા છે. ગાય એટલે છાણ, ગૌમૂત્ર અને દૂધ નથી. અહીં મરેલી ગાય વિષે મકરંદે શું લખ્યું છે તે અક્ષરશ: સહુ મિત્રો સાથે શેર કરું છું મકરંદને ન ગમતાનો પણ ગુલાલ કરવો જોઈએ.
‘ગોસેવાનું શિક્ષણ ગાય મૃત્યુ પામે પછી પણ ચાલુ રહે છે. મરેલી ગાયનું ચામડું ઉતારતી વખતે ‘ગાયત્રી મંત્ર’ બોલવામાં આવે છે. મેઘવાળ સમાજનો આ અનોખો ગાયત્રી મંત્ર છે. મારા મિત્ર પૂંજાભાઇ બડવાએ મને આ માહિતી આપી હતી.’ પછાત, અસ્પૃશ્ય ગણાતી જાતિમાં ઢોરને ચીરવાની ખાસ વિધિ હોય છે. જે આખા સમૂહને અસ્પૃશ્ય માનવામાં આવે છે એ ઢોર ચીરવાની ક્રિયામાં અધ્યાત્મનું એક ગુપ્ત રહસ્ય રહેલું છે એ કોણ જાણે છે ? ખાસ કરીને મૃત ગાયને ચીરવાની ક્રિયામાં આ વિધિ અનિવાર્ય ગણાય છે. અગાઉના જમાનામાં તો ગાય મરી જાય ત્યારે એને લેવા આવનારને ગાયમાલિક આ વિધિ મંત્રોવિષે પૂછતો અને જો એને ખ્યાલ ના હોય તો એને મરેલી ગાય આપતો નહિ પણ પોતે જ ઊંડો ખાડો કરીને દાટી દેતો હતો. મૃત ગાયને ચીરવાનો વિધિ એવો હતો કે મૃત ગાયના જમણા પગની ખરીમાં આ મંત્ર બોલીને કાપો મુકાતો હતો. ‘સતની છરી, શબદની ધાર, ચૉરિંગ દિયે મેઘવાળ’ આ કાપો મૂકવાને ‘ચૉરિંગ દેવો’ એમ કહેવામાં આવે છે. એ પછી નીચે આપેલો મંત્ર બોલવામાં આવે છે.
અલખ બેઠા આપે ધણી,
આગે પીછે જોયું તો
ગાય અવતરી
જીવતી ગાય હિન્દુને સોંપી
ને સવાશેર દૂધના ભોગ ધરાયા
મરેલ ગાય મેઘવાળને સોંપી
તો સવા શેર માટીકા ભોગ લગાયા
ચાર પગકા ચાર ખંડ બનાયા
ચામડીની પૃથ્વી બનાઈ
હૈયાના શંખ બનાયા
ઉવાડાકા લોટા બનાયા
જીભ કી કલમ બનાઈ
આંતરડી જનોઈ બનાઈ
હોજરીકા ખડિયા બનાયા
પૂછડેકા લંગોટ બનાયા
મંતર વાંચી ગા ભરખે તો અમરાપુર જાવે
મંતર વાંચ્યા વિના ગા ભરખે તો નરકે જાવે
ગાયકા મંતર સંપૂરણ ભયા
તો મછન્દર પરતાપે જતિ ગોરખને કહા
પ્રાચીન તપોવનોમાં મુનિકુમારો જાતે જ મરેલી ગાયનું ચામડું ઉતારવાની ક્રિયા કરતા હતા. મકરંદ દવે બહુ સ્પષ્ટ કહે છે : 'જે વાણીને જીવતે જીવંત પરણાવી દીધી એટલે કે જગતના વહેવારમાં નાખી દીધી તે સમાજની સ્થૂળ વાણી થઇ ગઈ. મરેલી ગાયનું આવું રહસ્યધન પછાત અને અસ્પૃશ્ય જાતિએ સાચવી રાખ્યું છે એને આપણે હડધૂત કરીએ છીએ. કાયદાઓ ઘડવાથી કાંઈ થતું નથી ‘ગાયત્રી મંત્ર બહુ સાચું કહે છે : જીવતી ગાય હિન્દુને સોંપી ને સવાશેર દૂધના ભોગ લગાયા, મરેલી ગાય મેઘવાળને સોંપી ને સવાશેર માટીના ભોગ ધરાયા.’
•••
વિખ્યાત કલાકાર દોસ્ત શેખર સેનનો ફોન આવ્યો. તે કહે છે : મારે ઘેર ગીરની ગાય છે છતાં અમારા ઘરમાં ક્યારેક બિલકુલ દૂધ નથી હોતું કારણ કે ગાયના ફક્ત બે જ આંચળમાંથી અમે દૂધ દોહીએ છીએ. બાકીના બે આંચળમાં ભરેલું દૂધ અમે ગાયના વાછરડા માટે રાખીએ છીએ. અત્યારે તો મશીનથી ગાય દોવાય છે.
જુઓ, ગાયત્રી મંત્રમા પણ ‘ગાય’ શબ્દ છે ગાયની હાજરી છે. મકરંદનો મિજાજ બિલકુલ સેક્યુલર હતો, સત્તા સાથે કાયમ ખડાખાટકો હતો. કોઈ યુવાન મકરંદ પાસે સરકારી નોકરી માટે ભલામણ ચિઠ્ઠી લેવા આવે તો મકરંદ હસીને કહેતા કે મારી ચિઠ્ઠી બતાવીશ તો તને કોઇ નોકરી આપતું હશે તો નહિ આપે.
મકરંદ સાથે બેસીને ગોંડલમાં અમે કાગળ ઉપર નંદિગ્રામની યોજના તૈયાર કરતા હતા ત્યારે મકરંદે નંદિગ્રામની વિભાવના સ્પષ્ટ કરતા કહ્યું હતું : ‘આપણે અયોધ્યા નથી જવાનું. ભરતભાવ રાખીને નંદિગ્રામ વસાવવું છે. સિંહાસન ઉપર આપણે નથી બેસવાનું પણ રામની પાદુકા મૂકીને રામ વતી શાસન કરવાનું છે. આ ભરતભાવ જન્મે તો જ મારો રામ રાજી થાય નંદિગ્રામ પાછળ મારી આ સંકલ્પના છે. આપણે રામને નામે ચરી નથી ખાવું. ચરતી વખતે ગાયને યાદ રાખવી. ગાય ઉપર ઉપરથી ઘાસ ચરે છે, ઘાસનાં મૂળિયાં નથી ચરતી. આપણે રામરાજ્યનું મૂળ સલામત રાખવાનું છે. સંસ્થા કરીએ તો મુશ્કેલી તો આવશે. પ્રયોગ છે. હનુમાનદાદાને સાથે રાખવાના છે. નંદિગ્રામ કાગળ પર ઊતરતું હતું એ સમયે કુંદનિકા અને હું ઉપસ્થિત હતાં.
મકરંદને મુસ્લિમ બાંધવો માટે કોઇ દ્વેષ નહોતો. મકરંદે તો અલારખા જેવા એક સામાન્ય મુસ્લિમ પર એક કાવ્ય લખ્યું હતું. એ કાવ્ય મને યાદ નથી પણ એક પંક્તિનું ઝાંખું સ્મરણ છેઃ ‘જોયો મેં અલ્લાહનો રખો ..’ મકરંદનો તકિયા કલમ કાયમ એ જ હતો કે ‘હું તો નૂરિયા – જમાલિયાની સંગતમા બેઠો છું. રામ રામ કરો. અલ્લાહ અચ્છા કરેગા’. આ મકરંદનો મિજાજ છે. એ વખતે ભાવનગરથી કવિ પ્રજારામ આવી ચડતા ત્યારે કહેતા.’ હું પ્રજારામ છું એટલે કે ‘હું ડેમોક્રેટિક રામ છું.’ મકરંદની જન્મ શતાબ્દીમાં આવી બધી વાતો થવી જોઈએ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 14
![]()


વાત જો કે ૨૦૨૨માં અને ૨૦૨૨ની જ કરવી છે, પણ કલમ ઉપાડવા કરું છું ત્યારે ચિત્ત કવિકુલગુરુ કાલિદાસની મનહર-મનભર સૃષ્ટિમાં અને એમાં ય તે શાકુન્તલ અને કણ્વાશ્રમની ચિત્રણામાં રમવા કરે છે.
પાકિસ્તાની પદાર્થવિજ્ઞાની અને સમાજચિંતક પરવેઝ હૂડભોય આપણે ત્યાં થોડુંઘણું વાંચી-સમજી શકનારાઓમાં લાડલા છે. પરવેઝ હૂડભોય કરાંચીથી પ્રકાશિત થતા ‘ડૉન’ નામના અખબારમાં કોલમ લખે છે જેમાં તેઓ પાકિસ્તાનના શાસકો અને મુલ્લાઓની આકરી ટીકા કરતા રહે છે. ટીકાનો તેમનો કેન્દ્રવર્તી મુદ્દો એ હોય છે ખોટો ઇતિહાસ શીખવવાથી, ખોટાં કલ્પનો (મીથ) પેદા કરવાથી, વાસ્તવિકતાઓથી નજર ફેરવી લેવાથી, ધર્મના આધારે લોકો વચ્ચે ભેદભાવ કરવાથી કોઈ ફાયદો થતો નથી એનો મૂર્તિમંત દાખલો પાકિસ્તાન છે. પાકિસ્તાનનો ૭૫ વરસનો ઇતિહાસ જો કોઈ એક વાત કહેતો હોય તો એ આ છે અને એમ તેઓ લગભગ પચીસ વરસથી કહે છે. પરવેઝ હૂડભોયના લેખો કેટલાક ભારતીય અખબારોમાં પ્રકાશિત કરવામાં આવે છે અને હિન્દુત્વવાદીઓ તેમના ઉપર ફિદા છે.