એક હતો રાજા.
એણે
જેની હત્યા કરવી હોય
એને
કોઈ ગુનામાં પકડતો
અને પછી
ફાંસીની સજા
આપી દેતો.
વાર્તા પૂરી.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 15
એક હતો રાજા.
એણે
જેની હત્યા કરવી હોય
એને
કોઈ ગુનામાં પકડતો
અને પછી
ફાંસીની સજા
આપી દેતો.
વાર્તા પૂરી.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 15
મદનલાલ ઢીંગરાએ પોતાના કૃત્યના બચાવમાં કહ્યું હતું : I do not plead for mercy; nor do I recognize your authority over me. All I wish is that you should at once give me a capital punishment. I want to be hanged, for then the vengeance of my countrymen will be all the more keen. મદનલાલનું આ નિવેદન ફરી વાંચો. એમાં તેમણે બે મહત્ત્વની વાત કરી છે. એક, હું માફી નથી માગતો કે નથી ઇચ્છતો. હું તો દેહાંતદંડની સજા માગું છું. બે, હું (મારા/અમારા/ભારતીયો) ઉપરની તમારી સત્તાને સ્વીકારતો જ નથી. તમને (અંગ્રેજોને) અમારા ઉપર સત્તા ચલાવવાનો કોઈ અધિકાર જ નથી.
મદનલાલ ઢીંગરાએ ભારતીયોની ગેરહાજરીમાં અદાલતમાં આ જે નિવેદન કર્યું હતું અથવા સાવરકર કહે છે એમ પોલીસે ઢીંગરાના ખિસ્સામાં રહેલું એ લેખિત નિવેદન જપ્ત કરી લીધું હતું તો પછી એ આખેઆખું નિવેદન અક્ષરસ: અખબારો સુધી પહોંચ્યું કેવી રીતે? એ સાવરકરે પહોંચાડ્યું હતું, કારણ કે તે સાવરકરે પોતે તે લખ્યું હતું અને તેની એક કોપી તો તેમની પાસે હતી જ. સાવરકર શૌર્યપરક અતિશયોક્તિના રાજા હતા. સાવરકર લખે છે કે ઢીંગરાનાં એ નિવેદનને લઈને ઇંગ્લેન્ડમાં છાકો પડી ગયો હતો. અખબારોમાં ચીસો પાડતી હેડલાઈન હતી અને આખા ઇંગ્લેન્ડમાં ચોર ને ચૌટે ઢીંગરાનાં નિવેદનની જ વાતો થતી હતી. એ નિવેદને અંગ્રેજોના મસ્તિષ્ક ઉપર કબજો જમાવ્યો હતો. ‘લંડનચી બાતમીપત્રે’માં સાવરકરે એ નિવેદનની ભરપૂર પ્રશસ્તિ કરી છે અને વારંવાર ઢીંગરાનું વાક્ય ટાંક્યું છે : I do not plead for mercy; nor do I recognize your authority over me. All I wish is that you should at once give me a capital punishment. ત્યારે તેમણે સપનામાં પણ વિચાર્યું નહોતું કે એક દિવસ આ કથનથી બિલકુલ સામેના છેડાનું કથન તેમણે પોતે કરવું પડશે. માફી પણ માગવી પડશે અને અંગ્રેજોની સત્તાનો સ્વીકાર પણ કરવો પડશે.
જ્યારે ઇંગ્લેંડમાં આ ઘટનાઓ બની રહી હતી અને સાવરકર ‘લંડનચી બાતમીપત્રે’માં તેનો ચિતાર આપતા હતા, ત્યારે એમાં કોઈ જગ્યાએ લખ્યું નથી કે ઢીંગરા તેમનો શિષ્ય હતો, સાવરકર માટે તેમના મનમાં ભક્તિભાવ હતો, ઢીંગરાએ ખૂન કરવાની આજ્ઞા માગી હતી અને સાવરકરે આજ્ઞા આપીને આશીર્વાદ આપ્યા હતા એટલું જ નહીં, પિસ્તોલ આપતી વખતે ‘ખૂન કરવામાં જો નિષ્ફળ નીવડે તો મોઢું નહીં બતાવતો’, એવી ચીમકી પણ આપી હતી, વગેરે. આ તો જાણે સ્વાભાવિક છે. કોઈ મૂર્ખ હોય એ જ એ સમયે આવું લખે અને સાવરકર મૂર્ખ નહોતા. સાવરકરે આવો દાવો અંગ્રેજોએ તેમને શરતી માફી આપી અને છૂટા થયા એ પછી પણ નહોતો કર્યો. સાવરકરે આવો દાવો દેશને આઝાદી મળી ત્યાં સુધી ક્યારે ય નહોતો કર્યો એ પણ જાણે સમજી શકાય એમ છે. સાવરકરે આનો ઉલ્લેખ તેમની આત્મકથામાં પણ નથી કર્યો. આઝાદી પહેલાનાં કોઈ લખાણમાં સાવરકરે વાઈલીના ખૂનનો શ્રેય લીધો નથી.
તો પછી આ વાત આવી ક્યાંથી? ધનંજય કીર નામના સાવરકરભક્તે ૧૯૫૦માં સાવરકરનું જીવનચરિત્ર લખ્યું હતું, જેનું શીર્ષક હતું; ‘સાવરકર એન્ડ હીઝ ટાઈમ’. નહીં, આ વાત એ સમયે, આઝાદી પછી લખાયેલા એ જીવનચરિત્રમાં પણ કહેવાઈ નથી. એનું કારણ એ હતું કે સાવરકર ગાંધીજીના ખૂનમાં એક આરોપી હતા. ગાંધીજીના હત્યારાઓને ઉશ્કેરવાનો અને મદદ કરવાનો તેમના ઉપર આરોપ હતો. ૧૦મી ફેબ્રુઆરી ૧૯૪૯માં ગાંધી ખૂન કેસમાં તેઓ નિર્દોષ છૂટ્યા હતા. જરાકમાં બચી ગયા હતા અને કેટલાક લોકો આજે પણ કહે છે કે તેમને બચાવી લેવામાં આવ્યા હતા. તેમણે અદાલતમાં બીજા આરોપીઓથી અલગ બેસવાની માગણી કરી હતી અને એ માગણી માન્ય રાખવામાં આવી હતી. અદાલતમાં તેઓ બીજા આરોપીઓ સાથે આંખ પણ મેળવતા નહોતા. આ સ્થિતિમાં ૧૯૫૦માં પ્રકાશિત થયેલી પહેલી આવૃત્તિમાં ઢીંગરા પર સાવરકરનો પ્રભાવ હતો અને વાઈલીના ખૂનમાં સાવરકરે ઢીંગરાને પાછળ રહીને મદદ કરી હતી એમ જો તેના ચરિત્રકાર લખે તો સાવરકર મુશ્કેલીમાં આવી શકે એમ હતા. આમ પણ સાવરકરની ઈમેજ પાછળ રહીને હત્યાઓ કરાવનારની હતી. સરકાર કે બીજું કોઈ ધનંજય કીરના જીવનચરિત્રમાં કહેવામાં આવેલી વાતનો ઉપયોગ કરીને અપીલમાં જાય તો? માટે આઝાદી પછી પણ સાવરકર અને તેમના ચરિત્રલેખક કહેતા નથી કે તેઓ ઢીંગરાના માર્ગદર્શક અને મદદકર્તા હતા.
ધનંજય કીરે સાવરકરના ચરિત્રની બીજી આવૃત્તિ સાવરકરના અવસાન પછી પ્રકાશિત કરી હતી જેમાં આ વાત કહેવામાં આવી છે. હવે સાવરકર હયાત નહોતા એટલે કોઈ વાતનો ભય નહોતો. તેમણે પ્રસ્તાવનામાં દાવો કર્યો છે કે તેમણે સાવરકરની દીર્ઘ મુલાકાત લીધી હતી અને નવાં પ્રમાણો ઉપલબ્ધ થયાં હતાં. જીવનચરિત્ર લેખકે ચરિત્ર નાયકની મુલાકાત પહેલી આવૃત્તિ વખતે પણ લીધી હતી. પણ ત્યારે સાવરકર કાં બોલ્યા નહોતા અથવા ચરિત્રલેખકે મુશ્કેલીના વખતે તેનો ઉલ્લેખ નહીં કરીને મદદ કરી હતી. ધનંજય કીર સાવરકરના જીવનચરિત્રની બીજી આવૃત્તિમાં કહે છે કે વાઈલીના ખૂનનો સંપૂર્ણ શ્રેય સાવરકરને જાય છે. તેમણે ઢીંગરાને નિકલ પ્લેટેડ રિવોલ્વર આપી હતી અને કહ્યું હતું કે, ‘જો આ વખતે નિષ્ફળ નીવડે તો તારું મોઢું મને બતાવતો નહી.’ ‘આ વખતે’ શબ્દપ્રયોગ પણ સૂચક છે. ઢીંગરા સાવરકરના કબજામાં હતો અને તેમના દ્વારા સંચાલિત યંત્રની માફક વર્તતો હતો. તે એમ માનવા લાગ્યો હતો કે તે ભારતની આઝાદી ખાતર પોતાનું બલિદાન આપી રહ્યો છે. ઢીંગરા સામેના ખટલા વખતે સાવરકર તેમનો જોસ્સો જાળવી રાખવા કહેતા હતા કે તે શહીદ તરીકે અમર નીવડવાનો છે અને સદીઓ સુધી ઇતિહાસ તેને યાદ કરવાનો છે. આ બધું ધનંજય કીરે સાવરકરનો હવાલો આપીને સાવરકરના મૃત્યુ પછી પહેલીવાર કહ્યું છે. એક બીજી બાત પણ નોંધવી રહી. ખરે ટાણે મૂંગા રહીને છ દાયકા પછી ઢીંગરાની બહાદુરીનો શ્રેય લેવો એ ઢીંગરા સાથે અન્યાય નથી? વીર ઢીંગરા કે સાવરકર?
ધનંજય કીરે સાવરકરના ચરિત્રમાં આ ઉમેરો સાવરકરના અવસાન પછી કર્યો હતો અને પુસ્તકનું નામ બદલીને ‘વીર સાવરકર’ કર્યું હતું. અનુકૂળતા મુજબ ફેરફાર કરવાની આ પ્રવૃત્તિ સાવરકર પણ કરતા હતા. તેમનાં પુસ્તકની બે આવૃત્તિ ભાગ્યે જ એક સરખી જોવા મળશે. જેમ કે ૧૮૫૭ના વિદ્રોહના ઇતિહાસની પહેલી આવૃત્તિમાં તેમણે મુસલમાનોના યોગદાનની ભારોભાર પ્રસંશા કરી છે, પરંતુ પાછળથી જ્યારે તેઓ મુસ્લિમવિરોધી હિન્દુત્વવાદી બન્યા એ પછીની આવૃત્તિમાં મુસલમાનોની કરેલી પ્રસંશા તેમણે કાઢી નાખી હતી.
ગમે તેમ સાવરકરે ભલે ત્યારે નહોતું કહ્યું કે ઢીંગરા તેમના કબજામાં હતો, પરંતુ અંગ્રેજોને તેની જાણ હતી. અંગ્રેજો શું ભારતીયો પણ આ જાણતા હતા. ગાંધીજીએ તો એ જ સમયે વાઈલીની હત્યા પછીના બીજા પખવાડિયે લખેલા લેખમાં આનો ઈશારો કર્યો છે જે આગળના લેખમાં ગાંધીજીને ટાંકીને કહેવામાં આવ્યું છે. ગાંધીજીએ લખ્યું હતું કે ઢીંગરા નિર્દોષ છે. સજા તો ઢીંગરાને ઉશ્કેરનારને થવી જોઈએ. અંગ્રેજો સાવરકર સુધી પહોંચવા માટે તક શોધી રહ્યા હતા અને એ તક તેમને નાસિકમાં નાસિકના કલેકટર ડૉ એ.અમ.ટી. જેકસનના અનંત ક્ન્હેરેએ કરેલા ખૂન વખતે મળી ગઈ હતી.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 02 ડિસેમ્બર 2021
અધ્યાપનકાળના કેટલાક બનાવો (4) …
ઉમાશંકર જોશીના સર્વસંગ્રહ ‘સમગ્ર કવિતા’ વિશે મેં ૧૯૮૨માં ‘ઉમાશંકર : સમગ્ર કવિતાના કવિ : એક પ્રોફાઇલ’ પુસ્તિકા પ્રકાશિત કરી છે. એ પહેલાં એનો એક અંશ લેખ રૂપે ‘નિરીક્ષકે’ પ્રકાશિત કરેલો. એ અંશમાત્રને જોઇને બે જણાએ મારી ટીકા શરૂ કરી દીધેલી.
‘નિરીક્ષક’-ના એ વખતના તન્ત્રી અને હું જોગાનુજોગ દાહોદથી અમદાવાદ આવતા’તા. અમારા એ દીર્ઘ બસ-પ્રવાસ દરમ્યાન એમણે મને જણાવ્યું કે આપણા એક જાણીતા વિદ્વાન અને બીજા એક ઉમાશંકરના અભ્યાસી બન્નેને તમારો એ લેખ બહુ અઘરો લાગ્યો છે, કહે છે, વ્યર્થ છે. એમણે નામો પણ આપેલાં. ફરતી ફરતી વાત ભાષાભવનના ટી-ટેબલ લગી આવી પ્હૉંચેલી.
મેં એ તન્ત્રીને કહ્યું હતું -કોઈ લખાણ અઘરું છે એમ કહીએ એનો અર્થ એ કે એમ કહેનારા માટે એ જરૂર અઘરું છે. અને મેં ઉમેર્યું હતું કે કોઇપણ લેખનને વ્યર્થ કહી દેવાથી શું વળે? વ્યર્થ કઇ રીતે છે એ વીગતો આપીને પુરવાર કરવું જોઇએ …
એ પછીની વાર્તા તો એકદમ સાંભળવાજોગ છે :
એક વહેલી સવારે સુમન શાહ કૅમ્પસના નિવાસેથી સૌ પહેલાં એ ‘અભ્યાસી’ના ઘરે પહોંચે છે. ચા-પાણીનો સમય હોય છે એટલે ચા તો પીએ છે પણ હાથમાં વાળી રાખેલું ‘એ’ ‘નિરીક્ષક’ એમની સામે ખોલી પાનાં પછાડી પૂછે છે : આમાં અઘરું શું છે એ બતાવ ! : એઓ મારા એ મિત્રોમાં હતા જેને હું તું-કારી શકતો’તો.
ગલ્લાંતલ્લાં ચાલુ થયાં. એટલે મેં કહ્યું : ઉમાશંકરના તારા જેવા અભ્યાસીને એમ લાગે તો મારે જાણવું છે કે આમાંનું શું ને કયા ઠેકાણે અઘરું ને વ્યર્થ છે; તું ફોડ પાડ, મારે સુધારવું છે : જવાબમાં એણે ફિક્કું હાસ્ય વેર્યું એટલે મેં કહ્યું – ચાલ ને, ‘નિરીક્ષક’-માં આપણે પત્રચર્ચા કરીએ. તો પણ ફેર નહીં પડેલો. છેલ્લે મેં કહ્યું – વાંધો નહીં, મારી પુસ્તિકા પ્રકાશિત થઈ જાય ત્યારે જાહેરમાં લખીને જણાવજે, બસ !
એ પછી તરત હું ‘જાણીતા વિદ્વાન’-ને ત્યાં ગયેલો. એ આપણા પ્રખર વક્તાઓમાં ગણાતા. મને પણ એમનું ભાષાપ્રભુત્વ ગમતું. એમની સાથે મારો ચૉક્કસ સ્વરૂપનો અનુબન્ધ પણ હતો. પહેલાં તો નામક્કર ગયા. એટલે મેં કહ્યું કે ‘નિરીક્ષક’-ના તન્ત્રીએ તમારું નામ આપ્યું છે. તો એમણે પણ એવાં જ ગલ્લાંતલ્લાં કરેલાં. એમનું મોટું નામ, મારાથી વયમાંય મોટા … શું કરવાનું? છતાં કહેલું : તમારા જેવા ગદ્યસ્વામીને અઘરું લાગે તો તો થઇ રહ્યું !
પછી એમની મુખમુદ્રા ગમ્ભીર હતી. પણ એને મારે ક્યાંલગી વેઠ્યા કરવી? એટલે છેલ્લે મેં એમને ય કહેલું : પુસ્તિકા પ્રકાશિત થયે મને તમારા વિસ્તૃત મન્તવ્યની અપેક્ષા રહેશે, જઉં છું : એમની નજર મને અને રૂમના બારણાને માપતી હતી …
પુસ્તિકા પ્રકાશિત થઇ ગયેલી. પણ આજની ઘડી ને કાલનો દા’ડો ! નથી બોલ્યા વિદ્વાન કે નથી કદી બોલ્યો ઉમાશંકરનો અભ્યાસી …
એ બાહોશીભરી છતાં ગમગીનીથી લદબદ સવાર મને યાદ રહી ગઇ છે. આજે જો કે થાય છે, શું કામ એવો તન્ત કરલો.
અલબત્ત, આવા વ્યથાકારી કોઇ કોઇ પ્રસંગોથી મને આત્મનિરીક્ષણની તકો પણ મળી છે. આપે આપે સુધાર પણ થયા છે. છતાં મને થતું, આ તે કેવી શેખી છે ! અધિકારી માણસો અભિપ્રાયો વેરતા ફરે છે, પૂછીએ તો પણ ખૂલીને કહેતા કેમ નથી ! હું કહેતો – જાહેર ચર્ચામાં ઊતરો ને, તકલીફ શું છે ! અમુકોને મેં સુરેશ જોષી વિશે પુસ્તક કર્યું તો ય દુ:ખેલું. નિરંજન ભગત વિશે કર્યું તો ય દુ:ખેલું.
ત્યારે મને એમ થયેલું કે શું એઓને એમ હશે કે ઉમાશંકર વિશે લખનાર હું કોણ -? એ તો ‘અમારા’ છે. કદાચ એમ જ હશે. કેમ કે ઉમાશંકરને વિશેના કાર્યક્રમોમાં કે લેખ-સમ્પાદનોમાં એઓેએ કદી મને તો સંભાર્યો જ નથી.
ત્યારે મને લાજવાબ પ્રશ્નો થતા : આપણે ત્યાંની જવાબદાર વ્યક્તિઓ ખરેખર વિદ્વાન છે? વિદ્વત્તાને અને શાસ્ત્રની શિસ્તને જાણે છે? પ્રશ્નો લાજવાબ જ રહ્યા કેમ કે એવી ને એવી જ ઘટનાઓ જોવા મળેલી.
વિવેચકને પૂરું ન વાંચવાની છૂટ હોઇ શકે છે પણ ત્યારે એણે સ્પષ્ટપણે જણાવવું જોઇએ કે પોતે પુસ્તકના તેટલા ભાગને જ ધ્યાનમાં લીધો છે. મને નામો આપવાનો રસ નથી પણ મિત્રોને જાણ છે કે કોણે કોણે મારાં કયાં કયાં પુસ્તકોને પૂરાં વાંચ્યાં વિના ઉતારી પાડવાની બલકે મારાં કીર્તિવન્ત કામોની ધરાર અવગણના કરીને મને નિ:સામાન્ય ગણવાની વિફળ કોશિશો કરેલી છે…
ખાનગીમાં કહી રાખું કે આ આખો પ્રસંગ સળંગ મેં ઉમાશંકરને કહી બતાવેલો. કવિ પણ અરર કરીને દુ:ખી થઈ ગયેલા. મેં એમને એ પુસ્તિકા આપેલી ને કહેલું, ‘સમગ્ર કવિતા’ પૂરેપૂરી વાંચીને લખ્યું છે.
પછી એક વાર મળવાનું થયેલું, તો કહે, સુમન, હું પણ બધું આખેઆખું મૉજથી વાંચી ગયો છું. વાત કરવાની તમારી નવી રીત મને ગમી છે … મારી ખુશીનો પાર નહીં …
= = =
(December 1, 2021 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર