કપડાં વગર જીવતા બળેલા માણસો,
લોહી નહોતું રહ્યું શરીરમાં,
તો ય ભળકે બળતા, એ માણસો,
ચૂપચાપ જાણે બળવા માટે જ જન્મ્યા હોય!
તેમની રૂહે રૂહે સ્વસ્તિકના કોરડા
કાનમાં ધાર્મિક ઉન્માદોનો શોર 'જયશ્રીરામ’
કે પછી એ માઓનું લાલ સપનું!
આ બધામાં કોઈ ટ્રેનમાં, કોઈ ગોધરા ગામમાં,
કોઈ તિયાનમેન્ ચોકમાં, કોઈ ઓશવિઝની ચીમનીમાં
મર્યાં,
મરે છે,
મરતાં રહેશે.
કારણ તેઓ જર્મનીમાં ઉંદર હતા, રવાંડામાં કોક્રોચ
અને હવે ભારતવર્ષમાં ઊધઈ છે.
તેઓ માણસ નહોતા.
માણસ નથી.
અને માણસ નહિ રહે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2022; પૃ. 15
![]()



અરુણ શૌરી કહેતા હોય છે કે શાસકો કે સ્થાપિત હિતો જ્યારે પણ સામાન્ય માનવીનાં હિતની વિરુદ્ધ કામ કરે, નાગરિકના માનવીય અધિકારોનું ઉલ્લેઘન કરે કે બંધારણીય મર્યાદાઓને અતિક્રમે ત્યારે અદાલતના દરવાજા ખખડાવો. ન્યાયતંત્રની સ્થિતિ હતાશાજનક છે એ આપણે જાણીએ છીએ એ છતાં અદાલતના દરવાજા ખખડાવો. એમાં બે લાભ છે. પહેલો લાભ એ કે જો જજ ભલો હોય, સંવેદનશીલ હોય, પ્રામાણિક હોય, બંધારણનિષ્ઠા ધરાવતો હોય, અદના માનવી અને દેશ માટે નિસ્બત ધરાવતો હોય અને હિંમત હોય તો આપણી વાત કાને પડે અને ન્યાય પણ મળે. શાસકો અને સ્થાપિત હિતો પર અંકુશ આવે. અને જો જજ અપ્રામાણિક હોય, અસંવેદનશીલ હોય, બીકાઉ હોય, અભણ હોય, ડરપોક હોય તો તે ઉઘાડો પડે એ બીજો ફાયદો. ન્યાયતંત્ર એક પવિત્ર મંદિર છે અને એમાં અપવિત્ર કામ કરનારાઓને તેમનો ચહેરો બતાવતો રહેવો જોઈએ અને જગત સમક્ષ ઉઘાડો પાડતો રહેવો જોઈએ. ભલે એ આપણી વિરુદ્ધ ચુકાદો આપે અથવા ગોળગોળ ચુકાદો આપે, અથવા ચુકાદો આપવાનું ટાળે, પણ સરવાળે એ એમ કરતી વખતે પોતાના ચારિત્ર્ય અંગે પણ ચુકાદો આપતો હોય છે. એક ખુદ્દાર ન્યાયમૂર્તિ એચ.આર. ખન્નાનો ન્યાયમૂર્તિ તરીકેનો ઉજવળ ચહેરો દસ બીકાઉ ન્યાયમૂર્તિ ગોગોઈઓને સતાવતો હોય છે. આ લાભ પણ જેવો તેવો નથી. પવિત્ર સ્થાને બેસીને અપવિત્ર કામ કરનારાઓને તેમના દરવાજે ન્યાયની માગણી કરીને ઉઘાડા પાડો.