નાટક દુનિયાનું દર્પણ રૂડું ગુણદોષ જોવાનું
જ્યાં સુંદર મનહર ગાણું રસભરેલ રૂડું ભાણું
નાટક દુનિયાનું દર્પણ રૂડું,
ગુણદોષ જોવાનું.
આંતેથી જોઈ જોઈ બોધ લેઈ
દિલડાનું દુઃખ ખોવાનું.
જ્યાં સુંદર મનહર ગાણું,
રસભરેલ રૂડું ભાણું.
સતી પાર્વતી નાટકનું ડાહ્યાભાઈ ધોળશાજીનું આ બહુ જાણીતું થયેલું ગીત આજે યાદ આવવાનું કારણ? કારણ, આવતી કાલે છે ‘વિશ્વ રંગભૂમિ દિવસ.’ અને આપણું આ મુંબઈ એટલે ગુજરાતી નાટક અને રંગભૂમિની જન્મભૂમિ. માત્ર જન્મભૂમિ જ નહિ, આજ સુધી ગુજરાતી નાટકની મુખ્ય કર્મભૂમિ પણ મુંબઈ. શરૂઆતનાં નાટકો તો પાંચ-સાત અંકનાં, રાતે શરૂ થાય તે વહેલી સવારે પૂરાં થાય. પણ પછી ત્રિઅંકી નાટકોનો જમાનો આવ્યો. આજે વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે મુંબઈની રંગભૂમિ વિષે થોડી વાત કરવી છે, ત્રણ અંકમાં.
અંક પહેલો
મુંબઈમાં ૧૮૫૩થી પારસીઓએ ગુજરાતી નાટકો ભજવવાનું શરૂ કર્યું ત્યારે ગીતો નાટકના ભાગ રૂપે નહોતાં ગવાતાં. પણ નાટક પૂરું થયા પછી બધા એકટરો (એ વખતે એક્ટ્રેસનો તો સવાલ જ નહોતો) સ્ટેજ પર આવીને સમૂહમાં પાંચ-છ ગીતો ગાતા. એમાં ઘણી વાર એ વખતના પારસી સમાજમાંની બદીઓ પર કટાક્ષ કરવામાં આવતા. પારસીઓમાં એ વખતે દહેજની પ્રથા હતી જે ‘રીત’ કે ‘પલ્લું’ તરીકે ઓળખાતી. આ અંગે એક ગીતમાં કહ્યું છે :
ચાહ્ય કુંવારા ભોલી ફક્કડ ગોરી પતલી નાર,
વળી શીખેલી ભણેલ નાર, ભરવામાં હોશિયાર.
રીતમાં માગે વીંટી સાથે રુપ્યા પાંચ હજાર!
મારો પાયો, હાંકી કાઢો, ક્યાંથી આવી ધાર?
એક જમાનામાં મુંબઈના પારસીઓને રેસ કોર્સ પર જવાનો ચટકો લાગેલો. એ અંગે એક ગીતમાં કહ્યું છે :
રેસ કોર્સ પર ખાયે છે ઠોકર, ગરીબ કે શાહુકાર,
સૌ થાય છે ખુવાર, રેસમાં નથી કંઈ સાર.
ભિખારીનો અવતાર.
રેસ કોર્સ પર આવતાં સૌ હસતા જણાય છે યાર
ને સાંજે પાછા ફરતાં બસ ઘુવડનો અવતાર.
પણ પછી ગીતો પારસી ગુજરાતી નાટકોનો ભાગ બન્યાં. શરૂઆતનાં ગીતો પર શાસ્ત્રીય સંગીતની પ્રબળ અસર હતી. ૧૮૭૧માં એદલજી ખોરીનું નાટક ‘સોનાના મૂલની ખોરશેદ’ ભજવાયેલું. તેનું એક ગીત :
બિન પિયા ઘટા નહિ ભાવે,
રેહ રેહ દેખકુ ગભરાવે.
બિજલી કી ચમક તરપાવે ડરાવે,
બિન પિયા ઘટા ઘટા નહિ ભાવે.
તો નાટકની જરૂર પ્રમાણે પારસી નાટકકારો ‘શુદ્ધ’ ગુજરાતી ગીત પણ લખતા. કુંવરજી નાઝરની એલ્ફિન્સ્ટન ડ્રામેટિક ક્લબે ૧૮૭૪-૧૮૭૫માં ‘કરણઘેલો’ નાટક ભજવેલું. તેનું એક ગીત :
આવો સખી આવો, માને મોતીડે વધાવો,
મોતીડે વધાવો માને, ફૂલડે વધાવો.
અલ્પ ગતિ, પહાડ ઈચ્છું ઉલઘવા,
જય જય, વિજય, વિજય જય થાઓ.
કેખુશરો કાબરાજી અને કુંવરજી નાઝર
૧૯મી સદીમાં માત્ર હિંદુ સમાજમાં જ સમાજ સુધારાનો વા વાયો હતો એવું નથી. પારસી સમાજમાં પણ સુધારાની ચળવળ ચાલી હતી. અરદેશર બે. પટેલ ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં બે વરસ ભણ્યા, પણ જીવ લેખકનો એટલે અભ્યાસ અધૂરો છોડી પત્રકારત્વમાં પડ્યા. તેમનાં નાટકો તખ્તા ઉપર સફળતાથી ભજવાયાં હતાં. તેમાનું એક નાટક તે ઈ.સ. ૧૯૦૦માં ભજવાયેલું ‘તકદીરની તાસીર.’ તેમાંના એક ગીતની કેટલીક પંક્તિ :
પડો બુઢ્ઢાઓ જવાનિયા સંગ જંગ કરવા બહાર,
થઈ કુધારાની અજબ પૂરી ખરેખરી બસ હાર.
ફતેહ સુધારાની થઈ યારો, ધજા ઊડી હર દ્વાર,
કહું પૂછો તો ગયા છ વાગી ખરા જ સાડા બાર.
પારસી હોય અને હસે, હસાવે નહિ એવું તે બને? જહાંગીર પટેલ, ‘ગુલફામ’ એટલે પારસી રંગભૂમિ પરનું એક મસ મોટું નામ. તેમનું નાટક ‘ખૂબીનું ખોરીયું’ ૧૯૨૯માં ભજવાયેલું. તેમાંનું એક ગમતીલું, મોજીલું ગીત :
મગન ને છગન થઈને કરશ હું લગન,
બેન્ડ હું બોલાવશ, મિલિટરી નંબર વન.
પોટ્ટી હું શોધશ બા, પૈસાવાળી તદ્દન,
નાચશ-કૂદશ, મઝા કરશ, ‘આ માઈ! વોટ અ ફન!’
શાબાશ, શાબાશ! વેલ ડન, વેલ ડન,
બોલાશ એમ લોકો જોઈ લગનની ધામધૂમ.
પારસી રંગભૂમિ પર હિંદુ પૌરાણિક નાટક
૧૮૭૪માં પારસીઓની નાટક ઉત્તેજક મંડળીએ ભજવેલું ‘હરિશ્ચંદ્ર’ એ હિંદુ પુરાણકથા પરથી લખાયેલું અને ભજવાયેલું પહેલવહેલું નાટક. રણછોડભાઈ ઉદયરામના અનુવાદિત નાટકને કાપીકૂપી, મઠારીને કેખુશરો કાબરાજીએ એ તૈયાર કરીને ભજવ્યું. નાટક એવું તો ઊપડ્યું કે એ જમાનામાં ૧૧૦૦ શો! એમાંથી થયેલી આવકમાંથી કંપનીએ ખાસ પોતાનાં નાટક ભજવવા માટે ક્રાફર્ડ માર્કેટ પાસે નવું થિયેટર બંધાવ્યું. આ નાટક માટેનાં ત્રણ ગીત કાબરાજીએ કોની પાસે લખાવેલાં, ખબર છે? કવીશ્વર દલપતરામ અને અર્વાચીનોમાં આદ્ય કવિ નર્મદ પાસે. એ બંને વચ્ચે સતત હરીફાઈ ચાલતી. મોટે ભાગે એક હોય તો બીજો હાજર ન હોય. બંનેનાં ગીત એક જ નાટકમાં ગવાતાં હોય એવું આ એકમાત્ર નાટક.
જિંજોટી અથવા આશાવરી રાગમાં ગવાતું દલપતરામનું પદ :
સમજ મન, સમજીને લાગ સુધરવા
કૂડાં કપટ કરે શું કરવા?
મારૂં મારૂં કહે તે નથી તારું,
મમત કરે શીદ મરવા?
હજી પણ લાગ અસત્ય વિસરીને
સત્ય શબ્દ ઉચ્ચરવા
કવિ નર્મદનું પદ પણ આ જ પ્રકારનું છે :
સાચું એક બ્રહ્મ નામ, અવર સહુ કાચું,
ગુણ ગાવા ભક્તિ સજી, નિરભે થઈને નાચું.
કોઈ કોઈનું નથી જ, શાનું સગું સાચું?
અટપટી ખટપટ દેખી કેમે કરી રાચું.
ઠામ ઠામ છે બિગાડ વિષયી રસ કાલૂ,
જુઠ્ઠાણું કપટ્ટ ભાળી, કેમ મનડું વાળું?
રણછોડભાઈ ઉદયરામનાં બે નાટક
બિન-પારસી ગુજરાતી રંગભૂમિની મુંબઈમાં શરૂઆત થઈ રણછોડભાઈના બીજા એક નાટક ‘લલિતા દુઃખદર્શક’થી. ૧૮૭૮ના જૂનની પાંચમી તારીખે સ્થપાયેલી ‘ગુજરાતી નાટક મંડળી’એ રણછોડભાઈના જ દિગ્દર્શનમાં એ ભજવ્યું. એ નાટકને એટલી તો સફળતા મળી કે તેના અનુકરણમાં ‘દુઃખદર્શક’ નાટકનો રાફડો ફાટી નીકળ્યો. તેમાંનાં કેટલાકનાં ફક્ત નામ : કજોડાં દુઃખદર્શક, વિધવા દુઃખદર્શક, મદ્યપાન દુઃખદર્શક ચંદ્રમુખ નાટક, દ્વિત્રીયા દુઃખદર્શક, બાળવિધવા રૂપવંતિ દુઃખદર્શક, કજોડા દુઃખદર્શક, વિજયાવૈધવ્ય દુઃખદર્શક, બાળવિધવા દુઃખદર્શક, દારિદ્રય દુઃખદર્શક, ત્રાસદાયક તેરમા દુઃખદર્શક. રણછોડભાઈના લલિતા દુઃખદર્શક નાટકની ૧૮૯૫માં છઠ્ઠી આવૃત્તિની બાર હજાર નકલ છપાઈ હતી! લલિતાદુઃખદર્શક નાટકમાં પૂરી ૬૪ પંક્તિનું નગરનું વર્ણન છે. તેમાંની થોડી પંક્તિ જોઈએ :
વાહ વાહ રે શહેર સ્નેહપુર સારું શોભે,
ભવ્ય ભલો દેખાવ દેખીને ચિતડું લોભે
શો કિલ્લો મજબૂત ટોપ શી આવી રહી છે,
દેખી કંપે કાય, ઘટા વળી સારી થઈ છે.
ઘરની કેવી હાર, શોભતી સારી કીધી,
ઊંચી-નીચી નહિ, નહિ વાંકી, પણ સીધી.
પણે ઊભી કોઈ નાર, ઝારી બે કરમાં લઈને,
પાણી પંથીને પાય, ધાર તો ઝીણી દઈને.
વીસમી સદીની શરૂઆતનાં વરસોમાં આપણા કેટલાક અગ્રણી કવિ-લેખકોનાં નાટક પણ વધતી ઓછી સફળતાથી ભજવાયાં. પૂર્વાલાપ’ કાવ્ય સંગ્રહથી ગુજરાતી કવિતામાં માનભર્યું સ્થાન મેળવનાર કવિ કાન્તનું જાલિમ ટુલિયા નાટક દેશી નાટક સમાજે ૧૯૦૯માં ભજવેલું. તેની નાયિકાને મુખે ગવાતું એક ગીત :
વાંકડિયા વાળ પર મોહી
છબીલા, હું તો વાંકડિયા વાળ પર મોહી.
વાંકડિયા વાળ, તારો વાંકડિયો ફેંટો,
ભ્રમર કમાન વાંકી જોઈ … છબીલા
વાંકી વાંકી ચાલ તારી, ગરદનની ઢાલ વાંકી.
રાખી છેલ બાંકા વાંકુ જોઈ … છબીલા
વાંકલડી નજરે શું ચોર ચોરી લીધું તેં
હું તો બેઠી મારું સર્વ ખોઈ.
રમણલાલ દેસાઈ ઓળખાયા અને પોંખાયા યુગમૂર્તિ વાર્તાકાર તરીકે, પણ ગુજરાતી સાહિત્યમાં તેમણે પ્રવેશ કર્યો તે નાટ્યલેખક તરીકે. ૧૯૧૫માં છપાયેલું તેમનું પહેલું પુસ્તક તે સંયુક્તા નાટક. છપાયું એ જ વરસે ભજવાયું. તેમનું શંકિત હૃદય નામનું ૧૯૨૫માં ભજવાયેલું. તેમાંનું એક મીઠું મદભર ગીત :
મારી મદભર આંખ ઘેરાણી, ઝુલાવો ધીમે હજી ધીમે પ્રાણ,
નીંદભર્યા અમ પાસે પ્રિયતમ, રાખીએ ચિત્ત ચકોર.
જો જો સલૂણા ફાટે નહિ, મારા નવરંગ સાળુની કોર … ઝુલાવો
કુળી કુળી ચૂંટી મેંદી મૂક્યો મેં, પાનીએ કુમકુમ રંગ,
આછો ઉઘાડ ઝુલાવતાં બળથી, ઊડશે લહરી સંગ … ઝુલાવો
વેગળા લ્યો જરી નયનો બીતાં, નાસતા ખંજન લોલ,
કીકી તણો પડછાય પડી, મારા કાળા થાય કપોલ … ઝુલાવો
ઉપર : રણછોડભાઈ ઉદયરામ, કવિ કાન્ત; નીચે : રમણલાલ વ. દેસાઈ, કૃષ્ણલાલ શ્રીધરાણી
… અઢાર-ઓગણીસ વરસનો એક છોકરો. નાશિકની જેલમાં પુરાયો છે. દાંડી કૂચમાં ભાગ લીધેલો એટલે ત્રણ મહિનાની જેલની સજા થયેલી. જેલની દિવાલ ખાસ્સી ઊંચી. બહાર વડનું ઝાડ. એ પણ કાંઈ આખું દેખાય નહિ. તેની ડાળીઓનો જાણે કે એક ટુકડો પેલા યુવાન કેદીને જોવા મળતો. એ જોતાં એનું મન થોડાં વર્ષો પાછળ ચાલ્યું જાય. જૂનાગઢના મજેવડી દરવાજે એક ખાસ્સો મોટો વડ. એની ડાળીઓ પર દોસ્તારો સાથે ઝૂલેલો, ધીંગામસ્તી કરેલાં. એ બધું યાદ આવે. જેલર પાસે કલમ ને કાગળ માગ્યાં, અને માંડ્યો લખવા. જેલમાંથી બહાર આવ્યો તે પછી ૧૯૩૧માં છપાવ્યું એ નાટક, ‘વડલો.’ તે યુવાન લેખક તે કવિ-નાટકકાર, પત્રકાર કૃષ્ણલાલ શ્રીધરાણી. વડ, કૂકડો, પશુ-પંખી, ફૂલો, નદી-ઝરણાં, ઝંઝાવાત, એ આ વિલક્ષણ નાટકનાં પાત્રો. મુંબઈની ન્યૂ ઈરા સ્કૂલના વિદ્યાર્થીઓએ ભજવ્યું ત્યારે આ લખનારને ભાગે ‘વડલો’નું પાત્ર ભજવવાનું આવેલું. લેખકે ‘વડલો’ને શોકપર્યવસાયી નાટક તરીકે ઓળખાવ્યું છે. પણ અમે ભજવ્યું ત્યારે તો એ કોમેડી બનતાં માંડ બચ્યું હતું. “વાયુરાજ આ માથું પ્રભુ સિવાય કોઈને નમ્યું નથી, અને નમશે નહીં” એ વડલાની ઉક્તિ પછી પવનના સૂસવાટામાં વૃક્ષોની ડાળીઓને એકબીજા સાથે અફળાવવા માટે બે બાજુની વિંગમાંથી બે મોટા પેડસ્ટલ ફેન ચલાવવાની યોજના હતી. પણ કોણ જાણે કેમ ખરે વખતે એ પંખા ચાલ્યા જ નહીં. સારે નસીબે જાતે હાથ હલાવીને ડાળીઓ અફળાવવાનું સૂઝી ગયું અને નાટક કોમેડી બનતાં બચી ગયું. એ નાટકનું આ ગીત મુંબઈની ગુજરાતી રંગભૂમિનું પણ સંઘગીત બની રહે તેવું છે :
અમે તો સૂરજના છડીદાર,
અમે તો પ્રભાતના પોકાર.
સૂરજ આવે સાત ઘોડલે,
અરુણ રથ વહાનાર.
આગે ચાલું છડી પોકારું
પ્રકાશ ગીત ગાનાર … અમે તો
ઇન્ટરવલ (સિર્ફ સાત દિન કા)
e.mail : deepakbmehta@gmail.com
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 26 માર્ચ 2022