ટ્રેજીક-કૉમૅડી વખત
કલ્પના કરો એવા દિવસની જ્યારે ભારતમાંથી મુસ્લિમો અચાનક ગાયબ થઈ જાય! મુસ્લિમોની સાથે કુતુબ મિનાર પણ ગાયબ થઈ જાય તેવા સંજોગોમાં જાહેર જનતાના પ્રતિભાવની કલ્પના કરો. કલ્પના કરો ૨૦૦ મિલિયન મુસ્લિમો જતાં રહે અને એમનાં ઘર, ખેતર, ધંધા-રોજગાર મુસ્લિમ-મુક્ત ભારતમાં બધાંને ભાગે વહેંચવામાં આવે.
પીઢ પત્રકાર સઈદ નકવીએ લખેલું નાટક ‘ધ મુસ્લિમ વૅનિશીસ’ (વિન્ટૅજ, ૨૫૬ પાનાં, ₹ ૪૯૯/-) ચોટદાર નાટક છે. વાચકને લગભગ વાસ્તવિક લાગે એવી મનહૂસ વાસ્તવિક્તા આ નાટક રજૂ કરે છે. વર્તમાન સમયમાં આપણા વહાલા રાષ્ટ્રનો રોજીંદો ખોરાક બની ગયેલા ધિક્કાર અને ધાર્મિક ધ્રુવીકરણ પર ધારદાર રાજકીય ભાષ્ય છે.
નાટકનો પરિવેશ બેઠક ખંડો, ટી.વી. ન્યુઝ રૂમ્ઝ અને અન્ય પરિચિત સ્થળો સહિત સમકાલીન દિલ્હી છે. ઐતિહાસિક સંદર્ભમાં ઘટનાક્રમને જોડવાનો પ્રયાસ છે. ભાગલાલક્ષી કિંવદંતીઓ પણ વણી લેવાઈ છે. વિવિધ માન્યતાઓના સમન્વયથી પ્રભાવિત ભારતનાં મૂલ્યો અને પરંપરાઓ ભાગલાના કોમી ઝેરથી પરાસ્ત નહોતા થયાં. દેશની વિવિધતામાં એકતાને ઉપસાવતી સંગીત, કવિતા, કલા, સાહિત્ય, મુશાયરા, તહેવારો અને ખાનપાન જેવી સહિયારી પરંપરાઓનો નાટકમાં સંદર્ભ છે.
મુસ્લિમોના અંતર્ધાનથી સમાજ પર મોટી અસર થશે. એવું બનશે કે જ્યારે કોઈ સમસ્યા થાય તો કોઈ એક કોમ પર આંગળી ઉઠાવવી પછી શક્ય નહીં બને. એવું થશે કે આપણાં રાજકારણને સાંપ્રદાયિક બનાવનાર હવે કાંઈ રહ્યું નથી. આથી, રાજકારણના અસ્તિત્ત્વને પડકાર ઊભો થાય છે. મુસ્લિમનો ડર બતાવી હવે રાજકારણીઓ હિન્દુ મત ઉઘરાવી નથી શકતા. મુસ્લિમો પાછા ફરે ત્યાં સુધી ચૂંટણી પંચને ચૂંટણી મોકૂફ રાખવી પડશે. મુસ્લિમોએ પાછા ફરવું જ રહ્યું. રાષ્ટ્રિય યજ્ઞ સમિતિ ચૂંટણી પંચની ઇમારત સામે દેશનો સૌથી મોટો યજ્ઞ કરવાનું નક્કી કરે છે.
અમુકને લોધી ગાર્ડન્સનું નામ બદલીને કમલ ઉપવન રાખવું છે પરંતુ દલિત સમ્રાટ કે મુન્ડા બગીચા નામ રાખવાની માંગણી કરનારાની સંખ્યા એમના કરતાં વધારે છે. અફવા મુજબ દલિત સમાજે પોતાના નેતાને વડા પ્રધાનના પદ માટે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. શું ભારત દલિત વડા પ્રધાન સ્વીકારશે? કોમવાદનું સ્થાન વર્ણ વ્યવસ્થા લેશે. અહીં ટી.વી. ઍન્કર, રિપૉર્ટર અને રાજકારણીઓ તરીકે દર્શાવેલા ઉચ્ચ વર્ણના પાત્રો માટે અવર્ણો (દલિત) દ્વારા સવર્ણો પર હુમલાની શક્યતા ભયાવહ છે.
છેવટે, ગાયબ થયેલા મુસ્લિમોને પરત લાવવા ખાસ કોર્ટની વ્યવસ્થા કરવામાં આવે છે. સામાજિક સુમેળની ભારતીય પરંપરામાં પૂરેપૂરા રંગાયેલા ફાની દુનિયામાંથી વિદાય લીધેલા આત્માઓની દિવ્ય મદદથી સંવાદદાતા તરીકે આમીર ખુસરો સાથે ૧૧ સભ્યોની જ્યુરી નિયુક્ત કરવામાં આવે છે. મોહસિન કાકોરવી, સંત કબીર, મુન્શી ચાન્નુલાલ દિલગીર, તુલસીદાસ અને મહાત્મા ફૂલે જ્યુરીના અન્ય સભ્યોમાંનાં છે. તેઓ ભારતના પ્રાચીન જ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે અને સર્વને માન્ય છે.
જ્યુરી તેમના સંવાદદાતા મારફતે માર્ગ નિર્દેશન કરે છે. સમગ્ર જ્યુરી વતી આમીર ખુસરો સૂચવે છે કે સનાતન કાળથી સર્વસમાવેશક અને સમતાવાદી સમાજ જે ભારતની ગુણવત્તાદર્શક છાપ રહી છે તેવો સમાજ રચવા સારુ સૌએ સાથે મળીને કાર્ય કરવું જોઈએ. ભારતની ઓળખ હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી જેવાં ભેદભાવનાં ખાના કે સંકુચિત ઓળખથી પર એવી અવિભાજીત સાંસ્કૃતિક ઓળખ છે. ના કેવળ મુસ્લિમોએ પાછાં ફરવું જોઈએ પરંતુ દેશને એવો અનુકૂળ બનાવીએ કે કોઈને દેશ છોડીને જવાનું મન જ ના થાય. વર્ણવ્યવસ્થા અને કોમવાદ જેવાં અન્યાયોને જાકારો આપવો જોઈએ. કાશ્મીરના મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ અને પાકિસ્તાન સાથે સંવાદ કરવો જોઈએ. સર્વસમાવેશક અને સુમેળભર્યા સમાજની રચના કરવા માટે બધી બાજુના લોકોને સાંકળીને સિમલા કૉન્ફરન્સ જેવી કાશ્મીરમાં કૉન્ફરન્સ કરી પહેલું પગલું માંડવું જોઈએ.
આપણા સમાજમાં ધાર્મિક ધોરણે પેસી ગયેલા વિભાજનથી નાટ્યકાર ખૂબ વ્યગ્ર છે. નાટકનું વાંચન અનિવાર્ય બને છે અને ભારતમાં બનતી સામાજિક-રાજકીય તથા સાંસ્કૃતિક બીનાઓ વિશે આપણને ઊંડા ચિંતન તરફ ધક્કો મારે છે. ધર્મના નામમાં જાહેર જીવનના કોહવાડ પ્રત્યે ગમગીની અને ક્ષતિની લાગણી જગાડવાનો પ્રયાસ કરે છે. સ્વર અને આશય વ્યંગાત્મક અને રમૂજી હોવા છતાં આ નાટક પ્રત્યેક રાષ્ટ્રપ્રેમી ભારતીયમાં અનેકવિધ લાગણીઓ ખંખોરવાનું કામ કરે એવું છે.
સ્રોત: openthemagazine.com
e.mail: rupaleeburke@yahoo.co.in