ઉમાશંકર જોશી ગુજરાત અધ્યયન કેન્દ્ર, ગંગોત્રી ટ્રસ્ટ
ગંગોત્રી ટ્રસ્ટ તરફથી ઉમાશંકર જોશી ગુજરાત અધ્યયન કેન્દ્ર [Umashankar Joshi Center for Gujarat Studies] શરૂ કરવામાં આવ્યું છે, જેમાં એક પ્રવૃત્તિ તરીકે ગુજરાતનાં સાહિત્ય, સમાજ અને ઇતિહાસના આંતરસંબંધો પર સંશોધનનું કાર્ય કરવાનું નક્કી કર્યું છે.
આ પ્રવૃત્તિની શરૂઆત ગુજરાતના દલિતો, આદિવાસીઓ અને અન્ય વંચિત સમુદાયો દ્વારા રચાયેલા સાહિત્ય પર સંશોધન માટે [લેખિત કે દૃશ્ય-શ્રાવ્ય માધ્યમમાં] ફેલોશિપ આપીને કરવાનું નક્કી કર્યું છે. સંશોધન આ સાહિત્યના કોઈ એક પાસા કે મુદ્દા પર કેન્દ્રિત હોય એ ઇચ્છનીય છે.
ફેલોશિપ માટેની જરૂરી વિગતો નીચે આપી છે :
૧. વીસ વર્ષ ઉપરની કોઈ પણ વ્યક્તિ આ સંશોધન માટે લાયક ગણાશે. દલિત, આદિવાસી અને અન્ય વંચિત સમુદાયોના સંશોધકોને પ્રાધાન્ય આપવામાં આવશે.
૨. ઉમેદવારે સંશોધનની એક ટૂંકી રૂપરેખા આપવી જરૂરી રહેશે. શક્ય હોય તો સાથે સંદર્ભ સૂચિ પણ જોડી શકાય.
૩. સંશોધનની અવધિ એક વર્ષની હશે.
૪. સંશોધકને રૂ. એક લાખની ફેલોશિપ આપવામાં આવશે.
૫. સંશોધન પૂરું થયે એને પ્રકાશિત કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.
૬. ઉમેદવારે બે પાનાંનો પોતાનો પરિચય (C.V.) આપવાનો રહેશે. પોતાનું નામ, ઈ-મેઈલ સરનામું, સંપર્ક નંબર, ઘરનું સરનામું અવશ્ય આપવું પડશે.
૭. સંશોધન ગુજરાતી ભાષામાં કરવાનું રહેશે. જો કોઈ સંશોધક બીજી ભાષામાં લખવા ઇચ્છે તો ગુજરાતીમાં અનુવાદની વ્યવસ્થા કરવામાં આવશે. આ સંશોધનનો મુખ્ય હેતુ ગુજરાત અને ગુજરાતી ભાષામાં સાહિત્ય અને સમાજ વિશે એક લોકતાંત્રિક અને સમાવેશી સમજ ઊભી કરવાનો છે.
૮. સંશોધન માટેની અરજી (રૂપરેખા અને સ્વપરિચય સાથે) નીચેના સરનામે અથવા ઈ-મેઈલ દ્વારા uj.gangotritrust@gmail.com પર મોકલવા વિનંતી છે.
૯. સંશોધન માટેની અરજી ૩૦ નવેમ્બર ૨૦૨૨ સુધીમાં મોકલવાની રહેશે.
૧0. કેન્દ્રની બીજી પ્રવૃત્તિઓ, જેવી કે વિવિધ વિષયના નિષ્ણાતો સાથે સાહિત્ય, સમાજ અને ઇતિહાસ અંગે તેમ જ સંશોધન / વિવેચનનાં સાધનો વિશે વખતોવખત ચર્ચાઓ, પરિસંવાદો અને કાર્યશિબિરોનો લાભ તેમ જ જરૂર જણાય તો માર્ગદર્શકની મદદ સંશોધકોને મળી શકશે.
૧૧. સાહિત્ય અને સંશોધન પર એક વિચારનોંધ નીચે આપી છે.
નિયામક
ઉમાશંકર જોશી ગુજરાત અધ્યયન કેન્દ્ર,
ગંગોત્રી ટ્રસ્ટ,
૨૬, સરદાર પટેલ નગર,
એલિસબ્રિજ, અમદાવાદ—૩૮૦ ૦૦૬
સાહિત્ય અને સંશોધન – એક વિચારનોંધ
ભારતમાં સંસ્થાનવાદ દરમ્યાન અંગ્રેજી શિક્ષણ અને સાહિત્ય, સંસ્થાનવાદી તેમ જ રાષ્ટ્રવાદી ઇતિહાસલેખન અને વિચારધારાઓ, પ્રાચ્યવિદ્યા(Orientalist Studies)નો ઉદ્ભવ અને વિકાસ વગેરેની અસર નીચે ‘સાહિત્ય’ની, ખાસ કરીને ‘ભારતીય સાહિત્ય’ની, એક પરિભાષા ઊભી થઈ. ભારતની અનેકવિધ મૌખિક, લેખિત તેમ જ વાચિક સાહિત્યિક પરંપરાઓ, જેમાં વિવિધ સામાજિક સમુદાયોનું સર્જન આ પહેલાંની સદીઓમાં થયું હતું અને જે ભારતીય સાહિત્યની લાક્ષણિકતા હતી તેને સ્થાને સાહિત્યની એક સમાનધર્મી [homogeneous] ચોક્કસ સમજ ઊભી થઈ. સંસ્થાનવાદી શિક્ષણમાંથી જે વિદ્વાનો નીકળ્યા તે મુખ્યત્વે ઉચ્ચ વર્ણના, મધ્યમવર્ગી, શહેરી પુરુષો હતા જેમણે ભારતની ભાષાઓમાં પ્રિન્ટ સાહિત્યનું સર્જન કર્યું. છાપકામના ઉદ્યોગની શરૂઆતને લીધે લેખિત કે પ્રકાશિત કૃતિ એ જ સાહિત્ય એવી સીમિત સમજ ઊભી થઈ. જ્યારે દેશમાં એંશી ટકાથી પણ વધારે પ્રજા નિરક્ષર હતી અને અક્ષરજ્ઞાન હોય એમાંના પણ મોટા ભાગના લોકો સંસ્થાનવાદી શિક્ષણથી વંચિત હતા ત્યારે સાહિત્યની આ વ્યાખ્યા સ્વીકારવી મુશ્કેલ છે. આને કારણે અનેક પ્રકારનું સર્જન હાંસિયામાં ધકેલાઈ ગયું. આ સાથે સાહિત્યના ઇતિહાસલેખનને સંસ્થાનવાદી અને રાષ્ટ્રવાદી ઇતિહાસલેખન અને વિચારધારાની અસર નીચે પ્રાચીન / હિન્દુ, મધ્યકાલીન / મુસ્લિમ અને અર્વાચીન / બ્રિટિશ વિભાગોમાં વહેંચવામાં આવ્યું. આ ઇતિહાસને કોઈ બીજા પ્રકારના ઇતિહાસના સંદર્ભમાં જોયા સિવાય આ વૈચારિક વિશ્વની અંદર સંસ્થાનવાદી સંશોધનનાં સાધનો વિકસ્યાં. સાહિત્યની અનેકવિધતા અને પાયાની એકતા જે અનેક પ્રદેશોમાં જોવા મળતી તેને સંકુચિત ચોકઠાંઓમાં ગોઠવવામાં આવી. સાહિત્યના ઇતિહાસને આ રીતે એક પ્રકારની સીમિત એકરૂપતા આપવામાં આવી અને દરેક ભાષામાં આ રીતે અલગ અલગ ઇતિહાસ લખવામાં આવ્યો.
આપણા સાહિત્યના ઇતિહાસ લેખનની અને વિવેચનની આ પદ્ધતિ અપૂરતી છે. બીજો પ્રશ્ન એ પણ છે કે સાહિત્ય વિશે જે કઈ સંશોધન થયું છે અને થઈ રહ્યું છે તે સાહિત્યની કૃતિ એ સ્વતંત્ર કલાત્મક કૃતિ છે એવી વિચારધારાથી મહદંશે પ્રેરિત છે. સાહિત્યિક સર્જનના સામાજિક / ઐતિહાસિક મૂળને જરા પણ તપાસ્યા વિના કૃતિ, સ્વરૂપ, સમય, ભાષાકીય સ્વરૂપો અને શૈલી, બધાંને અલગ અલગ ચોકઠાંઓમાં મૂકીને સાહિત્યનું વિવેચન થાય છે. ઉપરાંત, આ વિવેચન / ઇતિહાસમાં પ્રાચીન સમયના સંસ્કૃત સાહિત્યને મહત્ત્વ આપી બ્રાહ્મણવાદી સાહિત્યિક પરંપરાનું આધિપત્ય સાહિત્યમાં સ્થપાયું છે જે પરંપરા આજ સુધી ચાલુ છે. પ્રાચીન ભારતીય સાહિત્ય એટલે મુખ્યત્વે ઉત્તર ભારતની પ્રાચીન સમયની વૈદિક, સંસ્કૃત, ધાર્મિક અને આધ્યાત્મિક કૃતિઓ એવી સામાન્ય માન્યતા પ્રવર્તે છે. બીજી ભાષાઓના, જેમ કે તમિળના, પ્રાચીન સાહિત્યનો ઉલ્લેખ પણ થતો નથી. આ પ્રકારની સાહિત્યની પરંપરાની સમજ એ કેવળ અનૈતિહાસિક જ નહીં પરંતુ અતાર્કિક અને અધૂરી પણ છે.
આ સીમિત પરંપરાને લીધે ભારતીય સાહિત્યને સમગ્રતામાં ઐતિહાસિક રીતે સમજવું અને તેને સૈધ્ધાંતિક રીતે મૂલવવું મુશ્કેલ બને છે. સાહિત્યનું ઐતિહાસિક બંધારણ, વિવિધ સ્વરૂપોનું સમયાંતરે નિર્માણ, એકતા અને વિવિધતા વચ્ચેનું દ્વંદ્વ [dialectics], ભાષાઓ વચ્ચે સામ્ય, જેવા અનેક મહત્ત્વના પ્રશ્નો અનુત્તર રહે છે. આ સંદર્ભમાં સાહિત્યિક કૃતિનું નિર્માણ અને તેનો ઇતિહાસ; વર્ગ, જાતિ, લિંગ વગેરેના એકબીજા સાથે ભિડાતા ખ્યાલો; વિચારધારાઓનો સંઘર્ષ અને તેની સાહિત્યસર્જન પર અસર; મૌખિક, લેખિત અને પ્રિન્ટ પદ્ધતિઓના ઇતિહાસ અને આંતરસંબંધો વગેરેને વિગતમાં જોવાનું પણ જરૂરી બને છે.
સાહિત્ય અને સાહિત્યના ઇતિહાસ / વિવેચન / સંશોધન વિશે મૂળમાંથી જ ફેરવિચારણા કરવાની અને સંશોધનનાં નવાં સાધનોનો ઉપયોગ કરવાની આને કારણે જરૂર ઊભી થાય છે. ખાસ તો સાહિત્યને સાહિત્ય ઉપરાંત બીજા વિષયો જેવા કે ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, નૃવંશશાસ્ત્ર વગેરે માનવશાસ્ત્રો અને સમાજશાસ્ત્રોના અભ્યાસની મદદથી ફરીથી સમજવાની જરૂર છે. ટૂંકમાં, ઐતિહાસિક અને સાંસ્કૃતિક / સામાજિક પ્રવાહોના વિશાળ અભ્યાસનો એક ભાગ હોય તે રીતે એક જુદી જાતનો સાહિત્યનો અભ્યાસ કરવાની જરૂર છે.
સાહિત્ય એ કેવળ એક સ્વતંત્ર અને સ્વાયત્ત પ્રવૃત્તિ કે અભિવ્યક્તિ નહીં પરંતુ સમાજ અને ઇતિહાસનો એક અંતર્ગત ભાગ છે જે તે બંને વિશે એક સમજ ઊભી કરે છે. આથી ઉપર જણાવ્યા મુજબ મહત્ત્વનું એ જોવાનું બને છે કે સમાજના કયા સમૂહનું સાહિત્ય એ મુખ્ય પ્રવાહનું સાહિત્ય બને છે, જે સાહિત્ય વિશે એક સામાન્ય સમજ ઊભી કરે છે જેને લીધે બીજા અનેક સમૂહોનું સાહિત્ય એ સાહિત્યિક પરિભાષાથી બાકાત રહે છે. સાહિત્યની સમજ કોઈ એક વર્ચસ્વ ધરાવતા સમૂહની મર્યાદિત સમજ બનીને ન રહે, કોઈ એક સમૂહના ‘સાહિત્ય’ વિશેના માપદંડોથી દરેક સમૂહનું સાહિત્ય ન મપાય એ જોવું, અને સાથેસાથે સાહિત્ય વિશે એક સમાવેશી સમજ ઊભી કરવી અને એ દ્વારા કોઈ પણ કૃતિ કે સમૂહનું સાહિત્ય તપાસવું, જરૂરી બને છે. સાહિત્યનાં સ્વરૂપો પણ બદલાતા સામાજિક અને ઐતિહાસિક પ્રવાહોમાંથી જન્મતાં હોય છે. સાહિત્યની કૃતિ કયા પ્રકારના સમાજ અને ઇતિહાસમાંથી જન્મે છે અને કયા પ્રકારના સમાજ અને ઇતિહાસને આકાર આપે છે એ તપાસવું એ આ સંશોધનનું પાયાનું ધ્યેય છે.
સાહિત્યની નવેસરથી વિચારણા કરતાં એની પરિભાષા વિસ્તૃત કરવી જરૂરી બને છે. એની સીમિત, કેવળ લેખિત, સાહિત્ય તરીકેની પરિભાષાને કારણે અનેક સમુદાયોનું સાહિત્ય હાંસિયામાં ધકેલાઈ ગયું છે જેનો મુખ્યધારામાં સમાવેશ કરવો જરૂરી છે. આપણા દેશમાં અનેક સમુદાયો અનેક માધ્યમો દ્વારા સાહિત્યનું સર્જન કરે છે. ટેક્નોલૉજીના વિકાસ અને વિસ્તારને કારણે આજે આપણી પાસે અભિવ્યક્તિનાં અનેક માધ્યમો છે જેનો પણ સાહિત્યની અભિવ્યક્તિ માટે ઉપયોગ થવો જોઈએ જેથી બીજાં માધ્યમો દ્વારા સાહિત્યનું સર્જન તેમજ સંશોધન થઈ શકે. આને પરિણામે સાહિત્યની એક સમાવેશી પરિભાષા ઊભી થઈ શકે અને છેવટે સાહિત્યનું સ્વરૂપ બદલી શકાય.
સૌજન્ય : સ્વાતિબહેન જોશીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


ભલે વ્યાપક જણાતો હોય કે પ્રયત્નપૂર્વક એને વ્યાપક બનાવાયો હોય, ‘આઝાદીના અમૃત કાળ’નો જો કોઈને ખરેખર એહસાસ થાય છે ને જો કોઈને માત્ર આભાસ થાય છે તો એ અર્થમાં અમૃત કાળ એક સાપેક્ષ ભાવ પણ છે !
ગાંધીના પ્રભાવ હેઠળ તેથી મહદઅંશે દલિતો – અસ્પૃશ્યો પ્રતિ અનુકંપા – સહાનુભૂતિ દાખવતા સર્જકોમાં ર.વ. દેસાઈ, રામનારાયણ પાઠક, મેઘાણી, સુંદરમ્, ઉમાશંકર જોશી, સ્નેહરશ્મિ, કરસનદાસ માણેક, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, દર્શક સહિત અનેક ઉલ્લેખનીય નામો મળે છે.
જોડાય છે. ૧ ડિસેમ્બર ૧૯૭૯એ દલપત ચૌહાણ ‘કાળો સૂરજ’ દલિત કવિતા સામયિક સાથે તો ૧૯૮૧માં ગણપત પરમાર – મનીષી જાની ૬૩ કવિઓની ૧૭૨ કવિતાઓ સાથેના ‘દલિત કવિતા’ સંગ્રહ સાથે અને બાલકૃષ્ણ આનંદ-ચંદુ મહેરિયા ૧૯૮૪માં ૧૪ કવિઓની ૬૪ રચનાઓ સાથેના ‘વિસ્ફોટ’ કાવ્યસંગ્રહ લઈ આવે છે. ૧૯૮૪માં ઈન્દુકુમાર જાનીના સામયિક ‘નયામાર્ગ’માં પ્રસિદ્ધ થયેલ માત્ર દલિત કવિતાઓનો સંપાદિત સંગ્રહ ‘અસ્મિતા’ લઈને ચંદુ મહેરિયા આવે છે. ગુજરાતી દલિત સાહિત્યના પાલન અને પોષણમાં ‘નયા માર્ગ’ અને તેના તંત્રી ઈન્દુકુમાર જાનીનું અવિસ્મરણીય પ્રદાન છે.
ઝવેરચંદ મેઘાણીનો કાવ્યસંગ્રહ ‘સિંધુડો’ એપ્રિલ 1930માં પ્રસિદ્ધ થયો. દેશભક્તિની 15 રચનાઓનો આ સંચય ખૂબ લોકપ્રિય થયો. તેની પહેલી આવૃત્તિની દસ હજાર નકલોમાંથી મોટા ભાગની લોકોએ વસાવી અને બાકીની અંગ્રેજ સરકારે જપ્ત કરી. એટલે બરાબર બે વર્ષ બાદ સ્વાતંત્ર્ય સેનાનીઓએ તેની સાયક્લોસ્ટાઇલ ‘કાનૂનભંગ આવૃત્તિ’નો ફેલાવો કર્યો. તે રતુભાઈ અદાણીના સુંદર હસ્તાક્ષરે લખાઈને સાયક્લોસ્ટાઇલ થઈને વહેંચાવા માંડી. ત્યાર બાદ આ કાનૂનભંગ આવૃત્તિ, 1930ના ધોલેરા સત્યાગ્રહની સુવર્ણ જયંતી નિમિત્તે એપ્રિલ 1980માં ધોલેરા સત્યાગ્રહ સૈનિક સંઘ સુવર્ણ જયંતીના અવસરે વજુભાઈ શાહની નોંધ સાથે ફરીથી પ્રસિદ્ધ કરવામાં આવી. હમણાં એપ્રિલ 2022માં ધોલેરા સત્યાગ્રહની અને ‘સિંધુડો’ની 92મી જયંતીએ ઝવેરચંદ મેઘાણી સ્મૃતિસંસ્થાને મેઘાણી રચિત ‘શૌર્ય અને દેશપ્રપ્રેમનાં ગીતો’ નું એક પુસ્તક ‘સિંધુડો’ નામે બહાર પાડ્યું છે. તેમાં મૂળ સંગ્રહની રચનાઓ અને અન્ય સંગ્રહોમાંથી ચૂંટેલી પંદર એમ કુલ ત્રીસ રચનાઓ સાથે મૂકી છે.
મોટી મેદનીઓ વચ્ચે પણ એ ઝિલાયાં છે.’ આ ગીતોની સર્જન-પ્રકિયાનો નિર્દેશ આપતાં મેઘાણી હંમેશની બૌદ્ધિક પ્રામાણિકતાથી સ્વીકારે છે : ‘આમાંનાં કેટલાંએક યુરોપી કવિતાનો આધાર લઈને રચાયાં છે : બાકીનાં સ્વયં-સ્ફુરિત છે. સ્વયં-સ્ફુરણાનો જેમ ગર્વ નથી, તેમ આધાર લઈને રચેલાંની શરમ નથી. શું અનુવાદમાં કે શું સ્વયં-કૃતિમાં, જેટલું સ્વાભાવિક હોય તેટલું જ સાચું છે.’
ધરપકડ કરી અને ધંધુકાની કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે ‘હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ’ ગીત ભરી કોર્ટમાં લલકારી મેઘાણીભાઈએ અનેક લોકોને કરુણાથી ભીંજવી દીધા હતા. ખુદ ન્યાયાધીશ પોતાની જાત સંભાળી ન શકતાં તેમની આંખમાં પણ આંસુ આવી ગયા હતા.
એ કાનુનભંગ આવૃત્તિનું લેખન રતુભાઈએ કર્યું હતું. બે પાનાંમાં તેની પૂર્વભૂમિકા વજુભાઈ શાહે સમજાવી હતી. પ્રકાશક તરીકે ભીખુભાઈ ધ્રુવ હતા. છાની રીતે વિતરણની વ્યવસ્થા ઈશ્વરભાઈ દવે તથા રતુભાઈ કોઠારીએ ઉપાડી લીધી હતી. તેના અર્પણમાં લખ્યું હતું: ‘તૂટી પડતા સામ્રાજ્યને પોતાના જાસલ થાંભલાથી ટકાવવા મથતા ધંધુકા તાલુકાના અમલદાર વર્ગને સપ્રેમ સમર્પણ’.