ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામના દલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં ગુજરાત ખળભળી ઊઠ્યું છે તે સામાજિક પ્રતિરોધ અને પરિવર્તનની નિશાની છે.
ઢોરના ચામડાના કામ સાથે અને એકંદર સફાઈના કામ સાથે સંકળાયેલા શ્રમજીવી સમુદાયો આપણા દેશમાં સદીઓથી હીણપત અને હિંસાનો ભોગ બનતા રહ્યા છે. સફાઈ, નાતજાત, ધર્મ, ભૂખ, માંસાહાર ગરીબી, બેકારી એ બધી સુખાળવા સવર્ણ લોકો સમજી શકે એના કરતાં વધુ સંકીર્ણ બાબતો છે. એ સમજ કેળવવાનું કામ પ્રત્યક્ષ રીતે શિક્ષણ અને પરોક્ષ રીતે સાહિત્ય તેમ જ કલા કરતાં હોય છે. પીડિત દર્શન એ સાહિત્ય, સિનેમા, સંગીત અને ચિત્ર જેવી કલાઓનું એકમાત્ર નહીં તો ય મુખ્ય કર્તવ્ય છે. એ કામ સાહિત્યના અનેક પ્રવાહોમાંથી દલિત અને જનવાદી સાહિત્ય વધુ અસરકારક રીતે કરે છે. વાચકને આ પ્રકારનાં લખાણો હાંસિયા બહારના લોકોની દોજખભરી જિંદગીનો અનુભવ નહીં તો ય અસરકારક અંદાજ આપે છે. એટલા માટે જ અગ્રણી ગુજરાતી સાહિત્યકાર-વિવેચક દલપત ચૌહાણની ‘ગીધ’ (2000) નવલકથા ઉના ઘટનાએ ખાસ યાદ આવે છે. અહીં લેખકે મરી ગયેલાં ઢોરને લઈ જઈને, તેનું માંસ કાપીને, ખાઈને તેના ચામડામાંથી પગરખાં અને અન્ય વસ્તુઓ બનાવનાર લોકોની જિંદગીનું ઝીણવટભર્યું ચિત્રણ કર્યું છે.
ઉનામાં ચાર દલિતોને મોટર સાથે બાંધીને દંડા ફટકારતા લુખ્ખાઓનું દૃશ્ય જોતાં ‘ગીધ’ નવલકથાનું દૃશ્ય મનમાં આવી ગયું. નવલકથામાં ચામડાંનું કામ કરનાર શ્રમજીવી કોમનો ‘સાથી’ એટલે કે બંધવા મજૂર નાયક ઇસાને તેના ચૌધરી માલિક માવજીભા તેમ જ તેમના દીકરા લવજી-વેલજીને ઊભા ખેતરમાં લાકડીઓથી ઝૂડી નાખે છે, સાથે બેફામપણે તેની નાતને ગાળો બોલતા જાય છે. ઈસાની ‘લાશ’ને નીકમાં ગબડાવી તેની પર પૂળા ઢાંકી દે છે. ઇસો જીવી જાય છે,પણ ડરનો માર્યો જુલમીઓના નામ દેતો નથી. ઇસા પર હુમલાનું કારણ માવજીની શરીરસંબંધ ઝંખતી સોળ વર્ષની દીકરી દિવાળીનું ઇસા માટેનું એકતરફી આકર્ષણ છે. અલબત્ત ઇસો જ્યારે ખેતરમાં જ્યાં પીટાય છે તેના થોડા જ અંતરે દિવાળીની પાછળ પડેલો બીજો સાથી શનિયો પાક વચ્ચે છૂપાઈને તેનો લાભ લેતો હોય છે. પેલાં બંને ભાગી જાય છે અને ઇસો વગર વાંકે કૂટાઈ જાય છે. ઇસાને ફસાવવાની દિવાળીની કોશિશો સાથે લેખકે માલિકના કુટુંબમાં થતાં તેના ખૂબ શોષણ અને અપમાન પણ બતાવ્યાં છે. અસલામતી અનુભવતો શનોજી ઇસાને મારી નખાવે છે. ઇસાની વાર્તા સાથે લેખકે તેના પંથકમાં ચામડાનું કામ કરતાં દલિતોની આખીય દુનિયાનો ચિતાર, નવલકથા કેવળ દસ્તાવેજ ન બને તે રીતે આપ્યો છે. ગામની ભૂગોળ, રોજબરોજની જિંદગી, જ્ઞાતિઓનાં વરણવેશ અને વાસ, ચામડાં કમાવા માટેનાં કુંડનું સ્થાન, ચામડાનાં કામનાં ઓજાર-રીત-પેદાશો, રીતરિવાજ, ભૂવા-જાગરિયા, મેળા-તૂરી-તરગાળાં જેવી અનેક બાબતો અહીં મળે છે. આભડછેટની અને નિરક્ષરતાની નિશાનીઓ ઠેરઠેર છે. બસો સાત પાનાંની નવલકથાનાં પચીસ પાનાંમાં મરેલી એક ભેંસ પરની મહેનતનો આબેહૂબ ચિતાર છે. તેમાં તેના મોતના સમાચાર પહોંચાડવા, ટુકડી બનાવીને લાશ ઊપાડી જવી, તેને કાપવી, નાતીલા વચ્ચે માંસની વહેંચણી કરવી, ચામડાની કામગીરી શરૂ કરવી, માંસ મળતાં વાસમાં તેને રાંધવાની ખુશ્બૂ અને ખાવાની ખુશી ફેલાઈ જવી જેવી કેટલી ય બાબતો લેખકે વર્ણવી છે. નવલકથાનાં કથન-વર્ણન નાગરી ભાષામાં, જ્યારે તમામ સંવાદો દૉતોર પરગણાની, ચામડાનું કામ કરતી કોમની બોલીમાં છે. એટલે તેને ‘તળની બોલી’ નામના લેખકે પોતે જ સંશોધિત-સંપાદિત કરેલા શબ્દાર્થ સંગ્રહની મદદથી વાંચતાં સરળતા રહે છે. ભાષાની આ ભિન્નતાને હળવી કરીએ એટલે સમાજના એક અતિશય ઉપેક્ષિત વર્ગનાં પછાતપણા અને અવદશાનું ચિત્રણ અસ્વસ્થ કરી જાય છે.
ચામડાનું કામ કરતાં મહેનતકશ વર્ગની દુર્દશા અને ચૌધરી સમૂહના તેના પરના જુલમોનું ચિત્રણ હિન્દી લેખક જગદીશચન્દ્ર માથુર (1930-1996) પંજાબની પશ્ચાદભૂ પરની ત્રણ નવલકથાઓમાં પણ કરે છે : ‘ધરતી ધન ન અપના’, ‘નરકકુંડમેં બાસ’ અને ‘જમીન અપની તો થી’. તેમાં હોશિયારપુર જિલ્લાના ઘોડેવાહા ગામની ચમાદડી એટલે કે ચર્મકાર દલિતોની વસ્તી કેન્દ્ર સ્થાને છે. તેમાંથી મોટાભાગના ચૌધરીઓને ત્યાં વેઠ કરે છે, ગાળો અને માર ખાય છે, પાણી માટે ટળવળે છે, ગામના છેવાડે ચીતરી ચડે તેવી ગંદકીમાં રહે છે. ‘ગાંવમેં કુત્તોંકી ઔર ઇનકી પહચાન રખના મુશ્કિલ હૈ’ – આવા પ્રકારની પસ્તાળ ત્રણેય નવલકથાઓમાં વારંવાર વાંચવા મળે છે. કંઈક અંશે વિદ્રોહી નાયક કાલી સમાજમાં બદલાવ લાવવાની કોશિશો પછી ગામ છોડીને જલંધર આવે છે. ચામડા કમાવાના, નરકકુંડ સમા કારખાનામાં વૈતરું કરે છે. પછી તે પગરખાંની દુકાને કામ કરે છે. આ વળાંકે તેની જિંદગી થોડીક સુધરે છે. તેનો એક પુત્ર સનદી અધિકારી અને બીજો દાક્તર બને છે,પણ કાલી પોતાના કામને ગરિમાપૂર્વક વળગી રહે છે. જગદીશચન્દ્ર અને જૉસેફ મૅકવાનની નવલકથાઓમાંના દલિત ચેતનાના નિરુપણ વિષય પર પુસ્તક લખનાર હિંદી સાહિત્યના અધ્યાપક ગોવર્ધન બંજારા માથુરની નવલત્રયીને ‘ચમડેકા કામ કરનેવાલી જાતિકા મહાકાવ્યાત્મક ઉપન્યાસ’ ગણાવે છે.
દલિત ગુજરાતી નવલિકા ‘આઘાત’માં પસો મરેલી ભેંસને કાપે છે, તેમાંથી મળેલ માંસ રંધાતા વાસમાં ગંધ ‘બાદશાહી ઠાઠથી’ ફરવા લાગે છે. અલબત્ત પસાને વધુ આનંદ તો ભેંસના પેટમાંથી સોનાનો અછોડો નીકળ્યાનો છે. બીજી ભેંસ માંદી હોવાના સમાચાર આવે છે. પસાનો સાથી જેઠો રાજી થાય છે. તેને ક્ષયથી રિબાતી યુવાન દીકરી લીલાની સારવાર માટે પૈસાની જરૂર છે. માંદી ભેંસના પેટમાં પણ ઘરેણું હોવું જોઈએ એવી આશ એને છે. પણ ડૉક્ટર આવીને ભેંસને સાજી કરે છે. વાર્તાને અંતે લેખક કહે છે : ‘આજે પાંચ વર્ષ પછી પણ પસો એ નથી સમજી શક્યો કે જેઠાકાકા ભેંસ જીવી ગઈ એના આઘાતથી ગાંડા થઈ ગયા છે કે યુવાન દીકરીના મૃત્યુથી …’. મરાઠી દલિત વાર્તાકાર અમિતાભની ‘પાડ’(1980) નામની વાર્તામાં ઢોરનું શબ આવી પહોંચ્યા પછી વખાના માર્યા ગરીબ દલિતો તેનું માંસ કાઢીને લઈ જવા કેવી રીતે તૂટી પડે છે તેનું હચમચાવી નાખે તેવું બયાન છે. તે પન્નાલાલ પટેલની ‘માનવીની ભવાઈ’ના ‘ભૂખી ભૂતાવળ ?’ પ્રકરણમાં ભેંસોને ખાવા માટે તૂટી પડેલાં દુષ્કાળગ્રસ્ત ભૂખ્યા જંગલવાસીઓના વર્ણનની યાદ અપાવે છે.
ભારતીય સાહિત્યની એક મહત્વની દલિત આત્મકથા તે મરાઠી લેખક દયા પવારની ‘બલુતં’ (1978, ગુજરાતી અનુવાદ : સુરેન્દ્ર દોશી). એમાં ઢોરનાં ચામડાં ઊતારવાના કામ અને માંસભક્ષણના ઉલ્લેખો છે. તેમાંથી એક : ‘મરેલા ઢોરનું માંસ તેં ખાધું છે કે ? એનો સ્વાદ કેવો હોય છે ? એવો સવાલ મને એક સાહિત્યિક ચિંતકે પૂછ્યો. મારો શ્વાસ રુંધાવા લાગ્યો. મેં કહ્યું : ‘ જે દિવસોમાં મેં આ માંસ ખાધું એ દિવસોમાં મારી ઉંમર સ્વાદ પરખવાની નહોતી. માત્ર પેટનો ખાડો પૂરવાનું હું જાણતો હતો.’
21 જુલાઈ 2016
+++++
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, /22 જુલાઈ 2016
![]()


શબ્દની મારે મન બહુ કિંમત છે. શબ્દમાં જે શક્તિ છે, તે હું બીજી કોઈ ચીજમાં નથી જોતો.
“હોરમજદની મદદથી આ પુસ્તકનું એક દફતર અતરે ખતમ થયું છે. એ દફતર ૧૦ વર્ષે છપાઈ તથા ૧૭ વર્ષે રચાઈ તૈયાર થયું છે, અને એ પર મેં મારી જિંદગીનો મોટો તથા જવાનીનો બધો વખત રોક્યો છે. એ રોકેલો વખત તથા લીધેલી મહેનત મારી કોમને ઉપ્યોગી થઇ પડી છે એમ જો મારા વાચનારાઓ ધારે તો મારા દીલમાંની મોરાદ અને મહેનતનો બદલો પામી ચુકો છું, એવો હું સંતોષ લઈશ.” ૧૮૮૮ના સપ્ટેમ્બરની ૧૭મી તારીખે આ શબ્દો લખાયા હતા. લખનાર હતા બહમનજી બેહરાંમજી પટેલ.
એ વળી કોણ? તમે પૂછશો. કારણ ગુજરાતી સાહિત્યના ઈતિહાસ, વિવેચન, કે સંદર્ભનું કોઈ પણ પુસ્તક જોઈ જાવ. આ બહમનજીનું નામ નિશાન ક્યાં ય જોવા નહિ મળે. જો એક વાક્યમાં ઓળખ આપવી હોય તો ‘પારસી પ્રકાશ’ નામના દળદાર ગ્રંથના બનાવનાર. જેને અંતે આ શબ્દો છપાયા છે તે પહેલું દફતર (એટલે કે પહેલો ખંડ) ૧૦૬૮ પાનાનું છે, અને તે ય મોટા કદનાં, બે કોલમમાં છાપેલાં પાનાં. એ જમાનાના ચાલ પ્રમાણે (નર્મકોશ અને નર્મ કવિતા જેવાં નર્મદનાં પુસ્તકો પણ આ રીતે પ્રગટ થયેલાં.) પહેલાં ૧૮૭૮થી ૧૮૮૮૮ સુધીમાં પારસી પ્રકાશના ૧૧ ભાગ પ્રગટ થયેલા અને પછી ૧૮૮૮માં એ બધા ભાગ એક પુસ્તકમાં પહેલા દફતર તરીકે પ્રગટ થયેલા. તેવી જ રીતે બીજું દફતર પણ પહેલાં આઠ ભાગમાં છપાયું અને પછી ૧૯૧૦માં એક પુસ્તક રૂપે સુલભ થયું. ૧૮૬૦થી ૧૮૮૦ના વીસ વર્ષના ગાળાને સમાવતા આ બીજા દફતરનું પ્રકાશન બહમનજીનાં બહેન દીનબાઈ બહેરામજી પટેલે કર્યું હતું. કારણ ૧૯૦૮ના સપ્ટેમ્બરની નવમી તારીખે બહમનજી બેહસ્તનશીન થયા હતા.
ત્રીજા દફતરની ઘણી સામગ્રી પણ બહમનજીએ તૈયાર તો કરી રાખી હતી, પણ તેને વ્યવસ્થિત પુસ્તકનું રૂપ આપવાનું તેમનાથી બની શક્યું નહોતું. એ કામ કર્યું બહમનજીના મિત્ર, બોમ્બે હાઈ કોર્ટના વકીલ, રુસ્તમ બરજોરજી પેમાસ્તરે. આ દફ્તર પણ ૧૯૨૦માં ગ્રંથ રૂપે છપાતાં પહેલાં ૧૧ ભાગમાં પ્રગટ થયું હતું. તેમાં ૧૮૮૧થી ૧૯૦૦ સુધીની તવારીખ આપી છે. પ્રસ્તાવનામાં પેમાસ્તર જણાવે છે કે આ દફતર માટેની કેટલીક નોંધો પણ બહમનજી તૈયાર કરી ગયા હતા તેમાં સુધારા વધારા કરીને પોતે અહીં રજૂ કરી છે. અલબત્ત, પોતાને યોગ્ય લાગ્યા તેવા કેટલાક ફેરફાર પણ તેમણે સામગ્રીની પસંદગી અને રજૂઆતમાં કર્યા છે. પારસી પ્રકાશનાં કુલ દસ દફતર પ્રગટ થયાં હોવાની માહિતી આ લખનારને મળી છે. દસમું દફતર ૧૯૬૧-૬૨ના વર્ષ આગળ આવીને અટકે છે. પણ ત્રીજા દફતર પછીના ભાગો એક પછી એક આછા અને ઉપરછલ્લા થતા ગયા. સંદર્ભ માટેનાં સાધનો તો વીસમી સદીમાં વધતાં ચાલ્યાં હતાં, પણ તેનો સૂઝ અને સમજ પૂર્વક ઉપયોગ કરી શકે તેવા, બહમનજી જેવા સંપાદકો પછીથી મળ્યા નહિ.
પારસી પ્રકાશની એક મુશ્કેલી છે તેમાંની ઢગલાબંધ સામગ્રી. છાપાંઓ, ચોપાનિયાં વગેરેમાંથી જે માહિતી મળી તેમાંથી શું લેવું અને શું જતું કરવું તેનો ઝાઝો વિચાર બહમનજીએ અને પેમાસ્તરે કર્યો નથી. પરિણામે જેનું દસ્તાવેજી મૂલ્ય નહીંવત્ હોય તેવું ઘણું અહીં છે, અને તેમાંથી જરૂરી અને ઉપયોગી સામગ્રી તારવવાનું કામ મહેનત માગી લે તેવું છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ આ અંગે ટકોર કરતાં લખ્યું હતું: