શબ્દ ઘણી ચોખવટ કરે છે. શબ્દથી ઘણું-ઘણું ઉકેલાઈ જાય છે. શબ્દથી ઘણું ગૂંચવાઈ પણ જાય. શબ્દનું પોતાનું અજવાળું હોય છે. આંતરિક ઉજાસથી ઝીણું ઝીણું ઝબકતા હોય છે શબ્દો. એને કાન આપો, ત્યાં એ પોતે જ કંઈ કહેવા માંડે. શબ્દની આંગળી જ્યાં અડે કે બધું બોલતું થાય.
આજ સંગીત અને શબ્દની સંગત માણીએ. ‘રાગ’ નામનો શબ્દ સંગીતમાં બહુ મોટી જગ્યા રોકે છે. રાગને શબ્દકોશ ‘મોહ, મમતા કે આસક્તિ’ કહે છે. રાગને પ્રણયનું ઉત્કૃષ્ટ સ્વરૂપ પણ કહેવાયું છે. રાગ એટલે ક્રોધ પણ. સંગીતનો રાગ એટલે ગાવાની રીત. રીત કહી છે, એટલે તે એક કરતાં વધુ હોય તે સ્વાભાવિક છે. આમ, અનેક ‘રાગો’નો વિચાર ઊપસે. સંગીતમાં મુખ્ય છ રાગ ગણાયા છે. રાગિણી એટલે રાગની સ્ત્રી. દરેક રાગની છ-છ રાગિણીઓ ગણાઈ છે. રાગ બહુભોગી છે, બહુગામી છે. એ રાગ છે ને! આમ, રાગિણીઓ થઈ છત્રીસ.
‘રાગ ઘૂંટવો’ એટલે રાગ બેસાડવા અવાજ લંબાવવો. એકનો એક રાગ સૂરની જુદી જુદી જમાવટથી ગાવો. અહીં રાગિણીઓ અંતઃપુરમાંથી જરૂર ડોકાશે. આપણને સૌને એકરાગ થવાનો અનુરોધ વારંવાર થાય છે. ‘રાગ થવો’ એટલે મેળ થવો, સંપ થવો. ‘રાગે પડવું’ એટલે બરાબર ચાલું થવું, સરાડે પડવું, ઠેકાણે પડવું. ‘રાગડો’ એટલે લાંબો સાદ. રાગડો તાણવો એટલે મોટેથી ગાવું કે ભેંકડો તાણવો (બાળક માટે). રાગયુક્ત હોવું તે રાગદારી, ગેયતા. ‘રાગમુક્ત’ હોવું કે થવું જરાક કષ્ટપ્રદ છે. એમાં કોઈ નહીં ડોકાય!
ગેયતા બધી વાતે સારી. ગેયતામાં ખળખળતો પ્રવાહ છે. ‘ખ્યાલ’ નામનો એક શબ્દ સંગીતમાં તાનપુરાની મધુર ગુંજ માફક રણઝણે છે. છોટા ખ્યાલ અને બડા ખ્યાલ. ખ્યાલ એટલે કલ્પના કે વિચાર. કલ્પનાના એક પ્રતિરૂપમાં રાગની બાંધણી કરવી, રાગવિસ્તાર સાધવો. આવર્તિત સ્વરોમાં રાગનું રૂપ વિસ્તારવું. ગાયક કે વાદક એક ભાવ પર કેન્દ્રિત રહી રાગરૂપ શોધે. એક ભાવને ઘૂંટીઘૂંટીને તેના કલ્પિત રૂપને સ્વરદેહથી ભાવકની ચેતનામાં રોપવા મથે કે નિજાનંદમાં રમમાણ થાય. માત્ર એક શબ્દ ‘રાગ’ હજી આપણને છટકવા દેતો નથી. શબ્દને નિર્જીવ ગણવાની ઘૃષ્ટતા કોઈ કરી શકે?
૭, મુક્તાનંદ સોસાયટી, નર્મદાનગર, જિ. ભરૂચ, ૩૯૨ ૦૧૨
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2018; પૃ. 08
![]()


પુસ્તકના ટાઈટલ પેજ પર પુસ્તકના નામ પછી છાપ્યું છે: ‘રચનાર તેનો વર.’ લેખકનો પરિચય આ રીતે આપવામાં આવ્યો હોય, તેવું બીજું કોઈ પુસ્તક આપણી ભાષામાં તો છપાયું હોવાનું જાણ્યું નથી. અને આ પુસ્તકનો લેખક કોઈ અદકપાંસળી, વહુઘેલો, પ્રસિદ્ધિભૂખ્યો યુવાન નહોતો. બાવન વર્ષનો ઠરેલ પ્રૌઢ હતો. અને તે પણ સાહિત્ય, સમાજ સુધારો, કેળવણી, સરકારી નોકરી, વગેરે ક્ષેત્રે કરેલી ઉજળી કામગીરીને કારણે અમદાવાદમાં જ નહિ આખા ગુજરાતમાં પણ પાંચમાં પૂછાતો એવો, અંગ્રેજ સરકાર પાસેથી ‘રાવસાહેબ’ અને સી.આઈ.ઈ.નો ખિતાબ મેળવનાર જણ હતો. એનું નામ મહીપતરામ રૂપરામ નીલકંઠ (૧૮૨૯-૧૮૯૧). અને જે પુસ્તકના ટાઈટલ પેજ પર તેમણે પોતાની ઓળખાણ ‘રચનાર તેનો વર’ તરીકે આપી છે તે પુસ્તકનું નામ ‘પાર્વતીકુંવર આખ્યાન.’ કોણ હતી આ પાર્વતીકુંવર? નારીવિમુક્તિની વાત પણ આપણે ત્યાં શરૂ થઇ તે પહેલાં આપબળે અને પતિની સહાયથી ઘણાંબધાં રૂઢિ, વહેમ, અંધશ્રદધા, વગેરેમાંથી મૂંગે મોંએ મુક્તિ મેળવનાર એક સ્ત્રી, જે મહીપતરામની પત્ની હતી. પત્નીના વિયોગમાં કે વિરહમાં કાવ્યો કે લેખો લખનારા લેખકોની આપણે ત્યાં ખોટ નથી. પણ પારકી નહિ પણ પોતીકી પત્નીનું જીવનચરિત્ર લખનારા લેખકો કેટલા?
મહીપતરામ ભણવા માટે મુંબઈ આવ્યા ત્યારે પાર્વતીકુંવર પણ તેમની સાથે. ત્યારે તેમની ઉંમર એકવીસ વર્ષની. “મુંબાઈમાં ઘર માંડ્યું ત્યારથી અમે બંને ખરેખર એકત્ર થઇ ગયાં.” સંતાનપ્રાપ્તિ માટે ધાગાદોરા, બાધાઆખડી પર વિશ્વાસ નહિ. મુંબઈની પડોશી સ્ત્રીઓએ એક ગોરનું મંત્રેલું પાણી પીવા કહ્યું. પતિ સાથે ચર્ચા કર્યા પછી પાર્વતીકુંવરે કહ્યું કે ડોક્ટર ભાઉ દાજી(મુંબઈના અગ્રણી ડોક્ટર અને સમાજ સુધારક)ને પાણી દેખાડીએ અને તેઓ હા પાડે તો જ હું પીઉં. આવી શરતે પાણી આપવાની ગોરે ના પાડી. પાર્વતીકુંવરે કશી અવઢવ વગર પાણી ન પીધું. શુકન-અપશુકનમાં પણ પાર્વતીકુંવર માનતાં નહિ. ૨૬ વર્ષની વયે પહેલી વાર સગર્ભા બન્યાં. સુવાવડ માટે સુરત જવા નીકળતાં હતાં ત્યારે ઘરની બહાર નીકળતાં બિલાડી આડી ઊતરી. પડોશીઓ કહે કે આ તો અપશુકન થયાં. આજે ન જવાય, કાલે જજો. પણ પાર્વતીકુંવરે કહ્યું કે હું એવાં શુકન-અપશુકનમાં માનતી નથી. અને તેઓ પિયર જવા નીકળી ગયાં.
આજે મને આવા જુદી જાતના વિચારો આવ્યા એનું કારણ છે, અમેરિકન સાહિત્યકાર, ઍની પ્રૂવ. ગયા વર્ષે એમને ૨૦૧૭-નો 'લાઈફ ટાઇમ ઍચિવમૅન્ટ અવૉર્ડ' અપાયો. અવૉર્ડ સ્વીકાર-પ્રસંગે એમણે જે પ્રવચન કર્યું એ આપણા સમયનું સ્મરણીય પ્રવચન હતું. પ્રૂવ પ્રસન્નતાથી પણ ઉદાસીથી ભારે વ્યંગમાં બોલેલાં. જો કે સૌને લાગેલું કે એમની ઉદાસી ઉપર ઉપરની નથી, સ-મૂળી અને નક્કર છે. પ્રવચનના વાચક તરીકે મને એમ લાગ્યું છે કે પ્રૂવની વાતમાં વર્તમાનની કડક સમીક્ષા છે પણ સુખાન્તની અપેક્ષા છે. ઊંડા અર્થમાં એઓ મને આશાવાદી લાગ્યાં છે.