
ચંદુ મહેરિયા
દેશના બે મહાનગરો, આઈ.ટી. હબ બેંગલુરુ અને આર્થિક રાજધાની મુંબઈમાં, આશરે પાંચ વરસથી મહાનગરપાલિકાની ચૂંટણી થઈ નથી. બેંગલુરુમાં ૨૦૨૧થી અને મુંબઈમાં ૨૦૨૨થી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને બદલે રાજ્ય સરકારો નીમ્યા અફસરોથી શાસન ચાલે છે. વધતા શહેરીકરણને કારણે હાલમાં દેશની ૪૦ ટકા વસ્તી શહેરોમાં વસે છે. ૨૦૫૦ સુધીમાં અડધોઅડધ વસ્તી શહેરોમાં વસતી હશે એવું અનુમાન છે ત્યારે નગરો-મહાનગરોમાં ચૂંટાયેલી મ્યુનિસિપાલિટીઓને બદલે અધિકારી રાજ હોય તે લોકતંત્ર માટે ઘાતક છે..
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણીઓ પાછી ઠેલનાર રાજ્યો માત્ર મહારાષ્ટ્ર અને કર્ણાટક જ નથી. ઉત્તર પ્રદેશ, ગુજરાત, ગોવા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, કેરળ, ઝારખંડ અને ઓડિશામાં પણ ચૂંટણીઓ યોજાઈ નથી. બિનસરકારી સંસ્થા ‘જનાગ્રહ’ના અભ્યાસમાં ૧૭ રાજ્યોનાં ૬૧ ટકા શહેરોમાં ચૂંટણીઓ તેના નિર્ધારિત સમયે યોજાઈ નથી. માત્ર નગરો-મહાનગરોમાં જ નહીં ત્રિસ્તરીય પંચાયતી રાજની ગ્રામ, પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ થઈ નથી. સત્તર રાજ્યોમાં સરેરાશ બાવીસ મહિનાનો વિલંબ જણાયો છે.
બંધારણના તોંતેરમા અને ચુમ્મોતેરમા સુધારાથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં નિયમિત ચૂંટણીઓ કરવા જણાવવામાં આવ્યું છે. જો મુદ્દત પૂરી થઈ ગઈ હોય અને ચૂંટણીઓ થઈ શકે તેમ ન હોય તો વધુમાં વધુ છ માસ પછી ચૂંટણીઓ કરવી જોઈએ. પરંતુ હાલમાં તે જોગવાઈઓની ઉપરવટ જઈને રાજ્ય સરકારો લોકોને તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓથી વંચિત રાખે છે.
હાલ ચૂંટણીઓમાં થઈ રહેલા વિલંબનું કારણ અન્ય પછાતવર્ગોને અનામત, પરિસીમન અને તેનાં કારણે થયેલા અદાલતી કેસો છે. પરંતુ ખરેખર તો રાજકીય વિલંબને કોર્ટ કેસ કે વહીવટી કારણોના વાઘા પહેરાવવામાં આવ્યા છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ ચૂંટણીઓમાં વિલંબને બંધારણીય જોગવાઈઓનો ભંગ ગણાવીને પડતર અદાલતી કેસના બહાને ચૂંટણીઓ ન રોકવા જણાવ્યું છે.
લોકતંત્રના પાયામાં રહેલી ગ્રામ પંચાયતથી જિલ્લા પંચાયતની ચૂંટણીઓ કે નગરો-મહાનગરોની પાલિકાઓની ચૂંટણીઓ સમયસર ન થાય તે લોકશાહીને હાણ પહોંચાડે છે. આમ નાગરિકના જીવનમાં સ્થાનિક સ્વરાજથી બદલાવ આવે છે. લોકોની રોજ બ રોજની જરૂરિયાતો જેમ કે પાણી, વીજળી, કચરો, નિશાળ, દવાખાનું, રસ્તા જેવા મુદ્દે પંચાયત કે પાલિકા કામ કરે છે. હવે જો ત્યાં ચૂંટાયેલું તંત્ર જ ન હોય તો તે ફરિયાદ કોને કરે? અને જો તેની ફરિયાદ ન સંભળે તો તે પોતાના વોટથી જેને બદલી શકે તેવી વ્યવસ્થા જ સાવ ગેરહાજર હોય તો લોકો જાય ક્યાં? એક રીતે આ વિલંબ જાણે કે બંધારણીય શૂન્યતાની સ્થિતિ સર્જે છે.
મહારાષ્ટ્ર સરકારે ૨૦૨૧માં અન્ય પછાતવર્ગો (ઓ.બી.સી.) માટે પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ૨૭ ટકા અનામત બેઠકોનો કાયદો કર્યો હતો. આ કાયદાને હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવતા સર્વોચ્ચ અદાલતે ચૂંટણીઓ પર મનાઈ હુકમ આપ્યો હતો. પરંતુ મે-૨૦૨૫માં અદાલતે પૂર્વેની અનામત નીતિ પ્રમાણે (અર્થાત ઓ.બી.સી. અનામત વિના) ચાર મહિનામાં ચૂંટણીઓ યોજવા આદેશ કર્યો હતો. પરંતુ રાજ્ય ચૂંટણી પંચે અપર્યાપ્ત ઈ.વી.એમ. અને મતદાન કેન્દ્રોના બહાને ચૂંટણીઓ યોજી નહીં. હવે અદાલતે જાન્યુઆરી-૨૦૨૬ સુધીની નવી મુદ્દત આપી છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં અનિશ્ચિત સમયનો ચૂંટણી વિલંબ સરકાર ચૂંટણીઓ ઇચ્છતી જ નથી તે સ્પષ્ટ કરે છે.
તમિલનાડુએ ગામ, તાલુકા, જિલ્લાઓનું પુનર્ગઠન અને નવેસરથી વોર્ડ રચના કે પરિસીમનનું કારણ બતાવી ચૂંટણીઓ યોજી નથી. સુપ્રીમ કોર્ટ તમિલનાડુ અને બીજી રાજ્ય સરકારોને સ્પષ્ટ કહ્યું છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની મુદ્દત પૂરી થવાની હોય તે પૂર્વે જ પરિસીમનની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. વળી પરિસીમન કે મતવિસ્તારોનું પુનર્ગઠન સતત ચાલતી પ્રક્રિયા છે એટલે તેના બહાને ચૂંટણીઓ ટાળી શકાય નહીં. આ પ્રકારનાં કારણોને અદાલતે ચૂંટણી ટાળવાની રણનીતિ ગણાવ્યાં છે અને કોઈ પણ સંજોગોમાં નાગરિકોને તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જ કામો કરવાની કે મતદાનનો અધિકાર છીનવી લેવાની સત્તા રાજ્યોને ન હોવાનું કહ્યું છે. પરિસીમન તો સતત ચાલતી પ્રક્રિયા છે એટલે તે કારણે ચૂંટણીઓ યોજવામાં વિલંબ ન થવો જોઈએ.
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સ્વાયત્ત છે પરંતુ તેની પાસે નાણાંકીય આવકના સ્રોત મર્યાદિત હોવાથી તે રાજ્ય અને કેન્દ્રની આર્થિક સહાય પર નભે છે. રાજ્ય અને કેન્દ્રની સરકારો પાલિકા-પંચાયતની સત્તાઓ ઘટાડે છે, નવી જવાબદારીઓ આપતી નથી અને હવે તો લાંબા ગાળાથી ચૂંટણીઓ કરતી નથી. પાલિકાઓ પાસે અગાઉ જે આવકનાં સાધનો હતાં તે છીનવી લેવાયાં છે. એક અનુમાન અનુસાર પાલિકાઓ પોતાના ખર્ચના ૩૦ ટકા જ જાતે ઊભા કરી શકે છે. બાકીના ૭૦ ટકા માટે તેણે રાજ્ય સરકારની દયા પર રહેવું પડે છે એટલે તેની સ્વાયત્તતા રહેતી નથી. તેને બદલે તે રાજ્યના તાબા હેઠળનું વહીવટી તંત્ર બની ગયું છે. નીતિ નિર્ધારણમાં પણ તેનો અવાજ સંભળાતો નથી. લોકતાંત્રિક વિકેન્દ્રીકરણની વ્યવસ્થા ઝડપથી કેન્દ્રીકરણ તરફ જઈ રહી છે.
પાલિકા-પંચાયતોમાં ચૂંટણીઓને બદલે રાજ્યસરકારના અધિકારીઓ તંત્ર ચલાવે તેનાથી સ્વશાસનની અવધારણા નબળી પડે છે. આમે ય તે નાણાં માટે સરકારોની દયા પર જીવે છે. હવે તો તેના અસ્તિત્વ સામે જ સવાલો ઊભા થયા છે. ભારતના મહાનગરો-નગરોમાં આગામી વીસ વરસોમાં બુનિયાદી માળખા માટે ૫૫ અબજ ડોલરની જરૂર છે. હાલ તે માત્ર ૧૮ અબજ ડોલર જ મેળવી શકે એટલે બીજી ત્રણ ગણી આવક ઊભી કરવા પણ ચૂંટાયેલા તંત્રની જરૂર છે.
હાલની પરિસ્થિતિના વિવિધ ઉકેલ હોઈ શકે છે. અદાલતી કેસોના બહાને કોઈ રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી રોકે નહીં તેવો કાયદો ઘડવો જોઈએ કે વર્તમાન કાયદામાં સુધારો કરવો જોઈએ. પરિસીમન અને ચૂંટણી માટેના પર્યાપ્ત ઈ.વી.એમ. જેવી બાબતોની તપાસ અને કાર્યવાહી પંચાયત-પાલિકાની મુદ્દત પૂરી થવાની હોય તેના છ મહિના પહેલાં કરી લેવી જોઈએ. રાજ્યોને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ બાબતે અસીમિત સત્તાઓ છે તેવા કાયદા અંગે પુનર્વિચાર કરવો જોઈએ અને વર્તમાન સ્થિતિને અનુરૂપ સુધારા કરવા જોઈએ. લોકસભાથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે એકસમાન મતદાર યાદી હોવી જોઈએ. એટલે મતદાર યાદી તૈયાર કરવાના કારણોસર ચૂંટણી ટાળવી ન જોઈએ. રાજ્ય ચૂંટણી પંચની સ્વાયત્તામાં વધારો પણ ચૂંટણી વિલંબ ટાળી શકે છે. શહેરી વિકાસ રાજ્યનો વિષય છે. જો રાજ્ય અને પાલિકા-પંચાયતમાં અલગ રાજકીય પક્ષની સત્તા હોય તો પર્યાપ્ત નાણાં મળતાં નથી. તેને કારણે વિકાસ કામો થઈ શકતાં નથી. એટલે બંધારણમાં એક મજબૂત સલામતી તંત્ર તેમના માટે ઊભું કરવું જોઈએ.
ન્યૂયોર્ક, પેરિસ અને લંડનના મેયર પાસે છે તેવી અને તેટલી સત્તા મુંબઈ, બેંગલુરુ, કોલકાત્તા કે અમદાવાદના મેયર પાસે હોવી જોઈએ. ચૂંટણીની લટકતી તલવારથી તે મુક્ત હોવા જોઈએ. તો જ ગાંધીજીનું વિકેન્દ્રીકરણનું સપનું સાચા અર્થમાં ચરિતાર્થ થઈ શકશે. સ્વતંત્રતાની પોણી સદી જૂની આપણી ચૂંટણી પ્રણાલીમાં થોડા અપવાદો બાદ કરતાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની સમયસર કે નિયમિત ચૂંટણીઓ થઈ છે. જેણે આપણા લોકતંત્રને મજબૂતી બક્ષી છે. આ મજબૂતી પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં વિલંબથી અસર પહોંચી છે. તે ઝટ દૂર કરવાની જરૂર છે.
e.mail : maheriyachandu@gmail.com
![]()



મેટ્રો ટ્રેનમાં તમે બેસો તો તેમાં સ્ટેશન આવવાનું હોય ત્યારે અંદર પ્રવાસીઓ માટે જે જાહેરાત થાય છે તેમાં પણ આ ખાનગી કંપનીઓનાં નામ સાથે જ સ્ટેશનોનાં નામ બોલવામાં આવે છે. એટલે કે એ માત્ર જાહેરખબર તરીકે સ્ટેશનો પર લખવામાં આવ્યાં છે એવું નથી, સ્ટેશનોનાં સત્તાવાર નામ છે.
