લૉસ એંજલીસની વૃદ્ધાઓની એક કલબમાં હિંદ વિષે વાતો કરવા ગયો હતો. વાર્તાલાપ પૂરો થયો એટલે બધાં વિખરાવા માંડ્યાં. એક ઘરડી ડોસી મારી સાથે હિંદ વિષે વાતે ચડી. થોડીવાર પછી મને કહે છે કે મારો 84 વર્ષનો ડોસો બહાર મોટરમાં ઝોકાં ખાતો હશે. તું એને મળવાનું પસંદ કરશે?
‘શા માટે નહીં?’ મેં કહ્યું.
80 વર્ષની ઉંમરે પણ સ્ફૂર્તિથી ચાલતી એ ડોસી મને થોડે દૂર ઊભેલી એક મોટર પાસે દોરી ગઈ. લાલચોળ ને તગડા શરીરવાળો એક વૃદ્ધ સ્ટીઅરિંગ વ્હીલ પર માથું ટેકવીને ઊંઘતો હતો.
‘અરે ઓ! ઊઠે છે કે? હિંદના એક જવાનિયાને તને મળવા લઈ આવી છું.’ ડોસીએ ડોસાના માથા પર ટપલી મારી.
આંખ ઉઘાડીને ડોસાએ તરત મને સ્મિતપૂર્વક આવકાર્યો : ‘છોકરા! ગાંધીના દેશમાથી આવે છે કે ?’
‘હા જી.’
‘તમારો હિંદુ સમાજ તો નાલાયક કે બીજું કાંઈ ?’
આવા અણચિંતવ્યા આક્રમણથી મૂંઝાઈ જઈને મેં કહ્યું : ‘શા માટે?’

‘જે માણસ હિંદુ ધર્મનો સાચો અને સૌથી સારો અનુયાયી હતો એને મારી નાખતા તમને લોકોને શરમ ન આવી? મેં જ્યારે ગાંધી હિંદુને હાથે મરાયાની વાત સાંભળી ત્યારે મને ખૂબ દુઃખ થયેલું. તને નહિ ખબર હોય, છોકરા, પણ ગાંધી ને હું બોઅર યુદ્ધ વખતે સાથે હતા. 1898-99 દરમિયાન. એ વખતે તો કદાચ તારા બાપનો પણ જન્મ નહિ થયો હોય. શું ગાંધીની સેવાવૃત્તિ! બધા ગોરા અમલદારો એનું કામ જોઈને સડક થઈ ગયેલા. હું ઘવાયેલો તે ગાંધીની કાળજીને લીધે જ બચ્યો. તે દિવસોમાં પથારીમાં વેદના સહન કરતાં કરતાં મને એના જ વિચારો સતાવ્યા કરતા. એમ થતું કે ફ્લોરેન્સ નાઈટિન્ગેલ એક સ્ત્રી પરિચારિકા તરીકે વિશ્વમાં અમર બની ગઈ; એમ ગાંધી પુરુષ પરિચારક તરીકે અમર બનશે. પરંતુ ગાંધી તો ઘણો મહાન બની ગયો. આ મારી ડેાશીને હું ઘણી વાર કહું છું કે ગાંધી ન હોત તો તું વિધવા બની હોત.’
અને એ વાક્ય બોલતાં બોલતાં એ ડોસાની આંખમાંથી આંસુનું એક ટીપું પડીને સ્ટીઅરીંગ વ્હીલ પર થંભી રહ્યું.
28 ઍપ્રિલ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 298
![]()



આપણી પ્રજાએ હિન્દુ મુસલમાન સંબધો અંગે સારો સ્વભાવ બતાવ્યો નથી. તેથી મુસલમાનોની મિત્રતા મેળવવા બાપુએ ચાહી ચાલીને પ્રયત્નો કર્યા છે. પૂજ્ય ઈમામ સાહેબને આફ્રિકામાં ભાઈ બનાવ્યા અને બન્ને ભાઈઓ સાબરમતી આશ્રમમાં સાથે રહ્યા. પોતાના અન્ય મુસ્લિમ મિત્રોનાં વૃદ્ધ અમ્માજાન, એમનાં બીબીઓ અને બેટાબેટીઓનાં હૃદય સુધી તેમણે પ્રવેશ કર્યો હતો. હકીમ સાહેબ અજમલખાન, ડૉ. અંસારી, મૌલાના આઝાદ, અને બીજા સેંકડો મુસલમાનોને તેમણે માનવંતા મિત્રો બનાવ્યા હતા.
તે દેશભક્ત હોવાની સાથે વૈશ્વિક પણ હતા. ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિ અને તેના વારસાની કદર કરવાની સાથે તેમને એ પણ ખ્યાલ હતો કે વીસમી સદીમાં કોઈ પણ દેશ કૂવામાંનો દેડકો બનીને રહી શકે નહીં. બીજાના આયનામાં જાતને જોવાના પણ ફાયદા હોય છે. તેમની પર ભારતીય તેમ જ પાશ્ચાત્ય બંને પ્રકારના પ્રભાવ હતા. તેમના તાત્ત્વિક અને રાજકીય દૃષ્ટિબિંદુમાં તોલ્સ્તોય અને રસ્કિન જેટલા જ ગોખલે અને રાયચંદભાઈ (શ્રીમદ્દ રાજચંદ્ર) હતા. વિવિધ વંશીય ઓળખ ધરાવતા લોકો સાથે તેમની ગાઢ દોસ્તી થઈ. તેમાં હેન્રી અને મિલિ પોલાક, હર્મન કેલનબેક અને સી.એફ. એન્ડ્રુઝ જેવા તેમના મિત્રોનો સમાવેશ થાય. તે સૌએ તેમના અંગત અને જાહેર જીવનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી.