દરેકના જીવનમાં એવી ક્ષણ આવતી હોય છે, જે અંદરથી ઝકઝોરી દે છે. તમારા દિમાગને ધરતીકંપ જેવા આંચકા આપે છે અને જાતજાતના વિચારોની ત્સુનામી તમારા મનોભાવો, માન્યતાઓ, ધારણાઓ અને માનસિક સમીકરણો ઉપરાંત તમારી શ્રદ્ધા કે વિશ્વાસનો પણ સત્યાનાશ વાળી દેતી હોય છે. અલબત્ત, આ માનસિક વલોપાતને અંતે નવનીત રૂપે તમને નવી દૃષ્ટિ અને સમજ પણ સાંપડતાં હોય છે. આવી ઘટના તમને સાવ નવેસરથી જિંદગીને જોવાની અને જીવવાની શીખ તથા તક આપી જતી હોય છે. મોહનદાસ કરમચંદ ગાંધી નામના શરમાળ અને રૂપિયા કમાવા વિદેશ ગયેલા યુવાનના જીવનમાં એક એવી ઘટના બને છે, જે તેમને આગળ જતાં મહાત્મા બનવાનો માર્ગ પ્રશસ્ત કરી દે છે.
ગાંધીજીના આત્માને ઝકઝોરી નાખતી આ ઘટના ૭મી જૂન, ૧૮૯૩ના રોજ દક્ષિણ આફ્રિકામાં બની હતી. આ ઘટનાને ગાંધીજીએ પોતાની આત્મકથા 'સત્યના પ્રયોગો'ના બીજા ભાગના આઠમા પ્રકરણ 'પ્રિટોરિયા જતાં'માં સવિસ્તાર વર્ણવી છે. અબ્દુલા શેઠના કામસર ગાંધીજીને પ્રિટોરિયા જવાનું થયેલું. ડરબનથી પહેલા વર્ગની ટિકિટ લઈને ગાંધીજી પ્રિટોરિયા જવા રવાના થયા. ટ્રેન રાતે નવેક વાગ્યે નાતાલની રાજધાની મેરિત્સબર્ગ પહોંચી. જ્યાં એક ગોરા મુસાફરે ફરિયાદ કરતાં ટ્રેનના અમલદારે ગાંધીજીને ફર્સ્ટ ક્લાસના ડબ્બામાંથી ઊતરીને છેલ્લા એટલે કે જનરલ ડબ્બામાં જતા રહેવા જણાવ્યું, પણ ગાંધીજીએ પહેલા વર્ગની ટિકિટ હોવાની વાત કરીને પ્રતિકાર કર્યો. અમલદારે જાતે નહીં ઊતરો તો સિપાહી ઉતારશે, એવી ધમકી આપી ત્યારે ગાંધીજીએ પોતાના જીવનનો પહેલો સત્યાગ્રહ આદર્યો અને મક્કમ સ્વરે જણાવ્યું, "ત્યારે ભલે સિપાહી ઉતારે, હું મારી મેળે નહીં ઊતરું." આખરે સિપાહીએ તેમને ધક્કા મારીને નીચે ઉતાર્યા અને તેમનો સામાન પણ ઉતારી લીધો. ટ્રેન રવાના થઈ ગઈ છતાં ગાંધીજી બીજા ડબામાં જવા તૈયાર ન જ થયા. ગાંધીજી પોતાના ફેંકાયેલા સામાનને અડક્યા પણ નહીં અને વેઇટિંગ રૂમમાં જઈને બેઠા. શિયાળાની કડકડતી ઠંડીમાં આખી રાત વિતાવી. એ આખી રાત ગાંધીજીના મનમાં જે વૈચારિક ધમસાણ ચાલ્યું, તેનો ટૂંકસાર આપતાં ગાંધીજીએ લખ્યું છે, મેં મારો ધર્મ વિચાર્યો, "કાં તો મારે મારા હકોને સારુ લડવું અથવા પાછા જવું, નહીં તો જે અપમાનો થાય તે સહન કરવાં ને પ્રિટોરિયા પહોંચવું અને કેસ પૂરો કરી દેશ જવું. કેસ પડતો મૂકીને ભાગવું એ તો નામર્દી ગણાય. મારા ઉપર દુઃખ પડયું તે તો ઉપરચોટિયું દરદ હતું. ઊંડે રહેલા એક મહારોગનું તે લક્ષણ હતું. આ મહારોગ તે રંગદ્વેષ. એ ઊંડો રોગ નાબૂદ કરવાની શક્તિ હોય તો તે શક્તિનો ઉપયોગ કરવો. તેમ કરતાં જાત ઉપર દુઃખ પડે તે બધાં સહન કરવાં અને તેનો વિરોધ રંગદ્વેષ દૂર કરવા પૂરતો જ કરવો."


આમ, ૭મી જૂનની રાતે હડધૂત-અપમાનિત થયેલો મોહનદાસ નામનો યુવાન મહાભિનિષ્ક્રમણમાંથી પસાર થાય છે અને અન્યાય સામે લડવાનો મક્કમ નિર્ધાર કરે છે. અન્યાયના પ્રતિકાર રૂપે બીજા દિવસે ગાંધીજી જનરલ મેનેજરને ફરિયાદનો લાંબો તાર કરે છે, એટલું જ નહીં ટ્રેનમાં પહેલા વર્ગમાં મુસાફરી કરીને પ્રિટોરિયા પહોંચે છે. ડરબનથી નીકળેલા મોહનદાસ અને પ્રિટોરિયા પહોંચેલા મોહનદાસ વચ્ચે મોટો ફરક આવી ગયો હોય છે. મોહનદાસમાં સત્યાગ્રહના માર્ગે મહાત્મા બનવાનાં બીજ અંકુરિત થઈ ગયાં હોય છે, જે દક્ષિણ આફ્રિકા અને પછી ભારતમાં સામાન્ય લોકોની સ્વતંત્રતા, સ્વમાન, સમાનતા અને સામાજિક ન્યાય માટે આજીવન સંઘર્ષ કરીને મહાત્મા પુરવાર થાય છે.
બત્રીસ કોઠે દીવા કરનારા આવા ટર્નિંગ પોઇન્ટ દરેકના જીવનમાં આવે છે, પણ કોઈ નવેસરથી જિંદગી જીવવાના પડકારને ઝીલી લે છે, જ્યારે કોઈ આવી ઘટનાને દુઃખદ બનાવ કે અનુભવ ગણી લઈને તેને ભૂલી જાય છે. પડકાર ઝીલીને સંઘર્ષ કરનારા મહામાનવ બની જતા હોય છે અને આવી ઘટનાને ભૂલી જનારા લોકોને ઇતિહાસમાં કોઈ યાદ રાખતું નથી.
ક્યારે ય વિચાર્યું છે કે તમે કઈ કેટેગરીમાં આવો છો?
સૌજન્ય : ‘સમય સંકેત’ નામે લેખકની કોલમ, “સંદેશ”, 07 જૂન 2015
http://sandesh.com/article.aspx?newsid=3083798
e.mail : divyeshvyas.amd@gmail.com
![]()


ગાંધીજી દક્ષિણ આફ્રિકા છોડી ભારત સ્થાયી થવા પાછા ફર્યા એ આપણા જાહેરજીવનને સારુ અક્ષરશઃ નવસંવત શી ઘટના હતી, અને કોચરબ આશ્રમની સ્થાપના એ સંદર્ભમાં નિઃશંક એક સીમાચિહ્ન છે, બિલકુલ શેષનાગને માથે ખીલો ખોડાયા જેવું. દક્ષિણ આફ્રિકાનાં સંઘર્ષવર્ષોમાં પોતે શરૂ કરેલી આશ્રમ-પરંપરામાં ભારત પાછા ફર્યા પછી દક્ષિણ આફ્રિકાના સાથીઓની જે ટુકડી શાંતિનિકેતનમાં રવીન્દ્રનાથની નિશ્રામાં હતી, એને મળવા ગાંધીજી ગયા ત્યારે એ પંથકમાંયે સૂચિત એક આશ્રમઠેકાણું તો હતું જ.
વર્ષો પહેલાં (બે અઢી દાયકા પહેલાં) દાંડી જોવા ગયો હતો, ત્યારે ત્યાં એક બે મજલા મકાન – સૈફ વિલાની સામે એક ઓટલો માત્ર નમકસત્યાગ્રહનું લખાણ સાચવતો પડ્યો હતો. ચારે બાજુ ખારાપાટમાં ગાંડા બાવળ તથા કાંટાળા ઝાંખરાંનું સામ્રાજ્ય હતું, જે આજે પણ વધીને વિસ્તરેલું છે. દરિયો રિસાઈને એક-બે માઈલ દૂર જતો રહ્યો છે. એનો ઘૂઘવાટ તથા પવનની ઝડીઓ સતત સંભળાયા કરે છે. બાકી તડકો અને સન્નાટો ગૂફતેગો કરે છે, બસ ! નમકનો કાયદો તોડવાની, મુઠ્ઠીભર મીઠું ચોરીને કાળા કાયદાનો સવિનયભંગ કરવા સાથે આઝાદી લીધા વિના હવે કદી સાબરમતી આશ્રમે પાછો નહીં જાઉં-ની ગાંધીજીની દર્દીલી હાકલની એ ઘટના વિશ્વભરમાં અપૂર્વ ઘટના બનીને ઇતિહાસ થઈ ગઈ છે. જેણે અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી દીધા અને દેશની પ્રજા આઝાદી માટે બધું જ લૂંટાવી દેવા – પ્રાણ આપવા તત્પર થઈ હોય અને એ બધું જ સાચ્ચે જ સિદ્ધ થઈને રહ્યું હોય – એ ઘટનાસ્થળ તો વિશ્વભરનાં પ્રવાસીઓ માટે અપાર આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હોય જ. એને બદલે આપણે દાંડીના ગાંધી સ્મારક બાબતે નીંભર નક્કામા અને પરસ્પર આક્ષેપો કરનારા તથા ખોટો જશ લેવાની લાલચમાં ગળાબૂડ રહેનારા લોકો બની રહ્યા છીએ ! ધિક્કાર છે આપણી પામરતાને … ને ધિક્કાર છે આપણી નમકહરામી વૃત્તિઓને !!
સ્મારકની જગ્યાએ તવારીખ દર્શાવતો પીલર ઊંચો તથા આકર્ષક ચણતરવાળો છે. બાજુમાં અગરના ઢગમાંથી મુઠ્ઠી મીઠું ઉપાડતા ગાંધીજીની કમાનાકારની પૂર્ણ કદની અને ભાવદર્શક પ્રતિમા છે. એની સામે ઊભાં રહીને વંદન કરવાનું અને ઇતિહાસને યાદ કરવાનું આપોઆપ બને છે. ઘડીક વાર તો આંખ ભીની થઈ આવે છે. સામે ‘સૈફ વિલા’ નામે બે મજલાની ઇમારત છે. થોડું રિનોવેશન ભળાય છે. દાંડીકૂચના ચોવીસમા દિવસે સાંજે (૫-૪-૧૯૯૩) દાંડી આવી પહોંચેલા ગાંધી આ ‘સૈફ વિલા’માં પછી નવ દિવસ રોકાયા હતા. વ્હોરા સમાજના ૫૧મા ગુરુ સૈયદના તાહેર સૈફુદ્દીનસાહેબનું આ ઘર. ૧૯૬૧માં વડાપ્રધાન નેહરુજી આવ્યા ત્યારે દાંડીના આ સ્થળને ‘નેશનલ મૉન્યુમેન્ટ’ જાહેર કરેલું. સૈફસાહેબે એમનું આ ઘર એ માટે સમર્પિત કરેલું. આજે ઘર તો ઠીક છે પણ વિરલ ફોટાઓ ધૂળ ખાતા, બારીઓમાં જેમતેમ ગોઠવેલા છે. આ ફોટાઓને લેમિનેશન તથા ફ્રેમિંગની જરૂર છે. પણ દાંડીની પંચાયત તથા નવસારીની જિલ્લા કચેરીઓ કહે છે કે આ અમારા કાર્યક્ષેત્રમાં નથી આવતું. આર્કિયોલૉજીવાળા કહે છે કે અમને આનો ચાર્જ વિધિવત્ સોંપાયો નથી !