પ્રવાસનો અંતિમ દિવસ. 28 જુલાઈ 2025ના રોજ Omahaથી સવારે 7.00 વાગ્યે રવાના થયા, શિકાગો પરત જવા.
Iowa-આયોવા રાજ્યની રાજધાની Des Moines-ડેસ મોઇન્સમાં આંટો માર્યો. આ શહેરની વસ્તી 7,50,000ની છે. આ શહેરનું નામ ડેસ મોઇન્સ નદી પરથી રાખવામાં આવ્યું છે, જે કદાચ ફ્રેન્ચ ‘રિવિયર ડેસ મોઇન્સ’ પરથી ઉતરી આવ્યું છે જેનો અર્થ ‘સાધુઓની નદી’ થાય છે.
ડેસ મોઇન્સ વિધાનસભાની ઇમારત 1871-1886 દરમિયાન બની હતી. છતાં આ ઈમારત તાજી બની હોય તેમ લાગે ! USની આ એકમાત્ર પાંચ ગુંબજવાળી રાજધાની છે. આ ઇમારતમાં આયોવા, મિઝોરી, મિનેસોટા, ઓહિયો અને ઇલિનોઇસના ચૂનાના પથ્થરોનો ઉપયોગ થયો છે. આયોવાના રંગીન ગ્રેનાઈટનો ઉપયોગ થયો છે. આ ઇમારતનો મુખ્ય ભાગ, મિઝોરીમાં મિસિસિપી નદીના કિનારે ખાણોના રંગીન રેતીના પથ્થરનો ઉપયોગ થયો છે. જેના કારણે ઈમારત દર્શનીય બની છે.
વિધાનસભાના-કેપિટોલ બિલ્ડિંગની પશ્ચિમ બાજુએ આગલા ભાગે ‘લિંકન એન્ડ ટેડ’ પ્રતિમા છે જેમાં અબ્રાહમ લિંકન તેમના ચાર પુત્રોમાં સૌથી નાના પુત્ર, ‘થોમસ ટેડ’ (4 એપ્રિલ 1853 -15 જુલાઈ 1871) છે. તેનું બિમારીના કારણે 18 વર્ષની વયે અવસાન થયેલ. લિંકનને પિતા તરીકે દર્શાવતું પ્રથમ શિલ્પ છે. મને થયું કે રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન સાથે તેમના પુત્રની પ્રતિમા કેમ?
આ પ્રતિમાની ખાસિયત એ છે કે મુખ્યત્વે આયોવાનાં સ્કૂલનાં બાળકો દ્વારા પેની ડ્રાઇવ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું, બીજી ખાસિયત એ છે કે આ પ્રતિમા એક સહયોગી પ્રયાસ હતો, જેમાં ફ્રેડ ટોરીએ અબ્રાહમ લિંકનનું શિલ્પ બનાવ્યું હતું અને તેમની પત્ની, મેબેલ ટોરીએ, ટેડનું શિલ્પ બનાવ્યું હતું. આ એક અનોખી, કાંસ્ય કૃતિ છે જે અબ્રાહમ લિંકનને રાષ્ટ્રપતિ અને મહાન મુક્તિદાતા તરીકે નહીં પણ પિતા તરીકે યાદ કરે છે.
ટેડ પ્રાણીઓ પ્રત્યેના પ્રેમ માટે જાણીતો હતો. 1863ના અંતમાં, લિંકન પરિવારને ક્રિસમસ ડિનર માટે ટર્કી (કૂકડા જેવું પક્ષી) મળ્યું હતું. ટેડે ટર્કી સાથે મિત્રતા કરી, તેનું નામ ‘જેક’ રાખ્યું અને તેને વ્હાઇટ હાઉસના મેદાનમાં પોતાની સાથે ચાલતા શીખવ્યું. જ્યારે રાષ્ટ્રપતિ લિંકને ટેડને જાણ કરી કે ‘જેક’ તો ક્રિસમસનું ભોજન બનવાનો છે, ત્યારે ટેડે ટર્કીના જીવન માટે વિનંતી કરી, દલીલ કરી કે જેક જીવવાને લાયક છે ! પિતા લિંકન, તેમના પુત્રની વિનંતીથી પ્રભાવિત થયા, તેમણે ટર્કીને રાહત આપી. આ ઘટના વ્હાઇટ હાઉસ ટર્કી માફી પરંપરાનું મૂળ છે. જે હવે વાર્ષિક થેંક્સગિવિંગ પરંપરા છે. એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
રસ્તાની બાજુના કુદરતી દૃશ્યો નિહાળતા અમે બપોરે 2.30 વાગ્યે શિકાગો પરત આવ્યા. 17 દિવસના પ્રવાસમાં અમે શું અનુભવ્યું? એ હવે પછી.
29 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર