બી.જે.પી.એ ગુજરાતમાં ૧૯૮૫નો કાઁગ્રેસનો રેકોર્ડ તોડ્યો છે. ૧૯૮૫ની સાલમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એ સમયના મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કાઁગ્રેસને કુલ ૧૮૨ બેઠકોમાંથી ૧૪૯ બેઠકો મળી હતી અને ૫૫.૫૫ ટકા મત મળ્યા હતા. બી.જે.પી.ને ત્યારે ૧૪.૯૬ ટકા મત સાથે માત્ર ૧૧ બેઠકો મળી હતી. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કાઁગ્રેસને ૪૯.૧૦ ટકા મત સાથે લોકસભાની ૫૧૫ બેઠકોમાંથી ૪૦૪ બેઠકો મળી હતી અને બી.જે.પી.ને ૭.૭૪ ટકા મત સાથે માત્ર બે બેઠકો મળી હતી. બન્ને ચૂંટણીઓ ઇન્દિરા ગાંધીની હત્યા પછી તરતમાં યોજાઈ હતી જેનું આ પરિણામ હતું. ૧૯૮૫ની વિધાનસભાની ચૂંટણી પછી થોડાક જ મહિનામાં અનામતવિરોધી આંદોલન થયું હતું અને ગુજરાતના પાટીદારોનો કાઁગ્રેસ સાથે સંબંધવિચ્છેદ થયો હતો.
આ ઘટના ૩૭ વરસ જૂની છે અને ૩૭ વરસમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં ચૂંટણી જીતવાની કેમિસ્ટ્રી વિકસાવી છે, પણ કોઈ અકળ કારણસર ગુજરાત પ્રદેશ કાઁગ્રેસ ચૂંટણી જીતવાની નથી કોઈ કેમેસ્ટ્રી વિકસાવી શકી કે નથી બી.જે.પી.ની કેમેસ્ટ્રીમાં કોઈ ઘોંસ પાડી શકી. તમને એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે ૨૦૦૨માં ગોધરા-ગુજરાતકાંડ પછી તરતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને ૧૨૭ બેઠકો અને ૪૯.૮ ટકા મત મળ્યા હતા અને એ પછી તેમાં ઉત્તરોત્તર ઘટાડો જ થયો હતો. નરેન્દ્ર મોદી સ્વયં ગુજરાતના મુખ્ય પ્રધાન હોવા છતાં અને ગુજરાત મોડેલની મુઠ્ઠી હજુ ઊઘાડી નહોતી પડી એ છતાં બી.જે.પી.ને એ પછીની કોઈ ચૂંટણીમાં ૧૨૭ બેઠકો અને ૪૯ ટકા મત મળ્યા નહોતા. ૨૦૧૭ની ચૂંટણીમાં બી.જે.પી.ને માત્ર ૯૯ બેઠકો મળી હતી, જ્યારે કે હિંદુહ્રદયસમ્રાટ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે અને દેશના વડા પ્રધાન તરીકે સાક્ષાત્ હાજરી ધરાવતા હતા.
તો પછી આ વખતે એવું શું બન્યું કે બી.જે.પી.એ ૧૯૮૫નો કાઁગ્રેસનો રેકોર્ડ તોડ્યો? કેન્દ્ર સરકારે કે રાજ્ય સરકારે એવી કોઈ સિદ્ધિ મેળવી નથી કે પ્રજા સમરકંદ બુખારા ઓવારી જાય! ઊલટું બી.જે.પી.ને મત નહીં આપવા માટે વધુ કારણો હતાં. જવાબ બહુ સરળ છે. ગુજરાત પ્રદેશ કાઁગ્રેસના નેતાઓ અને આમ આદમી પાર્ટી બી.જે.પી.ની બી ટીમ છે. આ છે ચૂંટણી જીતવાની ફોર્મ્યુલા કે વિનિંગ કેમેસ્ટ્રી. ચીમનભાઈ પટેલ, માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરીનો યુગ પૂરો થયો એ પછીથી ગુજરાતના કાઁગ્રેસના નેતાઓની કોઈ સક્રિયતા ક્યારે ય નજરે પડી નથી. આ હું પહેલીવાર નથી કહેતો અનેકવાર કહી ચુક્યો છું અને બીજા અનેક લોકો અનેકવાર કહી ચુક્યા છે. આમ આદમી પાર્ટી પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઇશારે રચાયેલી બી ટીમ છે એ પણ હું ૨૦૧૧માં ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનનું આંદોલન શરૂ થયું ત્યારથી કહેતો આવ્યો છું. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ૨૭ વરસની એન્ટી ઇન્કમબન્સીને માત આપીને ૧૯૮૫નો રેકોર્ડ બી.જે.પી. તોડી શકી એનાં કારણો આ છે, બાકી જે ૨૦૦૨થી ૨૦૧૭નાં વર્ષોમાં ન બન્યું એ આજે કેમ બને!
૨૦૧૭માં બી.જે.પી.ની મોટા પાયે પીછેહઠ થઈ હતી એનું કારણ રાહુલ ગાંધીએ ત્યારે કરેલો અથાક પરિશ્રમ હતો. તેમણે ત્યારે ગુજરાત ખુંદી વળ્યું હતું. આ સિવાય હાર્દિક પટેલના કારણે પટેલોના એક વર્ગનો કાઁગ્રેસને ટોકો મળ્યો હતો. ૨૦૧૭ પછીથી ગુજરાત કાઁગ્રેસના નેતાઓએ હજુ વધુ સરસાઈ મેળવવા અને વધુ જગ્યા બનાવવા કોઈ મહેનત કરી હોય એવું જોવા મળ્યું નથી. આ વખતે રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના
પ્રચારમાં ખાસ રસ લીધો નહોતો અને સમય આપ્યો નહોતો.
રાહુલ ગાંધી ભારત જોડો પદયાત્રા કાઢી રહ્યા છે અને એમ લાગે છે કે તેમની પ્રાથમિકતા કાઁગ્રેસના નવસર્જનની છે. તેમને સમજાઈ ગયું છે કે પક્ષનું નવસર્જન નીચેથી લોકોની વચ્ચે જવાથી અને નવયુવાનોને ભરતી કરવાથી થવાનું છે, ગુજરાત કાઁગ્રેસના નેતાઓ જેવાઓનો બોજો ઊંચકવાથી નથી થવાનું. તેઓ પક્ષ માટે બોજારૂપ છે. આવા લોકોને બી.જે.પી.માં જવું હોય તો જતા રહે અથવા પક્ષની અંદર હાંસિયામાં પડ્યા રહે, પણ પક્ષને એવા લોકોનો જ ખપ છે જે પક્ષ માટે નવસર્જનના યજ્ઞમાં ઉપયોગી થાય. ગુજરાતમાંથી એક માત્ર જિગ્નેશ મેવાણી સિવાય આવી લાયકાત બીજો કોઈ કાઁગ્રેસી નેતા ધરાવતો નથી. જિગ્નેશ મેવાણી બી.જે.પી.ના તોફાન વચ્ચે વડગામમાંથી બીજી વખત ચૂંટણી જીતી શક્યા છે એ તેમની મહેનત અને રાજકીય પ્રતિબદ્ધતાનું પરિણામ છે.
જે બી.જે.પી.એ ગુજરાતમાં ભવ્ય વિજય મેળવ્યો એનો દિલ્હી મહાનગરપલિકામાં અને હિમાચલ પ્રદેશમાં પરાજય થયો. ચૂંટણી પંચ દરેક રીતે મદદરૂપ બન્યું હોવા છતાં. રાહુલ ગાંધીએ ગુજરાતની જેમ હિમાચલ પ્રદેશમાં પણ કોઈ સઘન પ્રચાર નહોતો કર્યો. આમ બી.જે.પી. અજેય છે એવું નથી. ચોવીસે કલાક સક્રિય રહેતો અને નજરે પડતો રાજકીય વિકલ્પ હોય તો મતદાતાઓને જોઇએ છે. પશ્ચિમ બગાળ અને બિહાર આનાં ઉદાહરણ છે. ગુજરાતના સંસદીય ઇતિહાસમાં ત્રીજો પક્ષ ક્યારે ય ફાવ્યો નથી. આમ આદમી પાર્ટીનું કામ કાઁગ્રેસને નુકસાન પહોંચાવાનું અને બી.જે.પી.ને મદદરૂપ થવાનું હતું જે તેણે કરી આપ્યું. આમ આદમી પાર્ટીના જુવાળની અને તે કાઁગ્રેસની જગ્યા લેશે વગેરે વાતો થતી હતી, પરંતુ આમ આદમી પાર્ટીને કાઁગ્રેસની ચોથા ભાગની બેઠકો નથી મળી.
આવતા વર્ષે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ નિર્ણાયક નીવડવાની છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 ડિસેમ્બર 2022
![]()


ચૂંટણી જોર પર છે. પ્રજા અને પ્રધાનો એકબીજાને પટાવવામાં / પતાવવામાં પડ્યાં છે. સભાઓ થાય છે, રોડ શો થાય છે ને પક્ષોને લાગે છે કે પ્રજા પોતાની સાથે છે એટલે જીત તો પોતાની જ છે, પણ પ્રધાનો જેટલી, પ્રજા બોલકી નથી. તે વધારે અકળ છે. કોઇની પણ સભામાં તે તાળીઓ પાડવા પહોંચી તો જાય છે, પણ મત તો ‘ગમે તેને’ જ આપે છે. ગુજરાતમાં 27 વર્ષથી ભા.જ.પ.ની સરકાર છે. એ જોર પર પ્રદેશ પ્રમુખે 182માંથી 182 સીટ ભા.જ.પ.ને મળવાની આગાહી કરી છે, પણ નાનું છોકરું ય ન વિચારે એવું ભા.જ.પ.ના નેતાઓ જાહેરમાં બોલે છે ત્યારે આશ્ચર્ય નથી થતું, રમૂજ થાય છે. 182 સીટ મળે કે ન મળે, પણ ભા.જ.પ.ની સરકાર ન જ બને એવું પણ નથી. તે એટલે કે પ્રજાને ભા.જ.પ.ની ભક્તિ ફળે તેવો ભરોસો છે. એક વાત તો છે કે રામ મંદિર અને 370મી કલમની નાબૂદી બાબતે ભા.જ.પે. રાષ્ટ્રમાં અને પાણી-વીજળીની બાબતે ગુજરાતમાં, પ્રજાને રાહતનો અનુભવ કરાવ્યો છે. એ જ કારણ છે કે પ્રજા મોંઘવારીની બાબતે આંખ આડા કાન કરી લે છે. આજે ઘણાં એવાં છે, જેમનું કોઈ પક્ષ પૂરું કરતો નથી, પણ પ્રજાની વફાદારી ઘટતી નથી. એ આંખ મીંચીને મત આપી આવે છે ને પછી અનેક મુશ્કેલીઓ માટે તૈયાર પણ રહે છે. ભક્તિ અને આરતી ભલે ભક્તો કરે, પણ પક્ષમાં અને પ્રજામાં, એક નાનો વર્ગ રાજી નથી તેનો ભા.જ.પે. વિચાર કરવાનો રહે જ છે. કેટલાંક ક્ષેત્રોમાં કામ નથી થયાં, તેનો અસંતોષ પ્રજાએ પોતાનાં વિસ્તારમાં મત ન માંગવા આવવાનું કહીને પ્રગટ કર્યો છે. મોંઘવારી, બેકારીથી ત્રાસનાર વર્ગ પણ નથી એવું નથી. બોટાદનો લઠ્ઠાકાંડ ને મોરબીનો ઝૂલતો પુલ ભુલાયો નથી. એની અસર ચૂંટણીમાં વર્તાય તો નવાઈ નહીં. સરકારનાં પ્રોજેક્ટ્સ ભલે અર્પણ થાય, વિશ્વમાં વડા પ્રધાન ભારતનું નામ ભલે ઊજળું કરે, પણ દીવા નીચે અંધારું છે ને તે નજર અંદાજ કરી શકાય એવું નથી તે સ્વયં સ્પષ્ટ છે.
ગુજરાતમાં પહેલી અને પાંચમી ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ મોરબીની ઝૂલતો પુલ તૂટવાની ઘટના પડદા પાછળ ધકેલાઇ ગઈ છે અને હવે લગભગ મહિના સુધી ચૂંટણીની ચટણી ને છટણી કોઈને કોઈ રૂપે થતી રહેશે. ચૂંટણી પંચે પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અને બીજા તબક્કામાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ચૂંટણી જાહેર કરી છે. હિમાચલ પ્રદેશની સાથે જ આઠમી ડિસેમ્બરે ચૂંટણીનાં પરિણામો આવે એવું આયોજન છે. પહેલાં તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન થશે. આ વખતે કુલ 4,90,89,765 મતદાતાઓ મતદાન કરશે, જેમાં અઢી કરોડથી વધુ પુરુષો અને 2.37 કરોડથી વધુ મહિલાઓ હશે. 4,61,494 મતદાતાઓ એવા હશે જે પહેલી વખત મત આપશે. એમ લાગે છે કે લગભગ બધા જ પક્ષો, બે ચૂંટણી વચ્ચે પોતાનો પ્રચાર કેવી રીતે કરવો અને ચૂંટણી વખતે કેવી રીતે જીતવું એ સિવાય જનતા તરફ બહુ ધ્યાન આપતા નથી. સરકારમાં જે જાય છે તે બાંકડાઓ પર પોતાનું નામ આવે એ રીતે થોડી ગ્રાન્ટ વાપરે છે, તો વળતરની રકમ એળે ન જાય એટલે સરકાર લાભાર્થે થોડા લોકો મરે પણ છે ને ઘાયલ પણ થાય છે. લોકો મત આપવા ને ટેક્સ ભરવા ઉપયોગી છે. એ રીતે લોકો પક્ષોને અને સરકારને બહુ કામના છે. મત આપતા જનતા ચૂંથાય છે, પણ ઉમેદવાર તો ચૂંટાય જ છે.