દિલ્હી પોલીસે મંગળવારે એક સાથે છ પત્રકારોની ધરપકડ કરી છે અને છ એ પત્રકાર વચ્ચે સમાનતા એ છે કે તેઓ ડર્યા વિના હિન્દુત્વવાદી શાસકોની અને તેમના શાસનની નિંદા કરતા હતા અને એ પણ તાર્કિક રીતે, સભ્યતા જાળવી રાખીને. રમેશ ભીદૂડીની ભાષામાં નહીં. તેમની વચ્ચે બીજી સમાનતા એ છે કે તેઓ દરેક માત્ર ડિજીટલ મીડિયામાં સાંપ્રત પ્રશ્નોનું વિવેચન કરતા હતા. જેને મુખ્ય ધારાના મીડિયા કહેવામાં આવે છે એ અખબાર કે ટી.વી. ન્યુઝ ચેનલ પર નહીં. મુખ્યત્વે યુ ટ્યુબ પર. એકાદ બે અપવાદ છોડીને મુખ્ય ધારાના મીડિયા તો ગોદમાં છે અને અહોરાત્ર જયજયકાર કરે છે તો પછી આવા હાંસિયામાં (માર્જિનમાં) રહીને પત્રકારત્વ કરનારાઓથી ડરવાની શી જરૂર પડી? ક્યાંક કોઈક પરિવર્તન થઈ રહ્યું છે એ વાત નક્કી અને જો ઝીણી નજરે જોશો તો પરિવર્તન નજરે પણ પડશે.

(ડાબેથી) ડી. રઘુનંદન, અભિસાર શર્મા, પ્રબીર પુરકાયસ્થ, સોહૈલ હાશ્મી, ઊર્મિલેશ અને ભાષા સિંહ [D. Raghunandan, Abhisar Sharma, Prabir Purkayastha, Sohail Hashmi, Urmilesh and Bhasha Singh]
મુખ્ય ધારાના મીડિયાની હવે કોઈ પ્રતિષ્ઠા બચી નથી અને એમાં ઇન્ડિયા ગઠબંધને ગોદી એન્કરોના પ્રાઈમ ટાઈમ સ્લોટમાં ચર્ચામાં ઉપસ્થિત રહીને પોષણ આપવાનું બંધ કર્યું એને કારણે રાતનાં નવ વાગ્યાનાં ડાકલાં મોળાં પડી ગયા છે. ભક્તોને હવે એ ધૂણાવી નથી શકતા. એન્કરો અને ભક્તો અફીણ માટે ઝૂરે છે. અખબારોને અને સામયિકોને કોવીડના લોકડાઉનનો એવો માર પડ્યો છે કે તે હજુ ઊભાં નથી થઈ શક્યાં અને હવે થઈ શકશે એવી કોઈ શક્યતા દેખાતી નથી. તો બન્યું છે એવું કે બુદ્ધિશાળી નાગરિકોએ તો આઠ-નવ વરસ પહેલાં જ મુખ્ય ધારાના ગોદી મીડિયાને રામ રામ કરી દીધા છે અને હવે ભક્તો રાત્રે મોબાઈલ પર ગેમ રમીને વૈકલ્પિક નશો કરે છે. લોકોને ખપ રહ્યો નથી એટલે શાસકોને તેમનામાં કોઈ રસ રહ્યો નથી. આ સ્વાર્થી જગતમાં વસૂકેલી ગાયને કોઈ ચારો નીરતું નથી.
તમે એક વાત નોંધી? ગોદી મીડિયા આવતા મહિનાઓમાં થનારી વિધાનસભાઓની ચૂંટણીઓમાં સંભવિત પરિણામોનાં જે સર્વે આપી રહ્યા છે એમાં કાઁગ્રેસને જીતતી કે બરોબરની ટક્કર આપતી બતાવે છે. આવું આ પહેલાં નહોતું થતું. પશ્ચિમ બંગાળમાં અને કર્ણાટકમાં બી.જે.પી. ભારે બહુમતી સાથે જીતશે એવાં પરિણામો સર્વેના નામે આ લોકોએ આપ્યા હતા. યાદ તો હશે જ. હવે અસ્તિત્વનો સવાલ આવ્યો અને નોધારાં થવા લાગ્યા ત્યારે તટસ્થતાનો દેખાવ કરવા લાગ્યા છે.

જે લોકો પોતાના ચિત્તની સ્વતંત્રતા જળવાઈ રહે એમ ઈચ્છે છે અને કુપ્રચારથી અભડાવા દેવા માગતા નથી તેમની પાસે ઘણા વિકલ્પો છે અને લોકો એવા વિકલ્પો અપનાવવા લાગ્યા છે. ક્યાં સુધી એકને એક ખીલે બંધાઈને એકનો એક નીરેલો ચારો આરોગતા રહેવાનું! પશુને પણ ખીલેથી છૂટીને પગ છૂટા કરવાનું મન થાય છે તો આપણે તો માનવી છીએ. ડિજીટલ પ્લેટફોર્મ્સ પર તમારી પાસે વિશાળ પસંદગી છે. તમારી અનુકૂળતાએ તમે તે જોઈ કે વાંચી શકો છો. બીજી વાર જોવા કે વાંચવા માગતા હોય તો તેમ પણ કરી શકો છો. કોઈનું ધ્યાન દોરવું હોય તો ક્લીપ કે લેખ ફોરવર્ડ કરી શકાય છે. તથ્યોની ખાતરી કરવી હોય તો પોઝ આપીને એને એ જ સમયે તમે ખાતરી કરી શકો છો. પરિણામે વધુને વધુ સંખ્યામાં લોકો ડિજીટલ મીડિયા તરફ ઢળી રહ્યા છે. લગભગ દરેક અખબાર ડિજીટલ અખબાર કાઢે છે.
જે છ પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે એ નીડર પત્રકાર છે અને વસ્તુનિષ્ઠ પત્રકારત્વ કરે છે. તેમની તેવી પ્રતિષ્ઠા છે એટલે તેમનો દર્શક વર્ગ વધી રહ્યો છે. જેમ કે રવીશ કુમારની યુ ટ્યુબ પર આવતી ન્યુઝ ચેનલના ૭૦ લાખ કરતાં વધુ ગ્રાહક સભ્ય છે. જે સભ્ય નહીં બન્યા હોય એ વધારામાં. કોઈ ગોદી એન્કર આટલી લોકપ્રિયતા ધરાવતો નથી. સોરી, મેં ખોટો શબ્દ વાપર્યો. લોકપ્રિયતા નહીં, શ્રદ્ધેયતા. લોકપ્રિયતા તો એક સમયે ભક્તોની વચ્ચે ગોદીવાળાઓ ધરાવતા હતા. જે છ પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે એ રવીશ કુમાર જેવી શ્રદ્ધેયતા ધરાવે છે અને તેમની ગ્રાહક-સભ્ય સંખ્યા વધી રહી છે. બીજી બાજુ ગોદી મીડિયાએ શ્રદ્ધેયતા ગુમાવી દીધી છે. સ્થિતિ એવી બની છે કે વડા પ્રધાને યુ ટ્યુબ ચેનલ શરૂ કરી છે.
તો ભારતીય પ્રજા ગોદી મીડિયાથી મુક્ત થઈ રહી છે અને ગોદી મીડિયા પણ ગોદમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરી રહ્યા છે. એનો અર્થ એવો નથી કે તેઓ વિરોધમાં બોલતા થઈ જશે, માત્ર જીહજૂરી કરતા બંધ થઈ જશે. જયજયકાર કરવાનું ઓછું કરશે. આ અત્યારે નજરે પડવા માંડેલું પહેલું પરિવર્તન. એક બાજુ લોકોની આંખ ઊઘડી રહી છે, બીજી બાજુ હાલરડાં ગાઈને લોકોની આંખ મીંચાવનારાઓનો પ્રભાવ ઘટી રહ્યો છે અને ત્રીજી બાજુ લોકોની આંખ ઉઘાડનારાઓનો પ્રભાવ વધી રહ્યો છે.
પરિવર્તનનું બીજું પાસું એ છે કે ડિજીટલ પ્લેટફોર્મ્સ મોકળું મેદાન છે જ્યાં દરેક પોતાને વ્યક્ત કરી શકે છે. ભક્તોને વાત કરતાં આવડતું નથી અને બુદ્ધિશાળીઓ પોતાની વાત અવનવી પણ તાર્કિક રીતે પોતાની વાત કરે છે. ઇટાલિયન ફિલસૂફ એન્ટોનિયો ગ્રામસીએ આવા સીધા સાદા પણ ધીંગી સૂઝબૂઝને પોતાની કુંવારી ભાષામાં જબરદસ્ત રીતે અભિવ્યક્ત કરતા લોકોને ઓર્ગેનિક ઇન્ટેલેક્ચુઅલ્સ તરીકે ઓળખાવ્યા હતા. સ્વાભાવિક અને નૈસર્ગિક. આવા લાખો લોકો છે. પોતાની કલ્પનાના સહિયારા ભારતને બચાવવાનો જ્યારે કેટલાક લોકોએ સંકલ્પ જ કરી લીધો છે ત્યારે કેટલા લોકોની ધરપકડ કરશો?
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 06 ઑક્ટોબર 2023
છબિ સૌજન્ય : “ધ વાયર”
![]()


ભલે ગમે તે કારણસર, પણ સરસ્વતીચંદ્રમાં ગોવર્ધનરામ વિધવાવિવાહનો પુરસ્કાર કરતા નથી. એક માન્યતા એવી પણ છે કે આપણી નવલકથામાં વિધવાવિવાહ પહેલી વાર કરાવનાર કનૈયાલાલ મુનશી હતા. પણ હકીકતમાં ગોવર્ધનરામની નવલકથા સરસ્વતીચંદ્રનો પહેલો ભાગ ૧૮૮૭માં પ્રગટ થયો તે પહેલાં ૧૮૮૧માં પ્રગટ થયેલી એક નવલકથામાં વિધવાવિવાહનો પુરસ્કાર કરવાનું સાહસ થયું હતું. એ નવલકથા તે ‘કમળા કુમારી’ અને તેના લેખક તે ભવાનીશંકર નરસિંહરાવ કવિ. જન્મ ૧૮૪૮માં. લીમડીના દેશી રાજ્યના વતની. અભ્યાસ અંગ્રેજી બે ધોરણ સુધીનો. ૧૯મી સદીના પ્રખર સમાજ સુધારક અને અગ્રણી પત્રકાર કરસનદાસ મૂળજી ૧૮૬૭માં એડમિનિસ્ટ્રેટર તરીકે લીમડી ગયા ત્યારે ભવાનીશંકર તેમના અનુયાયી બની રહ્યા. કરસનદાસના પ્રભાવ નીચે જ તેમણે સમાજ સુધારા વિષે લખવા માંડ્યું. તેમણે ચાર સામયિક જુદે જુદે વખતે શરૂ કરીને ચલાવેલાં : ૧૮૮૨માં ‘ગુજરાત માસિક પત્ર’, ૧૮૮૩માં ‘ત્રિમાસિક ટીકાકાર’, ૧૮૮૮માં ‘કાઠિયાવાડી’, અને ૧૯૦૦માં ‘વિદ્યાવિનોદ’. આ ઉપરાંત તેઓ જુદાં જુદાં અખબારો અને સામયિકોમાં નિયમિત રીતે લખતા. તેમનું અવસાન ૧૯૨૧ના મે મહિનાની ત્રીજી તારીખે લીમડીમાં થયું હતું.

ખાસ કરીને લંડનના ‘ઇન્ડિયા હાઉસ’થી અને ‘ધ ઇન્ડિયન સોશ્યોલોજિસ્ટ’ પત્રથી, વિદેશની ધરતી પર જંગે આઝાદીના એક કર્મી ને કલમી તરીકે શ્યામજી સુપ્રતિષ્ઠ છે. દેશની એમની કામગીરી રિયાસતી દીવાન તરીકેની તેમ આર્ય સમાજના અગ્રણી અને પંડિત તરીકેની રહી. કાશીના પંડિતોએ કોઇ બ્રાહ્મણ નહીં એવી પ્રતિભાને ‘પંડિત’ તરીકે વિધિવત્ પોંખી હોય તે શ્યામજી હતા. સ્વાતંત્ર્યસંગ્રામ સાથે આ કચ્છીમાડુનું આગળ પડતું સંધાન અલબત્ત એમના વિદેશવાસ પછીનું છે. એમણે ઊભું કરેલું ‘ઇન્ડિયા હાઉસ’ મેડમ કામાથી માંડી વિનાયક દામોદર સાવરકર સહિતનો હિંદવી જોવનાઇનું આંગનથાણું હતું. વતનમાં દયાનંદે સંમાર્જેલ શ્યામજીની બ્રિટનવાસની વિચારમાનવજત ઠીક ઠીક પ્રમાણમાં હર્બર્ટ સ્પેન્સરને આભારી છે. ‘આક્રમણનો પ્રતિકાર’, શ્યામજી સ્પેન્સરને ટાંકીને કહેતા, ‘વાજબી છે એટલું જ નહીં અનિવાર્ય આદેશવત્ છે.’ બાય ધ વે, એમણે લંડનના જે વિસ્તારમાં ‘ઇન્ડિયા હાઉસ’ ખડું કર્યું એની બરાબર સામે હાઇગેટ સિમેટ્રી છે જેમાં સ્પેન્સર ને માર્ક્સ સહિતના વીરલાઓ પોઢેલા છે.
‘ધ ઇન્ડિયન સોશ્યોલોજિસ્ટ’ પત્ર 1905માં, શરૂ શરૂમાં માસિક રૂપે લંડનથી, પછી પેરિસથી, અનિયમિત થતે થતે છેલ્લે છેલ્લે જીનીવાથી એમ 1922 સુધી પ્રગટ થતું રહ્યું.