પાટલી છોડીને બહાર
સાઇઠના દાયકામાં નવી કૉજેલો ખૂલવા માંડી. વિદ્યાર્થીઓ તરીકે સારી એવી સંખ્યામાં દલિત અને મુસ્લિમો હતા તો અધ્યાપકો તરીકે સવર્ણો હતા. સમાજમાં શિક્ષણ માટે ભૂખ જાગી હતી અને સહકારી ગ્રાંટની ઉદાર નીતિના ફલસ્વરૂપ કૉલેજો ‘ફુલ’ થઈ જતી.
મારા બી.એ.(મનોવિજ્ઞાન)ના વર્ગમાં થોડાક મુસલમાન વિદ્યાર્થીઓ પણ હતા. બી.એ. સુધી પહોંચનાર વિદ્યાર્થીઓ સાથે આગલાં બે વર્ષથી સંપર્ક સ્થપાઈ ગયો હોવાથી તેમનાં નામ અને આછી-પાતળી આર્થિક-સામાજિક પરિસ્થિતિનો પણ ખ્યાલ રહેતો. અબ્દુલ અન્સારી આવો જ એક વિદ્યાર્થી. ખાસ તેજસ્વી નહીં, પણ નિયમિત ઘણો. કોણ જાણે કેમ, પણ એને મારા તરફ ભારે લગાવ. રિસેસમાં વિદ્યાર્થીઓને કૉમન રૂમમાં પ્રવેશબંધી હતી. આથી કૉમન રૂમની પાસે આવી આવીને ડોકિયાં કર્યા કરે. હું જો સંજોગોવશાત્ બહાર નીકળું, તો ‘ડિફિકલ્ટી’ પૂછવાને બહાને પણ વાત કરે. દરેક વખતે મને તેને ઘેર આવવાનો આગ્રહ કરે.
તેના ઘરની નજીક એક મંદિર હતું. એક દિવસ મારી પત્ની સાથે હું દર્શને ગયો, ત્યાં તે અમને જોઈ ગયો. થઈ રહ્યું, હવે તો તેને ઘેર ગયા વગર છૂટકો જ ના રહ્યો. એ તો એમની આદત પ્રમાણે ટપ-ટપ પગથિયાં ચડી ગયો; પણ આવાં સીધાં પગથિયાં અમે કેમ કરીને ચઢ્યા તે અમારું મન જાણે છે, તેણે છલકાતા હૈયે અમારું સ્વાગત કર્યું. એક નાનકડું રસોડું અને સાંકડી બાલ્કની, આટલું તેનું ઘર હતું. અમે બેઠાં હતાં તે પણ એક સારા ઘરની બાથરૂમની સાઇઝનો ડ્રૉઇંગરૂમ-દીવાનખાનું હતું.
આડીતેડી થોડી વાત કરી ત્યાં બે ડીશમાં ગરમાગરમ ભજિયાં હાજર થયાં. મારાં પત્નીએ ભમ્મર ખેંચી, પણ મારી નજર અબ્દુલના ચહેરા ઉપર હતી. મેં કહ્યું, ‘અબ્દુલ, અમે હમણાં જ ચા-નાસ્તો કરીને નીકળ્યાં છીએ’, પણ તેણે આગ્રહ ચાલુ રાખ્યો, મેં બે ભજિયાં ખાધાં.
ઘેર પહોંચ્યાં ત્યારે પત્ની ખાસી નારાજ હતી. આમ મુસલમાનને ઘેર ખવાતું હશે, તેણે ધ્રુવપંક્તિ ઉપાડી. તમને ખ્યાલ નથી આવતો, એ જ્યાંથી ભજિયાં લાવ્યો, તે સમગ્ર વિસ્તાર જ મુસલમાનોનો અને પેલાએ એ જ તેલમાં નૉનવેજ સમોસાં પણ તળ્યાં હશે ! વિદ્યાર્થીની ભાવના પાછળ આટલી હદે પાગલ થવાતું હશે …’ વગેરે. મેં માત્ર એટલું કહ્યું કે પેલી શબરીએ ભગવાનને જે બોર ધર્યાં તે એઠાં હતાં અને તેણે જે દાંત અને જીભ વાપર્યાં તે કોઈ સારી ટૂથપેસ્ટથી સાફ કરેલાં નહીં હોય !’ ખેર, એમનો મારા અધાર્મિક વલણનો વિરોધ લાંબો ચાલ્યો.
મનોવિજ્ઞાનના અભ્યાસમાં મારો રસ ઊંડો હતો, તેથી તેની રાષ્ટ્રીય કૉન્ફરન્સમાં ભાગ લેવા મારે જવાનું થયું. આમ તો આવા ચાર-છ દિવસ મારે બહાર જવાનું થતું, ત્યારે મારાં પત્ની પિયર જઈ આવતાં, પણ આ વખતે ઘેર જ રહેવાનું નક્કી કર્યું. પણ હજુ મારે ગયે બે દિવસ પણ નહોતા થયા ને મને શોધીને કૉન્ફરન્સ આયોજકોએ તાર પકડાવ્યો. લખ્યું હતું, ‘પત્ની પડી ગયાં છે, દવાખાને છે, તરત આવો.’ સ્ટેશનેથી સીધો જ દવાખાને પહોંચ્યો, પણ મારા આશ્ચર્ય વચ્ચે – અબ્દુલ અન્સારીને મેં ત્યાં જ જોયો. ‘સર, ફિકર ના કરતા, મૅડમને હવે સારું છે,’ તેણે કહ્યું.
તે મને મારી પત્નીની બેડ પાસે દોરી ગયો. લોહીનો બાટલો ચાલુ હતો. હાથે અને માથે પાટા હતા. તે જોઈને હું હેતબાઈ જ ગયો. ‘આ બધું શું છે, શું થયું. કેવી રીતે થયું …’ મને ખબર નથી, મેં શું શું પૂછી કાઢ્યું હશે. પણ મારા પત્નીનો હોઠ અને ચહેરો સૂજેલા હતાં ! તેનાથી બોલી શકાય તેમ ન હતું. મેં અબ્દુલ સામે જોયું. તેણે કહ્યું ‘સાહેબ, અહીંનાં સિસ્ટર અને ડૉક્ટરોના એપ્રન અમે સીવીએ છીએ, એટલે તે આપવા હું આવ્યો, ત્યારે લોકોનું નાનકડું ટોળું જોયું. મેં નજર કરી તો મૅડમ હતાં. આપણે ઘેર આવેલાં એટલે ફેસ યાદ હતો, પણ કોઈક બાઇકવાળો તેમને ટક્કર મારીને નાસી ગયો હતો. રસ્તાના લોકો તેમને અહીં લાવ્યા ખરા પણ પહોંચાડીને પછી જતા રહ્યા. મેં તરત જ અહીંના ઓળખીતા ડૉક્ટરો અને નર્સોને વાત કરી. તેમનું ઑપરેશન કરવું પડ્યું પણ લોહી બહુ વહી ગયું હતું …’
મારી નજર અબ્દુલના જમણા હાથની કોણીના અંદરના ભાગ ઉપર પડી. તેણે લોહી આપ્યું હોવાના પુરાવારૂપ એક નાનકડી એધેસીવ પટ્ટી ત્યાં દેખાતી હતી.
મારાથી તેના ખભા ઉપર હાથ મુકાઈ ગયો. અમને બચાવ્યા તેના ટેકા રૂપે હશે ? ખબર નહીં, પણ મન અને દિલને સારું લાગ્યું તે નક્કી.
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, ઑક્ટોબર 2019; પૃ. 23
![]()


આપણી ભાષામાં ૧૯મી સદીમાં જે સામયિકો શરૂ થયાં તે મોટે ભાગે જ્ઞાનપ્રસાર, સમાજ સુધારો, ધાર્મિક સુધારો, નવી નવી જાણકારી, વગેરે લોકો સુધી પહોંચાડવાના હેતુથી શરૂ થયાં હતાં. જેમ કે ‘વિદ્યાસાગર’, ‘બુદ્ધિપ્રકાશ’, ગુજરાત શાળાપત્ર, વગેરે. એમાં મનોરંજનને ભાગ્યે જ સ્થાન મળતું. ૧૮૫૭માં શરૂ થયેલું ‘સ્ત્રીબોધ’ પણ તેનું નામ જ સૂચવે છે તેમ સ્ત્રીઓને બોધ, જ્ઞાન, માહિતી આપવાના ઉદ્દેશ સાથે શરૂ થયું હતું. પણ એ જમાનાના પ્રખ્યાત સમાજસુધારક, નાટ્યકાર, રંગભૂમિ અને શાસ્ત્રીય સંગીતના જાણકાર કેખુશરો કાબરાજી ૧૮૬૩માં ‘સ્ત્રીબોધ’ના તંત્રી બન્યા. શરૂઆતમાં તો તેમણે પણ અગાઉની રીતે જ ‘સ્ત્રીબોધ’ ચલાવ્યું. પણ પછી તેમના ધ્યાનમાં આવ્યું કે માત્ર લુખ્ખાં બોધ, માહિતી, ઉપદેશ આપવાથી ધારી અસર પડતી નથી અને વાચક વર્ગ પણ મર્યાદિત રહે છે. માસિકમાં મનોરંજનનું તત્ત્વ પણ ઉમેરવું જોઈએ. એટલે તેમણે પહેલાં તો શેક્સપિયરનાં ત્રણેક નાટકોના કથાસાર હપ્તાવાર છાપ્યા. અને પછી ઓગસ્ટ ૧૮૭૧ના અંકથી શરૂ કરી પોતાની નવલકથા ‘ભોલો દોલો.’ ગુજરાતીમાં પ્રગટ થયેલી આ પહેલવહેલી ધારાવાહિક નવલકથા. હા, એ મૌલિક નહોતી, એક અંગ્રેજી નવલકથા પર આધારિત હતી અને તે હકીકત પહેલા જ હપ્તામાં જાહેર કરવામાં આવી હતી. પણ ગદ્યના ઘણાખરા પ્રકારોની બાબતમાં ૧૯મી સદીમાં એવું બન્યું છે કે પહેલાં અંગ્રેજીમાંથી અનુવાદ થયા છે, અને પછી મૌલિક લેખન થયું છે. આમ થવાનું એક મુખ્ય કારણ એ કે એ વખતે સાહિત્યિક લેખન માટે ગદ્યનો વપરાશ નવોસવો હતો. અને ગદ્ય દ્વારા જે કહેવાનું હતું એ પણ નવું હતું. જ્યારે પદ્યની બાબતમાં છંદ, દેશી રાગરાગિણીઓ, વગેરેનું પરંપરાગત માળખું તો તૈયાર હતું. માત્ર તેનો વિનિયોગ નવી સામગ્રી માટે કરવાનો હતો. આથી પદ્યની બાબતમાં પહેલાં મૌલિક લેખન થયું અને પછી અંગ્રેજીમાંથી અનુવાદ થયા. વળી, આજે આપણે મૌલિક અને અનુવાદિત વચ્ચે જેટલો સ્પષ્ટ ભેદ કરીએ છીએ તેટલો તે વખતે કરાતો નહોતો.