સરકારી તંત્ર એટલે શું? આવો પ્રશ્ન મને કોઈ પૂછે અને એક અઠવાડિયાના અનુભવના આધારે જવાબ માગે તો હું કહું કે —
સરકારી તંત્ર એટલે કશીક છૂટ આપવાની કે સુધારો કરવાની વાત, માગણી કે આગ્રહ થાય ત્યારે "પ્રશ્ન વિચારણા હેઠળ છે”, તેવો જવાબ આપતું અને પરિસ્થિતિ પોતાના અણઘડ નિર્ણય થકી હાથમાંથી સરકી જાય ત્યારે, તાકીદના ધોરણે "પ્રતિબંધ" મૂકવામાં માહેર તંત્ર !
પરિણામ? અરાજકતા, અંધાધૂંધી. જેમ કે, ગુજરાત બહારના શ્રમિકોને એમના વતનમાં મોકલવાનો "પ્રશ્ન વિચારણા હેઠળ" હતો. ચાલીસ દિવસ પછી કામ શરૂ થયું, પણ અરાજકતા તો ફેલાઈ જ. વિવાદ તો થયો જ. મહામારીનો સામનો કરવામાં અપેક્ષિત સફળતા ન મળી, એટલે ઘાંઘા થઈને અમદાવાદમાં દૂધ, દવા સિવાયની બધી દુકાનો બંધ કરાવતો પ્રતિબંધ લાદવો. પરિણામઃ અરાજકતા, અંધાધૂંધી અને અવિશ્વાસ!
કોરોનાની મહામારીના વધતા વ્યાપ, તેના સમાચાર મોટા મથાળે જે અખબારોમાં છપાય છે તેના એક ખાસ ખૂણે અચૂક છપાતી વાત છે રાશિ ફળ. તેમને એસ્ટ્રોલૉજી વૉરિયર કહેવાય કે નહીં, ખબર નથી. પણ કોરોનાના સંક્રમણ વચ્ચે આ એક જ બાબત સુખરૂપ છે. જ્યોતિષીઓ પણ સલામત છે. એમને કોઈ ભય નથી. એટલે હળવા મને કોરોનાની અસર સિવાય બીજા ગ્રહો કેવી સારી, નરસી અસર પાડશે તેની જ વાત તે જણાવતા રહે છે.
અમારી અંતઃસ્ફુરણા કહે છે કે જ્યોતિષીઓ કોરોના નામક નીચ ગ્રહ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી રહ્યા છે. એટલે જ કોરોના આધારિત રાશિ ફળ લખતા નથી! એસ્ટ્રોલૉજી વૉરિયર તરીકેની તેમની આ સેવાઓની કદર તો બાજુ પર રહી, તે લગભગ વણદીઠી રહી ગઈ છે. અલબત્ત, આ વૉરિયરોને એ પૂછવું નહીં કે તેમાંથી કોણે કોરોનાના આગમનની આગાહી કરી હતી. આમે ય, અત્યારનો સમય પૂછવાનો ક્યાં છે? સાંભળવાનો જ છે ને?
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 11 મે 2020
![]()


આપણે જોયું કે ભારતમાં મુઘલ સામ્રાજ્યનો અસ્ત શરૂ થયો અને અંગ્રેજોનું રાજ્ય મૂળિયાં જમાવતું ગયું ત્યારે મુસલમાનોનો અભિગમ મૂળ તરફ પાછા ફરવાનો હતો. મુસલમાનોએ ઇસ્લામનાં મૂળ તત્ત્વો છોડ્યાં એટલે રાજ ગુમાવ્યું એમ કહેવામાં આવ્યું. પૂર્વાશ્રમના હિંદુ સંસ્કાર ધરાવતા વટલાયેલા ભારતીય મુસલમાનોને પાક્કા મુસલમાન બનાવવાનું શરૂ કર્યું. ભારતીય ઇસ્લામની વેગળી ઓળખને નકારવાનું શરૂ થયું. ભારતના મુસલમાનો ઉપર ઈરાની પ્રભાવ હતો તેને પણ નકારવાનું શરૂ કર્યું. સૂફીઓના પ્રભાવને નકારવામાં આવ્યો. ભારતને દારુલ હર્બ જાહેર કરવામાં આવ્યું. હિજરત અથવા જેહાદનો માર્ગ અપનાવવામાં આવ્યો. ભારતની સીમાની બહાર મુસ્લિમ વિશ્વબંધુત્વ પર નજર નાખવામાં આવી. આ બધું મુસલમાનોની અંદર પુનર્જાગરણ માટેના એક, એક નહીં એક માત્ર ઈલાજ તરીકે કરવામાં આવ્યું હતું. જો ગયેલો સુવર્ણયુગ પાછો લાવવો હોય તો આ જ એક માર્ગ છે એમ વહાબીઓ અને શાહ વલીઉલ્લાહના અનુયાયીઓ કહેતા હતા.