કોરોના મહામારીના સમયમાં શાળાકૉલેજો ખોલવી જોઈએ કે કેમ તે બાબતે અનેક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે. અનેક ખાનગી શાળાઓ ઑનલાઇન શિક્ષણનાં નામે નિયમિત હોય તેના કરતાં પણ વધુ ફી વિદ્યાર્થીઓ-વાલીઓ પાસેથી ઉઘરાવી રહી છે. તો બીજી બાજુ UGCની નવી ગાઇડલાઇન પણ સપ્ટેમ્બર સુધીમાં અંતિમ વર્ષના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ કરવાનો આદેશ આપે છે. જો કે જ્યારે પરીક્ષા લેવાનો આદેશ અપાઈ રહ્યો છે ત્યારે ભારતમાં કોરોનાના કેસ 11 લાખ સુધી પહોંચવાની તૈયારીમાં છે. તો મૃત્યુનો આંકડો 26 હજાર કરતાં પણ વધુ છે. દેશમાં રોજ સરેરાશ 35 હજાર સંક્રમણના કેસ અને 500 મૃત્યુ નોંધાઈ રહ્યા છે. અમેરિકામાં પણ આ જ પરિસ્થિતિ છે. ટ્રમ્પ સરકારે તો ત્યાં સુધી કહ્યું છે કે જે શાળાઓ શરૂ કરવામાં નહીં આવે તેમની ગ્રાન્ટ કાપી લેવામાં આવશે. (એ જુદી વાત છે કે તેમનો પુત્ર જે શાળામાં ભણે છે ત્યાંના સંચાલકોએ જ શાળા શરૂ કરવાની ના પાડી દીધી છે.)
આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના અતિ વિકાસની વચ્ચે જીવી રહ્યા છે. તેમ છતાં અનેક વાર માનવસભ્યતા સામે અનેક પડકારો આવતા રહે છે. હાલમાં જ્યારે આપણે કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છે, ત્યારે વિશ્વએ અગાઉ મહામારી અને અન્ય કટોકટીનો સામનો કેવી રીતે કર્યો હતો, તે પણ જાણવું જોઇએ.
વિશ્વની મહાસત્તા ગણાતો દેશ અમેરિકા આજે કોરોના સંક્રમણ અને કોરોનાથી મૃત્યુમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાને છે. 2009માં જ્યારે A/h1n1નું સંક્રમણ અમેરિકામાં ફેલાયું હતું, ત્યારે એ સમયે પણ અમેરિકામાં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. આ વાઇરસની મહત્તમ અસર હતી ત્યારે મે, 2009માં અમેરિકાની 726 જેટલી શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી, જેથી આ સંક્રમણ વધુ ફેલાય નહીં.
સ્પેનિશ ફ્લૂનો આતંક
1918 અને 1919 દરમિયાન સમગ્ર વિશ્વ સ્પેનિશ ફ્લૂનું સાક્ષી બન્યું હતું. એ સમયે સમગ્ર વિશ્વમાં 5 કરોડ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. અમેરિકામાં એ સમયે આશરે 6 લાખ 75 હજાર લોકો મૃત્યુ પામ્યા હતા. એક તરફ પ્રથમ વિશ્વયુદ્ધની તારાજી અને બીજી તરફ આ મહામારીનો ભરડો. એ સમયે પણ અમેરિકામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ સરેરાશ લગભગ છ મહિના સુધી બંધ રાખવામાં આવી હતી. નવેમ્બર 1918ના મધ્યમાં ઉતાવળે શાળાઓ ખોલવામા આવી અને વિદ્યાર્થીઓ શાળામાં પરત ફર્યા ત્યારે એ જ મહિનાના અંતમાં સ્પેનિશ ફ્લૂનું સંક્રમણ વધી જતા ફરીથી શાળાઓ બંધ કરવી પડી હતી.
પ્રથમ વિશ્વયુદ્ધમાં રોકાયેલા સૈનિકો થકી સ્પેનિશ ફ્લૂનું સંક્રમણ સમગ્ર વિશ્વમાં ફેલાયું હતું. ભારતમાં પણ મે, 1918માં સૈનિકોને લઈને ઇરાનથી એક જહાજ મુંબઈ આવ્યું, ત્યારે આપણા દેશમાં પણ સ્પેનિશ ફ્લૂનો ફેલાવો શરૂ થયો. જૂન મહિના સુધીમાં તો તેનું સંક્રમણ દિલ્હી, મેરઠ અને સિમલા સુધી પહોંચી ગયું હતું. એ સમયે જ્યાં પણ સ્પેનિશ ફ્લૂના સંક્રમણના કેસો મળી આવ્યા ત્યાં અને ખાસ કરીને મુંબઈમાં શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી હતી.
અન્ય આફતો
1957માં એશિયન ફ્લૂથી ઓળખાતા h2n2 વાઇરસનું સંક્રમણ અને તેનાથી સર્જાયેલી તારાજી વિશ્વએ જોઈ હતી. સંક્રમણને અટકાવવા ત્યારે પણ આપણા દેશ સહિત અનેક દેશોમાં શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી હતી.
પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહી હતી. સતત બૉમ્બમારાના કારણે આ યુદ્ધ દરમિયાન અનેક શાળાઓ કોલેજો પણ પડી ભાંગી હતી. સમગ્ર વિશ્વની મહત્તમ ભાષામાં જેનો અનુવાદ થયો છે તે 'તોત્તો ચાન'માં આવતી જાપાનની શાળા પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન બૉમ્બમારાથી નાશ પામી હતી. માત્ર વિશ્વયુદ્ધ નહીં, 1929ની મહામંદી દરમિયાન પણ શાળાઓ બંધ રહી હતી. અમેરિકામાં આ મહામંદી દરમિયાન લગભગ 10 મિલિયન બાળકોને ભણાવતી 20,000 જેટલી શાળાઓ એ સમયે બંધ રાખવામાં આવી હતી.
કોરોના વાઈરસના ઉદ્ભવસ્થાન તરીકે આપણે ચીનના વુહાન શહેરને ગણી રહ્યા છીએ. આજે સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના સંક્રમણના કેસો રોજે રોજ લાખોની સંખ્યામાં વધી રહ્યા છે, ત્યારે ચીન કોરોનાના સંક્રમણ પર નિયંત્રણ મેળવી ચૂક્યું છે. કોરોના વાઇરસ સામેની લડાઈના અગત્યના પગલારૂપે ચીને પણ વુહાનમાં સૌથી પહેલાં શાળાઓ બંધ કરી હતી.
ભૂતકાળના અનુભવો અને વર્તમાનમાં પણ થઈ રહેલા અનુભવોથી વિપરીત આપણે શા માટે પરીક્ષા લેવા માટે ઉતાવળા છીએ? ફ્રાન્સ, ચીન, ઈટાલી, યુનાઇટેડ કિંગ્ડમ, સહિત અનેક દેશોએ કોરોના સંક્રમણની વચ્ચે જ શાળાઓ ખોલવાની ઉતાવળ કરી. પરંતુ સંક્રમણ વધતાં ફરીથી શાળાઓ બંધ કરી દેવી પડી હતી. આપણા દેશમાં આ અનુભવોમાંથી શીખ લેવાના બદલે સપ્ટેમ્બર સુધીમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ કરવાનો આદેશ અપાયો છે. અલબત્ત, યુ.જી.સી.એ કહ્યું છે કે સંપૂર્ણ કાળજી અને તકેદારી સાથે પરીક્ષા લેવામાં આવશે. જો કે આપણી પાસે એ પ્રમાણેની માળખાકીય સુવિધાઓ જ નથી કે શારીરિક અંતરનું વર્ગખંડમાં પાલન થઈ શકે. ઉપરાંત અનેક હૉસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર ચાલી રહ્યા છે, અનેક હૉસ્ટેલ બંધ છે. ત્યારે અન્ય વિસ્તારોમાંથી ભણવા આવતા વિદ્યાર્થીઓની પરીક્ષા દરમિયાન રહેવાની વ્યવસ્થા ક્યાં કરવામાં આવશે? જે વિદ્યાર્થીના કુટુંબમાં કોઈ કોરોનાથી સંક્રમિત થયું છે અથવા તો કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલાં હોય, તે વિદ્યાર્થીની માનસિક સ્થિતિ શું પરીક્ષા આપવા માટે સ્વસ્થ હોઈ શકે ખરી? આવા પ્રશ્નોના જવાબ પરીક્ષા લેવા માટે ઉતાવળા તંત્ર પાસે નથી.
e.mail : vaghelarimmi@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 27 જુલાઈ 2020; પૃ. 11-12
![]()


એક હતા પૂછીપૂછીસાહેબ. બધા બધું તેમને પૂછીપૂછીને કરે તેવો તેમનો આગ્રહ હતો. પોતે કાંઈ ખાસ કરતા નહોતા, પણ બધા બધું તેમને પૂછીપૂછીને કરે તેવો તેમનો કડક આગ્રહ હતો.
આપણે સરકારને, તંત્રોને, શિક્ષકને, વાલીને, ડોક્ટરને, દરદીને, નેતાને, અભિનેતાને, બેન્કોને, બિલ્ડરને, ડોશીને, પડોશીને, સગાંઓને, મિત્રોને ઊંધું ઘાલીને ગમે ત્યારે ને ગમે ત્યાં ભાંડતાં રહીએ છીએ ને બધાં જ આપણા શત્રુ હોય તેમ દાંતિયા કરતાં રહીએ છીએ. ઘણીવાર તો એ લોકોએ આપણું કંઈ જ બગાડ્યું હોતું નથી, પણ ઝઘડવાની ટેવ પડી હોય છે ને બધાંથી કપાઈને પછી આપણાં જ કોચલામાં ભરાઈને પોતાનું જ બગાડી મૂકીએ છીએ. આ ઠીક નથી. આપણને ખબર જ નથી કે આખું જગત આપણું ભલું કરવા માંગે છે ને આપણે નગુણાની જેમ કોઈની કદર કરવામાં માનતા જ નથી.