સ્ત્રી સશક્તિકરણ :
મધર્સ ડે આવે છે એટલે સોશિયલ મીડિયામાં માતા વિષે સંકીર્તન ચાલુ થઈ જાય છે. મા જન્મજાત મૂરખ હોય તેમ બધાં જ તેને વતાવવા, વટાવવા નીકળી પડે છે. માનો એટલો મહિમા થાય છે કે મા વગર ઘડી પણ ચાલતું ન હોય તેમ તેનાં અછોવાનાં થાય છે. એમાં કેટલુંક સાચું પણ હશે જ, પણ મોટે ભાગે તો દેખાડો જ ચાલે છે. આવું કરવાનું કોઈ કહેતું નથી, કમ સે કમ મા તો નથી જ કહેતી, તો ય હરખપદુડાઓ અને મા ઘેલાંઓ માતૃવંદનાનું નાટક કરી લે છે. આવું દર વર્ષે ચાલે છે, પણ દરરોજ ચાલતું નથી. એ ચાલે છે મધર્સ ડે પૂરતું જ ! એ દિવસે વગર દીવાની જાણે આરતી જ થાય છે ને માને નકલી અજવાસથી આંજી નાખવાની કોશિશો થાય છે. મા એક જ દિવસ પૂરતી યાદ આવે છે ને બીજી જ સવારે ભુલાઈ જાય છે, કારણ બીજે દિવસે બીજો ‘ડે’ બારણું ઠોકતો આવી ચડે છે. તો, એની આરતી ઉતારવાની કે માનું જ ગાણું ગાયા કરવાનું? માને જ લઈને બેસી રહીએ તો ફાધર્સ ડે, વેલેન્ટાઈન ડે, ચિલ્ડ્રન્સ ડે, બ્રધર્સ ડે, સિસ્ટર્સ ડે, ટાઈગર્સ ડે, ઘાસલેટ ડે, દિવાસળી ડેને કોણ ઉજવશે? એ દિવસોને નોધારા તો ન જ છોડાય ને ! મા તો મેનેજ કરી લેશે, ને એકાદ દિવસ તો વખાણી પણ ખરી, પછી બીજા દિવસોને ન ઉજવીએ તો એને ખોટું ન લાગે? આ બધા દિવસો વગર તો જીવાય જ કેમ?
ટૂંકમાં, મા વિષે જે ઠલવાય છે, તેમાંનું મોટે ભાગનું નકલી હોય છે, બીજાએ ફોરવર્ડ કરેલું હોય છે, એમાં પોતાનું બહુ જ ઓછું હોય છે. જ્યારથી સોશિયલ મીડિયાનું તૂત ઊભું થયું છે, માની વેચાણ કિંમત વધી ગઈ છે. મા બહુ ઉપડે છે બજારમાં. એનો ભાવ બોલનારા, બોલાવનારા બહારના નથી. આખી નકલી સંસ્કૃતિ કામ ચલાઉ ધોરણે બધું મિકેનિકલી ઉજવ્યા કરે છે. એને એમ જ છે કે સમાજ સેવા ચાલી રહી છે, પણ ખરેખર તો નકલ સિવાય ભાગ્યે જ કૈં થાય છે. કમ સે કમ માને મામલે તો નકલ ન થવી જોઈએ, કારણ મા નકલી નથી હોતી ને નકલી રીતે સંતાનો સાથે નથી વર્તતી.
મા વિષે એવું કહેવાયા કરે છે કે તેની બીજી જોડ નથી, તે જગત પર શાસન કરે છે, તેનાં વગર સંસાર સૂનો છે … વગેરે વગેરે. એમાં તથ્ય નથી એવું નથી, પણ એવું મનાય છે ઓછું. હવે વાત જુદી છે. માબાપને ગરજ હતી એટલે તેમણે સંતાનને જન્મ આપ્યો, બાપને ઘડપણમાં ટેકો મળી રહે એટલે તેણે સંતાનોને પેદાં કર્યાં, બાકી તેમણે જન્મ આપીને સંતાનો પર કોઈ ઉપકાર નથી કર્યો, બલકે, એમ પેદા કરીને માબાપે પોતાનો સ્વાર્થ સાધ્યો છે. ટૂંકમાં, ઘડપણમાં ટેકો કરે એટલે માબાપો સંતાનો પેદાં કરે છે. સંતાનો તો ભવિષ્ય માટેનું ઇન્વેસ્ટમેન્ટ છે … જેવી ઘણી વાતો ચર્ચાતી રહે છે ને તથ્ય એમાં પણ છે, ઘણાં માબાપો માટે, સંતાનો સપનાં પૂરાં કરવાનાં સાધનો જ છે. સંતાનોને પોતાની ઈચ્છા ને ગણતરી પ્રમાણે ઉછેરાય છે ને વેતરાય છે. સંતાનોએ માબાપની બહાર કશું જોવાનું જ નથી. તે માબાપને માટે ભણે છે, નોકરી-ધંધો કરે છે કે પરણે છે. એવાં સંતાનોમાં ને રોબોટ્સમાં ઝાઝો ફરક નથી. એવાં સંતાનો માબાપથી દબાઈ-ચંપાઈને જીવે છે, એમ એમની ખુશી, એમનાં સપનાં વગેરેની માબાપોને પરવા જ નથી હોતી. મોટે ભાગે આ સ્થિતિ સમાજમાં જોવા મળે છે, તો એવાં સંતાનો પણ છે જે માબાપનો સ્ટેપિંગ સ્ટોન તરીકે ઉપયોગ કરીને આગળ નીકળી જાય છે. તેમને પૈસે ભણે છે, નોકરી-ધંધો કરે છે કે પરણે છે. જેવો હેતુ સરે છે કે તે માબાપની સાથે નથી રહેતાં, માબાપ તેમની સાથે રહે છે. ક્યારેક તો સંતાનો માબાપથી અલગ થઈ જાય છે અથવા તો માબાપને જ અલગ કરી દે છે. એવું પણ થયું છે કે માબાપની મિલકત લખાવી લઈને માબાપને તગેડી મુકાયાં હોય. હવે એવા સંતાનો મધર્સ ડે કે ફાધર્સ ડેને નામે માબાપની આરતી ઉતારે તો તેમના પર ભરોસો કેમ બેસે?
આ આજના સમયની જ વાત છે, એવું નથી. દરેક સમયમાં આવું થયું છે, થાય છે, સંતાનો માબાપની પૂરતી કાળજી લઈને માબાપનું ઋણ ઉતારે છે, તો સંતાનો માબાપને હડધૂત પણ કરે જ છે, ગમે એટલી ભયંકર જ કેમ ન હોય કે દીકરાનું ખૂન કરી નાખનારી મા જ કેમ ન હોય, પણ એ અપવાદોમાં છે, બાકી, માને સંતાનથી વધારે બીજું કૈં જ વહાલું નથી હોતું એ નક્કી છે. સંતાનો માટે જીવ આપી દેતી કે જીવ લઈ લેતી મા શોધવા દૂર જવું પડે એમ નથી. સ્ત્રી, જેવું માતૃત્વ ધારણ કરે છે, એ જ ક્ષણથી તે સૌમ્ય થવા લાગે છે. બાળક માટે મમત્વ જાગે છે ને એ પછી મમતાની મૂર્તિ બની ઊઠે છે. આવનાર સંતાનની સુરક્ષા માટે તે તેની આખી દિનચર્યા બદલી નાખે છે. તેનું ખાવાપીવાનું, ઊઠવા બેસવાનું, હરવા ફરવાનું, બધું બદલાઈ જાય છે. આખું શિડ્યુઅલ એ રીતે ગોઠવાય છે કે બાળકને ઊની આંચ ન આવે. બાળકનાં જન્મ પછી પણ માનું સમગ્ર વિશ્વ તે બાળકની ફરતે જ ગોઠવાઈ જાય છે. બાળકના ઉછેર વખતે એવો વિચાર કોઈ મા નથી કરતી કે જીવ રેડીને ઉછેરેલું બાળક તેનું કેટલું થશે કે બદલામાં તે શું આપશે? ના, એવું અપવાદરૂપે પણ મા નથી વિચારતી. એમાં ક્યાં ય દેખાડો નથી. એ કેવળ શુદ્ધ, નિર્વ્યાજ લાગણીનું જ રૂપ બની રહે છે. તે બાળક પર અધિકાર જમાવતી દેખાય છે, પણ ભીતરે તો તે કેવળ વાત્સલ્યનું રૂપ જ બની રહે છે.
એ રીતે ઉછરેલું સંતાન મધર્સ ડેને નામે બહુ હેત વરસાવવાનું નાટક કરે કે ફેસબુક, વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ પર ફોટાબોટા મૂકીને, આની તેની ઉધારની પંક્તિઓ ફટકારીને માતાની ભક્તિ પ્રગટ કરે ને દુનિયા અંજાઈને લાઇક્સ મોકલે કે કોમેન્ટ્સ પાસ કરે તેનાથી મધર્સ ડે ભલે ઉજવાતો હોય, પણ દીકરો અંદરથી લજવાતો હોય તો નવાઈ નહીં, કારણ તે અંદરથી તો જાણતો જ હોય છે કે તે માને રડાવીને ‘સ્માઇલી’ મૂકી રહ્યો છે. કોણ જાણે કેમ પણ આપણને બધું જાહેર કરી દેવાનો જ ઉમળકો વધુ હોય છે, પણ કેટલીક લાગણીઓ અંગત જ હોય છે ને તે અનુભવવાની જ હોય છે, તે બોલકી નથી હોતી, તે સંતાનોએ સમજવાનું રહે. એનો એકડો નથી જ પડતો. કોઈ પણ જાતની જાહેરાત કે દેખાડા વગર સંતાન મા તરફ આછેરાં સ્મિત સાથે સાચું જુએ ને તો મા તેને વહાલથી વળગાડી લે એમ બને ને એ જ ક્ષણ મધર્સ ડે બની રહે, એવું નહીં? સંતાનની આંખમાં એ વાતે ઝળઝળિયાં આવે કે પોતે મા માટે કૈં ન કરી શક્યો એ ભાવ જ માતા માટે ઉપહાર બની રહે છે, તો સાધારણ મા, દીકરીને એક સારો ડ્રેસ નથી અપાવી શકતી એ વાતે રાતના અંધારમાં ઓશીકું ભીનું કરતી રહે ને બાજુમાં સૂતેલી દીકરીને એ ખબર પડતાં માને આખેઆખી ઓઢી લે એ ક્ષણ કોઈ પણ આનંદ કે ઐશ્વર્યને શરમાવે એમાં શંકા નથી.
સંતાનો માની ઉપેક્ષા સંદર્ભે એવો બચાવ કરતા હોય છે કે કાળઝાળ મોંઘવારીમાં પોતાનું કુટુંબ જ ન પોષાતું હોય ત્યાં માતા મફતમાં મળતી હોય તો ય મોંઘી પડે એમ બને. એવી સ્થિતિમાં દેખીતું છે કે મા ઉપેક્ષિત જ બની રહે. એવાં સંતાનોને મા પરવડતી નથી. એ તો મા જ મૂરખ છે કે એને કોઈ સંતાન મોંઘું પડતું નથી, નહીં તો બાળકને છાતીએ વળગાડતાં પહેલાં છોકરાને તે દૂધનું બિલ નથી ધરતી કે કહેતી નથી કે પહેલાં બિલ ચૂકવ, પછી દૂધ પી ! આવું કોઈ મા નથી કરતી એ કેવું મોટું વરદાન છે ! એટલીસ્ટ, ગમે તેવી જ ક્રૂર કેમ ન હોય, પણ કોઈ માએ આજ સુધી સંતાન પાસેથી દૂધની કિંમત નથી વસૂલી.
મા ગમે એવી જ મોડર્ન કેમ ન હોય, તે સંતાનની અહર્નિશ ચિંતા કરતી રહે છે. દીકરાને કે દીકરીને મોડું થાય છે તો મા કેવળ પ્રતીક્ષા જ બની રહે છે. એટલે જ એક વિદેશી કવિ મિરોસ્લાવ હોલુબે માની અમર વ્યાખ્યા આમ આપી છે, ‘જે રાહ જુએ છે તે મા હોય છે …’
મા કૈં ન કરતી હોય ત્યારે પણ તે સંતાનોની રાહ તો જોતી જ હોય છે … મા એટલે જ પ્રતીક્ષા, એવું નહીં?
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


આ વંચાતું હશે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુરોપના પ્રવાસેથી પાછા ફરી ચૂક્યા હશે. તેમનો કહેવાતો જેટ લેગ પણ ઘટી ગયો હશે. જો કે ભારત પહોંચીને તરત જ કામે ચઢી જવાના હતા એવા રિપોર્ટ્સ પણ હતા કારણ કે ગરમી અને વરસાદને લગતી કામગીરીની બેઠકો યોજાવાની હતી. આપણે વાત કરવાની છે તેમના યુરોપના પ્રવાસની મહત્તા અને કારણો અંગે જેમાં સ્વાભાવિક રીતે જ યુદ્ધમાં સપડાયેલા યુરોપનો મુદ્દો પણ હોય. જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સ – આ ત્રણ રાષ્ટ્રોની મુલાકાતે ગયેલા વડા પ્રધાનનો આ વર્ષનો આ પહેલો વિદેશ પ્રવાસ હતો.
જુનવાની ખરાં મારાં મા. ને એમની રીતરસમ પણ જુનવાણી જ. શરૂ શરૂમાં ગાંધી એમને ગમે નહિ. ‘એમ કંઈ સરકાર જેવો સરકાર આવી ટૂંકી પોતડીવાળાથી ભાગી જશે કંઈ?’ એવું એવું ગામની સ્ત્રીઓ સાથે હંમેશાં બોલે. હું ગાંધીવાળાઓમાં ભળું એ એમને ગમે નહિ. મને વારે પણ ખરાં. પણ ન માનીને અમારા ગામના કાપડના મોટા વેપારીની દુકાન આગળ સત્યાગ્રહ કરવા જ્યારે હું બીજા સાથીદારોની સાથે લાંબો થઈને સૂઈ ગયો ત્યારે એ ખબર પડી હશે એટલે, બધાને ખૂંદતાં ખૂંદતાં મારી પાસે આવી પહોંચ્યાં. બધા આગળ મને પાછો લઈ જવાનો ભવાડો ન કરે તો સારું, મને થયું. એ મારી પાસે નીચાં નમી ગયાં. મારા કાન આગળ મોઢું લાવીને કહે : ‘હવે જો જે હોં દીકરા, જે થાય તે. તારા બાપનું નામ નહિ બગાડતો.’ બસ, તેમના મનમાં જિંદગીભર રમતું કોઈ પાત્ર હોય તો તે આ, ‘તારા બાપ.’
બાને એક બહુ મોટો સંતોષ હતો કે એમના ત્રણે છોકરા હોશિયાર હતા. હું પણ દરમિયાનમાં ‘મશહૂર’ લેખક થઈ ગયો હતો. મારો અલકા સ્ટોર્સ બહુ સરસ ચાલતો હતો. એકાદ બે વાર બાએ મારી બે નવલકથાઓ વાંચીને મને કહ્યું હતું કે તું બહુ બેફામ લખે છે! મારી પ્રતિષ્ઠા પર એ ખુશ હતાં, પણ મારું લખાણ એમને ગમતું ન હતું. પણ હું હસ્યા કરતો, રમૂજો કરતો – બા સમજતાં, કહેતાં : ‘તું પહેલેથી જ આડો છે. નાનો હતો ત્યારે પણ ગદ્દીમાં દોડી જતો અને બાપાજીનું ધોતિયું પકડીને કહેતો : બાપાજી! આજે બજારમાં જાઓ ને ત્યારે બે પૈસાની બીજી બા લેતા આવજો! આ બા બડી ખરાબ છે.’ બાપાજી હસતા, પછી પૂછતા : ‘આજે શું કર્યું બાએ?’ હું કહેતો : ‘આજે બાએ મને થપ્પડ મારી.’ અને બાપાજી મને પ્યારથી કહેતા : ‘અચ્છા બેટા! આજે બજારમાં જઈશ ત્યારે બે પૈસાની બીજી બા લઈ આવીશ. જાઓ – રમો.’
અમારું ઘર એક મોટા ડેલામાં હતું. મુંબઈમાં જેને ચાલી કહેવામાં આવે છે તેવી ત્યાં હારબંધ કેટલીયે ઓરડીઓ હતી. એવા પ્રકારની ઓરડીઓમાં એક-એક કુટુંબ વસતું હતું. અમે પણ એમાં રહેતાં, ને મેઘાણીભાઈ, કરસનદાસ માણેક, તથા બીજા સાથીઓ પણ ત્યાં જ વસતા. એ હતું ‘સૌરાષ્ટ્ર’નું કુટુંબ. છાપખાનામાં કામ કરતા ભાઈઓનું કુટુંબ. સૌ સાધારણ સ્થિતિનાં. કોઈક સેવાભાવથી પોતાનાં ઘર છોડી ત્યાં આવેલા. એ બધાંની બા સંભાળ રાખતાં. સાથે સાથે એમનાં ‘બા’ થઈને રહેતાં. કોઈને ત્યાં કોઈ માંદું હોય, ખાસ કોઈ પ્રસંગ હોય, કશી તકલીફ હોય તો તેઓ બા પાસે દોડી આવતાં ને બા એટલી જ ત્વરાથી એમની મદદે પહોંચી જતાં. ગામમાં પણ બાનાં ઘણાં ‘કુટુંબીજનો’ હતાં. બાએ જેમને જોયાં ન હોય, પણ ક્યાંકથી સાંભળ્યું હોય કે એના ઘરમાં અનાજના વાખા છે, આબરૂને કારણે હાથ લાંબો કરી શકે તેમ નથી, તો બા પાછલે બારણેથી એને ઘેર અનાજ પહોંચડાવી દેતાં. અરે, આંગણામાં, કે દૂર ખેતરમાં કૂતરી વિયાઈ હોય તો તેને પણ શીરો કરીને ખવડાવી આવતાં. એમ ઘરનાં, ને ગામનાંયે બા થઈને રહેતાં.
બાની કઈ છબી પહેલી સાંભરે છે? અપૂર્વ સૌન્દર્ય, છેલ્લી ઢબનાં ફેશનેબલ વસ્ત્રો. ઘટ્ટ કાળા લાંબા વાળના અંબોડામાં સુગંધી વેણી. સાયગલ, પંકજ મલિક, જગમોહન, અને જ્યુથિકા રેની રેકર્ડ એની ખૂબ પ્રિય. સંગીતનો ખૂબ શોખ. આત્મારામજી એમના અંધ શિક્ષક. હાર્મોનિયમ પર બા અત્યંત મધુર કંઠે ભજન ગાય. ત્યારે કશું સમજાય નહિ, છતાં આંખો છલકાઈ જાય. બાર વર્ષની ઉંમરે મારો રંગમંચ-પ્રવેશ બાએ જ કરાવ્યો. માટુંગામાં ત્યારે અમે રહેતાં. મકાનની બધી ગૃહિણીઓને ભેગી કરી એમણે મહિલા મંડળ સ્થાપ્યું હતું. એ સમયે આ વિચાર જ ક્રાંતિકારી લાગતો હતો. નવરાત્રીના ગરબા, પિકનિક, મકાનની સફાઈ, ચળવળ વખતે સ્વયમ્સેવિકાઓની ટુકડીની રચના, ભાગલા પડ્યા ત્યારે નિરાશ્રિતોની ખાવાની-રહેવાની વ્યવસ્થા – કેટલાંયે રચનાત્મક કાર્યો ત્યારે બાએ હાથ ધરેલાં. દેશપ્રેમ વિષે કૈંક નાટક બાએ તૈયાર કરેલું. પોતે અંગ્રેજ સોલ્જર બની હતી. અને હું ખૂબ નાની હતી ત્યારે મારી પાસે કશીક ભૂમિકા કરાવી હતી. રંગભૂમિનો પહેલો પાઠ બાએ ભણાવ્યો હતો : પ્રેક્ષકોથી કદી ડરવાનું નહિ. જેમ લોકો વધારે તેમ અભિનયની રંગત જામે. આજે મને પ્રશ્ન થાય છે : બા આ બધું ક્યાંથી શીખેલી? આ સંસ્કાર, આ કળારુચિ, નૈતિક હિંમત – ક્યાંથી બાએ મેળવ્યું હતું આ બધું?
મનુષ્ય પાસે વાણી છે, ભાષા છે એટલે માતાના પ્રેમની ઉષ્મા અને સુષમાને પ્રગટ કરી શકે છે, એ એનું સદ્ભાગ્ય છે. મારી માતાને અમે ભાભી કહેતાં. અનેક પ્રસંગોમાંથી એક પ્રસંગ મારી આંખ સમક્ષ સતત તરવર્યા કરે છે. હું સાતેક વર્ષનો હોઈશ. વિશ્વયુદ્ધનો સમય હતો. મુંબઈ ખાલી થતું હતું. શહેરની સડકો પર માણસો કરતાં ‘To be let’નાં પાટિયાં વધારે દેખાતાં હતાં. અમારું બધું જ મુંબઈમાં. તે વખતે અમારા ઘરધણીએ મારાં માબાપને સમજાવ્યાં, ને કહ્યું કે અમે ખંભાત જઈએ છીએ અને મુંબઈમાં ગમે ત્યારે બોમ્બમારો થશે, કોણ રહેશે, કોણ નહિ રહે એની કાંઈ ખબર નથી. તો તમે નાના દીકરા લલિતને તમારી પાસે અહીં મુંબઈ રાખો અને અરવિંદ ને સુરેશને અમારી જોડે ખંભાત મોકલો. એમણે આનાકાની કરતાં સંમતિ આપી. કદાચ સાંજની ટ્રેન હશે. મારા પિતા, જેમને અમે ‘ભાઈ’ કહેતાં, એ ઓફિસ ગયા હતા. અને મારી માતા અમને નીચે સુધી મૂકવા આવી. એ એવી રીતે અમારી સામે જોતાં હતાં, જાણે એ અમને છેલ્લી વાર આંખ ભરી ભરીને ન જોતાં હોય! એમનો એ ચહેરો આજે પણ મારી આંખ સામે એવો ને એવો ઉપસી આવે છે.
આપણે કલાકોના કલાકો જીવનની, વ્યવસાયની, ઈશ્વરની, અધ્યાત્મની વાતો કર્યા કરીએ છીએ. કોઈ ક્ષણે મા વિષે અનાયાસ વાત કરીએ ત્યારે એ પવિત્ર ઘડી આવે છે. માનો લય વાતચીતમાં ભળે ત્યારે એ વાત અમૃતત્ત્વ પામે છે. ‘મા’ શબ્દ ઉચ્ચારાય અને એક ઉજાસ પથરાય છે. માનો ખ્યાલ આવે કે ચિત્ત મંજાઈને ઝળાંહળાં થઈ ઊઠે છે. ચમત્કારના અનુભવ માટે બહુ દૂર જવાની જરૂર નથી. ‘મા’ શબ્દ ઉચ્ચારીએ અને ચમત્કાર થાય છે.
અમારા ઘરમાં કોઈને પણ માટે તુંકારો ભાગ્યે જ વપરાતો. નાગર કુટુંબોની રસમ પ્રમાણે આખી જિંદગી માએ મને તો ‘તમે’ કહી બોલાવ્યો, પણ મારા દીકરા માટે પણ ક્યારે ય તુંકારો વાપર્યો નહોતો. સિત્તેર વરસનાં મા એ નાના છોકરાને પણ ‘તમે’ જ કહે. પોતાની જિંદગીમાં માએ મારી અનેક ઈચ્છાઓ પૂરી કરી, પણ માને મોઢેથી તુંકારો ક્યારે ય સાંભળવા ન જ મળ્યો. બીજો જન્મ હોય છે કે નહિ એની મને ખબર નથી. પણ જો હોય તો આવતે જન્મે મારી માને મોઢે તુંકારો સાંભળવા મળે એટલું હું ઇચ્છું. અને બીજી પણ એક ઇચ્છા છે આ જન્મની છેલ્લી ઘડીઓ માટે. મારી આંખ છેલ્લી વાર મિચાવાની હોય ત્યારે કોઈ જરીપુરાણું રેકોર્ડિંગ શોધી કાઢે અને મારાં માના અવાજમાં ગવાયેલું પેલું ગીત સાંભળતાં સાંભળતાં હું આંખો મીચું :