‘આપણે ત્યાં રવીન્દ્રનાથ ટાગોર, વલ્લતોલ, નિરાલા, પ્રેમચંદ જેવા, ગુલામ દેશમાં સ્વતંત્ર લેખકો થઈ ગયા. આપણું સાહિત્ય દેશને સ્વતંત્રતા મળી એ પૂર્વેથી જ સ્વતંત્ર રહ્યું છે. લોકશાહીએ સાહિત્યની પ્રશ્નો પૂછવાની, અસહમત થવાની અને સ્વતંત્ર વિચાર કરવાની ક્ષમતાને પોષી છે. દુર્ભાગ્યે, વિગત દિવસોમાં જો કે આ ક્ષમતા દંડિત થઈ રહી છે.’
ખ્યાત હિંદી કવિ અને કલામર્મજ્ઞ અશોક વાજપેયી ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે તૃતીય સુરેશ જોષી વ્યાખ્યાન અંતર્ગત બોલી રહ્યા હતા. વિષય હતો ‘લેખક અને સ્વતંત્રતા’. સુરેશ જોષીનું કર્મક્ષેત્ર વડોદરા ૧૯મી એપ્રિલે આ પ્રસંગનું સાક્ષી બન્યું.
છેક, ૧૯૬૦માં સુરેશ જોષી ‘ભોંયતળિયાનો આદમી’ નામે એક પરિચય દોસ્તોએવસ્કીની ‘નોટ્સ ફ્રૉમ અન્ડરગ્રાઉન્ડ’ વિશે લખે છે. મૂળ તો વાત વ્યક્તિસ્વાતંત્ર્યની જ છે. આપણા સમયની એ બલિહારી જ કહી શકાય કે દાયકાઓ પછી સુરેશ જોષી શતાબ્દીએ યોજાનાર વ્યાખ્યાનની ભૂમિકા આવી કોઈક ભોંયતળિયાની જગ્યાએ મંડાઈ. શિક્ષણધામો સત્તાની જીહજૂરીનાં કેન્દ્રો બન્યાં છે. (‘પૂર્વનિર્ધારિત સ્થળનો પરવાનો કાર્યક્રમનાં બે દિવસ પહેલાં અનિવાર્ય કારણોસર રદ્દ થયો.’)
આર્ક ફાઉન્ડેશનની ગેલેરીનાં ભોંયતળિયે આછા પીળા પ્રકાશના અજવાળે ઘણી ઉજળી વાતો થઈ. નાદુરસ્ત તબિયત છતાં અમદાવાદથી પરિષદપ્રમુખ પ્રકાશ ન. શાહ આવ્યા અને વ્યાખ્યાનનો આગાઝ કરાવ્યો. કોરોના કાળમાં પ્રથમ બે વ્યાખ્યાનો ઑનલાઈન યોજાયાં હતાં. પ્રકાશભાઈના શબ્દોમાં મૂકું તો, ઑનલાઈન પછી ઑફલાઈન માહોલમાં, વિશ્વમાનવ-ક્ષિતિજ પરંપરામાં અને એરિક ફ્રૉમની બાનીમાં મુખોમુખ (ફેસ ટુ ફેસ) એક અદકેરી સાંજ.
સુરેશ જોષીના પરિવારજનો દ્વારા અશોકજીની આવકારવિધિ થઈ. પૂર્વ પ્રમુખ સિતાંશુભાઈએ આવકારમાં સૂર પુરાવ્યો. ગુજરાતનાં વિવિધ ઠેકાણેથી આવેલાં – કાનજી પટેલ, જયદેવ શુકલ, બકુલ ટેલર, માલિની ગૌતમ, શરીફાબહેન સહિત ઘરઆંગણે જ્યોતિ ભટ્ટ, શિરીષ પંચાલ, રમણ સોની, ધ્રુવ મિસ્ત્રી સરીખાં જાણતલોની હાજરીથી ભોંયતળિયાનો એ ખંડ દીપી ઉઠ્યો હતો.
સુરેશ જોષીનું સાંનિધ્ય જેઓ પામ્યાં છે એવા ગુલામ મોહમ્મદ શેખે વક્તા અશોક વાજપેયીનો પરિચય આપતા જણાવ્યું કે, ‘ભારત ભવનની પરિકલ્પનાથી માંડીને હાલમાં ગાલિબ અને કબીરને જોડે કઈ રીતે મૂકી શકાય એ અંગે વિચારતા રહેતા અશોકજી સ્થૂળ વિગતો બહારનું વિરલ વ્યક્તિત્વ છે. તેઓએ ભારતભવન થકી જે અનેરું કામ ભોપાલમાં કરી બતાવ્યું એ ભારતનાં બાકીનાં રાજ્યોમાં પણ ફળીભૂત થતું હોત તો કેવું અદ્દભુત પરિદૃશ્ય રચાત!
અશોકજીએ વ્યાખ્યાનમાં જણાવ્યું કે, જે સમાજમાં લેખક સ્વતંત્ર ન હોય એ સમાજને સ્વતંત્ર ના કહી શકાય. મહાત્મા ગાંધીએ સ્વતંત્રતા આંદોલન દ્વારા વ્યક્તિગત સ્વતંત્રતાની અવધારણાને સામૂહિક સ્વતંત્રતાની સાથે જોડી આપી. પશ્ચિમમાં આધુનિકતા અને સ્વતંત્રતાની અવધારણા પણ પરસ્પર વિક્સી હોવાનું તેમનું તારણ હતું.
એમણે કહ્યું કે સ્વતંત્રતા એક એવી મૂડી છે કે જે ‘બીજા’ની સાથે વહેંચવાથી વધે છે. પરંતુ આપણે એવા ક્રૂર સમયમાં જીવીએ છીએ કે જ્યાં આ ‘બીજા’ને બીજા દરજ્જા પર ઉતારી પાડવાની જોહુકમી ચાલી રહી છે.
અશોકજીએ એક સનદી અધિકારી તરીકેની એમની સુદીર્ઘ કારકિર્દીના અનુભવોથી જણાવ્યું કે, બહુ જ જૂજ એવાં કોમી રમખાણો હોય છે જે ક્ષણિક ઉત્તેજનાથી શરૂ થતાં હોય છે. મોટા ભાગનાં તો પૂર્વયોજિત જ હોય છે. ધર્મ અને રાજકારણનું એક વિકૃતરૂપ અહીં દૃષ્ટિગોચર થાય છે. સત્તાની પગચંપી કરતું મીડિયા પણ એમાં આડકતરી રીતે ભાગીદારી કરતું જણાય છે. મીડિયામાં સાહિત્ય માટે જગ્યા સંકોચાતી જાય છે. સ્વતંત્રતાની રક્ષા કરતા સાહિત્યથી વેગળી દિશા એણે ઝાલી છે. જો કે, મીડિયાનો એક નાનકડો હિસ્સો આજે પણ સત્યને બોલવામાં અને અસહમત થવામાં સાહિત્યની પાસે છે. ટેક્નૉલોજીના દુરપયોગ સામે પણ વાજપેયીજીએ ચિંતા પ્રગટ કરી.
આપણા સમયમાં જે બની રહ્યું છે અને જે રીતે રહ્યું છે એની નોંધ લેવી એ આપણા સમયના સાહિત્યનો આપદ્દ ધર્મ છે. ઓક્તાવિયો પાઝને ટાંકીને એમણે કહ્યું કે પાઝે કવિતાને ‘બીજો ઇતિહાસ’ કહ્યો હતો. બહુ વિકટ સમયમાં પણ કવિ દેખતો, નોંધતો, પ્રશ્નો પૂછતો, શંકા કરતો રહે છે અને એ જ એની સ્વતંત્રતાનાં કામ છે.
સાહિત્યનાં સૌંદર્યબોધ અને સ્વતંત્રતાને જોડી આપીને એમણે એમના વક્તવ્યને વિરામ આપ્યો. વક્તવ્યની શરૂઆત એમણે ગાલિબના શેરોથી કરી હતી તો અંત એમણે સ્વરચિત ‘લિખો’ નામની કવિતાથી કર્યો. આ જ કવિતાની થોડીક પંક્તિઓ ગુજરાતી અનુવાદમાં :
લખ
કારણ, તારા મૃત્યુની સદીઓ પર્યંત
તારા વંશજો એ જાણી શકે કે
ભયાનક ઉન્માદના સમયમાં
એના એક વડવાએ યાદ રાખવાની,
નોંધવાની ને બોલવાની હામ ભીડી હતી.
લખ
કારણ, સર્વત્ર નાશ કરવાના
અપાર ઉત્સાહના સમયમાં
તેં કવિતા માટે સમય બચાવવાની દરકાર કરી
ભલે કવિતા તને ના બચાવી શકી
વ્યાખ્યાનના અંતે, પરિષદના ઉપપ્રમુખ પ્રફુલ્લ રાવલે ખૂબ જ માર્મિક રીતે આખી ઘટનાને મૂકી આપતાં એવો આશાવાદ પ્રગટ કર્યો હતો કે બદલાતા સમય વચ્ચે પણ આ વ્યાખ્યાનમાં ઉપસ્થિત કરાયેલા મુદ્દાઓ લાંબો વખત સંભારાતા ને ચર્ચાતા રહેશે – અને એ રીતે પડ જાગતું રહેશે. સમગ્ર આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવનાર ભરત મહેતા છેલ્લી ઘડીએ નાદુરસ્ત તબિયતને કારણે હાજર ન રહી શક્યા એના વિશેષોલ્લેખ સાથે એમણે પીયૂષ ઠક્કરે કરેલા સુચારુ સંચાલન અંગે પણ આભાર ને આનંદની લાગણી પ્રગટ કરી હતી.
E-mail : mehul.41@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2022; પૃ. 15
![]()


કોઈ જૂનાં ઘરનો મોભી વિકાસની પાછળ પડી જાય ને દુનિયાને બધું મોટું મોટું બતાવે, દૂરથી સ્ટેચ્યૂ બતાવે ને સ્ટેડિયમ બતાવે કે ઘર બતાવવા વિદેશથી મોટા માણસોને તેડે ને તેને બધું મોટું મોટું દેખાડે, પણ ઘરની અંદર ન લઈ જાય તો બહારનાને ખબર ન પડે કે અંદર શું ચાલી રહ્યું છે? એ તો બહારનું બધું જોઈને રાજી થઈને મોભીની પીઠ થાબડીને પાછો જાય. મોભી ફૂલીને ફાળકો થઈ જાય કે આજે તો વિદેશમાં પણ આપણો ડંકો વાગ્યો ! મોભી મહેમાનને ઘરમાં ઘૂસાડે તો ખબર પડે કે સિલિન્ડર મોંઘું થવાને કારણે ચૂલો ઠંડો છે. કોલસો નથી કે ચૂલામાં અજવાળું થાય. પાવર કટને કારણે ઘરમાં લાઇટ નથી એટલે અંધારું છે ને પંખો પાવર ન હોવાને કારણે ફરતો નથી. ઘરનાં માણસો નોટબુકનાં પૂંઠા હલાવી હલાવીને જાતને હવા નાખી રહ્યાં છે ને ઘરમાં ગમે ત્યાં ફરો કે બેસો, ચામડી પરસેવો બનીને રેલાઈ રહી છે ને નાનાં બાળકો 44થી 47 ડિગ્રી તાપમાં બિસ્કિટની જેમ શેકાઈ રહ્યાં છે. આખું ઘર બેકરીની ભઠ્ઠી જેવું ધગધગી રહ્યું છે ને ઘરની બહાર મસ્જિદ કે મંદિર પરથી ઘોંઘાટિયાં ભૂંગળાં ઉતારવાની ગડમથલ ચાલે છે. પેટ્રોલ છાંટીને સળગી મરવું હોય તો ય માંડી વળવું પડે એમ છે, કારણ સ્કૂટર માટે ખરીદાતું ન હોય તો જાત માટે તો કેમ ખરીદવું એની મૂંઝવણ છે. પેટ્રોલવાળા સ્કૂટરને બદલે ઇલેક્ટ્રિસિટીથી ચાલતું સ્કૂટર ખરીદવાનું સપનું પડે છે, પણ ચિંતા એ છે કે પાવરનાં ઠેકાણાં નથી, ત્યાં સ્કૂટરનાં શું ને કેટલાં ઠેકાણાં રહેશે? ને એ આજે સસ્તું હોય તો પણ મોંઘું નહીં થાય એની કોઈ ખાતરી નથી. ઉપાડ વધે તો એ પણ મોંઘું થાય એમ બને. વારુ, પાવર મોંઘો થાય એવાં પૂરતાં એંધાણ છે. લાગે છે તો એવું કે પાવર મોંઘો કરવા જ કદાચ કોલસાની તંગી ઊભી કરવામાં આવી છે. એવું બની શકે કે થોડા જ દિવસમાં વીજળી, ‘વીજળી’ થઈને ઘર પર પડે. ઘરમાં ચટણી થાય એવું નથી ને બહાર ચૂંટણી વટાયા કરે છે. આ જો ઘરની સ્થિતિ હોય તો દેશની સ્થિતિ એનાથી જુદી લાગે છે?
મારું નામ રાજેન્દ્ર જશવંતભાઈ ગોસ્વામી. ઉમાશંકર જોશી ‘ઉ.જો.’ લખે, લાભશંકર ઠાકર ‘લા.ઠા’ લખે, સુરેશ જોશી ‘સુ.જો.’ લખે. એના ચાળે ચઢીને રાજેન્દ્રમાંથી ‘રા’ અને જશવંતમાંથી ‘જ’ને જોડીને ‘રાજ’ બનાવેલું. ઉપરાંત, રાજ કપૂર, રાજ કુમાર, રાજ બબ્બરના નામોનો પણ વહેમ. આણંદ નજીક ગોપાલપુરા નામના નાનકડા ગામમાં 25 જૂન ૧૯૬૩ના રોજ જન્મ થયેલો. ફાટેલાં કપડાં અને ચપ્પલ સાંધીને વર્ષ ચલાવવાં પડે તેવી ગરીબી. એ સામાજિક લઘુતાગ્રંથિમાંથી ઊભરવાનો રસ્તો જ્ઞાનમાં દેખાયો હતો. ગામની આખી લાઈબ્રેરી વાંચી નાખી હતી. એ પછી કોલેજની, મ્યુનિસિપાલિટીની અને ગામની એમ ત્રણ લાઈબ્રેરીઓનાં કાર્ડ મારી પાસે હતાં. એક જ સમયે હું ત્યારે ત્રણથી ચાર પુસ્તકો વાંચતો હતો. રદ્દીઓની દુકાનોમાં ફરતો.
અખબાર સાત-આઠ કલાકમાં તૈયાર થતું હોય અને દરેક વસ્તુ ડેડલાઇન પ્રમાણે ચાલતી હોય, એટલે એ અર્થમાં એ ઉતાવળમાં લખાયેલું સાહિત્ય છે. ઘણા અંગ્રેજી પત્રકારો સારા સાહિત્યકારો રહ્યા છે, ખુશવંત સિંઘ પોતે સારા સાહિત્યકાર છે. ખુશવંત સિંઘમાં તમે સાહિત્યકાર અને પત્રકારને છૂટા પાડવા જાવ તો તમને ખબર ન પડે કે ક્યાં પત્રકાર પૂરો થાય છે અને ક્યાંથી સાહિત્યકાર શરૂ થાય છે. એટલે ઘણા અંગ્રેજી ભાષાના પત્રકારો સારા લેખકો રહ્યા છે અને એક સારો તંત્રી હંમેશાં એક સારો વાચક હોય છે. એની અસર એના કામ પર પડે, એટલે એના અખબારના લેખનનું સાહિત્યિક મૂલ્ય પણ હોય.
પડગાંવકરે કહ્યું કે એમની જોબ દેશમાં બીજી સૌથી મહત્ત્વની છે, તે સમાજના ઉપલા વર્ગના અથવા સત્તાવાળા વર્ગના સંદર્ભમાં હતી. પણ આજે ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ની એવી કોઈ ગણતરી નથી. એ એડિટરો પણ રહ્યા નથી, એ પરંપરા પણ રહી નથી, એ અખબારોનો જે પાવર હતો, અથવા ખુશવંત સિંહ જેની વાત કરે છે તે અખબારોનું સાહિત્યિક સ્વરૂપ હતું એ નથી રહ્યું. તમે બીજાં પણ અનેક અંગ્રેજી અખબારો જુઓ તો એ પણ હવે એક વ્યવસાય જ બની ગયો છે, એ બધાં માત્ર પૈસા જ બનાવે છે.
બીજું નામ છે વિનોદ મહેતાનું, જે છેલ્લે આઉટલુક મેગેઝિનમાં એડિટર હતા. પ્લેબોયની તર્જ પરનું ભારતનું પહેલું ‘ગંદુ’ મેગેઝિન ‘ડેબોનેર’ને તેમણે લોકો વાંચી શકે તેવું બનાવેલું. અટલ બિહારી વાજપેઈએ એકવાર મહેતાને કહેલું કે તમારું મેગેઝિન સરસ આવે છે, પણ તકલીફ એ છે કે ઓશિકા નીચે છુપાવી રાખવું પડે છે. મારી પાસે તેના ઘણા અંકો છે. હું ‘ડેબોનેર’ને (ઇન્દ્રિયોત્તેજક નહીં) વિચારોત્તેજક મેગેઝિન કહું છું. વિનોદ મહેતા પહેલા સંપાદક હતા જેમણે ઉઘાડી છોકરીઓના ફોટા વચ્ચે વચ્ચે વી.એસ. નાઇપોલ, નિરદ સી. ચૌધરી, ખુશવંત સિંઘ, વિજય તેંડુલકર, નિસીમ ઇઝીકેલ, અરુણ કોલાટકર અને આર.કે. નારાયણ જેવા ધૂંઆધાર લેખકોના લેખ છાપ્યા હતા.