આંખોનું નામ નહીં આંખો,
હવે આંખોનું નામ નહીં આંખો,
વેગી વંટોળ ચૈતરનું અંકાશ પાંખો,
હવે આંખોનું નામ નહીં આંખો.
પથ્થરના દરિયામાં મોજાંની ફીણનો ભાર,
શહેરની સીમા તજી મદભરી આંખોની પાર,
જ્યારે પાંપણની પાંદડીઓ થઈ છે આંખો !
હવે આંખોનું નામ નહીં આંખો.
ભમ્મર દરિયો ગાળીને ડૂબી જાવું રે મારે,
પાંપણ પર ઝળુંબતાં આંસુનાં ટીપાં શું જાણે,
અંધારાં પાણીના પ્હાડ થઈ છે આંખો !
હવે આંખોનું નામ નહીં આંખો.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


જાણીતાં પબ્લિક ઇન્ટેલેક્ચૂઅલ યુવાલ નોઆહ હરારીના પુસ્તક ‘21વી સદી કે લિએ 21 સબક’ના પ્રસ્તાવનાનો આરંભિક ભાગ અહીં ટાંક્યો છે. યુવાલ નોઆહ હરારી વર્તમાન વિચારની દુનિયાને અતિક્રમી ગયા છે. તેમનાં વિચારો દુનિયામાં હવે પછી જે ચક્ર ગોઠવાઈ રહ્યું છે તે મૂકી આપે છે. ટેક્નોલોજી અને ઇન્ફોર્મેશનનો ધોધ આપણાં જીવન પર કેવી અસર કરશે તે ઠીક ઠીક રીતે બતાવી આપે છે. જે રીતે આપણી આસપાસનું વાતાવરણ ધૂંધળું બની ચૂક્યું છે અને તે સમજવા માટે સામાન્ય સમજણ આપણને કામ નથી આવતી ત્યારે યુવાલ નોઆહ હરારીનું આ પુસ્તક ઉપયોગી થાય એવું છે. સૌથી અગત્યની બાબત તો એ છે કે આ સદીથી જે શીખ આપણે લેવાની છે તેના પર જ પુસ્તક ફોકસ કર્યું છે.
આવી રહેલાં પરિવર્તનોથી માત્ર આપણી અર્થવ્યવસ્થા કે સમાજ જ નહીં બદલાય, બલકે તેની અસર આપણી શરીર અને મસ્તિષ્કની સંરચના પર પણ થશે. આ અંગે યુવાલ કહે છે : “ભૂતકાળમાં આપણે મનુષ્યો પોતાની બહારની દુનિયાને નિયંત્રિત કરવાનું શીખી ચૂક્યા હતા. પરંતુ આપણી અંદરની દુનિયા પર નિયંત્રણ ઓછું રહેતું. આપણને એવું તો આવડે છે કે ડેમ કેવી રીતે નિર્માણ કરી શકાય અથવા તો નદીના વહેણને કેવી રીતે રોકી શકાય. પરંતુ આપણે શરીરને વૃદ્ધ થવાથી અટકાવી શકતા નથી. આપણી કાનની આસપાસ જ્યારે કોઈ મચ્છર ગણગણે અને આપણી ઊંઘમાં ખલેલ પહોંચાડે ત્યારે તેને કેવી રીતે મારવો જોઈએ તે આપણને ખબર છે. પરંતુ કોઈ વિચાર આપણા દિમાગને ખલેલ પહોંચાડતો હોય તો તે આપણી રાતની ઉંઘ હરામ કરી દે છે. તો આપણામાંથી મોટા ભાગના લોકો એ નથી જાણતા કે તે વિચારને કેવી રીતે મારી શકાય.” આવી તો અસંખ્ય આંખ ઉઘાડનારી બાબતો યુવાલે આપણી સમક્ષ મૂકે છે. તેણે આ બધી બાબતો પર ખૂબ વિચાર કર્યો છે અને તેની સાથેનો વર્તમાન સંદર્ભ તેણે જોડ્યો છે જેથી તેના વિચારોને સહેલાઈથી સમજી શકાય છે. અને એટલે જ યુવાલ એક ઠેકાણે ટાંકે છે : “પરિવર્તન હંમેશાં તનાવપૂર્ણ હોય છે, અને એકવીસમી સદીની આરંભે ભાગમભાગ ભરી દુનિયામાં તનાવની વિશ્વસ્તરીય મહામારીને જન્મ આપ્યો છે.” આ બધું જ તેઓ રોજગાર સંદર્ભે ચર્ચામાં જણાવે છે. આ રોજગારી કેવી રીતે મશીન આધારિત થઈ રહી છે તે વિશે પોતાનો અનુભવ જ યુવાલ લખે છે કે, “જ્યારે હું પુસ્તક પ્રકાશિત કરું છું ત્યાર પ્રકાશકો તેનો સંક્ષિપ્ત વિવરણ લખવાનો આગ્રહ કરે છે અને તેમાં એ પ્રકારના શબ્દોનો આગ્રહ રાખે છે જે શબ્દોને ગૂગલ અલ્ગોરિથમમાં વધુ મહત્ત્વ મળતું હોય. આ પ્રકારનું એલ્ગોરિથમથી આપણે મનુષ્યોની પરવા કરવાનું છોડી શકીએ છીએ.” આમ અનેક આશ્ચર્યકારક લાગે તેવી ઘટનાઓ, વિચારો અને માહિતીથી યુવાલ હરારીએ વર્તમાન દુનિયાનું એક ચિત્ર આલેખી આપ્યું છે. તેના પર ચાલીએ તો આપણે થોડા હળવા રહીએ અને દુનિયાને પણ હળવાશથી લઈ શકીએ.