દરેક સજીવ, ખાસ તો માણસ, પોતાના પગ પર ઊભો રહીને જીવે છે. એટલી જમીન તત્કાળ પૂરતી એની હોય છે. એમાં એ ઉપકારક કેન્દ્ર ઊભું કરે છે, ત્યાંથી એના હેતુ પ્રમાણેની ત્રિજયાઓ અને ત્રિજ્યાઓ પ્રમાણેનાં વર્તુળો રચાય છે. ત્રિજ્યા અને તેથી રચાયેલા કોઈપણ વર્તુળનું ચાલક-નિયામક બળ, હેતુ છે.
લગભગ એ જ પ્રમાણે, સર્જક સાહિત્યકાર પોતાના પગ પર ઊભો હોય છે. એ જો સાહિત્યશાસ્ત્રીઓની, ધંધાદારી વિવેચકોની કે અધકચરા અધ્યાપકોની મનઘડંત માન્યતાઓના ટેકે ઊભો હશે તો એક દિવસે ગબડી પડશે. કેમ કે એઓ બધા વ્યવસાયમજબૂર હોય છે ને એમની માન્યતાઓ માન્યતાઓ હોવાથી એમાંથી તેઓ ગમે ત્યારે ખસી જઈ શકે એવા યુક્તિબાજ હોય છે. ન તો તેઓ વિશ્વસનીય, ન તો એમની માન્યતાઓ.
સર્જકને કાખઘોડી ન પાલવે. પડી ગયા પછીયે એ જાતે ઊભો થઈ શકવો જોઈએ, થાક્યા પછીયે દોડી શકવો જોઈએ.
સર્જનને સર્જન સિવાયનો કોઈ હેતુ હોતો નથી. ઇમાન્યુએલ કાન્ટની વાતને સમજનારા સૌ સુજ્ઞો જણાવે છે કે સર્જનમાં તો હેતુ વિનાની હેતુતા હોય છે – પર્પઝલેસ પર્પઝિવનેસ.

વાહવાહીગ્રસ્ત.
Pic courtesy : Depositphotos
હેતુ કીર્તિનો હશે તો ત્રિજ્યા એટલી જ લંબાશે, વર્તુળ એટલું જ રચાશે. કીર્તિના બે પ્રકાર છે : એક પ્રકાર ચન્દ્રક ઇનામ ઍવૉર્ડનો છે અને બીજો સહૃદયોના આહ્લાદજન્ય સ્વીકાર અને આવકારનો છે.
પહેલો પ્રકાર રાજકારણથી રંજિત છે. એ માટેની શરત એ છે કે સર્જકને લાગવગ, લાગવગ-વિસ્તાર, જીહજૂરી અને શરણાગતિનાં લેખાંજોખાં આવડતાં હોવાં જોઈએ.
કીર્તિનો બીજો પ્રકાર સ્વયંભૂ છે, એ માટે સર્જકે કલા સરજ્યા પછી કંઈ જ કરવાપણું હોતું નથી.
કાલિદાસ શેક્સપીયર રવીન્દ્રનાથ કાફ્કા કે ગોવર્ધનરામ લખતા થયા તે દિવસે મહાન ન્હૉતા, કાળક્રમે વધતા રહેલા સહૃદયસ્વીકારે એમને મહાન ઠેરવ્યા છે.
રવીન્દ્રનાથને નોબેલ અપાયું ત્યારે કેટલાક લોકો એમને અભિનન્દન આપવા ગયેલા પણ એમણે બારણાં બંધ કરી દીધેલાં. કેમ કે એ લોકો સહૃદય ન્હૉતા, લાગ જોઈને વાહવાહી કરનારા તકવાદી હતા, રવીન્દ્રસૃષ્ટિમાં કદી પ્રવેશ્યા જ ન્હૉતા.
દરેક સાહિત્યકારે જાતને પૂછી લેવું કે – હું સહૃદયોથી વીંટળાયેલો છું કે તકવાદીઓની વાહવાહીથી ગ્રસ્ત છું.
(September 29, 2022 : USA
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


ગયા અઠવાડિયે બે ઘટના બની. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલાક મોહન ભાગવત દિલ્હીમાં મસ્જિદ અને મદરસાની મુલાકાતે ગયા અને ત્યાં તેમણે મૌલવીઓ સાથે તેમ જ બાળકો સાથે વાતો કરી હતી. તેમણે મુસલમાનોને કહ્યું હતું કે ભારતમાં વસતા દરેક જણ હિંદુ છે જ એટલે હિંદુ બનવા માટે કોઈએ ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી. મુસલમાનો સાથે કોઈ પ્રકારનો ભેદભાવ કરવામાં નહીં આવે. એ પછી તેઓ પાંચ મુસ્લિમ મહાનુભાવોને મળ્યા હતા અને તેમને કહ્યું હતું કે હિન્દુત્વ એક સર્વસમાવેશક વિચારધારા છે, જેમાં દેશમાં વસતા દરેક પ્રજાસમૂહને સમાન દરજ્જો અને સમાન અવસર આપવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતનું બંધારણ સંઘ માટે પવિત્ર ગ્રન્થ છે અને સંઘ તેમાં કોઈ પરિવર્તન કરવા ઈચ્છતો નથી. તેમણે વળી એમ પણ કહ્યું હતું કે જે દેશમાં સંપ ન હોય અને વિખવાદ હોય એ દેશ આગળ ન વધી શકે.