કથુઆ-ઉન્નાવના દુષ્કર્મના આરોપીઓને સત્તાધારી પક્ષે ખૂબ છાવર્યા છે ….
દેવીઓને પૂજતાં આપણા ભારતવર્ષમાં ૨૦૧૬ના એક વર્ષમાં, બળાત્કારના ૩૮,૯૪૭ એટલે કે દર કલાકે ૩૯ ગુના નોંધાયા હતા, એમ સરકારની ખુદની એજન્સી નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરો (એન.સી.આર.બી.)ના આંકડા જણાવે છે.
આ જુમલામાં આવતાં વર્ષોમાં કથુઆ અને ઉન્નાવની પીડિતાઓ ઉમેરાશે. પણ આ બે પરનાં દુષ્કૃત્યો તેમની પહેલાંનાં દુષ્કૃત્યો કરતાં વધુ શરમજનક રીતે યાદ રહેશે. માત્ર એટલા માટે નહીં કે આ બંને કિસ્સામાં હેવાનોની ધરપકડમાં વિલંબ થયો. માત્ર એટલા પણ માટે પણ નહીં કે જે દિવસે કૉમનવેલ્થ રમતોમાં મહિલા શૂટર મનુ ભાકેરને ચન્દ્રક મળ્યો એ દિવસે ઉન્નાવની પીડિતાએ ન્યાય મેળવવા માટે મુખ્ય મંત્રી આદિત્યનાથનાં નિવાસસ્થાન સામે આત્મવિલોપન કરવા પ્રયત્ન કર્યો હતો. (બાય ધ વે, સુવર્ણ ચન્દ્રક વિજેતા મહિલા વેઇટ લિફ્ટર પૂનમ યાદવ પર તેની સિદ્ધિ પછીનાં જ અઠવાડિયે વડા પ્રધાનના પવિત્ર મતવિસ્તાર વારાણસીમાં હુમલો થયો હતો). કથુઆ-ઉન્નાવ શરમજનક રીતે યાદ રહેશે, માત્ર એટલા માટે પણ નહીં કે ઑસ્ટ્રેલિયામાં ભારતનાં મહિલા ખેલાડીઓના ચન્દ્રકોની સંખ્યા વધતી જતી હતી, અને બીજી બાજુ બે પીડિતાઓની યાતનાઓની માહિતી વધતી જતી હતી, દેશભરની મહિલાઓનો આક્રોશ. ઘરઆંગણે પીડા હતી, પરદેશમાં ભારત પર પસ્તાળ હતી અને મોદી સાહેબ સ્વીડન જવાની તૈયારીમાં હતા. ખૂબ દુ:ખી મહિલાઓના દેશના વડા દુનિયાના એક સહુથી સુખી દેશની રાજદ્વારી મુલાકાતે ગયા.
કથુઆની બાળકી અને ઊન્નાવની યુવતી પરના જુલમો સહુથી વધુ શરમજનક રીતે યાદ એટલા માટે રહેશે કે આ વખતે સમાજનો એક હિસ્સો હેવાનોની તરફેણ જ નહીં બચાવ કરી રહ્યો છે, અને તે પ્રક્રિયામાં પોતે વૈચારિક રીતે હેવાનોની હરોળમાં મૂકાવાની તૈયારીમાં છે. આવા લોકો માટે અંગ્રેજીમાં ‘અનસિવિલાઇઝડ’ શબ્દ વપરાય છે. માણસાઈના સંસ્કાર ખુદ પર ન પડવા દીધેલા, દોંગા, નાલાયક લોકો. આ બધાં કોઈ પછાત પંથકના રહીશો નથી. તેઓ જગદગુરુ બનવા જઈ રહેલા પ્રગતિશીલ દેશના નાગરિકો છે. તેમાં મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, સરકારી કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ, વકીલો, લેખકો, પત્રકારો, વિદ્યાર્થીઓ, યુવકો, બિઝનેસપર્સન્સ અને કંઈ કેટલા ય વર્ગના માણસો છે. તેમનો વાસ સર્વત્ર છે – ઑફિસો, દુકાનો, દીવાનખાના, સોસાયટીઓ, ટેલિવિઝનના પડદા. છેલ્લે ક્યાં ય નહીં તો આ લોકો ફેઇસબુક, વૉટસએપ કે ટ્વિટર પર તો મળી જાય છે. આ લોકો કુકર્મનો બચાવ વૈચારિક, રાજકીય, કાનૂની, સામુદાયિક એમ શક્ય તમામ રીતે કરી રહ્યા છે. એ બચાવનો એક મોરચે છે ધર્મઝનૂન; અને બીજા મોરચે ધર્મઝનૂનને આધારે સત્તા મેળવનાર, ટકાવનાર અને વધારનાર ભા.જ.પ..
કથુઆકાંડની બાબતમાં બચાવકારોની બેહૂદી દલીલ એ મતલબની છે કે હિન્દુ રાષ્ટ્રમાં એક મુસ્લિમ કન્યા પર બળાત્કાર થાય ત્યારે હોબાળો મચે છે, જ્યારે હિન્દુ મહિલાઓ પર થતા અત્યાચારો અંગે મૌન સેવવામાં આવે છે. બોકો હરામ કે આઇ.એસ. આ જ કરે છે, સીરિયા અને પૅલેસ્ટાઇનમાં આવું જ ચાલે છે, એટલા માટે કાશ્મીરમાં પણ અત્યાચાર વાજબી છે. હિન્દુ એકતા મંચ કથુઆની તપાસમાં વિરોધ-અવરોધ ઊભા કરે તે ન્યાયપૂર્ણ છે એ ખ્યાલ ખૂની કક્ષાનો છે. મંચ મુખ્યત્વે ભા.જ.પ.ના મંત્રીઓ અને વકીલોનો (અનેક કેટલાક કૉન્ગ્રેસ અને પૅન્થર પક્ષના સભ્યોનો) બનેલો છે. આરોપીઓને બચાવવાની તેની કોશિશો પાછળ મુસ્લિમ બકેરવાલ માલધારીઓને જંગલની (કે ચરિયાણની) પેઢીઓ જૂની જમીન પરથી હાંકી કાઢવાનો કારસો હોવાનું તારણ ખુદ પોલીસે આ કેસની ચાર્જશીટમાં આપ્યું છે.
યાદ રહે કે દુનિયાની દરેક પીડિતા એ જીવંત હસ્તી છે અને ભારતની પીડિતા આ દેશની નાગરિક છે. તેને કપડાં, વાન, ધંધો, ભાષા, પ્રદેશ કે ધર્મ જેવાં ખાનામાં વહેંચવી એ નરી જડતા છે. છતાં પણ આમ કરનારાનો એક નોંધપાત્ર વર્ગ છે. એટલા માટે, દલીલ ખાતર, સવાલ ઊભો કરી શકાય કે હિન્દુ રાષ્ટ્રની મહાત્ત્વાકાંક્ષા સેવનાર પક્ષની સરકારે હિન્દુ મહિલાઓ માટે શું કર્યું ? તેના ચાર વર્ષમાં મહિલાઓ પરના અનેક પ્રકારના અત્યાચારોમાં કોઈ નોંધપાત્ર ઘટાડો નોંધાયો નથી. ઉન્નાવની યુવતી રજપૂત છે. પડદા પરના ‘પદ્માવત’માં નારીઅપમાન માટે હિંસાચાર આચરનારા કરણી સેના જેવાં ટોળાં નારી પરના વાસ્તવિક જુલમ સામે સાવ ચૂપ છે. કચ્છના નાલિયાની પીડિતા મુસ્લિમ નથી, કયા હિન્દુત્વવાદી સંગઠનો એની વહારે ધાયા ? નાલિયા કેસમાં સરકારે બબ્બે વખત જાહેરખબર આપ્યા પછી પણ કોઈ હિન્દુ જૂથ બોલવા માટે તૈયાર થયું નથી. પાટણકાંડ વખતે ક્યાં હતા આ આવાં સંગઠનો ? આસારામ પરના બળાત્કારના કેસની તપાસ બહુ ધીમી ગતિએ કરવા માટે પંદર દિવસ પહેલાં જ સર્વોચ્ચ અદાલતે ગુજરાત પોલીસની ઝાટકણી કાઢી છે.
ગુજરાતમાં બાવીસ વર્ષથી ભા.જ.પ. સરકાર છે. બળાત્કારના નોંધાયેલા ગુનાઓનો આંકડો ૧૯૧૫ માં ૫૦૩ હતો તે વધીને પછીનાં વર્ષે ૯૮૬ થયો છે. દિલ્હીની નિર્ભયાના કેસમાં એવાં કેટલા ય હિન્દુઓ હતા જે શબ્દફેરે કહેતા હતા ‘એણે સાચવવા જેવું હતું’, કે છેક છેડે જઈને માનતા હતા ‘રાત્રે ભાઈબંધો સાથે ફરનારીઓ આ જ લાગની હોય છે’. હરયાણાની રુચિકા ગેહેરોત્રા કે મણિપુરનાં મનોરમા, તે પહેલાંના વર્ષોમાં મહારાષ્ટ્રની મથુરા કે રાજસ્થાનનાં ભંવરી દેવી જેવી હિન્દુ પીડિતાઓ તો જાણે આ કોમવાદી સંગઠનો માટે અસ્તિત્વમાં જ ન હતી. જો કે ડૉ. આંબેડકરે ઘડેલા અને મહિલાઓને અનેક અધિકાર આપનારા ‘હિન્દુ કોડ બિલ’નો રાષ્ટીય સ્વયંસેવક સંઘે ૧૯૪૮ના અરસામાં વિરોધ કરેલો. અભ્યાસ બતાવી શકે કે મહિલાઓ પર અન્યાયના વિરોધમાં નારાબાજ હિન્દુ કે ફતવાબાજ મુસ્લિમ સાંપ્રદાયિક સંગઠનોની કોઈ જ નોંધપાત્ર ભૂમિકા રહી નથી. તાજેતરમાં ટ્રિપલ તલાક કે મહિલાઓ માટે મંદિરપ્રવેશ પર પ્રતિબંધ સામેની ચળવળોમાં આ આપણે જોયું છે. એ પણ ધ્યાનમાં આવવું જોઈએ કે આ બધા કિસ્સામાં ન્યાય માટે સરકાર પર દબાણ લાવનાર છે નિસબત ધરાવનાર લોકોના બનેલા સમૂહો જેમાં કર્મશીલો, લેખકો, કલાકારો, ધારાશાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રીઓ, એન.જી.ઓ., સંવેદનશીલ જનસામાન્યો, વિદ્યાર્થીઓ જેવાં અનેકનો સમાવેશ થાય છે. એને નાગરિક સમાજ તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ગ જેટલો મૂલ્યનિષ્ઠ અને મજબૂત તેટલી લોકશાહી તંદુરસ્ત. કથુઆની બાળકીના પરિવાર માટે લડનાર મહિલા વકીલ અને પોલીસ અધિકારીઓ નાગરિક સમાજનો હિસ્સો છે.
નાગરિક સમાજ જાણે છે કે સત્તાધારી ભા.જ.પ. હવસખોરોનો અને તેમના બચાવકારોનો ટેકેદાર છે. આ પક્ષે બળાત્કારના આરોપી ધારાસભ્યને છ મહિનાથી વધુ સમય છાવર્યો. તે પીડિતાના ફરિયાદી પિતાના મોતનું કારણ બન્યો. એ પછી પણ પક્ષ કે આદિત્યનાથના પેટનું પાણી ન હાલ્યું. આખરે અલ્હાહબાદની વડી અદાલતના હસ્તક્ષેપથી ધરપકડ થઈ. કથુઆના આરોપીઓના ટેકામાં કાશ્મીરના વકીલોના એક વર્ગે તપાસ અને કાનૂની કાર્યવાહીમાં આડખીલી કરવા માટે હડતાળ સહિતના રસ્તા અપનાવ્યા. તેની સર્વોચ્ચ આદાલતે સુઓ મોટો નોંધ લીધી. બાળકી પર જઘન્ય જુલમની સામેની કાર્યવાહીના વિરોધમાં કાશ્મીરમાં પી.ડી.પી. સાથેનાં ગઠબંધનની સરકારમાંથી ભા.જ.પ.ના બે મંત્રીઓએ રાજીનામાં આપ્યાં. પક્ષે તેમને કશું ન કર્યું.
નરેન્દ્ર મોદીનું નિંભર મૌન દસેક દિવસે તેરમી તારીખે સાવ મોળી અને ફિસ્સી રીતે તૂટ્યું. વળી ભા.જ.પ.ના સભ્ય એવા કોઈ પણ આરોપી અંગે તેમણે કંઈ જ નક્કર ન કહ્યું. પછી હમણાં બુધવારે લંડનમાં તેઓશ્રી એ મતલબનું બોલ્યા, ‘રેપ ઇઝ રેપ, નો પૉલિટિક્સ ઓવર ઇટ !’
+++++++
૧૯ એપ્રિલ ૨૦૧૮
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 20 અૅપ્રિલ 2018