દયારામનો કવિ તરીકેનો વિશેષ પરિચય મેળવવા માગનારે હું જેને ચોથા વર્તુળની રચનાઓ કહું છું એ પણ જોવી જોઇએ.
એ વર્તુળની મોટા ભાગની રચનાઓ, તુલનાએ દીર્ઘ છે. આ રચનાઓમાં, દયારામ મને આમ જ આપણી મધ્યકાલીન કાવ્ય-પરમ્પરા સાથે સંકળાયેલા દીસે છે. દાખલા તરીકે, એમણે શામળની જેમ વ્યવહારજ્ઞાનનો રોચક છતાં સીધો ઉપદેશ આપતી ‘વ્યવહારચાતુરી’ નામે એક દીર્ઘ રચના કરી છે.
‘શિક્ષા શાણાને’-નું ધ્રવ ઉદ્બોધન રાખીને એમાં એમણે કામના કેવી રાખવી જોઇએ, ત્યાંથી માંડીને સંગત, વાણી, મહેનત, સાખ, વિવેક, વેપાર-વ્યવહાર, ઉપકાર, ધૈર્ય, ક્લેશ, ગૃહસ્થાશ્રમ, વગેરે અનેક બાબતો અંગે શું કરવું ઘટે તે દર્શાવ્યું છે. અને, સાહસકર્મ ન કરીએ-થી માંડીને શું શું ન કરવું જોઇએ, તેની પણ સરસ શિક્ષા પીરસી છે. કહે છે : ‘જાર જુગારી તસ્કર વ્યસની વિશ્વાસે નવ રહેવું જી, વહેવારે વેપારે લજ્જા નવ ધરવી, સ્પષ્ટ કહેવું. શિક્ષા શાણાને૦’. કહે છે : ‘આપવખાણ, અવરની નિંદા, પરપત્નીશું હાસ્ય જી, અતિભાષણ, કટુ જીભ ચલાવ્યે મોટમપણનો નાશ. શિક્ષા શાણાને૦’. (જુઓ, “દયારામ–રસસુધા”, પૃ.૧૦૮-૧૧૨).
એમણે ‘શ્રીનાથજી’ અને ‘વ્રજમહિમા’ લખીને એક વૈષ્ણવ તરીકેના પુષ્ટિમાર્ગીય નિજત્વનું અચ્છું પ્રમાણ આપ્યું છે. (જુઓ, “દયારામ–રસસુધા”, પૃ.૧૧૮-૧૧૯ અને પૃ.૧૨૨-૧૨૬).
મધ્યકાળના એક પરમ્પરાગત કવિની જેમ એમણે તિથિઓ લખી છે, માસ લખ્યા છે, વાર લખ્યા છે.
દયારામે જાણે નિર્ણય કીધો છે – વિરહને બસ ગાઇ લેવો! એકથી વધુ રચનાઓમાં ઘૂંટાતો જોઇ શકાશે. એમાં નોંધપાત્ર છે, ૠતુવર્ણનની પદ્ધતિએ રાધાના વિરહને વિષય બનાવી રચેલું એક સુ-દીર્ઘ કાવ્ય, ‘ષડ્ૠતુવર્ણન’. વધારે નૉંધવા સરખું એ છે કે હરેક ૠતુની વાતના ઉપસંહાર રૂપે, એમાં, ભલે છૂટછાટ લઇને, શાર્દૂલવિક્રીડિત અને માલિની વૃત્તમાં શ્લોકો જોડ્યા છે. કહેવાય એમ કે દયારામની તો ‘ગરબી’! સાચું; પણ એમણે ‘મોહિની સ્વરૂપનો ગરબો’ નામે દીર્ઘ ગરબો રચ્યો છે. (જુઓ, “દયારામ–રસસુધા”, પૃ.૧૨૦-૧૨૨).
ક્યારેક જ્ઞાનમાર્ગીઓની રીતે ‘ઝઘડો લોચનમનનો’ જેવા લાક્ષણિક વિષયનો ય ગરબો લખ્યો છે. તો ભક્તિનો મહિમા કરવાને જ્ઞાનીજન વૈયાકરણીને તેમ જ પણ્ડિતને પણ ટપારી લીધો છે.
એમણે કૃષ્ણાવતારને લક્ષમાં રાખી દીર્ઘ પ્રસંગકાવ્ય કર્યું છે.
રાધાસૌન્દર્યને અને ગોપીવૃન્દને તેમ જ રાધાકૃષ્ણની એકતાને સંભારીને એકથી વધુ રચનાઓ કરી છે. તો ‘રાસનૃત્ય’ લખી જાણ્યું છે અને ‘ગરબે રમવાને’ જેવું માતબર ગરબા-નૃત્ય પણ આપ્યું છે.
… … …
દયારામે જાણે નિર્ણય કીધો છે – વિરહને બસ ગાઇ લેવો! એકથી વધુ રચનાઓમાં ઘૂંટાતો જોઇ શકાશે. એમાં નોંધપાત્ર છે, ૠતુવર્ણનની પદ્ધતિએ રાધાના વિરહને વિષય બનાવી રચેલું એક સુ-દીર્ઘ કાવ્ય, ‘ષડ્ૠતુવર્ણન’.
‘ષડ્ૠતુવિરહ’-ની દરેક ૠતુ રાધાને જુદી જુદી રીતે સતાવે છે. દરેકનો પ્રારમ્ભ જોઇએ : વર્ષાકાળે રાધા સખીઓને કહે છે : ‘… સૂણો સખી! લલિતાદિ વિશાખા! આવી વર્ષાથી મૃષા હવે અમર અભિલાષા. આ ૠતુમાં જ કરી પરી હરિ નંદકુમાર, તો શી હવે હણતાં મને પળ મારને વાર.’ શરદ વિશે : ‘વીતી વર્ષા, વૃષભાનુજા કહે : શરદ જો, આવી, નાથ હજી ન વળ્યા સખી! પાણિપત્રિકા ના’વી.’ હેમન્ત વિશે : હેમંત આવી, ના આવિયા હરિ, હિંમત ભાગી! અંગ અનંગઅગન તો પ્રતિરોમે જાગી!’ શિશિર માટે : ‘શિશિરૠતુ લખી શશીમુખી કહે, સખીશું વચન : કંજ પ્રજાળ્યાં જો હિમે, કામે તેમ મારું તન.’
વસન્ત આવતાં – ‘જો, વયસ્યા! વદે રાધિકા, ૠતુ આવી વસંત, સંયોગી સુખસાગરી, વિરહી દુ:ખદા અનંત.’
તો, ગ્રીષ્મ અંગે : ‘ગ્રીષ્મ વિષમ આવી અલી!, કહે પ્રભાવતીકન્યા : નાથ ના આવ્યા હજી, હશે એવડો મારો શો અન્યા?’
માર, એટલે કે કામદેવ, પોતાને હણીને રહેશે એવી દહેશત સાથે એ વર્ષાને અનુભવી રહી છે : ‘ગાન કરે પિકઅપ્સરા, દે દાદુર કરતાલ, સાજ અવર દ્વિજ જે વદે સૂણો, મદનભૂપાલ. છળવા મને સ્મર જો રચી એ અજા વિપરીત, પ્રિયતમવર્ણ વિયત્ કર્યું, જાણે ધનુપટ પીત! મુક્તમાલ બકપંક્તિ અભ્ર ગોછબિ લાવે, ચાતક ‘પિયુ! પિયુ!’ કહી સખી! મને પ્રતીત ઉપજાવે.’
શરદ અનુભવતાં કહે છે : ‘છીપ પપૈયા પોષિયા સ્વાતિજળધારે, હું તો નિરાશ હજી લગી! પતિ પોષશે ક્યારે? શૉક કોણ કરશે સખી! આજ ચૌદશ કાળી, મૂકી એને આવશે હવાં શીદ વ્રજવનમાળી?’
હેમન્ત આવતાં કહે છે : ‘કેમ કરું રે? કોને કહું? ક્યાં જાઉં રે સજની? કોટિ કલ્પ મોટી પલક તે કહાડું કેમ દિનરજની?’ આવા ઉપરાછાપરી પુછાયેલા પ્રશ્નો રાધાના વેદનામય વલવલાટને આકાર આપે છે. જો કે વાત આ સ્વરૂપે વકરી પણ છે : ‘વૃદ્ધિ પામી રે વિભાવરી, દુર્બળ થયો દિન; ચિંતા મુને, ચક્રવાકીને, યુગલો સુખપીન. મનસુત ભૂત ભમાવે છે, મન કાય કંપાવે, શીત લખી સખી! સમઝતી રખે પાવક લાવે!’
અને આ જુઓ, દયારામની પ્રાસરચના : ‘આજ કરું શું અંગીઠડી? દીઠડી નથી દેહ? અંતર આગ શું નીઠડી? પ્રભુ સાધ્યો શું નેહ?’ – એમ કહેતાં રાધા અચેતન થઇ જાય, વગેરે, અને એ પ્રકારે નિર્વહણ કર્યું છે.
શિશિરને જોતાં, રાધા સખીને કહે છે : ‘…. મલિન માલ્યમાલા થઇ, દૃષ્ટે અલિકર જોઇ.’ પછી કવિએ એના મુખમાં સુન્દર ઉપમા મૂકી છે : ‘ગંગાધારા આવી ઊર્ધ્વથી, શિવશિર રહી સમાઇ, તેમ દૃગધાર ઉરજ પડી, શમી, અગ્ર ન ધાઇ.’
વસન્તનાં સઘળાં આવિષ્કરણો એને કેવી કેવી પૅરે સતાવે છે! જુઓ : ‘ત્રિવિધ સમીર વૃંદાટવી પરભૃત કલ બોલે, લલિત સુમન મધુકણ સ્રવે હરિ વિણ ઉર છોલે … ચુઆચંદન પીચકારીઓ ચારુ કેસર રંગ, અબીલગુલાલ વિલોકતાં દાઝે ઊલટું અંગ. તાલ મૃદંગ ડફ ઝાંઝનો રવ કાળજું કાપે …’
પણ, ‘જો, કૃષ્ણકંથ હોય સંગ તો સહુ આનંદ આપે.’ એટલું જ નહીં, ‘આજ બંસીબટચૉકમાં હોય ધમારોની ધૂમ, યુગલયૂથ ચાચર મળે, થાય રૂમાઝૂમ.’ રચનામાં શાર્દૂલવિક્રીડિત અને માલિની વૃત્તનો વિનિયોગ સાભિપ્રાય દીસે છે.
… … …
‘પ્રાગટ્ય હરિનું ગાવાને મતિ માગું’ એવી પ્રાર્થના સાથે દયારામે કૃષ્ણાવતારની કથા પૂરા તાદાત્મ્યથી ગાઇ છે. પરીક્ષિતે શુકદેવને પૂછ્યું કે ‘કૃષ્ણ કેમ જનમ્યા રે તે મુજને કહો સ્વામી!’, તેના ઉત્તરમાં કહ્યું, ‘કારણ કહું છું રે પૃથ્વી પીડા પામી, ભાર વધ્યો બહુ રે …’ પછી તો સ્વયં ‘હરિએ જણાવ્યું રે ભૂમિનો ભાર હરીશું, પૂર્ણપુરુષોત્તમ રે વ્રજમંડળે અવતરીશું.’
આવી પ્રસ્તાવના કરીને કવિએ ‘ગર્ભ દેવકીનો રે આઠમો તારો વૅરી’ એ આકાશવાણીનો; ‘પ્રભુજી પધાર્યા રે દેવકીઉદર આનંદે’; ને તે કાજે બ્રહ્માદિએ શ્રુતિછંદે ગર્ભસ્તુતિ કીધી; વગેરે જરૂરી નિર્દેશો કરીને કૃષ્ણ-પ્રાગટ્યને સુન્દર શબ્દદેહ અર્પ્યો છે : ‘કૃષ્ણપક્ષમાં રે અષ્ટમી ને બુધવાર, નક્ષત્ર રોહિણી રે અર્ધનિશા ગઇ જ્યારે કળા સોળ પૂરણ રે શ્રીકૃષ્ણ પ્રગટ્યા ત્યારે.’ વીગતે વર્ણવતાં કહે છે : ‘અદ્ભુત બાળક રે કમળનયન સુખકારી; રૂપ ચતુર્ભુજ રે ગદાશંખચક્રધારી. પદ્મ પીતાંબર રે કિરીટ કુંડળ શોભે; શ્રીવત્સલક્ષ્મી રે ચિહ્ન કૌસ્તુભ મન લોભે. મેઘવર્ણ વપુ રે, કેશ શંકુ ચિત્ત રાજે, કંકણ કરમાં રે બાજુબંધ વિરાજે.’
પછી તો, ‘વ્રજ જાવાની વિધિ’ વ્હાલાજી પોતે જ બતાવે ને વસુદેવ નીકળી પડે – ‘લાલજીને લીધા રે, વસુદેવ ચાલ્યા હરખે; છત્ર કીધું શેષે રે, ઝરમર મેહુલો વરસે’ વગેરે ક્રમ સાચવીને કવિએ કંસે બાળકીને પછાડી તે સઘળો કથાદોર સાચવી લીધો છે.
પછી, વળાંક લેતાં કહ્યું છે, ‘એ જ કથા તો રે એટલે રહી એમ લહીએ; હાવાં ગોકુળમાં રે કેમ થયું તે કહીએ’. એમ કરી એમણે નંદયશોદાના અને ગોપીજનોના સુખાનંદ અને હર્ષ-કલ્લોલની વાત માંડી છે. સરસ પંક્તિઓ છે : ‘ગોપ સહુ આવ્યા રે ગોરસ સીકાં ભરીને; નંદ નવરાવ્યા રે પૂરણ પ્રેમ ધરીને, દધિહળધરનો રે કીચડ આંગણે શોહે.’
… … …
કૃષ્ણાવતારને અને કૃષ્ણનાં આકર્ષણ, કામણ, અને મોહિનીને પ્રકાર પ્રકારે કાવ્યત્વ અર્પતા કવિ રાધાના સૌન્દર્યને ન વર્ણવે તો જ નવાઇ. ‘રૂપાળી રાધા!’ એમ પ્રારમ્ભે જ સમ્બોધન કરીને અને એને ધ્રુવ લહેકો બનાવીને રાધાસૌન્દર્યને ગાયું છે.
કહે છે, ‘રૂપાળી રાધા! તારું તન રે સુન્દરતાનું ભર્યું છે’. પણ એવું સપાટ વિધાન કરી લીધા પછી રાધાના સૌન્દર્યથી જન્મેલા અચરજભાવને વાચા આપવાને કવિએ રચનામાં સર્વત્ર ‘વિના’-નો પ્રયોગ કર્યો છે. જેમ કે, ‘વિના અંજન દીસે આંખલડી આંજી રે સલૂણી શ્યામા !; ‘વિના સુગંધ બ્હેકે શ્રીઅંગ તારું રે સલૂણી શ્યામા !’, ‘રંગવિના રક્ત દશનવસન …’, ‘વિના સકળ ગુણરૂપનિધાન રે અનુપમ …’, ‘વિના અંગરંગ દીસે કનકલતાશું …’, ‘વિના મહાવર ચરણ અરુણ રે … છેલ્લે, ઉમેરે છે કે, ‘… વિશ્વનો મોહન રે સલૂણી શ્યામા ! તે મોહ્યોમોહ્યો’, જે પાછો, છે તો, ‘મદનગોપાળ રે !’
‘રૂપાળી રાધા’-ની જેમ પ્રત્યેક કડીને છેડે ‘રે’-થી જોડાતું ‘સલૂણી શ્યામા’-નું પુનરાવર્તન પણ રચનાની ગેયતાને સાર્થક ઠેરવે છે. આ રાધાનું ‘એક સમે વ્રજકન્યકા મારા રાજ! હોજી રે શ્રીરાધાજી છે માંહે કે હું બલિહારી રે મારા રાજ !’ – કરીને દયારામે ભારે ઊલટથી ‘મિથ્યાલગ્ન’ પણ રચ્યું છે, ગાયું છે. (જુઓ, “દયારામ–રસસુધા”, પૃ.૧૧૪-૧૧૫). ત્યાં પણ, ‘કે હું બલિહારી રે મારા રાજ!’-એ ધ્રુવ પદથી રચનાની ગેયતાને પ્રમાણીએ તો કવિની અનોખી કાવ્ય-સંગીતિનો ખાસ્સો અંદાજ આવે છે.
… … …
કૃષ્ણ અને રાધાનું સૌન્દર્યગાન કરનાર ભક્ત-કવિ ગોપીઓને તો શી રીતે વીસરી શકે? ‘ગોપીજનવૃંદ’ રચનામાં એમણે ‘એ અષ્ટોત્તરશત શ્રીગોપીજન નિર્મળ નામ’-નું માત્ર સ્મૃતિગાન કર્યું લીધું છે અને એમ ગોપીજનોના, એટલે કે અન્ય ભક્તજનોના, નામસ્મરણનો મહિમા ગાયો છે.
… … …
મારા સતતના અભ્યાસથી આ વાત મનમાં સ્પષ્ટ વસી છે કે દયારામ વાંચવા કે પાઠ કરવા માટેના જ નહીં, પરન્તુ મુખ્યત્વે તો ગાવા માટેના કવિ છે, ઉમેરું કે, નાચવા માટેના કવિ છે. ગાયન-વાદન-નર્તન વિના બધું સૂકું, અલૂણું અને અધૂરું દીસે છે. સંગીતિ એમની કાવ્યસૃષ્ટિનું મુખ્ય રસાયણ છે. એટલે હું એને ‘કાવ્યસંગીતિ’ શબ્દથી ઓળખાવવાનું વધારે પસંદ કરું છું.
આ કૃષ્ણભક્ત કવિની સમગ્ર કવિતા વાંસલડીની કવિતા છે, એટલે કે, ગાઇ-વજાડીને માણવાની ચીજ છે. આ મેં કહ્યું હતું અને આજે પણ માનું છું. ત્રિભુવનમોહન કૃષ્ણ વેણુ વાય છે અને તલ્લીન ગોપી નર્તે છે. અને એ સ્તો આ સમગ્ર રસવિશ્વનું પરમ દૃશ્ય છે!
(ક્રમશ:)
(27/08/24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર