સૂમસામ છે બધુંયે, ગુમનામ છે બધુંયે,
કોઈ નથી જણાતું, સરિયામ છે બધુંયે.
કેવી રીતે કહું કે આરામ છે અમારે,
રસ્તા ઉપર શ્રમિકો, બદનામ છે બધુંયે.
રોજી ઉપર જીવે જે, એણે હવે શું કરવું,
ક્યાં જૈને ભૂખ ભાંગે, ક્યાં કામ છે બધુંયે.
બે ટંક રોટલાના માટે રહ્યાં ઝઝૂમી,
બે છોકરાંની સાથે, પરગામ છે બધુંયે.
પરપ્રાંતથી હું આવ્યો, આ પેટ ઘરનું ભરવા,
એવું બન્યું કે ખાલી આ ઠામ છે બધુંયે.
સૌને મળે છે ખાવા, અમને ન મળતું ન્હાવા,
અમને તો એમ લાગે, બેફામ છે બધુંયે.
બે હાથ જોડી કહું છું, વ્હારે અમારી આવો,
માતૃભૂમિ બતાવો, જ્યાં નામ છે બધુંયે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 08 મે 2020