સચરાચરમાં વ્યાપ્ત છતાં
ઘર-ગલી-ગામ-શહેર,
પાદર-સીમ-સીમાડે
ઈશ્વરનું અસ્તિત્વ !
અલગ અલગ કેમ ?
અણુ-પરમાણુ, રસ-વાઇરસમાં વ્યાપ્ત
છતાં હાજરી- ગેરહાજરીની
અસમંજસતા કેમ?
દેવાલયો ઊગ્યાં બિલાડીના ટોપ જેમ
ચૉરેચૌટે તો ય કેમ આજે
દ્વાર તો ઠીક, બારીઓ પણ બંધ છે !
એમણે રોક્યો'તો
બંધારણસભામાં જતાં
અમારા એ ભડવીર ઈશ્વરને,
આજે તમારો ઈશ્વર-તરણેશ્વર
અટવાઈ પડ્યો છે મંદિરના ગર્ભગૃહમાં
કોરોના પ્રતાપે સ્તો !
કોઈક કવિ કહી બેઠો કે
ઈશ્વરની બૂરી નજર લાગી
આખાયે વિશ્વ પર
તે કોરોના ઊતરી આવ્યો પૃથ્વી પર !
અને તેથી જ એ ઈશ્વર
બેઅસર રહ્યો
જે નિત કહેતો'તો
'સંભવામિ યુગે યુગે'!
લજવાયો છે, ઝંખવાયો છે
નશ્વરનો ઉદ્ધારક
અનામી-બહુનામી અદૃશ્ય ઈશ્વર !
શોધો જડે તો કોઈ
શોધો … શોધો .. શોધો
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 27 મે 2020
![]()


કોરોના સામે દુનિયાભરની સરકારોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. તે કેટલી અસરકારક છે અથવા નથી, તેના કેટલાક પરિણામો પણ સામે આવવા લાગ્યાં છે. ભારતમાં લૉક ડાઉનની તકલીફો સાથે હજારો સ્થળાંતરિત મજૂરોની આપદા જોવા મળી, જે હજુ ચાલુ છે. દુનિયાભરના અભ્યાસો દર્શાવે છે કે મહિલાઓ પર હિંસાનું પ્રમાણ વધ્યું છે, બજાર અને અર્થતંત્રો આવતા બે-ત્રણ વર્ષમાં બેઠા થશે કે નહીં તેને અંગે અટકળો ચાલી રહી છે. તો બીજી તરફ આરોગ્ય ક્ષેત્રે પણ સરકારની તૈયારીઓમાં ગંભીર ઊણપો સામે આવી રહી છે. લૉક ડાઉનનો એક હેતુ એ પણ હતો કે લોકો પોતાની પ્રવૃત્તિઓ ઓછી કરે અથવા બંધ કરે, ત્યારે સરકાર જાહેર સ્વાસ્થ્ય અને આરોગ્ય સેવાઓ અસરકારક બનાવવામાં પોતાની શક્તિ લગાવે. પણ તેમાં કેટલાક અપવાદો બાદ કરતાં કેન્દ્ર અને મોટા ભાગની રાજ્ય સરકારો પૂરતી ગંભીરતા સાથે આ અંગે કામ કરતી હોય તેવું લાગતું નથી. આ ઉપરાંત કેટલીક ઘટનાઓ એટલી ઝડપી બની રહી છે કે, ભય અને અનિશ્ચિતતાનાં આ વાતાવરણમાં આપણું પૂરતું ધ્યાન તે તરફ જતું નથી. તેમાંનો એક મહત્ત્વનો મુદ્દો છે પર્યાવરણ અને તેને લગતી નીતિમાં ફેરફારની હિલચાલ.