સચરાચરમાં વ્યાપ્ત છતાં
ઘર-ગલી-ગામ-શહેર,
પાદર-સીમ-સીમાડે
ઈશ્વરનું અસ્તિત્વ !
અલગ અલગ કેમ ?
અણુ-પરમાણુ, રસ-વાઇરસમાં વ્યાપ્ત
છતાં હાજરી- ગેરહાજરીની
અસમંજસતા કેમ?
દેવાલયો ઊગ્યાં બિલાડીના ટોપ જેમ
ચૉરેચૌટે તો ય કેમ આજે
દ્વાર તો ઠીક, બારીઓ પણ બંધ છે !
એમણે રોક્યો'તો
બંધારણસભામાં જતાં
અમારા એ ભડવીર ઈશ્વરને,
આજે તમારો ઈશ્વર-તરણેશ્વર
અટવાઈ પડ્યો છે મંદિરના ગર્ભગૃહમાં
કોરોના પ્રતાપે સ્તો !
કોઈક કવિ કહી બેઠો કે
ઈશ્વરની બૂરી નજર લાગી
આખાયે વિશ્વ પર
તે કોરોના ઊતરી આવ્યો પૃથ્વી પર !
અને તેથી જ એ ઈશ્વર
બેઅસર રહ્યો
જે નિત કહેતો'તો
'સંભવામિ યુગે યુગે'!
લજવાયો છે, ઝંખવાયો છે
નશ્વરનો ઉદ્ધારક
અનામી-બહુનામી અદૃશ્ય ઈશ્વર !
શોધો જડે તો કોઈ
શોધો … શોધો .. શોધો
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 27 મે 2020