૧૯મી જૂન ૨૦૨૦ની રાત્રિના સવા નવના સુમારે તમિલનાડુના તુતીકોરિનના સથાનકુલ પોલીસ થાણાના પોલીસકર્મીઓની નજરે એક ખુલ્લી મોબાઇલ શોપ પડી. કોરોનાને કારણે દેશ આખામાં રાતના ૯થી સવારના ૫ સુધી રાત્રિકરફ્યૂનો હુકમ હતો. કરફ્યૂનો સમય શરૂ થવાને પંદરેક મિનિટ જ થઈ હતી. ૫૯ વરસના પિતા જયરાજ અને તેમના ૩૧ વરસના પુત્ર બેનિક્સ દુકાન બંધ જ કરી રહ્યા હતા. પણ પોલીસ કરફ્યૂમાં દુકાન ચાલુ રાખવાના ગુના સબબ તેમની ધરપકડ કરીને પોલીસ થાણે લઈ ગઈ. દુકાનદાર પાસે ખંડણી માગતી પોલીસ રાત આખી બાપ-બેટાને સતત નિષ્ઠુરતાથી મારતી રહી. આ માર એટલો જીવલેણ અને નિર્દયી હતો કે બે જ દિવસમાં બાર-બાર કલાકના અંતરે બંનેનાં મોત થયાં.
મામલો કસ્ટોડિયલ ડેથ કહેતાં પોલીસના કબજામાં રહેલા આરોપીઓને, પોલીસના હિંસક મારથી થયેલાં મોતનો હતો. એટલે આખા રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. રાજ્યની વડી અદાલતે ન્યાયિક તપાસના આદેશ આપ્યા, તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના અધ્યક્ષપદ હેઠળનું જે ન્યાયિક તપાસ દળ તપાસ માટે તુતીકોરિનના પોલીસથાણે ગયું, તેને આરોપી પોલીસે સહકાર ન આપ્યો. ઉપરથી તેમને ધમકાવીને ભગાડી મૂક્યા. રાજ્ય સરકારે આ કેસની તપાસ સી.બી.આઇ.ને સોંપી છે અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે હત્યા અને હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ કેસ નોંધાયો છે.
મૂળે તેલંગણાના અને ઘરેઘરે ફરીને, ચાદરો-રૂમાલ વેચી પેટિયું રળતા ૬૦ વરસના શેખ બાબુ નિસાર ૨૦૧૯ની ૧૦મી ડિસેમ્બરે સાંજે વડોદરાના નવાયાર્ડ વિસ્તારના ફૂલવાડી ચોક પાસેથી સાઈકલ પર જઈ રહ્યા હતા ત્યારે ચોરીના શકમંદ તરીકે ફતેગંજ પોલીસના સર્વેલન્સ સ્ટાફે તેમની ધરપકડ કરી. ચોરીનો ગુનો કબૂલાવવા પોલીસે તેમને આખી રાત એ હદે માર્યા કે પોલીસમથકે જ તેમનું મોત થઈ ગયું. તે પછી પોલીસોએ મળીને તેમની લાશને સગેવગે કરી નાખી અને સમગ્ર બનાવને ઢાંકી દીધો. જમાઈ ઈબ્રાહિમ ખાને સસરાના ગુમ થવાની પોલીસ અને હાઇ કોર્ટમાં ફરિયાદ કરતાં છ મહિના સુધી તપાસ ચાલી અને અંતે પી.આઇ., પી.એસ.આઇ. સહિતના છ પોલીસકર્મીઓ દોષિત જણાતાં જુલાઈ ૨૦૨૦માં પોલીસ ફરિયાદ દાખલ થઈ.
અમાનુષી પરંપરા
પોલીસનો હિંસ્ર ચહેરો ઉજાગર કરતા કસ્ટોડિયલ ડેથના આ બનાવો પહેલા નથી અને કદાચ છેલ્લા પણ નહીં હોય. આશરે ૩૦ વરસ પહેલાંના કસ્ટોડિયલ ડેથના કેસમાં ગુજરાતના પૂર્વ આઈ.પી.એસ. અફસર સંજીવ ભટ્ટને આજીવન કારાવાસની સજા થઈ તે એક અપવાદ છે. પોલીસ અને ન્યાયિક કસ્ટડીમાં આરોપી કે સંદિગ્ધ આરોપીના મોત બદલ ભાગ્યે જ કોઈને સજા થઈ છે કે ન્યાય મળ્યો છે. ૨૦૧૯ના જુલાઈમાં રાજ્યસભા પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રના ગૃહ વિભાગે જણાવ્યું હતું કે ૨૦૧૬, ૨૦૧૭ અને ૨૦૧૮નાં ત્રણ વરસોમાં દેશમાં ૪,૪૭૬ કેદી-મૃત્યુના બનાવો બન્યા હતા.
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ૨૦૧૮માં ૧,૬૮૦ કસ્ટોડિયલ ડેથ થયાંનું નોંધ્યું છે, જેમાં ૩૬૫ કેદી-મૃત્યુ સાથે ઉત્તરપ્રદેશ મોખરે છે. ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચના આંકડા ચકાસતાં જણાય છે કે છેલ્લા નવ વરસમાં ગુજરાતમાં ૫૨૭ કસ્ટોડિયલ ડેથ થયાં છે. દેશમાં રોજના સરેરાશ ચારથી પાંચ અને યુ.પી.માં રોજ એક કસ્ટોડિયલ ડેથ થાય છે. કસ્ટોડિયલ ડેથના આ આંકડા દર્શાવે છે કે દેશમાં નક્સલી અને આતંકી હિંસામાં થતાં મોત કરતાં પોલીસની યાતનાથી થતાં મોત ઘણાં વધારે છે. પરંતુ આવી હત્યાઓ પોલીસ સ્ટેશનમાં કે જેલમાં બને છે અને તેના સાક્ષી માત્ર પોલીસ જ હોય છે. એટલે પુરાવાની અદાલતોમાં ભાગ્યે જ તે પુરવાર કરી દોષિતોને સજા અપાવી શકાય છે.
કાર્યપદ્ધતિનું પરિણામ
પોલીસ ગુનાની તપાસ નહીં, પણ ગુનાની કબૂલાત માટે આરોપી પર થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરે છે. પોલીસ આરોપીને જાતભાતની રીતરસમો અપનાવીને અમાનવીય માર મારે છે. આ પ્રકારના માર, યાતના, હિંસા અને દુરાચરણથી પોલીસ ગુનો કબૂલાવે છે. આવી ઘોર યાતનાથી થતાં મોતને કસ્ટોડિયલ ડેથ કહેવાય છે.
પોલીસ થાણામાં કે જેલમાં થયેલાં મોત ઉપરાંત પોલીસની યાતનાઓ અને મારથી પંગુ બની ગયેલા અને પછીથી મૃત્યુ પામનારને કેદી-મૃત્યુનું ‘માન’ પણ મળતું નથી. પોલીસ વગર વોરંટે સંદિગ્ધ અપરાધીની તપાસ કરી શકે છે, તેનો ફાયદો ઉઠાવી કથિત આરોપીઓ સાથે પણ અમાનવીય વર્તન કરે છે. ગુનેગારને પકડવા, દબાણ આણવા તેનાં પત્ની, બાળકો કે મા, બાપ, ભાઈ, બહેન જેવાં કુટુંબીજનોને પકડીને પોલીસ યાતના આપે છે. ગુનેગારને ન મારવા પોલીસ લાંચ માંગે છે. ગરીબ-લાચાર લોકો પોલીસની આવી માગ સંતોષી શકતાં નથી. એટલે કસ્ટોડિયલ ડેથનો ભોગ મોટે ભાગે દલિત, આદિવાસી, પછાત, લઘુમતી ગરીબો જ બને છે. ખેડૂત અને કામદાર સંઘર્ષના નેતાઓ, સરકારી નીતિઓ અને શોષણના વિરોધી કે લોક આંદોલનો સાથે જોડાયેલા કર્મશીલોને પણ પોલીસ એક યા બીજા કેસમાં પકડીને યાતના આપે છે. તેમના સંઘર્ષને નબળો પાડવા તેમને જૂઠા કેસોમાં ફસાવે છે કે ક્યારેક મારી પણ નાખે છે. નકસલી હિંસાના નામે સોની સોરી અને સીમા આઝાદ સાથેનું પોલીસનું વર્તન દુરાચરણની તમામ સીમાઓ ઓળંગી જ ગયું હતું ને ?
માનવ અધિકારના છડેચોક ભંગ જેવા કસ્ટોડિયલ ડેથના અનેક બનાવો અવારનવાર જાણવા- વાંચવા મળે છે. હાલના તુતીકોરિન-કાંડ જેવો જ બનાવ ગયા વરસે બન્યો હતો. ઉત્તર પ્રદેશના હાપુડ વિસ્તારના પિલખુઆ પોલીસ થાણા હસ્તકના લાખન ગામે એક સ્ત્રીની લાશ મળી. પોલીસે આ ખૂનના સંદિગ્ધ અપરાધી તરીકે નણદોઈ પ્રદીપ તોમર(ઉમર ૩૫ વરસ)ને પોલીસથાણે તપાસ માટે બોલાવ્યા. પોતાના ૧૧ વરસના પુત્ર સાથે થાણે ગયેલા પ્રદીપને ગુનાની તપાસ દરમિયાન પોલીસ સતત માર મારતી હતી.. તેમનો દીકરો તેમની ચીસો સાંભળતો હતો. સગીર પુત્રના જણાવ્યા મુજબ તેના પપ્પાના શરીરના બધાં અંગો પર પોલીસકર્મીઓ સોયા ભોંકતા હતાં. અંતે પ્રદીપનું મૃત્યુ થયું. પોલીસે આ મોતને શારીરિક તકલીફને લીધે થયું હોવાનું જણાવી દીધું.
રાજસ્થાનના ચુરુ જિલ્લાના સોનપાલસર ગામના નેમીચંદ (ઉ. ૨૫ વરસ) ગાયબકરાં ચરાવતા હતા. નેમીચંદ અને તેમનાં ભાભીને ચોરીના આરોપમાં પોલીસ પકડી ગઈ. રાત્રે મોડેથી પોલીસ આવીને નેમીચંદની લાશ ઘરે નાંખી ગઈ. રાતના અંધારામાં જ તેના અંતિમસંસ્કાર કરાવી નાખ્યા. નેમીચંદને બે-રહેમ માર મારી મારી નાખનાર પોલીસે તેમનાં ભાભી પર ગેંગરેપ કર્યો હતો. તમિલનાડુના એક ગામનાં ખેતકામદાર મહિલા, ૨૬ વરસનાં ગુરુઆમ્મલને ગુનાની કબૂલાત માટે પોલીસે એટલાં માર્યાં કે તેમને કસુવાવડ થઈ ગઈ હતી.
અલગ કાયદાના અભાવે ઢાંકપિછોડો
કેદી-મૃત્યુના આ બનાવો વાસ્તવમાં તો પોલીસ દ્વારા કરાતી જઘન્ય હત્યાઓ જ છે. પરંતુ તે સંબંધી કોઈ અલાયદો કાયદો ન હોવાથી પોલીસ આવા બનાવોને બીમારી, હોસ્પિટલમાં ભરતી દરમિયાન મોત, બીજા અપરાધીઓ દ્વારા થયેલો હુમલો, ભીડ કે તોફાનો દરમિયાન મોત, ફરાર થવાની કોશિશ અને આત્મહત્યા જેવાં કારણોથી થયેલાં મોત ગણાવે છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો પણ કસ્ટોડિયલ ડેથના અલાયદા આંકડા જાહેર કરતું નથી! મોટા ભાગનાં કસ્ટોડિયલ ડેથ પોલીસથાણે તપાસના ૪૮ કલાકમાં બનતાં હોય છે. એટલે ધરપકડના ૨૪ કલાકમાં આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવાના નિયમનું પાલન થતું નથી. કસ્ટડીમાં યાતના એ જાણે કે પોલીસ માટે રોજિંદી સાહજિક ક્રિયા છે.
માનવ અધિકાર સંસ્થા “હ્યુમન રાઈટ્સ વૉચ”ના જણાવ્યા અનુસાર પોલીસ માટે અપરાધિક દંડસંહિતાનો કોઈ મતલબ નથી. પોલીસની પોતાની તપાસપ્રક્રિયા-સંહિતા છે. સર્વોચ્ચ અદાલતની સૂચના પછી ૨૦૦૬માં ક્રિમિનલ પ્રોસીજર કોડમાં સુધારો કરવામાં આવ્યો છે. કસ્ટોડિયલ ડેથની ફરિયાદોમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તપાસની જોગવાઈ છે. પરંતુ નિર્ધન અને નબળા ફરિયાદીઓ ભાગ્યે જ બળુકા પોલીસો સામે ફરિયાદ કરતા હોય છે. વળી પોલીસ સામે ફરિયાદ પૂર્વે સરકારની મંજૂરી લેવી પડે છે અને સરકાર આવી મંજૂરી આપતી નથી.
ખરડો કાયદો બનતો જ નથી
૨૬મી એપ્રિલ, ૨૦૧૦ના રોજ લોકસભાએ પ્રિવેન્શન ઓફ ટોર્ચર બિલ પસાર કર્યું હતું. રાજ્યસભાએ તેને પ્રવર સમિતિને સોંપ્યું હતું. પૂર્વ કાયદા મંત્રી અશ્વિની કુમારના અધ્યક્ષપદની પ્રવર સમિતિએ કસ્ટડીમાં થતાં મોત અને યાતના વિરુદ્ધ દોષીઓને આજીવન કારાવાસની સજાની જોગવાઈ કરતો કાયદો ઘડવા ભલામણ કરી હતી. પરંતુ લોકસભાની મુદ્દત પૂરી થઈ ત્યાં સુધી કાયદો ઘડાયો નહોતો. કાયદા પંચે અને નેશનલ પોલીસ કમિશને પણ આ અંગેના કાયદાની જરૂરિયાત જણાવી છે. ૨૦૧૮માં લોકસભામાં પ્રાઈવેટ મેમ્બર બિલ પણ રજૂ થયું હતું. સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં આવા કાયદાના તરફદાર રાષ્ટ્ર તરીકે ભારતે સહી કરી છે, પણ હજુ કાયદો બનાવવામાં આવતો નથી. સુપ્રીમ કોર્ટના આદેશથી હવે કસ્ટોડિયલ ડેથનો ભોગ બનેલાંને વળતર મળે છે. યુ.પી. સરકારે ૨૦૧૮ના વરસમાં ૧૭૬ બનાવોમાં કુલ રૂ. ૫૩ કરોડ ૨૨ લાખ અને ગુજરાત સરકારે રૂ. ૨૩.૫૦ લાખ વળતર ચૂકવ્યું છે. પરંતુ ન્યાય દૂરની વાત છે. ૨૦૧૮માં પાંચ ટકા કરતાં ઓછા કેસોમાં પોલીસ અત્યાચારને જવાબદાર ઠેરવી શકાયા છે. એટલું જ નહીં, કસ્ટોડિયલ ડેથના ૧,૭૨૭ બનાવોમાંથી ૩૩૪માં જ ચાર્જશીટ દાખલ થઈ શકી છે.
ભોગ બનનારાની ચીસો જેમ પોલીસથાણાંની દીવાલો સાથે અથડાઈને થોડા સમયમાં શાંત થઈ જાય છે તેમ, કેદી-મૃત્યુ વિરુદ્ધનો વિરોધ અને આક્રોશ પણ ઠરી જાય છે, જે કોઈ નવા બનાવ પછી વળી પાછો જાગે છે.
e.mail : maheriyachandu@gmail.co
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 03 ઑગસ્ટ 2020; પૃ. 05-07