રથયાત્રાને કારણે ભારતીય જનતા પક્ષ રાષ્ટ્રીય રાજકારણના હાંસિયામાંથી મધ્યે ધકેલાયો અને તેને ‘હિંદુ’ઓને એકઠા કરવામાં, પોતાના બનાવવામાં એક બહુ અગત્યનું એવું હુકમનું પત્તું ય મળ્યું
અયોધ્યામાં પર રામ મંદિરનો શિલાન્યાસ થયો અને જય શ્રીરામ નહીં પણ જય સિયા રામના નારા સાથે રામ મંદિરને સંપનું પ્રતીક ગણાવાયું. આ મંદિર કેટલાં લોહી ઉકાળા, રમખાણો, કાટમાળ અને સત્તાની ખેંચતાણ પછી બન્યું છે તેની ચર્ચા કરવાનો અર્થ કારણકે 360 ડિગ્રીમાં આખી વાતને સમજનારાને એની જરૂર નથી. આમ તો ગુજરાતમાં મોટેભાગે દ્વારકાધીશ અને શિવનાં ભક્તો જ હોય છે પણ અયોધ્યાના રામને તેમની જન્મભૂમિમાં મંદિર મળે એ ઘટનામાં ગુજરાતની ભૂમિકા જરા ય નાની સૂની નથી. અયોધ્યાને મામલે ગુજરાતમાંથી જેટલો અવાજ ઉઠ્યો, બુમરાણ થઇ અને જીવ ગયાં એનો હિસાબ રામ મંદિરના ચણતરમાં ઘણો મોટો છે. કાર સેવા માટે ગુજરાતમાંથી અયોધ્યા જનારાઓનો આંકડો તો મોટો છે જ પણ રામ જન્મભૂમિની ચળવળનો પહેલો અને સૌથી મહત્ત્વનો અંક ગુજરાતમાં જ ખેલાયો હતો. એલ.કે. અડવાણીએ સોમનાથથી શરૂ કરેલી રથયાત્રા રામ જન્મભૂમિ મુવમેન્ટની સૌથી અગત્યની મશાલ સાબિત થઇ. વળી આ રથયાત્રાને કારણે ભારતીય જનતા પક્ષ રાષ્ટ્રીય રાજકારણના હાંસિયામાંથી મધ્યે ધકેલાયો અને તેને ‘હિંદુ’ઓને એકઠા કરવામાં, પોતાના તરફી બનાવવામાં એક બહુ અગત્યનું એવુ હુકમનું પત્તું ય મળ્યું.
રામ મંદિરની ચળવળ શરૂ થઇ 1984માં, જ્યારે 1988માં વિશ્વ હિંદુ પરિષદે લોકોને કાર સેવામાં જોડાવા અપીલ કરી. કાર સેવા એટલે કે અયોધ્યામાં મંદિર બનાવવામાં સ્વૈચ્છિક સેવા આપવી. એક જૂનાં લખાણનો સંદર્ભ લઇએ તો રાજકીય વિશ્લેષક વિષ્ણુ પંડ્યાને મતે જ્યારે 50ના દાયકામાં સોમનાથનું મંદિર પુનઃનિર્મિત થયું જેની પાછળ સરદાર પટેલ અને કનૈયાલાલ મુનશીનાં પ્રેરણા અને પ્રોત્સાહન હતાં તે પછી રામ જન્મભૂમિ અયોધ્યામાં બાબરી મસ્જિદ જમીનદોસ્ત કરી નાખી ત્યાં રામ મંદિર બનવું જોઇએ તેવી લાગણી અને વિચાર મજબૂત બન્યા. સોમનાથમાં છઠ્ઠી સદી જેટલું જૂનું શિવ મંદિર અનેક વાર તૂટ્યું અને તે ફરી બંધાયું પણ અને છેલ્લે 1665માં મુગલ બાદશાહ ઔરંગઝેબે સોમનાથનો ધ્વંસ કર્યો અને પચાસના દાયકા સુધી તો તે જિર્ણ શિર્ણ હાલતમાં હતું, જ્યાં સુધી ભારતને સ્વતંત્રતા અને નવા વડાપ્રધાન મળ્યા અને તેના જિર્ણોદ્ધારનો નિર્ણય ન થયો. જો કે નહેરુ એમ માનતા હતા કે સોમનાથના પુનઃઉદ્ધારને આટલું મોટું સ્વરૂપ ન આપવું જોઇએ અને ગુજરાતના જ અગ્રણી અને ત્યારે ખાદ્ય અને કૃષિના મંત્રી હતા તેવા કનૈયાલાલ મુનશીને મતે ભારતની “કલેક્ટિવ સબકોન્શિયસનેસ” સોમનાથના જીર્ણોધ્ધારથી રાજી હતી. બાર જ્યોતિર્લંગમાંનું એક ગણાતું હોવા છતાં ય જ્યારે સોમનાથનો ઉદ્ઘાટન પ્રસંગ હતો ત્યારે રાજેન્દ્ર પ્રસાદ ત્યાં જવા તૈયાર થયા તેની સામે નહેરુએ વાંધો લીધો હતો અને કહ્યું હતું કે આટલા દેખાડાની જરૂર નથી, આ જ બઘું સમયાંતરે ધીરે ધીરે થઇ શક્યું હોત અને તમે આ પ્રસંગે ન જાવ તો ઠીક રહેશે તેમ હું માનું છું. આ કહેવા છતાં ય રાજેન્દ્ર પ્રસાદ ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા અને 5મી ઑગસ્ટે જેમ સંપ અને એકતાની વાત સંબોધનમાં કરાઇ તેવી જ વાત સોમનાથના ઉદ્ઘાટન પ્રસંગે પણ કરાઇ. ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ ટાંક્યું છે કે નહેરુ માનતા કે કોઇપણ ધર્મ કે ધર્મસ્થળ સાથે રાષ્ટ્રપ્રમુખોએ ન જોડાવું જોઇએ. વિશ્વ હિંદુ પરિષદે કરેલી શિલાન્યાસ યાત્રા અને સોમનાથથી નિકળેલી રથયાત્રા રામ મંદિર મુવમેન્ટમાં સીમા ચિહ્ન રહ્યાં. આ બંન્ને ઘટનાઓ પછી અયોધ્યામાં રામ મંદિર બનવું જોઇએ તેવું કહેવામાં ઉત્તર પ્રદેશના લોકોની સાથે સાથે ગુજરાતના લોકો ય મોટી સંખ્યામાં જોડાયા. 450 વર્ષથી મંદિર બને તે માટે જે પણ સંઘર્ષ ચાલી રહ્યો હતો તેમાં અત્યાર સુધીમાં ચાર લાખનાં જીવ ગયાં છે એવું વી.એચ.પી.ના પ્રવીણ તોગડિયાએ એક જૂના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું.
સોમનાથથી નીકળેલી રથયાત્રા રામ મંદિરના વચનને યેનકેનપ્રકારેણ પૂરું કરવાની સૌથી બુલંદ હાકલ બની રહી તો ગુજરાતના જ નરેન્દ્ર મોદીએ વી.એચ.પી.ને રામશીલા પૂજનના આયોજનમાં મદદ કરી હતી. આ આયોજનમાં હજ્જારો અલગ અલગ ગામડાંઓમાંથી લોકોએ ઇંટો દાન કરી હતી અને રામ મંદિરના પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. આ ઇંટો ભેગી કરવામાં સૌથી વધારે ઇંટો સૂરત સહિતના દક્ષિણ ગુજરાતમાંથી પહોંચી હતી. લગભગ દોઢ લાખ ઇંટો તો દક્ષિણ ગુજરાતમાંથી જ પહોંચી હતી. રામ જન્મભૂમિ મુવમેન્ટમાં નરેન્દ્ર મોદીએ ‘લોક અદાલત મેં અયોધ્યા’ના સંબોધનની અનેક કેસેટ્સ વેચાઇ હતી. કૉન્ગ્રેસના કાંગરા ખેરવવામાં અને તેની પકડ મજબૂત કરવામાં મોદી-તોગડિયાની જોડીએ રામને નામ સારી એવી બાજી ખેલી નાખી. અહેમદ પટેલ જેવા અહેમદ પટેલને પણ 1989માં લોકસભાની ચૂંટણીમાં હાર વેઠવી પડી. રામ મંદિર માટેના સિગ્નેચર કેમ્પેઇનમાં પણ મોદીએ ચાવીરૂપ ભૂમિકા ભજવી. એ જ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગોધરામાં કાર સેવકો ટ્રેઇનમાં બળી મર્યા પછી 2002ના રમખાણો થયાં અને એ બધાના કેન્દ્રમાં પણ અયોધ્યાનું રામ મંદિર જ હતું. મોદી વડાપ્રધાન પદ માટે દિલ્હીની વાટ પકડી રહ્યા હતા ત્યારે તેમણે રામ મંદિરનો મુદ્દો પોતાના મેનિફેસ્ટોમાં ‘કલ્ચરલ એજન્ડા’ હેઠળ મુક્યો અને સત્તા મળ્યા બાદ બંધારણીય રીતે રામ મંદિરનો પ્રશ્ન ઉકેલાય તેની તકેદારી રાખી. આમ પણ કેન્દ્રમાં વડાપ્રધાન થઇને બેઠેલ વ્યક્તિને ઝનૂન કે હિંદુત્વ કે રાષ્ટ્રવાદની બૂમો ન શોભે અને એ મોદી જેવા બાહોશ રાજકારણીને ન ખબર હોય તે શક્ય નથી જ.
ગુજરાત અને ગુજરાતીઓનો ફાળો સ્થૂળ રીતે ય રામ મંદિરની ચળવળનમાં નોંધનીય છે. ચાંદી સોનાની ઇંટો જે ભૂમિ પૂજનમાં વપરાઇ તે રાજકોટમાં બની છે. તો મંદિરની ડિઝાઇન પ્રતિષ્ઠિત ચંદ્રકાંત સોમપુરાએ તૈયાર કરી છે જે મૂળ ગુજરાતના પાલીતાણાના છે અને અત્યાર સુધીમાં હિંદુ, જૈન તથા સ્વામીનારાયણ સંપ્રદાયનાં તેમણે 100થી વધારે મંદિર બનાવ્યા છે. સાત પેઢીથી આ જ કામ કરનારા સોમપુરા પરિવારનો સંપર્ક વી.એચ.પી.એ 30 વર્ષ પહેલાં જ કર્યો હતો. આ એ જ પરિવારનાં વંશજ છે જેમના મોભીએ સોમનાથની ડિઝાઇન તૈયાર કરી હતી.
કોરોનાના જોખમી સમયમાં ય જે કરવું હતું તે વડાપ્રધાને કર્યું. ભા.જ.પા. માટે રામ મંદિર હંમેશાં ‘ટ્રમ્પ કાર્ડ’ રહ્યું છે પછી એ ઉત્તર પ્રદેશમાં 2017ની ચૂંટણી હોય કે 2019ની ચૂંટણી હોય. મોદી 29 વર્ષ પછી અયોધ્યા ગયા, આ પહેલા ચૂંટણી પ્રચાર માટે અયોધ્યાથી થોડા કિલોમીટર દૂર હોય તો ય અયોધ્યા તરફ તે ફરક્યા નથી. જો કે 5મી ઑગસ્ટે રામ મંદિરના શિલાન્યાસ પર પોતાનું નામ વાંચી એક સમયે સંઘ પ્રચારક તરીકે રાત દિવસ કામ કરનારા નરેન્દ્ર મોદીને કેવી લાગણી થઇ હશે એ તો એ જ જાણે.
બાય ધી વેઃ
રાજકારણના રંગે રંગાયેલું આ મંદિર શું સાંસ્કૃતિ પ્રતીક તરીકે પૂરેપૂરું સ્વીકારાશે કે પછી અહીં દર્શન કરવા આવનાર કે પછી તેના પ્રાંગણમાં ઢૂંકનાર માણસમાં ઝનૂની હિંદુત્વ ખદબદી ઉઠશે? આ સવાલ ચોક્કસ થાય. એવી ય ચર્ચા અને ઉલ્લેખો થાય છે કે ખરેખ તો રાજીવ ગાંધીએ સૌથી પહેલાં બાબરી મસ્જીદને સ્થળે રામ મંદિર બનવું જોઇએ તેવી વાત કરી હતી જે હિંદુ મતદારોને પોતાની તરફ કરવાનો એક પ્રયાસ હતો. મુદ્દો એ છે કે મંદિર મસ્જિદના રાજકારણનો તખ્તો પોતાની રીત અને ઇચ્છા પ્રમાણે સજાવવામાં ભા.જ.પે. પોતાની કુશળતા સિદ્ધ કરી દીધી છે. બાકી રામ તો મનમાં વસે છે. આખી વાતને સંસ્કૃતિના પ્રતિક તરીકે જોવાની તૈયારી માત્ર નાગરિકોની નહીં સરકારની પણ હોવી જોઇએ. જીતવા માટે હંમેશાં ધર્મ અને ધ્રુવીકરણના ધતિંગો કામ લાગે જ એ જરૂરી નથી. જો કે હાલમાં તો રામ મંદિર બનવાનું છે અને તેનો શિલાન્યાસ થઇ ચૂક્યો છે એ જ વાસ્તવિકતા છે. જય શ્રી, અરે ના ના, જય સિયા રામ!
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 ઑગસ્ટ 2020