પોણી સદી વટાવી રહેલી વિશ્વ સંસ્થા ‘સંયુક્ત રાષ્ટ્ર સંઘ’ની હયાતી પર જ ખતરો ઊભો થયાના સંકેતો મળી રહ્યા છે. તાજેતરમાં મળેલી યુ.નો.ની જનરલ એસેમ્બલીમાં સભ્ય દેશોએ ‘યુનો’ની પ્રાસંગિકતા પર સવાલો ઉઠાવી, તેણે નવા પડકારોને અનુરૂપ પરિવર્તનો કરવા પડશે, તેમ જે જણાવ્યું તેને કારણે આ વિશ્વ સંસ્થાની કામગીરી ચર્ચામાં આવી છે.
બીજા વિશ્વ યુદ્ધની ભયંકર વિભીષિકાથી ત્રસ્ત વિશ્વમાં ૨૪મી ઓકટોબર ૧૯૪૫ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં આવી હતી. વિશ્વયુદ્ધના વિજેતા રાષ્ટ્રોની પહેલથી રચાયેલી આ વિશ્વ સંસ્થાનો, ‘શાશ્વત શાંતિ જ હવે સહુને ખપે છે અને એ સર્જવા વિશ્વના અમે સૌ પ્રજાજનો કટિબદ્ધ છીએ’, એવી ઘોષણા સાથે આરંભ થયો હતો. આંતરરાષ્ટ્રીય કાનૂનને સગવડભર્યા બનાવવામાં સહયોગ, આંતરરાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક વિકાસ, સામાજિક પ્રગતિ, માનવ અધિકાર અને વિશ્વ શાંતિ એ સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રમુખ ઉદ્દેશ છે. આરંભે માત્ર ૫૦ જ દેશો તેના સભ્યો હતા આજે ૧૯૩ દેશો સભ્ય છે. આ એક જ બાબત આ વિશ્વ સંસ્થાની જરૂરિયાત અને અનિવાર્યતા દર્શાવે છે.
યુ.નો.ની પંચોતેર વરસની કામગીરીનું સરવૈયુ માંડીએ તો ઘણી નિરાશા હાથ લાગે. પણ તેની મહત્ત્વની સિદ્ધિ એ છે કે દુનિયામાં નાના-મોટા યુદ્ધો, ગૃહ યુદ્ધો, હિંસા અને આતંક છતાં કોઈ ત્રીજું વિશ્વ યુદ્ધ થયું નથી. સતત યુદ્ધગ્રસ્ત રહેતા વિશ્વને ત્રીજા યુદ્ધના સકંજાથી મુક્ત રાખવું એ કામગીરી નાનીસૂની નથી. આણ્વિક યુદ્ધનો ખતરો દૂર કરી નિ:શસ્ત્રીકરણ સ્થાપવું એ યુ.નો.નું પ્રમુખ કર્તવ્ય છે, જેમાં એને ઝાઝી સફળતા મળી નથી. વધુને વધુ ભયંકર શસ્ત્રોનો ખડકલો વિશ્વમાં થતો રહ્યો છે. વિશ્વના સંરક્ષણ બજેટો વધી રહ્યા છે. શાંતિ, નિશસ્ત્રીકરણ, વિશ્વ બંધુત્વની ભાવના પ્રસરાવવામાં તે સફળ થયું નથી. તો મોટા ફલકના યુદ્ધો નિવારી પણ શકાયા છે.
સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા ખટપટ અને કાવાદાવાનું ધામ બની ગયું છે અને સમૃદ્ધ રાષ્ટ્રોનો તેના પર અંકુશ છે તે આલોચના સ્વીકારીને પણ કહી શકાય કે શિક્ષણ, સંસ્કાર અને આરોગ્ય જેવી બિનરાજકીય પ્રવ્રુતિઓમાં તેણે મોટી સિદ્ધિઓ મેળવી છે. ૨૦૨૦નું શાંતિનું નોબેલ યુ.નો.ની જ સંસ્થા વર્લડ ફૂડ પ્રોગ્રામને મળ્યું છે. દુનિયાને ભૂખમરામુક્ત કરવાના યુ.નો.ના પ્રયત્નમાં તેને શાંતિના નોબેલની નવાજેશ થાય, તે તેના પંચોતેરમા વરસની ઉજવણીની મોટી વધામણી છે. સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો વચ્ચે ભારે અસમાનતા પ્રવર્તે છે. થોડા દેશો બહુ સમૃદ્ધ છે તો ઘણા દેશો અતિ ગરીબ છે. ગરીબી, બેકારી, કુદરતી અને માનવસર્જિત આફતોના સતત ભોગ બનતા ગરીબ દેશો માટે યુ.નો.ની સભ્ય ફી ભરવી તો ઠીક અસ્તિત્વ ટકાવવું પણ મુશ્કેલ છે. ‘સહિતો’ અને ‘રહિતો’ કે વિકસિત અને વિકાસશીલ દેશો વચ્ચેનું અંતર મિટાવવું અને દરેક સભ્ય દેશોને સમાન બનાવવા તે મોટો પડકાર છે.
પંચોતેર વરસ પૂર્વેની રચનાકાળની સ્થિતિ અને પડકારો પણ હવે બદલાયા છે. જો કે તેને અનુરૂપ ફેરફારો ‘યુ.નો.’ની કામગીરી અને નિર્ણય પ્રક્રિયામાં થતા નથી તેવી વાજબી ફરિયાદ ભારત સહિતના સભ્ય દેશોએ આ વરસના વાર્ષિક અધિવેશનમાં કરી છે. ‘યુ.નો.’માં સમૃદ્ધ રાષ્ટ્રોની જોહુકમી અને સત્તાઓ કઠે એવાં છે. સલામતી સમિતિમાં એવો નિયમ છે કે તેના પાંચ કાયમી સભ્યો, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીનની, સર્વસંમતિથી જ કોઈ નિર્ણય લઈ શકાય છે. કોઈ નિર્ણય અંગે પાંચમાંથી એક પણ દેશ સંમત ન હોય તે પોતાની અસંમતિ માટે વીટો કહેતાં નિષેધાધિકારનો ઉપયોગ કરી શકે છે. આ સત્તાને લીધે આ પાંચ કાયમી દેશો જ નિર્ણયો પર હાવી રહે છે. તેમની આડોડાઈને લીધે સલામતી અને વિશ્વશાંતિનું સ્વપ્ન સાકાર થઈ શકતું નથી. છેલ્લી પોણી સદીમાં સમૃદ્ધ દેશોની વ્યાખ્યા અને સ્થિતિ બદલાઈ છે. જ્યારે માત્ર ૫૦ જ દેશો સભ્ય હતા ત્યારે પણ વીટો સત્તા પાંચ દેશોને હોય અને આજે ૧૯૩ દેશો સભ્યો છે ત્યારે પણ પાંચ જ દેશો વીટો પાવર ધરાવતા હોય તે સ્થિતિ અકળાવનારી છે. ભારતની વરસોથી માંગ રહી છે કે સલામતી સમિતિનું કાયમી સભ્યપદ તેને મળે પણ હજુ તે માંગ સ્વીકારાતી નથી.
ભારત આરંભથી જ યુ.નો.માં જોડાયેલું છે. વર્સેલ્સ-કરાર પર હસ્તાક્ષર કરીને ભારતે યુ.નો.નું સ્થાપક સભ્યપદ મેળવ્યું હતું. ૧૯૪૫ની સાનફ્રાન્સિસ્કો સભામાં ઉપસ્થિત રહી, સ્થાપક સભ્યની હેસિયતથી તેણે યુ.નો.ના ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. દુનિયાનો બીજા નંબરનો સૌથી વધુ વસ્તી ધરાવતો અને મજબૂત લોકતંત્ર ધરાવતો ભારત દેશ ક્યાં સુધી સંયુક્ત રાષ્ટ્ર સંઘની સિક્યુરિટી કાઉન્સિલના કાયમી સભ્યપદની પ્રતીક્ષા કર્યા કરશે ? એવો સવાલ પ્રધાન મંત્રીએ આ વરસની જનરલ એસેમ્બલી સમક્ષ ઉઠાવ્યો છે.
જનરલ એસેમ્બલીમાં અમેરિકા અને ચીન વચ્ચેના મતભેદો પણ જોવા મળ્યા કોરોના મહામારીમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની ભૂમિકા પક્ષપાતી અને અકર્મણ્યતાની હોવાની પણ રાવ ઊઠી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના મહામારીને ફેલાતી રોકવામાં કે તેની સમયસર જાણ ન કરવામાં ચીનની બેદરકારીને અવગણી છે તેવી ફરિયાદ કરીને અમેરિકાએ ‘હુ’ના ફંડમાં કાપ મૂકવા સુધીના પગલાં લીધાં છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવે તમામ સભ્ય રાષ્ટ્રોને મહામારીના કાળમાં સ્વાર્થથી મુક્ત થવા, લોકરંજની અને રાષ્ટ્રવાદમાં મહામારીને ન ખેંચી જવાનું આહ્વાન કરતાં અનુરોધ કર્યો છે કે આગામી સો દિવસ તમામ સભ્ય દેશો આપસી મતભેદો, વિવાદો, ટકરાવો ભૂલીને કોરોના વાઈરસ અને તેને કારણે સર્જાયેલ સમસ્યાઓને ઉકેલવામાં ગાળે.
કોરોનાકાળના સંયુક્ત રાષ્ટ્ર સંઘના પંચોતેરમા વરસે વિશ્વ એક એવા વળાંકે આવીને ઊભું છે કે તેણે મહામારીને નાથવા વિશ્વસ્તરના સહિયારા અને સામટા પ્રયાસો કરવાની જરૂર છે. સરહદ અને સંસાધનોની માલિકીના વિવાદો કરતાં માનવજાતના અસ્તિત્વને બચાવવાની આજે તાતી જરૂર છે. આપણી પાસે ‘યુ.નો.’ જેવી એક વિશ્વ સંસ્થા છે તેની આમન્યા અને આણ સ્વીકારીને મહામારીનો સહિયારો મુકાબલો કરીએ તે જ યુ.નો.ની પંચોતેરીની સાર્થક ઉજવણી ગણાશે.
e.mail : maheriyachandu@gmail.com