માણસ ન હતો ત્યાં સુધી જગતને કોઈ અર્થ મળ્યો ન હતો. માણસ આવ્યો ને પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, તારા. નક્ષત્રોને તેમનું હોવું સાર્થક લાગ્યું. એક તરફ માણસે બ્રહ્માંડનાં રહસ્યો ખોલ્યાં ને બીજી તરફ પ્રકૃતિને તેણે પ્રદૂષિત કરવા માંડી. અનેક રસાયણોએ માણસને જીવન બક્ષ્યું તે સાથે જ તેને જોખમી પણ બનાવ્યું. ઘાતક હથિયારોએ માણસને સત્તા આપી તો માણસનો સર્વનાશ પણ કર્યો. આપણે એક વસમી સદીમાં આવ્યાં છીએ જેને એકવીસમી સદી કહીએ છીએ. આ સદી, માણસને બહુ માફક આવી હોય એવું લાગતું નથી. બાકી હતું તે કોરોનાએ પૂરું કર્યું. તેણે વિશ્વ આખાને બાનમાં લીધું ને તેની કહેવાતી પ્રગતિમાં મોટો અવરોધ ઊભો કર્યો.
થોડો વખત કોરોનાએ પ્રકૃતિ શુદ્ધ કરી ને માણસે પ્રકૃતિ વિષે વિચારવું જોઈએ એવું આત્મભાન પણ કરાવ્યું, પણ જેવુ બધું ખૂલવા માંડયું કે ફરી સંપત્તિ તરફની આંધળી દોટ શરૂ થઈ. દિવાળીના તહેવારોએ એ સ્થિતિ સર્જી છે કે અમદાવાદમા રાત્રિ કરફ્યુ, રાત્રે નવથી સવારે છ સુધી લાગુ થયો છે.
કોણ જાણે કેમ પણ વધતા જતા વિકાસમાં સૌથી વધુ ઉપેક્ષા મનુષ્યની થઈ રહી છે ને વિચિત્રતા એ છે કે આ વિકાસ થઈ રહ્યો છે, માણસને માટે ને માણસને નામે. સાધારણ બાબતોમાં પણ માણસો જ માણસની અવહેલના કરતા હોય એ શરમજનક છે. કોઈ પણ કોઈને માટે જરા ય શરમ રાખ્યા વગર જોખમો ઊભાં કરી શકે છે ને એ આ દેશમાં જ નહીં, વિશ્વમાં પણ ગમે ત્યાં બની શકે છે.
લંડનમાં એક મહિલાએ જન્મદિવસ ઉજવવા મોંઘી કિંમતે ઓનલાઈન ફૂડ મંગાવ્યું. એક જાણીતી ફૂડ ડિલિવર એજન્સીએ તે મહિલાને પાર્સલ મોકલ્યું ને તેની દીકરીએ તે પાર્સલ ખોલ્યું તો ત્રણેક પેકેટમાં પ્રવાહી જેવું કૈંક નીકળ્યું. વાસ પરથી લાગ્યું કે ત્રણે કોથળીમાં પેશાબ ડિલિવર થયો છે. બર્થડે ઉજવણીની તો પથારી જ ફરી ગઈને ! મુશ્કેલી એ થઈ છે કે માણસો મશીન થઈ ગયા છે. મશીનને મન પાર્સલ એટલે પાર્સલ, એમાં શું છે તેની તેને ખબર ન પડે, પણ માણસો આટલા બધા આંધળા કેવી રીતે થઈ શકે? પાર્સલમાં પેશાબ જઈ રહ્યો છે એટલું ભાન પણ ન પડે? આ તે માણસો છે કે પથરા? કોઈને વસ્તુ મોકલાય છે તે બરાબર છે એટલું પણ જોવાય નહીં? પોતે વાપરવાનાં ન હોય એટલે કોઈને કૈં પણ મોકલી દેવાનું? મશીનમાં ને માણસમાં કોઈ તો ફેર હોયને ! એવો વિચાર ન આવે કે પેશાબ મંગાવ્યો નથી તો મોકલાય જ કેમ?
મશીનો પણ ન દાખવે એવી જડતા માણસો કમાવાની લહાયમાં દાખવી રહ્યા છે.
અમદાવાદની જાણીતી હૉસ્પિટલનાં કોલ્ડ સ્ટોરેજમાંથી એક ડેડબોડી લેવા સંબંધીઓ આવ્યા. માતાની અંતિમ વિધિ માટે વિદેશથી દીકરો આવ્યો હતો. કોલ્ડ સ્ટોરેજમાંથી ડેડબોડી આપવા સત્તાધીશો આવ્યા તો ડેડબોડી જ ગુમ હતી. તપાસ કરતાં ખબર પડી કે બોડી કોઈ બીજું જ લઈ ગયું છે ને તેણે પોતાની માતાનો મૃતદેહ છે એમ માનીને તેનો અગ્નિસંસ્કાર પણ કરી દીધો ! જેણે કરવાનો ન હતો તેણે અંતિમ સંસ્કાર કરી દીધો અને જેણે કરવાનો હતો તે અધિકારથી વંચિત રહ્યો. હવે જે મા રહી ગઈ છે તેનું શું? પેલો બહારથી આવેલો દીકરો મા નથી એમ જાણવા છતાં અંતિમ વિધિ કરશે? એ અધિકાર તો એ દીકરાનો જ ને જેણે ખોટી વ્યક્તિની અંતિમવિધિ કરી નાખી ! એની ખરી મા તો બાકી જ છે અંતિમ વિધિ વગર ! એ જો અધિકાર પૂરો કરવા નીકળે તો બે વખત અંતિમ વિધિમાં જોડાય એમ બને.
શું કહીશું આને? હોસ્પિટલ સત્તાવાળાઓની બેદરકારી કે કુટુંબીજનોની નિષ્કાળજી? કોની ડેડબોડી કોને અપાય છે એટલી કાળજી હોસ્પિટલની ખરી કે કેમ? મૃતદેહ તે શું ચણામમરા છે કે ગમે તેને વહેંચી દેવાય? વળી આ હોસ્પિટલ મૃતદેહોની સોંપણી બાબતે અગાઉ પણ બેદરકારી દાખવી ચૂકી છે. મે, 2019માં આમ જ એક મહિલાનો મૃતદેહ બીજાને સોંપી દેવાયો હતો ને એક્સચેન્જ ઓફરનો ધંધો કરતી હોય તેમ ગઈ સોળ નવેમ્બરે વળી એક વાર હોસ્પિટલ ફરી મીડિયામાં વગોવાઈ છે. જીવતાંની કાળજી ન રાખે તેને હોસ્પિટલ કહેવાય, પણ નવી વ્યાખ્યા મુજબ મરેલાંની કાળજી ન રાખે તે પણ હોસ્પિટલ જ કહેવાય તેટલો સુધારો કરવાનો રહે. તંત્રો કેટલાં સંવેદનહીન થઈ ગયાં છે એનો આ જીવતો જાગતો નમૂનો છે. એ સાથે જ જે કુટુંબીજનો માતા સમજીને ધુમાડો કરી આવ્યાં એમની ઘોર બેદરકારી પણ ઓછી જવાબદાર નથી. પોતાનું માણસ હોસ્પિટલેથી ઘરે લાવીએ તે જોવા જેટલી દરકાર પણ કુટુંબીજનો ન દાખવે એ તો હદ કહેવાય ને તેને જોયા વગર જ ફૂંકી પણ આવે તે તો ઘોર-અઘોર બેદરકારીનો જ નમૂનો છે. આ બેદરકારીએ એક દીકરાનો અધિકાર છીનવ્યો ને તેને છેક અમેરિકાથી અમદાવાદનો ધક્કો ખવડાવ્યો તે નફામાં !
આ બધું વાજતું ગાજતું પોલીસ દરબારે પહોંચ્યું છે ને તેનું તો જે થવાનું હશે તે થશે, પણ બબ્બે મૃત માતાઓ છાપે ચડી ને મર્યાં પછી પણ તેની આટલી ચોળાચોળ થઈ તે સારું ન થયું. માનવની ગરિમા ન જ જળવાય એની જાણે આપણે સ્પર્ધામાં પડી ગયાં છીએ ! પશુઓમાં અક્કલ ન હોય, પણ આપણે તો માણસો છીએ. કોઈને ત્રાસ થાય એવું ન વર્તીએ એટલી સાદી સમજ તો પશુઓ પણ ધરાવે છે, પણ આપણે ધરાવતા નથી તેની પીડા થાય છે.
કેરળમાં એક ગર્ભવતી હાથણીને વિસ્ફોટક ખવડાવી દેવાની ઘટના બનેલી તે યાદ છે? દેશભરમાં એની એટલી નિંદા થયેલી કે કોઈ એવું કરવાની હિંમત ન કરે, પણ ફરી એવી ઘટના બની છે. એ જ સૂચવે છે કે આપણે અનુભવમાંથી કૈં જ શીખતા નથી. રાજસ્થાનના પાલીગામમાં ગાઈને વિસ્ફોટક ખવડાવી દેવાની વાત બહાર આવી છે. જો આ સાચું હોય તો તે કેવળ ને કેવળ નિંદનીય છે. કોઈ હેવાન પણ ન કરે એવું કૃત્ય માણસો કરે છે ત્યારે થાય છે કે માણસમાં લાગણી, પ્રેમ, દયામાયા જેવુ કૈં બચ્યું જ નથી કે શું? જે મૂંગાં પશુઓએ પોતાનું કૈં જ બગાડ્યું નથી, એનું ઘણુબધું માણસ બગાડી રહ્યો છે. હેવાનિયત જ સદ્દગુણ હોય તેમ સૌ વધુને વધુ ક્રૂર થવાની હરીફાઈમાં ઊતર્યા હોય એવું લાગે છે.
આ તો પશુઓ જોડેનું અમાનવીય વર્તન થયું. માણસ પણ માણસ જોડે રાક્ષસી રીતે વર્તતો રહે છે. એટલું ઓછું હોય તેમ પોતાની દયા પણ માણસ ન ખાતો હોય એવું પણ લાગે છે. સુરતનાં પાંડેસરામાં ડીજે પર થોડા મિત્રો તહેવારમાં નાચી રહ્યા હતા. ત્યાં કોઇકે શરત મારી, મોઢામાં બોમ્બ ફોડવાની. એક 27 વર્ષના યુવાને શરતમાં, મોમાં સૂતળી બોમ્બ ફોડયો. શું થયું હશે તે કહેવાની જરૂર છે? હોઠ પર જ પંદર ટાંકા આવ્યા. આ બોમ્બ ફોડનાર નાનું છોકરું નથી. તે 27 વર્ષની ઉંમરનો યુવાન છે. એને યુવાન કહેવામાં યુવાનીનું અપમાન છે. એ કૈં પાન હતું તે આ સજજને મોઢામાં મૂક્યું? બોમ્બ મોઢામાં ફોડવાની વસ્તુ છે? ફૂટે તો શું થાય એટલી અક્કલ પણ માણસમાં ન હોય? મરવાની તે હરીફાઈ હોય? કોઈ તો કહે, પણ પોતાની અક્કલ ન ચાલે કે મોંમાં સૂતળી બોમ્બ ફૂટે તો શું થાય?
કોણ જાણે કેમ પણ કોઈને પજવવામાં, કોઈની તરફ સંવેદના ન દાખવવામાં, કોઈનું નુકસાન થતું હોય તો ભલે, કમાઈ લેવામાં જ હવે માણસ રત રહે છે. જનસેવા નહીં, જાત સેવા જ પ્રભુસેવા ગણાય છે જાણે ! સર્વાર્થ નહીં, સ્વાર્થ જ જિંદગી છે હવે. આ જ ઉદ્દેશ છે શું જિંદગીનો? જિંદગી આટલી નિષ્ઠુર, આટલી નિર્લજ્જ ને આટલી નિર્દયી તો કદી લાગી નથી. જો આજ જિંદગી હોય તો એ ઇચ્છવા જેવી ખરી? નિષ્ઠા, સદ્દભાવ, અનુકંપા, લાગણી એ બધાં એવા ગુણો છે કે તે ન હોય તો જ જીવન સુખરૂપ જાય? નથી ખબર, આપણે કઈ દિશામાં ને કઈ આશાએ આગળ વધી રહ્યાં છીએ …
0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 20 નવેમ્બર 2020