ખાદી-ગ્રમોદ્યોગ બોર્ડ અને બીજી રચનાત્મક સંસ્થાઓ અત્યારે બેઘર બેરોજગાર બનેલા લોકો માટે શું કરતી હશે? અત્યારે જ તક છે એ લોકોને કાંતતા-વણતા કરવાની. ખેડૂત સુથાર લુહાર વગેરે અસંખ્ય ઉદ્યોગોમાં સ્થળાંતરિત થયેલાંને કામ મળી રહે તેની જોગવાઈ કરે તો તેમનું અસ્તિત્વ સાબિત થાય કે નહીં?
− આશા બૂચ
છેલ્લાં દોઢ-બે વર્ષથી બેરોજગારી, સ્થળાંતરિત અર્થવ્યવસ્થાના લાભાલાભ, ભાંગી પડેલી ગ્રામ્ય જીવન પદ્ધતિ, શહેરોની વૃદ્ધિથી થયેલ લાભ-હાનિ, ગામથી માંડીને દેશ આખાની સ્વનિર્ભરતા સવાલો, આર્થિક-સામાજિક અસમાનતા, સ્વાસ્થ્ય સેવાની અપૂરતી જોગવાઈ જેવી એક સો ને એક સમસ્યાઓ આગલી હરોળમાં અડ્ડો જમાવી બેઠી છે.
આમ જનતા અસહાય બનીને મોં વકાસીને બેઠી છે, તો બીજી બાજુ નાના મોટા સહુ હોદ્દેદારો લાખોની સળગતી ચિતા પર પોતાનો રોટલો શેકવા માંડ્યા છે. તેવે ટાણે ગાંધી નિર્દેશિત રચનાત્મક કાર્યોની સૂચિનું સ્મરણ થાય. તેમાં પણ ખાદી અને ગ્રામોદ્યોગ પ્રત્યે વિશેષ ધ્યાન દોરાય. કહેવાતા આધુનિક વિકાસમાં શ્રદ્ધા ધરાવનાર પડકાર ફેંકી શકે, એક નાનકડો ચરખો આટલા બધા પ્રશ્નોનું નિરાકરણ કરી શકે? હા, એ બે પૈડાના નાના અમથા યંત્ર પાસે અનેક સમસ્યાઓને અટકાવવાની અને નિવારવાની શક્તિ છે. કેમ કે ખાદી એ માત્ર કાપડ નહીં, એક જીવન પદ્ધતિ છે.
રામચંદ્ર ગુહાના પુસ્તક The years that changed the world 1914-1948માં તેમણે આપેલી વિગતો રસપ્રદ છે. ગાંધીજીએ 1926માં ક્ષેત્ર સન્યાસ લીધો અને એક વર્ષ સાબરમતી આશ્રમમાં રહ્યા. એ દરમ્યાન કાંતણ એ તેમની મુખ્ય પ્રવૃત્તિ હતી. ગુજરાતી સામયિક ‘નવજીવન’માં તેમણે કાંતણ સાથે સંલગ્ન તમામ પ્રક્રિયાઓનું સચોટ વર્ણન કરેલું, જે એમના જ શબ્દોમાં જોઈએ :
“કાંતવું એટલે આપણે રેંટિયા સાથે રમત રમતા હોઈએ તે રીતે કોઈ પણ જાતના તાર કાઢવા એટલું જ પૂરતું નથી. કાંતણ કરતાં પહેલાં તે માટેની બધી પ્રાથમિક પ્રક્રિયાઓ શીખવી જોઈએ; જેમ કે જમીન પર યોગ્ય રીતે બેસવું, ચિત્તને તદ્દન શાંત રાખવું, રોજ નિયત સમયે ચોક્કસ સમય માટે સારી જાતના, એક સરખા અને મજબૂત વળ વાળા તાર કાઢવા. તેના પર પાણીનો છંટકાવ કરવો, તેની લંબાઈ માપવી, વજન કરવું, સુઘડ આંટી વાળવી, અને જો બીજી કોઈ જગ્યાએ મોકલવાની હોય તો સાવચેતીથી તેને પેક કરવી, તેના પર લેબલ લગાવવું, જેમાં કપાસનો કેવો પ્રકાર વપરાયો છે, તેના તારની લંબાઈ, આંટીનું વજન અને કાંતનારનું નામ, સરનામું એ તમામ હાથથી લખેલ હોવું જોઈએ. જ્યારે આ સઘળી પ્રક્રિયા પૂરી થાય ત્યારે તે દિવસનો કાંતણ યજ્ઞ પૂરો થયો ગણાય.”
આજની પેઢી તો કહેશે જ, આવી ચિકાશ એક અમથા કાપડ બનાવવા પાછળ શી કામની? પણ એટલે જ તો કહું છું, એ માત્ર કાપડ નથી, એક જીવન પદ્ધતિ છે, જેમાં ઉપર વર્ણવ્યા એ તમામ ગુણો અને કાર્યશક્તિનો વિકાસ કરવાનો હેતુ છે.
સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે આપણે ખાદીને અને કાંતણને લડતનું પ્રતીક માત્ર ગણી લીધું. પરંતુ તેનું આર્થિક, સામાજિક કે પર્યાવરણીય મૂલ્ય ન સમજ્યા. ક્યાંથી સમજીએ, આપણા વિચારોના તાણા-વાણાથી બનેલ પોતનો પનો ટૂંકો પડ્યો. ગાંધીજી માટે સૂતર કાંતવા પાછળ ઘણા ગર્ભિત અર્થો રહેલા. આપણા સમાજમાં રૂઢ થઇ ગયેલા બુદ્ધિશાળી અને મજૂર વર્ગ વચ્ચેના અંતરને તોડવાનું એક સાધન તે ચરખો. વ્યક્તિગત સ્તરે જોઈએ તો સ્વનિર્ભર થવાનો ઉત્તમ ઉપાય. બ્રિટિશ રાજ દરમ્યાન મૃતઃપ્રાય થઇ ગયેલ પ્રજાના કલા કૌશલ્ય ઉજાગર કરવાનો સહેલો માર્ગ તે ખાદી ઉત્પાદન. આમ સામાજિક સુધારણા, વ્યક્તિગત વિકાસ, આર્થિક સ્વનિર્ભરતા અને રાષ્ટ્રપ્રેમ જેવા બહુ આયામી ઉદ્દેશો સિદ્ધ કરવા ખાદી એક અસરકારક પ્રતીક માત્ર નહીં પણ એ સર્વ દિશાઓમાં સફળ બનવા ફાળો આપનાર પણ બની ગયેલ.
પોરબંદર કીર્તિ મંદિરના પ્રાંગણમાં ગાંધી વિચારો સુંદર રીતે પ્રદર્શિત કરાયેલા છે, જેમાંનો આ એક ઊડીને આંખે વળગે તેવો છે. ચરખાને અહિંસા સાથે જોડી શકે એ ગાંધી. એ સમજવા વર્તમાન પરિસ્થિતિને ખાદી ઉદ્યોગના પરિપેક્ષ્યમાં જોવાનો પ્રયત્ન કરીએ.
બેરોજગારીનું નિવારણ ખાદીમાં મળે? વિચારીએ. તેની સાથે જોડાયેલા ઉત્પાદન અને વ્યાપારી વ્યવસાયોની સૂચિ કરીએ. ખેડૂત, પીંજારો, પૂણી બનાવનારો, કાંતનારો, વણનારો, રંગારો, છાપકામ કરનારો, દરજી, અને છેવટ કાપડ કે તૈયાર કપડાં વેંચનાર વેપારીઓ એ સઘળાં કાપડ ઉત્પાદનમાં સાંકળયેલાં ખરાં ને? એ તમામ પ્રક્રિયાઓ હાથથી થતી હોવાને કારણે મશીનથી પેદા થતા માલ કરતાં અસંખ્ય લોકોને રોજી રોટી મળે તેમાં શક નથી જ. આથી જ તો શહેરોમાંથી પરત થયેલા રોજમદારી પર નભતા કામદારો માટે તાત્કાલિક ઉપાય તરીકે નહીં, પણ વ્યક્તિથી માંડીને દેશ આખાને સ્વનિર્ભર બનાવવા આ ઉદ્યોગને વિકસાવીને મજબૂત કરવો રહ્યો, એ અહેસાસ જેટલો જલદી થાય તેટલું આપણા સહુનું ભલું થશે.
આજે સ્થળાંતરિત કામદારોનો સવાલ બહુ મૂંઝવનારો બની ગયો છે. ઔદ્યોગિક ક્રાંતિની એ ભેટ. ગામડાંમાં હાથથી પેદા થતો માલ મશીનોમાં જથ્થાબંધ બનવા લાગ્યો, જેને માટે શહેરો નિર્માયાં. કારીગરો ગામ છોડી રોટલાની શોધમાં શહેરો ભણી દોડ્યા. ત્યાં બેકારી, ભૂખમરો, બેઘરની હાલત બધું સહન કર્યું કેમ કે એ એક તરફી રસ્તો હતો. જો ખાદી અને અન્ય ઉદ્યોગોને કાચા માલ અને માનવ શક્તિ પાસે જ રહેવા દઈને વિકસાવ્યા હોત તો આજે લાખો બેરોજગારોની વણઝાર જોવી ન પડત. હજુ પણ બહુ મોડું નથી થયું. આ કસબ લોકોના હાથમાં પહોંચતો કરે તેવા લોકો છે.
કોવીડ-19 વાયરસે કરોડોના જાન લીધા અને એનાથી વધુ લોકોને બિમાર બનાવી બેહાલ કર્યા એટલે એ તો નેસ્તનાબૂદ થવો જ રહ્યો, પરંતુ એની એક આડ અસર માનવજાત માટે મદદરૂપ થઇ ગઈ. આ એક રોગ એવો છે, જેણે રંગ, જ્ઞાતિ, જાતિ કે વર્ગભેદ ન જાણ્યો. પરિણામે નિર્ધન, અભણ, નીચલા વર્ગ અને જ્ઞાતિના સ્ત્રી-પુરુષ તમામ લોકોને પણ રોજી-રોટીનો અને સ્વાસ્થ્ય સેવા મેળવવાનો સરખો અધિકાર છે એવું વગર બોલ્યે કહી તેણે દીધું; જે પહેલાં આપણે જાણતા હતા તે હવે સ્વીકારવું પડ્યું અને તેને વિષે નક્કર પગલાં ભરવા બાધ્ય થવું પડ્યું. આર્થિક અસમાનતા અન્ય અસમાનતાઓના મૂળમાં છે તેનું ભાન થતું જાય છે. કોર્પોરેટ બિઝનેસ તેની જડ છે એ સાબિત થયું. આથી જ તો હવે નાના એકમો અને સ્થાનિક પાયા પર નભતા ઉદ્યોગો અને વ્યવસાયો શરૂ કરવા હામ ભીડવી પડશે.
કોવીડ-19 ની મહામારી જેટલો જ બહુ ચર્ચિત મુદ્દો પર્યાવરણની રક્ષાનો ઊભો થયો છે. એક પ્રયોગ કરવા જેવો ખરો. એક મધ્યમ કદના શહેરમાં બહારથી લાવેલ કાચા માલમાંથી મોટા કારખાનામાં પેદા થયેલ માલ સેંકડો-હજારો માઈલ દૂરની બજારોમાં વેચવા મોકલવો અને તેના ઉપરની કાર્બન ફૂટપ્રિન્ટની નોંધ કરવી. તેની નજીકના મોટા ગામમાં સ્થાનિક કાચા માલમાંથી તાલીમ પામેલા કારીગરો વિકેન્દ્રિત ઉદ્યોગ સંકુલમાં પાકો માલ પેદા કરે અને તેનો વપરાશ-વેપાર બને તેટલો સ્થાનિક કરે અને વધે તેટલો જ માલ બાજુના ગામ કે શહેરમાં પહોંચતો કરે અને તેની કાર્બન ફૂટપ્રિન્ટની નોંધ થાય, તો પર્યાવરણની સુરક્ષા માટેની શરતમાં કોણ જીતશે?
હા, ખાદીને વસ્ત્ર તરીકે અપનાવનારે સાદાં કપડાંથી સંતોષ માનવો રહેશે, તેને રોજ ધોઈને સ્વચ્છ રાખવા રહેશે. હાથથી બનેલ હોવાને કારણે અને તેની પેદશામાં સંકળાયેલ તમામ કારીગરો અને ઉત્પાદકોને ન્યાયી રોજી મળતી હોવાને લીધે ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ કે સુપર માર્કેટમાં મળતાં મોટી ગારમેન્ટ ફેકટરીઓમાં બનતાં કપડાં કરતાં થોડા મોંઘા હશે એટલે કબાટો ભરીને કપડાં ખરીદી નહીં શકાય. એટલે જ તો કહું છું, ખાદી એ માત્ર વસ્ત્ર નથી, એક જીવન શૈલી, વિચારધારા છે.
જમીનનું સત્વ જાળવીને અને માનવેતર જીવોની રક્ષા કરીને કાપડ તૈયાર કરવાની નેમ ધરાવતા સંગઠન Fiber Shedની સાઈટ પર મુકેલ ગોપાલ ડાયનેનીનું આ કથન વિચાર પ્રેરક છે, જેને આચારમાં મૂકીને જ જંપી શકાય.
સારી ય માનવજાતના સ્વાસ્થ્યની સુરક્ષા, ન્યાયી અર્થવ્યવસ્થા અને ટકાઉ વિકાસ તરફ કૂચ કરવા ખાદી અને હસ્ત તથા ગ્રામોદ્યોગ દ્વારા જીવન પદ્ધતિ બદલાવીએ એ જ એક વિકલ્પ રહ્યો લાગે છે. બેકાબૂ બનેલા વિકાસ, અમર્યાદ ઉત્પાદન, મારકણી બજાર અને ખાળી ન શકાય તેવી બેરોજગારીના રોગ સામે એ જ ખરી રસી છે.
e.mail : 71abuch@gmail.com