આજના ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ના તંત્રી લેખમાં ચીનને લૅબમાં કોરોના વાઈરસ બનાવવા અંગે ખુલાસો કરવાનું સૂચન વ્યક્ત થયું છે. અનેક મામલે ચીનનો તુંડમિજાજ જોતા એની પાસેથી વિનમ્રતા કે સહકારની આશા રાખવી કેટલે અંશે પરિણામ લાવે? વૈજ્ઞાનિકો અને તજ્જ્ઞો પણ વુહાનની વૅટ માર્કૅટમાંથી કોરોના કુદરતી રીતે ઉત્પન્ન થયાની થિયરીમાં વજૂદ નહોતા જોતા. જે રીતે મહામારી ફેલાઈ, દેશો એનો સામનો કરવામાં વ્યસ્ત થઈ ગયા હતા. હવે પરિસ્થિતિમાં સુધારો થતા વાઈરસના ઉદ્ભવ તરફ વળી ધ્યાન ગયું છે. પ્રૅસિડન્ટ બાઈડને ઈન્ટૅિજન્સ ઍજન્સીસને આ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે. સત્ય શું છે એ તો સમય બતાવશે.
આપણા આદિમ પૂર્વજો માટે પ્રકૃતિના ઘટકો એવા બળ હતા જેનાથી એમને ભય લાગતો. સૂર્ય, ચંદ્ર, વીજળી, વાદળોનો ગડગડાટ, ધરતીકંપ, જ્વાળામુખી, પૂર, વાવાઝોડાં, જંગલી પ્રાણીઓ, ભૂતપ્રેત વગેરે. નૃવંશવિજ્ઞાન કે માનવશાસ્ત્ર, વગેરેના અભ્યાસો પરથી વિશ્વના જુદા જુદા સમુદાયોની માન્યતાઓ વિશે વાંચીએ છીએ આપણે. દા. ત. પ્રાચીન અમૅરિકાના ચૅરોકી આદિમ જાતિ ‘ગ્રેટ સ્પીરીટ’ — યુનૅલાનુહી, સૂર્યદેવીને પૂજતા. ભારતના સંતાલો મારાંગ બુરુ — પર્વતદેવને પૂજે છે. તો વળી પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના સુંદરવન વિસ્તારના હિન્દુ અને મુસ્લિમ બોન બીબી — જંગલની દેવીની પૂજા કરે છે. બીજા શબ્દોમાં સમય જતા માનવીઓએ કુદરતી શકિતઓને નામ આપ્યા ને પોતાના આસ્થા-વિશ્વમાં સ્થાન આપ્યા.
ધર્મ આરુઢ થયા બાદ દેવી-દેવતાઓ માનવી જેવાં દેખાતાં અને વર્તતાં થયાં. માનવીએ પોતાની કલ્પનાથી ઘાટ આપ્યો ને દેવાલયોમાં સ્થાપિત કર્યા. એટલે જેમ આદિમ સમાજોમાં આપત્તિ કુદરત તરફથી આવતી મનાતી એમ માનવ સંસ્કૃતિનો વિકાસ થયો, તેમ ભગવાન, ઈશ્વર, અલ્લાહ તરફથી આવતી મનાતી અને એના નિવારણ માટે એમની પૂજા, પ્રાર્થના, બંદગી કરવામાં આવવા લાગી.
ત્યારબાદ જેમજેમ દેશી રાજ્યો ને બાદમાં આધુનિક દેશો સ્થપાયા એટલે વર્ચસ્વ માટે મોટા પાયે લડાઈઓ અને યુદ્ધો થવાં લાગ્યાં. કુદરતી અથવા ગૉડસૅન્ટ આપત્તિમાં માનવસર્જીત આપત્તિનો ઉમેરો થયો. જમીન યુદ્ધ પછી હવા યુદ્ધ ને પછી પરમાણુ યુદ્ધ એમ દોર ચાલ્યો. હવા યુદ્ધ અને પરમાણુ યુદ્ધથી મૃત્યુઆંક અધધ વધ્યો, જેને લીધે સમૂહ વિનાશ (mass destruction) થવા લાગ્યો. હિરોશીમા-નાગાસાકી પરના અણુ હુમલા વિશે ક્યાં કંઈ કહેવાની જરૂર છે. પ્રથમ વિશ્વ યુદ્ધથી ક્લોરિન અને બીજા ઝેરી કૅમિકલ હથિયારોનો ઉપયોગ શરૂ થયો હતો. ઈરાન-ઈરાક યુદ્ધમાં (૧૯૮૦-૮૮), અમેરિકા-સોવિયત સંઘ (૧૯૪૫-૧૯૯૧) વચ્ચેના શીત યુદ્ધમાં રાસાયણિક હથિયારોનો ભરપૂર ઉપયોગ થયો. ત્યારબાદ આ સંઘર્ષોમાં સંડોવાયેલા દેશોએ સર્વ પ્રકારના રાસાયણિક હથિયારોના પ્રતિબંધ ઉપર સંમતિ આપી.
કોરોના વાઈરસના સંદર્ભે જે આશંકા વ્યક્ત કરાય છે એ આપણને જૈવિક હથિયાર (biological weapon) અથવા જીવાણું હથિયાર(germ weapon)ની ચર્ચા તરફ દોરી જાય છે. રાસાયણિક હથિયારોની માફક જૈવિક હથિયારો પણ સમૂહ વિનાશના હથિયારો (weapons of mass destruction) છે. જૈવિક હથિયારો બૅક્ટિરિયા, વાઈરસ, ફંગાઈ, વગેરેના સ્વરૂપમાં હોય છે અને મનુષ્યો, પ્રાણીઓ અને વનસ્પતિમાં રોગ ફેલાવવાની ક્ષમતા ધરાવે છે. જૈવિક હથિયારો રોગ ફેલાવે છે જે મહામારીનું સ્વરૂપ પણ લઈ શકે છે. સાંપ્રત મહામારી હવાઈ મુસાફરીને લીધે આખા વિશ્વમાં જોતજોતામાં ફેલાઈ ગઈ એમ.
જૈવિક હથિયારો મકાનો, રસ્તા, પુલ, વગેરેને નુકસાન પહોંચાડતા નથી, પરંતુ રોગ/મહામારીને નાથવાનો પડકાર અને એનો ભય ભલભલા દેશના ઘૂંટણ ટેકાવી દે એ આપણે જોયું. માનવ સંસાધન પરનો પ્રહાર એ એનો હેતુ હોય છે. ૨૦૧૩માં કુલ તાઈવાન સહિત ૧૮૦ દેશોએ Biological Weapon Convention(BWC)માં સહી કરી છે. આ કરાર મુજબ જે દેશો સભ્યો છે એમના પર યુદ્ધ દરમ્યાન જૈવિક હથિયારોના ઉપયોગ અને આ હથિયારો વિકસાવવા, પરિક્ષણ કરવા અને સંગ્રહ કરવા પર પ્રતિબંધ છે. આમ છતાં, કેટલા ય દેશો અણુ હથિયારોના વધુ અઘરા અને મોંઘા માર્ગને બદલે સસ્તા પરંતુ વધુ ઘાતક હથિયારો વિકસાવવાનું ચાલુ રાખ્યું છે. સૌથી મોટો ભય અને સુરક્ષાસંબંધી ચિંતા વ્યક્ત થતા આવ્યા છે તે એ કે કોઈ ચસકેલ વ્યક્તિ કે આતંકી સંગઠન જૈવિક હથિયારો વિકસાવશે અથવા ચોરશે તો કેવું પરિણામ આવશે? ટ્રેલર આપણે જોઈ જ રહ્યા છે.
આ માનવ સર્જીત આપત્તિના નિવારણ માટે કોને શરણે જઈશું?
e.mail : rupaleeburke@yahoo.co.in