ભઠ્ઠી દિવસ રાત સળગતી
એટલે
ઋતુઓ બારોબાર જ નીકળી જતી
ક્યારેક અંદર ડોકિયું કરતી તો
તમારા ખુલ્લાં શરીરેથી
તો રેલા જ ઊતરતા રહેતા
ખબર ન પડતી કે
મૂસમાં સોનું પીગળે છે કે જાત?
સોનું ટીપતા તમારા હાથ
કોઈ વાર અમને પણ ટીપી નાખતા
પછી મોડી રાતના
થાકીને પથારીમાં પડતા
તો લાગતું કે
ઢાળકી હાંફતી પડી છે
સોનું તો કાળું ન પડે
પણ તમે કોલસાની હરીફાઈમાં હતા
તમારો હાથ કોઈ વાર
માથે કાળી ટોપી ચડાવતો
ત્યારે લાગતું કે
અધૂરો પોસ્ટકાર્ડ આવ્યો છે
એ ઓટલેથી જ ફાડી નંખાતો
ને એક સગું ઓછું થઈ જતું
પછી આંખો લૂંછતાં લૂંછતાં
આખું ઘર નહાઈ લેતું
રડવા પર પાણી રેડતાં રેડતાં
પાણી ખૂટી જતું પણ આંસુ …
કોઈ વાર અમારી આંગળી પકડીને અમને
બજારે લઈ જતા
ને આવતી વખતે
નાના નાના તહેવારો ખરીદી લાવતા
આજે હું મારા બાળકને લઈને
બજારે જાઉં છું
તો બાળકની આંગળી
મારો હાથ વળોટીને
તમારી આંગળી પકડી લે છે
જો કે, મને તમારી આંગળીઓ નથી પકડાતી
કારણ મારી આંગળીઓ કેવી રીતે ભૂલે કે
એણે જ તો તમને
ભઠ્ઠીમાં મૂક્યા હતા
જેમ તમે મૂકતા હતા
સોનું ભઠ્ઠીમાં …
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


મિ. સુશીલ શર્મા, તમે આજે ત્રીસ વર્ષ પછી તમારી કર્મભૂમિ – વતન, અમદાવાદ તરફ આવો છો. તમે રાયપુરથી ફ્લાઇટમાં અમદાવાદ આવવા નીકળો છો. ૩૦ વર્ષ પહેલાં ધંધો રોજગાર, ઘરસંસાર, બાળગોપાલ, કુટુંબ કબીલા તેમ જ સામાજિક જિંદગીને સંકેલીને ગાંધી વિચારના અહિંસાના પર્વને વધુ વેગવાન બનાવવા, રાયપુર પહોંચો છો. જ્યાં છતીસગઢ એરિયામાં નક્સલવાદ પૂરેપૂરો ફાલીફૂલીને વિકસ્યો છે. જે ભારત જેવા શાંતિપ્રિય દેશ માટે ખતરનાક સાબિત થઇ ચૂક્યો છે, અને આ નક્સલવાદના હિસાબે અનેક નિર્દોષ લોકોનાં જીવન બરબાદ થઇ ગયાં છે. ભારતની કરોડરજ્જુને લગભગ અશાંત પરિસ્થિતિમાં મૂકી દેતા નક્સલવાદ ભારત જેવા લોકશાહી દેશ માટે એક સળગતો મોટો પ્રશ્ર્ન થઇ ચૂક્યો છે. તેવા સંજોગોમાં તમે, પ્રખર સામ્યવાદી વિચાર ધરાવતા હોવાના નાતે, સામાજિક સમાનતા અને માનવીય જીવન પ્રબળ કેમ બને તેની સતત ચિંતામાં હો છો. નક્ષલવાદનો જન્મ અન્યાયમાંથી થયો છે. જાગીરદારી પ્રથાથી થતો અન્યાય સામાન્ય ખેડૂત ખેતકામદારને બહેાલ બનાવી દેતા, તેનો જન્મ વર્ષો પહેલાં થયો અને હિંસાથી ક્રાંતિ કરવાના અલ્ટ્રાલેફ્ટના વિચારો ચારુ મજમુદાર કનુ સન્યાલ જેવા અનેક લોકોએ સમાનતા લાવવાના અને ખેતમજૂરને શોષણવિહીન કરવાનાં સ્વપ્ન સાથે નક્ષલવાદના પગરવ થયા અને આખા દેશમાં આ નક્ષલવાદ ફાલી ફૂલીને વિકસ્યો જેમાં છત્તીસગઢમાં બસ્તર એરિયામાં આ નક્ષલવાદ વધુ ઉગ્ર બન્યો અને અનેક નિર્દોષ લોકો મોતનાં મુખમાં ધકેલાયા અને આખી સમાજવ્યવસ્થા છિન્નભિન્ન કરી નાખી.


